Pages

Tuesday, June 28, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર (૨)

સંપાદકીય વિભાગમાં કામ કરનારા પત્રકાર/લેખકોને જાણ હશે જ કે દરેક અખબારમાં સંપાદકીય નીતિ હોય છે: તેમના અખબાર કે સામયીકનો કેટલો ભાગ editorial content માટે ફાળવવામાં આવે અને કેટલા ટકા commercial - એટલે જાહેરાત. આનો લાભ અખબારોના કટાર લેખક (કૉલમ્નીસ્ટ), મહેમાન લેખકોને મળતો, કારણ કે તેમને પહેલેથી શબ્દ સંખ્યા મુકરર કરી આપવામાં આવે. પરિણામે તેઓ દર અઠવાડીયે કે નિયત સમયે પોતાના લેખ તૈયાર કરી, તેમાં તેમની ભાવનાના પ્રાણ પૂરી એવો લેખ તૈયાર કરે, જેનાથી કટાર લેખક અને તેમનું અખબાર બન્ને એકબીજાના પૂરક થઇ જનહૃદયમાં કાયમનું સ્થાન પ્રાપ્ત કરી લે. અહીં જીપ્સી name-dropping નહિ કરે. આપ સહુ જાણો જ છો કે કયા કટાર લેખકને કારણે ક્યા સામયીક અને અખબાર પ્રસિદ્ધ થઇ ગયા હતા.

બ્રિટનમાં ભારતીય અખબારોની વાત સાવ જુદી હતી. ગુજરાતી અખબારો માટે એક વધારાની મુશ્કેલી એ હતી કે તેમનો વાચક વર્ગ સિમીત હતો. તેમાં ભાગ પાડવા બે સામયીકો પ્રસિદ્ધ થતા હતા. આથી લવાજમની આવક કરતાં જાહેરાતની આવક પર જ તેમનો નિભાવ થતો. આમ સામયીકનાં પાનાંની સંખ્યા તથા તેના contentનો આધાર તે અઠવાડીયે આવેલી જાહેરાત પર રહેતો. તમે ગમે એટલી સુંદર મૌલિક કટાર લખી હોય, કે પચાસ જેટલા સમાચારોનું ભાષાંતર કર્યું હોય, તેમાંના અમુક જ છપાય. વળી સમાચારને મહત્વ વધુ હોવાથી ‘કટાર’ મ્યાનમાં જ રહી જતી. આ જોઇ જીપ્સીએ તેની મૌલીકતા ભાષાંતરમાં ઉતારવાનું શરૂ કર્યું. સમાચારની ‘સુર્ખી’ને શિર્ષક આપવામાં આનો ઉપયોગ કર્યો. તે સમયે બ્રિટનમાં ચૂંટણી થતી હતી. રૉય જેન્કીન્સ લોકપ્રિય રાજકારણી હતા, તેમની સામે એક પ્રતિસ્પર્ધી તેમના ઉપહાસમાં ‘વૉય જેન્કીન્સ’ના નામે ચૂંટણીનું નામાંકનપત્ર ભર્યું. જીપ્સીએ શિર્ષક લખ્યું, “મિડલૅન્ડ્ઝમાં ઓય, વોય, રૉય”! આવા કેટલાય શિર્ષક લખાયા, સમાચારમાં યોગ્ય સ્થળે વ્યંગનો ઉપયોગ થયો. જો કે આના કારણે એક વાર મુસીબતમાં પણ આવવું પડ્યું. તે સમયથી બ્રૅડફર્ડ (યૉર્કશાયર)માં મુસ્લીમોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. ત્યાંના આગેવાનોએ સિટી કાઉન્સીલમાં માગણી કરી કે શાળાના અભ્યાસક્રમમાં મુસ્લીમ શિક્ષણની જોગવાઇ કરવામાં આવે. માગણી જોર પકડતી ગઇ, પણ કાઉન્સીલે અડીયલ ધોરણ અપનાવ્યું. આ ગજગ્રાહ ચાલતો હતો તેનું પાંચ પંક્તિઓમાં વર્ણન કરવાનું હતું. જીપ્સીએ શિર્ષક આપ્યું, “બ્રેડફર્ડમાં મુસ્લિમ શિક્ષણ અંગે બખેડો” સમાચાર છપાયા, અખબાર શુક્રવારે જ દેશભરમાં વહેંચાયું. સોમવારે સવારના પહોરમાં તંત્રીશ્રીએ ‘સબી’ને તેમની અૉફીસમાં બોલાવ્યો અને ઇશારાથી એક્સ્ટેન્શન ટેલીફોન ઉપાડવાનું કહ્યું. ફોન કરનાર કોઇ ગુજરાતી મુસ્લીમ સજ્જન હતા. ગુસ્સાથી તેઓ પૂછી રહ્યા હતા, “અમારા માટે બખેડો શબ્દ વાપરી તમે અમારા ધર્મનું, અમારી ધાર્મિક શિક્ષણ અંગેની માગનું અપમાન કરવાની તમારી હિંમત કેમ થઇ? તમે જાણો છો, મારી કલમ ઝેર ઓકી શકે છે? તમારા અખબારની કેવી હાલત કરી શકું તેનું ભાન છે તમને?” અમારા સંપાદક કાબેલ હતા. તેમણે સમાચાર છાપતાં પહેલાં મારા શિર્ષક વિશે પૂછ્યું પણ હતું, અને મારો જવાબ હતો, “આ બખેડો આપણા મુસ્લિમ સમાજ તરફથી નહિ, સિટી કાઉન્સીલ તરફથી ઉભો કરવામાં આવ્યો છે. જનતાની જે માગણી હોય તે માટે તેમણે જનતા સાથે consultation process કરવો જોઇએ, જે કરવાને બદલે તેમણે એક તરફી વલણ લીધું છે.” સંપાદકશ્રીએ ટેલીફોન કરનારને આ સમજાવ્યું ત્યારે તેમણે કહ્યું, “આને તમારી એપોલોજી સમજી વાત અહીં પૂરી કરૂં છું. આઇંદા યાદ રહે, અમારા વિશે લખતાં પહેલાં સો વાર વિચારજો!”

*

માણસ એક વાર સૈન્યનો યુનિફૉર્મ પહેરે તે તેની પરંપરાના રંગમાં એવો રંગાઇ જાય કે સૈન્ય છોડ્યા બાદ લાંબા સમય સુધી નાગરી જીવનમાં તેમાંથી છૂટકારો પામી શકતો નથી. મોટા ભાગે આ પરંપરા તેની જીવાદોરી બની જાય છે, તો કોઇ વાર બેડી. ‘જીપ્સી’ સૈન્યની કારકિર્દી દરમિયાન હેડક્વાર્ટર્સમાં સ્ટાફ અૉફિસરનું કામ કરી ચૂક્યો હતો. ત્યાં પરંપરા હતી કે જ્યાં સુધી કમાંડર ઘેર ન જાય, સ્ટાફ અૉફિસર કામ હોય કે ન હોય, તેમના ગયા બાદ જ અૉફિસ છોડે. અમારા સાપ્તાહિકમાં અૅડમિનીસ્ટ્રેટીવ તથા સંપાદકીય સ્ટાફ બરાબર પાંચ વાગે ટેબલ છોડીને ચાલ્યા જાય, ‘જીપ્સી’ તંત્રીશ્રીના જવાની રાહ જોતો, કામ કરતો રહેતો. કોઇ કોઇ વાર સાંજના સાત વાગી જતા. તેઓ જવા લાગે એટલે કામ બંધ કરીને વૉટર્લૂ સ્ટેશન સુધી ચાલતા જવાનું. ઘેર વહેલા પહોંચવા ધીમી ટ્રેન છોડી ફાસ્ટ ટ્રેન લેવી હોય તો ત્રણ વાર બદલવી પડે, તેમ છતાં જીપ્સી જલદી ઘેર પહોંચવા માટે ટ્રેન બદલાવવા એક પ્લૅટફોર્મ પરથી દોડીને બીજી ટ્રેનના પ્લૅટફોર્મ પર દોડે. આ દોટ તેને કૅડેટ ટ્રેનીંગના દિવસોની યાદ આપતી. એક પરેડ ગ્રાઉન્ડથી બીજા ટ્રેનીંગ એરીયા પર દોડતા જ જવાનું. આમ વૉટર્લૂથી ગ્રીન પાર્ક, ટ્રેન બદલી બેકર સ્ટ્રીટ, ત્યાં ફરી ટ્રેન બદલી મેટ્રોપોલીટન લાઇન પકડી વેમ્બ્લી પાર્ક, ત્યાં જ્યુબિલી લાઇન લઇ ક્વીન્સબરી. અહીં બસની રાહ જોવાને બદલે એક માઇલ ચાલીને ઘેર પહોંચવાનું.

અમારો ફ્લૅટ હૅરોમાં હતો. કામ પર બરાબર આઠ વાગે હાજર થવા માટે ઘેરથી સવારે સાડા છ વાગે નીકળવું પડે. બે માઇલની પદયાત્રા અને બાકીનો સમય ટ્યુબ ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે તમે સમયસર કામ પર પહોંચી શકો. આમ ઘેર પાછા પહોંચો ત્યાં કોઇ કોઇ વાર રાતના નવ વાગી જાય. સવારે કામ પર નીકળીએ ત્યારે બાળકો સૂતા હોય, અને પાછા આવીએ ત્યારે પણ ડૅડીની રાહ જોઇ, થાકીને સૂઇ ગયેલા હોય. વીક-એન્ડના બે દિવસ મળે, જે ઘરના કામ, ગ્રોસરી શૉપીંગ અને સોમવારની તૈયારીમાં એટલી ઝડપથી વિતી જતા કે બાળકો સાથે પાર્કમાં જઇ તેમની સાથે ટેનિસ રમવાનો કે તેમને પિકનીક પર લઇ જવા જેટલો પણ સમય નહોતો રહેતો. આથી સાથે સમય પસાર કરવા અમે બધા જ સાથે મળી ગ્રોસરી શૉપીંગ માટે જતા. પહેલાં તેમના મનપસંદ ફાસ્ટ ફૂડ રેસ્ટૉરાંમાં તેમને લઇ જઇ તેમની સાથે ભોજન કરી, શૉપીંગ કરી સાંજે પાછા ઘેર આવીએ.
અંતે દૂરની નોકરી છોડી નજીકની, સ્થાનિક જગ્યાએ હોય તેવી નોકરી લેવાનું નક્કી કર્યું પણ મનમાં તુમુલ્લ યુદ્ધ જાગ્યું. સાપ્તાહિકમાં હું જે કામ કરતો હતો તે મારી ત્રણ જરૂરિયાતો પૂરી કરતું હતું: આત્મિક, પારમાર્થીક અને ઐહિક જીવનના પોષણનું. જે કામ કરતો તેમાં મને એટલો આનંદ મળતો કે બપોરે પેટમાં કૂકડાં બોલે ત્યારે યાદ આવતું, લંચ નથી લીધું. સાંજે કોઇ વાર તંત્રીશ્રી આવીને કહે, ‘કેમ, ઘેર નથી જવું?’ ત્યારે હું કામ સમેટું. કોઇ કોઇ વાર તેમના ભલા પુત્ર કલ્પેશ ઘેર જતી વખતે તેમની કારમાં મને ઘર સુધી મૂકવા આવે.
અહીં મને કોઇ કમી સાલી હોય તો એક જ. ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા બાદ મારી ‘કટાર’ કાયમ માટે મ્યાનમાં જ રહી ગઇ હતી.

નોકરી બદલવાની મનમાં ગડભાંજ ચાલતી હતી ત્યારે મને મારા પરિચીત શ્રી. શંકર જોષીની યાદ આવી. તેઓ ભારતથી ટાન્ઝાનિયા ગયા હતા અને ત્યાંથી બ્રિટન. તેમણે કહ્યું હતું, “બ્રધર, ત્રણ દેશોમાં કામ કરવાના મારા અનુભવનો સાર ટૂંકમાં કહીશ: ભારતમાં તમને તમારા અભ્યાસ તથા લાયકાત મુજબ મળવું જોઇએ તેનાથી ઓછું વેતન મળશે. આફ્રિકામાં તમારી લાયકાત કરતાં બમણો કે ત્રણગણો પગાર મળી શકે. અહીં બ્રિટનમાં પ્રથમ તો તમને કામ નહિ મળે, પણ એક વાર કામનો અનુભવ લીધો કે લોકો તમને સામેથી તમારા અનુભવ અને લાયકાત મુજબ સારો પગાર આપીને બોલાવશે. જો કે creme de la creme જેવી જગ્યાઓ આપણા લોકોને કદી નહિ મળે. પછી તમે તેના માટે ગમે એટલી લાયકાત કેમ ન ધરાવતા હો!” આ વાત ૧૯૮૦ થી ૧૯૯૦ ના બે દાયકાઓની હતી. મારા અનુભવે તે સાવ સાચી નીકળી.

જીપ્સીએ પહેલી અરજી કરી, ત્યાં જ ઇન્ટરવ્યૂનો કૉલ આવ્યો, નોકરીની અૉફર થઇ! આ સરકારી નોકરી હતી, તેમના ‘બ્રૉશર’ પ્રમાણે બે વર્ષમાં ક્લાસ-વન અધિકારીની જગ્યા માટે લાયક બની શકું. મેં અનિચ્છાએ તંત્રીશ્રીને એક અઠવાડીયાની નોટિસ આપી. તેઓ તે સ્વીકારવા તૈયાર નહોતા! તેમણે મને બમણો પગાર અને તેમના પરિવારમાં વપરાતી અૉસ્ટીન મિની કાર આપવાની અૉફર કરી. મારા માટે પારિવારીક જીવન વધુ મહત્વનું હતું. મેં નોકરી છોડી, પણ તેમણે મારી સાથેનો સમ્પર્ક અને સ્નેહ ચાલુ રાખ્યો. તે વર્ષના દિવાળી અંકમાં મદદ કરવા માટે તેમણે બોલાવ્યો. ત્રણ અઠવાડીયામાં લગભગ આખો અંક તૈયાર કર્યો. આ વખતે તો જીપ્સીનો એક લેખ બાય-લાઇન સાથે પ્રસિદ્ધ થયો, જે આવતા અંકમાં મૂકીશ.

1 comment:

  1. મને તો આ ગમી ગયું

    “મિડલૅન્ડ્ઝમાં ઓય, વોય, રૉય”!

    ReplyDelete