Pages

Wednesday, March 16, 2011

પરિક્રમા: સમુદ્રમાં પ્રયાણ (૨)

પરિક્રમા: કમલાદાદીની વાત

ઘેટાં-બકરાંની જેમ ભરાયેલા કુલીઓની સુખાકારીની પરવા કોને હતી! ખાવા-પીવાની વ્યવસ્થા અયોગ્ય હતી. આરોગ્ય તથા સ્વચ્છતાનો કોઇ ખ્યાલ નહોતો. જહાજીભાઇઓ તથા જહાજીન બહેનો બને એટલો પ્રયત્ન કરતા હતા, તેમ છતાં પ્રવાસીઓ મોતનો શિકાર થવા લાગ્યા. પહેલી વાર જહાજીભાઇઓ મૃત્યુ પામ્યા, તેમને ગૉસ્પોર્ટના કૅપ્ટને રાબેતા મુજબ ‘Burial at Sea’નો વિધિ પતાવી નાખ્યો. મૃતશરીરને સફેદ કપડામાં લપેટી, પૂપ-ડેક પર લઇ જઇ સમુદ્રમાં પધરાવવામાં આવ્યું. કૅપ્ટને બાઇબલમાંથી અંતિમ વિધિના ઉચ્ચારણ કર્યું. મરણ પામેલ વ્યક્તિની વિધવા અને દસ વર્ષનો દિકરો છાતીફાટ રૂદન કરી રહ્યા હતા. બે ગજ જમીન પણ તેના નસીબમાં નહોતી કહી તે રોઇ રહ્યા હતા. જહાજીન બહેનો તેને સાંત્વન આપવાનો પ્રયત્ન કરી રહી હતી.
રામપ્રસાદનો પરમમિત્ર અને જહાજીભાઇ રઇસખાન હતો. કેમ ન હોય? લોકવાયકા હતી કે બન્ને એક ગામ ડુમરાઁવના હતા.
“રઇસભાઇ, આ વાત બરાબર નથી. મરણ અટળ હોય છે, પણ ફાતેહા પઢ્યા વગર આ કામ થયું તે યોગ્ય નથી. જહાજ પર કોઇ મૌલવીસાહેબ પણ નથી. તું અંત્યવિધિ જાણે છે?”
“રામ, કોઇ મુસ્લિમ એવો નથી જે ફાતેહા ન જાણતો હોય. પણ કૅપ્ટનને કોણ કહે?”
બીજા દિવસે કૅપ્ટન જહાજના રાઉન્ડ પર નીકળ્યા ત્યારે રામપ્રસાદ આગળ આવ્યો. જહાજના સેકન્ડ અૉફિસરે તેને ખસવાનું કહ્યું.
“It is a matter of life and death, sir. I must speak to the Captain,” રામ પ્રસાદે કહ્યું.
બધા જહાજીભાઇઓ આશ્ચર્યચકિત થઇને રામપ્રસાદ તરફ જોવા લાગ્યા. કૅપ્ટન પણ નવાઇ પામ્યો.
“તું અંગ્રેજી કેવી રીતે જાણે છે?”
“અંગ્રેજોના ઘરમાં નોકરી કરી છે, સાહેબ. કામ પૂરતું શીખી લીધું,” કહી તેણે તેમની પાસે રજા માગી. સમુદ્રમાં અંતિમ સંસ્કાર કરવાના હોય તો મુસ્લિમો માટે ફાતેહા પઢવાની, હિંદુઓ માટે રામનામના ઉચ્ચારણ સાથે અને ખ્રિસ્તિ માટે કૅપ્ટન પોતે બાઇબલ વાંચે તો મરેલ વ્યક્તિના આત્માને શાંતિ મળે. તેમના પરિવારને અંત્યવિધિ કર્યાનો સંતોષ.
કૅપ્ટને તેની અનુમતિ આપી. તેઓ અનુભવી કૅપ્ટન હતા. વેસ્ટ ઇંડીઝની તેમણે ઘણી ખેપ કરી હતી. દરેક ખેપમાં પાંચથી દસ ટકા મુસાફરો મરણ પામતા હતા. આ એક ‘રાબેતા મુજબ’ની ઘટના હતી, તેમ છતાં તેમને પણ પરિવાર હતો. તેઓ પ્રવાસીઓનું દુ:ખ સમજી શક્યા.
કેપ અૉફ ગુડ હોપના દક્ષીણથી ગૉસ્પોર્ટ નીકળ્યું, હવામાન વધુ બગડ્યું. એક એવું વાવાઝોડું આવ્યું. ઘૂઘવતા સમુદ્રનાં મોજાં ડેક પર પછડાતા હતા. તેમાં વરસાદ પડવા લગ્યો. ડેક પરના પ્રવાસીઓ ફંગોળાવા લાગ્યા. રઇસખાન અને રામપ્રસાદ તેમની મદદે ગયા. અચાનક જહાજ સ્ટારબોર્ડસાઇડ તરફ એટલી હદ સુધી ઝૂકી ગયું, બે પ્રવાસીઓ રેલીંગની પાર ઘસડાઇને સમુદ્રમાં પડ્યા. એક જહાજીભાઇ રેલીંગ તરફ લપસતો હતો. તેને બચાવવા રઇસખાને તેનો હાથ પકડ્યો, પણ તે પોતે લપસી પડ્યો. રામપ્રસાદે એક હાથે દોરડું પકડી, બીજો હાથ તેની તરફ લંબાવીને તેનો હાથ ઝાલ્યો. એટલામાં જહાજ ફરી એક વાર roll થયું, પહેલાં પોર્ટ સાઇડ અને ફરી સ્ટારબોર્ડ. રેલીંગ પાસેનો જહાજીનો હાથ છટકી ગયો અને તે સમુદ્રમાં અદૃશ્ય થઇ ગયો. રઇસખાન બચી ગયો. તેના હાથમાં આવેલ પ્રવાસીનું મૃત્યુથી તેને ભયંકર દુ:ખ થયું. આઠ કલાક ચાલેલા તોફાનમાં તે ભિંજાઇ ગયો હતો. તોફાન શમ્યું પણ રઇસ બિમાર પડી ગયો. ડૉક્ટરે નિદાન કર્યું ન્યુમોનિયા. ત્રણ-ચાર દિવસની બિમારીમાં તેનું અવસાન થયું. મૃત્યુ સમયે રામપ્રસાદ તેની પાસે હતો. રઇસના માથા પર હાથ રાખી તેણે વચન આપ્યું: “ઝુબૈદાખાનુમ મારી બહેન છે. રઝીયા અને આસીયા મારી દિકરીઓ. સુખદુ:ખના મારા સાથી, તું નિશ્ચિંત થઇને માલિક પાસે જા.”
રઇસખાને આખરી વાર ઝુબૈદાખાનુમ અને દિકરીઓ તરફ જોયું. સાન્ડ્રા તેમને સાંત્વન આપી રહી હતી.
રામપ્રસાદે રઇસખાનને સમુદ્રમાં દફનાવવાનો વિધિ કરવાની રજા માગી, અને કૅપ્ટને તે આપી.
૯૪ દિવસે ગૉસ્પોર્ટ ડેમેરારા પહોંચ્યું, ૪૦૮માંથી સો ઉપરાંત જહાજીભાઇઓ મૃત્યુ પામ્યા હતા.
બંદર પર ઉતરતાં ગિરમીટીયાઓને વહેંચી લેવા ગિલૅન્ડર્સનો પર્તિનિધિ તથા પાંચ પ્લૅન્ટેશનના માલિકો આવ્યા હતા. પ્રવાસ દરમિયાન સાન્ડ્રા તથા રામપ્રસાદે આપેલી સેવાઓને જોઇ કૅપ્ટને તેને કહ્યું, “તમારા માટે કંઇ કરી શકું તેમ હોઉં તો મને ખુશી થશે.”
“સાહેબ, જુબૈદાખાનુમ તથા તેની પુત્રીઓને મારા ફૅમિલી યુનિટ તરિકે લખાવશો તો ઘણી મહેરબાની થશે.”
*********
“શૉન, સૂ, આ છે આપણા ‘ગ્રેટ-વન’ની કહાણી,” કમલા દાદી બોલ્યા. તેમણે એક જુનું મોટું આલ્બમ કાઢ્યું અને પ્લાસ્ટીકના કવરમાં મૂકેલું સર્ટિફિકેટ અૉફ ઇન્ડેન્ચરમેન્ટ કાઢી શૉન-સૂને આપ્યુ, જે કંઇક આ પ્રમાણે હતું.


Ship’s Name: GOSPORT

Ship’s No.:471
18657
Guyana Emigration Agency
Calcutta: The Feb 18th 1860
Depot No…………………….. 3287

Name.…………………………. Ram Persaud
Caste………………………….. Kayeth
Father’s Name............... Udai Persaud
Sex………………………………. Male
Age.……………………………… 26
Zillah……………………………..Shahabad
Perganah……………………... Buxar
Village………………………….. Dumraon
Occupation…………………… Laborer
Name of Next of Kin……… Ram Dial Sinha
If married, to whom……… Mrs. Sandra Debbie Persaud
Marks……………………………. 1” scar below left rib cage
_______

Certified that I have examined and passed the above-named as a fit subject for Emigration, and that he is free from all bodily and mental disease. - Having been Vaccinated.

A. Watson Kenneth McLeod
Surgeon Superintendent Depot Surgeon

I hereby certify that the man above described (whom I have engaged as a laborer on the part of the Government of Gyuana where he has expressed a willingness to proceed to work for hire) has appeared before me and that I have explained to all matter concerning his duties as an Emigrant according to the Clause 43 of Act XIII of 1864.

John Smythe James Cochrane
Protector of Emigrants at Calcutta Emigration Agent for Guyana


"આવા સર્ટિફિકેટ સાન્ડ્રા ગ્રૅની તથા ગ્રાન્ડપાના હતા. ક્યાંક મૂકાઇ ગયા છે. પછી ક્યારેક શોધીને તે બતાવીશ. હવે તો રાજી ને?" કમલાદાદી હસીને બોલ્યા.

3 comments:

  1. નાનપણમા બોટની મુસાફરી કરેલી તેની યાદ આવી ગઈ."મરણ અટળ હોય છે, પણ ફાતેહા પઢ્યા વગર આ કામ થયું તે યોગ્ય નથી."
    અલ ફાતેહા એટલે શરૂ કરવું, આરંભ કરવો. આ પ્રથમ સૂરાને મહંમદ સાહેબ એ ‘ઉમ્મુલ કુરાન’ અર્થાત્ કુરાનની મા કહેલ છે. આ સૂરા દયા, કૃપા, સ્તુતિ પ્રાર્થના, સન્માર્ગ જેવા શબ્દોથી શણગારેલ છે. આ સૂરામાં કહ્યું છે, ‘શરૂ કરું છું અલ્લાહના નામથી જે દયાસાગર છે. અત્યંત કૃપાળુ છે. અલ્લાહ, અમે તારીજ બંદગી કરીએ છીએ. તું જ સર્વનો પાલનહાર છે. તું દયાવંત અને કòપાળુ છે. તું તે દિવસનો માલિક છે, જયારે સૌને પોતાના કર્મનાં ફળો ભોગવવાં પડશે. હે અલ્લાહ, અમે તારી જ પ્રાર્થના કરીએ છીએ અને તારું જ શરણ શોધીએ છીએ. તું અમને સન્માર્ગે લઇ જા. તું અમને એવા માર્ગે લઇ જા, જે રસ્તે તારાં કòપાપાત્રો ચાલ્યાં છે.એવા રસ્તે અમને કયારેય ન દોરીશ, જે માર્ગે ચાલતા તું નારાજ થા અને અમે ગુમરાહ થઇ જઇએ.’ કુરાને શરીફની આ પ્રથમ સૂરા ‘અલ ફાતેહા’ પરમ કòપાળુ અલ્લાહને સમર્પિત છે, સદ્કાર્યોને પામવાની પ્રાર્થના છે.
    તેને બક્ષવાનો શેર યાદ આવ્યો
    ફાતેહા પઢ ચૂકે
    સોચ હૈ કિસે બક્ષુ?
    બહુત યાદ કીયા
    ન યાદ આયા તેરા નામ
    Pragnaju

    ReplyDelete
  2. @ પ્રજ્ઞાજુ.
    આભાર! શબ્દો યાદ આવ્યા, "બિસ્મિલ્લાહ-ઉર્-રહેમાન-ઉર્-રહીમ." દયાના સાગર પરમાત્મા પરમ કૃપાળુ છે." તેમની કૃપાથી કોઇ વંચિત નથી.
    આપનો પ્રત્યેક પ્રતિભાવ એટલો ઉંડો અને જ્ઞાનપૂર્ણ હોય છે, બ્લૉગની પંક્તિઓ વચ્ચેનો ગર્ભિત કે સૂચીત ભાવ - between the linesને આપ વાચા આપીને તેને પ્રકાશિત કરો છો. ફરી એક વાર આભાર.

    ReplyDelete
  3. વલીભાઈને પૂછશો તો આધારભૂત માહિતી મળશે. એમના ગામ કાણોદરના કબ્રસ્તાનના આંગણે આખા ફાતેહા - ગુજરાતી અનુવાદ સાથે લખેલા હતા.

    ReplyDelete