Pages

Tuesday, March 1, 2011

પરિક્રમા: ૧૮૫૭ના દેશદ્રોહી? કોણ હતા એ દેશદ્રોહી?

જગત ભાવનાશાળી યુવાન હતો, પરંતુ ફરજ આગળ ભાવનાને લાચાર થવું પડે તે એ જાણતો હતો. એક પ્રોફેશનલ સૈનિક તરીકે તે જાણતો હતો કે સૂર્યના પહેલા કિરણે - જેને મિલીટરી શબ્દપ્રયોગમાં First Light કહેવાય છે - અંગ્રેજ સેના તેમનો પીછો કરવા તેમની શોધમાં નીકળશે.રાતનો એક વાગ્યો હતો. તે ઘડીએ તેઓ નીકળે તો તેમને પાંચ કલાકનો lead time મળે તેમ હતું.
“રાજાસાહેબ, આપણી પૂરી સેના ખુવાર થઇ ગઇ છે. આગળ શું કરવું તેનો આપે વિચાર કર્યો છે?”
“મારો વિચાર નેપાળ જવાનો છે. હું લખનૌ ભણતો હતો ત્યારે પોખરાના રાણા નર બહાદુર શાહનો દિકરો વીરવિક્રમ શાહ મારો ખાસ મિત્ર હતો. મને ખાતરી છે કે તે મને આશ્રય આપશે. તે સિવાય અમારી પાસે બીજો કોઇ ઉપાય નથી.”
“કેમ?”
“જગદીશપુરને મેજર વિન્સેન્ટ એયરે ઉધ્વસ્ત કર્યું છે. તેણે તો અમારા કૂળદેવ મહાદેવનું મંદિરને તોડી નાખ્યું છે. વતનમાં અમારા માટે કોઇ સ્થાન નથી. અમારા જમાઇ, રાજા બેની માધવ, નાનાસાહેબ પેશ્વા - બધા નેપાલ જતા રહ્યા છે. ફક્ત તાત્યા ટોપે એકલે હાથે વિંધ્ય પ્રદેશમાં અને રેવા કાંઠે યુદ્ધ ખેલી રહ્યા છે.”
“આપને જો ખાતરી હોય કે વીરવિક્રમને ત્યાં આપ સુરક્ષીત રહી શકશો, હું આપને ત્યાં પહોંચાડવા આપની સાથે આવીશ.”
અમરસિંહે તેને પરાવૃત્ત કરવાનો પ્રયત્ન કર્યો. જગત અડગ રહ્યો. “રિસાલદારસાહેબે જે કામ હાથ ધર્યું હતું તે પૂરૂં કરવાની નૈતીક જવાબદારી હવે મારી છે. આપણે હમણાં જ નીકળવું જોઇશે.”
બન્ને ત્યાંથી નીકળ્યા. શાળાના દિવસોમાં અમરસિંહ તેમના મિત્રના ઘેર પોખરા ગયા હતા. તેઓ માર્ગ જાણતા હતા. પહેલાં ગોરખપુર, ત્યાંથી રક્સૌલ પાસેથી નેપાલની સરહદ પાર કરવાની હતી. માર્ગ કઠણ હતો કારણ કે અંગ્રેજ સેના ચારે તરફ ફેલાયેલી હતી. જનરલ નીલના હાઇલૅન્ડર્સ તો કારણ વગર દેશી લોકોને મારી નાખતા હતા. દિવસના જંગલમાં છુપાવાનું, રાતના પ્રવાસ, રસ્તામાં કોઇ વાર મંદિર કે ધર્મશાળામાં રાત ગાળી તેઓ એક મહિના બાદ પોખરા પહોંચ્યા. વીરવિક્રમે મૈત્રીધર્મ નિભાવ્યો અને અમરસિંહને તેમની તરાઇની વાડીમાં મોકલી આપ્યા.
“જગતસિંહ, આપનો અહેસાન માનું એટલો ઓછો રહેશે. આપના પિતાજીએ અમારા મોટાભાઇને મદદ કરી હતી. હવે આપે મને અહીં સુધી પહોંચાડ્યો. આપને આપવા અમારી પાસે કશું નથી. અમારૂં હિરાજડીત મંદીલ આપ સ્વીકારો તો...”
“રાજાસાહેબ, અમે કોઇ પુરસ્કાર માટે આ કામ નથી કર્યું. અમે કેવળ ક્ષાત્રધર્મ નિભાવ્યો છે. આપ હવે રજા આપો તો અમે નીકળીએ.”
બીજા દિવસે જગત ઘેર જવા નીકળ્યો. વળતાં તેણે રસ્તો બદલ્યો. હવે તે જનકપુર ગયો. આ વિસ્તારથી તે થોડો ઘણો પરિચીત હતો. ત્યાંથી મધુબની, દરભંગા થઇ મુંઘેર પહોંચ્યો.
કૃષ્ણનારાયણ તથા તેમનો પરિવાર આતુરતાપૂર્વક રિસાલદાર તથા જગતની રાહ જોઇ રહ્યા હતા. પાર્વતિ સુદ્ધાં કલકત્તાથી મુંઘેર આવી હતી. સવારે જગત તેમની પાસે પહોંચ્યો અને વિગતવાર સમાચાર આપ્યા, આખો પરિવાર શોકમાં ડુબી ગયો. જ્યારે તેણે રિસાલદારના અવશેષ તેમને સોંપ્યા, કૃષ્ણનારાયણ અને પાર્વતિના કંઠ ફરીથી ભરાઇ આવ્યા.
“જગત, આપે જે કાર્ય કર્યું તેનો ઉપકાર અમે કોઇ કાળે ઉતારી નહિ શકીએ. આજથી અમારો પરિવાર વંશપરંપરા આપનો તથા આપના પરિવારનો ઋણી રહેશે. આપે એક પુત્રનું કામ કર્યું. અવશેષ આણી અમારા વડીલના આત્માને મુક્તિ અપાવી છે.” તેમણે ગંગામાં અવશેષ પધરાવ્યા. કલકત્તા જતાં પહેલાં પાર્વતિએ જગતને વિધિવત્ રાખડી બાંધી. કૃષ્ણનારાયણે તેને એક ચાર ઇંચ લાંબુ, બે ઇંચ પહોળું તામ્રપત્ર આપ્યું. “આ તામ્રપત્ર આપ અને આગળ જતાં આપના વંશજો પાસે રાખશો. અમારા પરિવારમાંથી કોઇ પણ માણસ જીવિત હશે, તેને આ તામ્રપત્ર બતાવતાં જે માગશે, જે કહેશે તે કરવા અમે બાધ્ય રહીશું. તામ્રપત્રમાં અમારૂં વચન લખેલું છે. કોઇ ગલત માણસના હાથમાં તે ન જાય અને તેનો ગેરફાયદો કોઇ ન ઉઠાવે, તે માટે આપ એક ગુપ્ત શબ્દ અમને કહો, જેની અમે નોંધ રાખીશું. આપના પરિવારના માણસે આ તામ્રપત્ર અમારા વારસને બતાવી તે શબ્દ કહેવાનો રહેશે. બસ એટલી જ પહેચાન અમારા માટે પૂરતી રહેશે.”
કેટલીક વાર આપણને ન જોઇતી વાત સ્વીકારવી પડે છે. Grace તથા સામાની ભાવનાને માન આપવા. જગતે આ વાત આનાકાની વગર સ્વીકારી, અને એક શબ્દ કહ્યો.
*********
માણસ ધારે છે કંઇ અને થાય છે કંઇ. વીરવિક્રમના એક નોકરે ઇનામની લાલચમાં આવી જઇને જંગ બહાદુરને ખબર આપી કે એક વિપ્લવી સરદાર તરાઇની હવેલીમાં આશ્રય લઇ રહ્યો છે.
જ્યારે જંગબહાદુરે અચાનક દરોડો પાડી આ ‘સરદાર’ને પકડ્યો, તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. અમરસિંહ માટે ભારે ઇનામ હતું. તેણે અમરસિંહને પકડી અંગ્રેજોને હવાલે કર્યો. એક વરસ સુધી કોઇ પણ ન્યાયાધીશ સામે રજુ કર્યા વગર તેમણે રાજા અમરસિંહને ગોરખપુરની જેલમાં રાખ્યા. એક દિવસ તેમણે જાહેર કર્યું કે જેલના દવાખાનામાં અમરસિંહ મૃત્યુ પામ્યા.
૧૮૫૮ના અંતમાં કંપની સરકારે જાહેર કર્યું કે ‘સિપાઇઓનો બળવો’ નિષ્ફળ થયો. હિંદુસ્તાનના ‘ભૂતપૂર્વ રાજ્યકર્તા’ - અંગ્રેજીમાં “ex-ruler of India’ બહાદુરશાહ ઝફર પર રાજદ્રોહનો આરોપ લગાડી તેને ગિરફ્તાર કરવામાં આવ્યો અને તેને તડીપાર કરી બ્રહ્મદેશના રંગુનની જેલમાં મોકલવામાં આવ્યો છે.
બહાદુરશાહના બળવાખોર પુત્રો વિદ્રોહીઓના નેતા હતા, તે લડાઇમાં “માર્યા ગયા” છે. હકીકતમાં તેમને દિલ્લીની સડક પર તેમના મહેલમાંથી ઘસડીને બહાર કાઢવામાં આવ્યા હતા અને જેને ખુદ અંગ્રેજો “બદમાશ” (renegade) કહેતા હતા તે કૅપ્ટન હડસને આ નિ:શસ્ત્ર શાહજાદાઓનાં લમણા પર પિસ્તોલ મૂકી, ગોળી ચલાવી મારી નાખ્યા હતા. આ કૅપ્ટન હડસને સ્થાપેલો રિસાલો આજે પણ ભારતીય સેનામાં “Hodosn’s Horse” નામથી ઓળખાય છે. આજે પણ તેમાં મુખ્યત્વે સિખ સૈનિકો ભરતી થાય છે.
કૅપ્ટન ટૉમસ રૅટ્રેના સિખ સૈનિકોએ પાંચમા રિસાલાના ૨૦૦ જવાનોની કતલ કરી હતી અને આદિથી અંત સુધી કંપની સરકારને સાથ આપ્યો હતો. આજે પણ ભારતીય સેનામાં સિખ રેજીમેન્ટની ૩જી બટાલિયન ( 3 Sikh) Rattray’s ના નામથી ઓળખાય છે.
૧૮૫૯માં મહારાણી વિક્ટોરીઆએ ઢંઢેરો બહાર પાડી લૉર્ડ ડલહાઉઝીની ખાલસા નીતિ પાછી ખેંચી લીધી. ૧૪ સિવાય બધા વિદ્રોહીઓને માફી જાહેર કરી.
આ ૧૪ જણામાં ૧૨ અતિ પ્રખ્યાત હતા - જેમકે નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે. બે જણા વિશે ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હતું: રિસાલદાર બ્રિજ નારાયણ પાંડે અને લાન્સ દફાદાર જગતસિંહ. જ્યારે પણ તેઓ પકડાય, તેમના પર તરત મુકદ્દમો ચલાવી સજા કરવી એવો હુકમ હતો.
આ બ્લૉગના પ્રસ્તુતકર્તા તથા તેના જેવા વિચાર કરનાર ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો. દેશદ્રોહી કોણ હતું?
ભારતના શહેનશાહ બહાદુરશાહ ઝફર? કે પછી દિલ્લી સલ્તનતના શહેનશાહે જેમને પોતાના નોકર તરીકે બંગાળ અને બિહાર પ્રાન્તનો સરકાર વતી કર ઉઘરાવવા દિવાન તરીકે જેમની નિંમણૂંક કરી હતી તે ઇસ્ટ ઇન્ડીયા કંપની? ઇસ્ટ ઇન્ડીયા કંપની જેણે દિલ્લીની સલ્તનત વિરૂદ્ધ શસ્ત્ર ઉઠાવી દિલ્લીના શહેનશાહને જ કેદ કરી રંગુન મોકલ્યા હતા?
વિશ્વભરમાં British Justiceને આદર્શ ગણવામાં આવે છે. આ આદર્શ ઇસ્ટ ઇન્ડીયા કંપની માટે લાગુ કરવામાં આવ્યો નહોતો.
ખેર,આપણો સંબંધ તો આપણા નાયક જગતસિંહ પૂરતો જ સિમીત છે. બાકીના પ્રશ્નોનો ઉકેલ તો વાચકોએ, ભારતના રાજકર્તાઓ તથા ઇતિહાસકારોએ કરવાનો છે.
ભારત સરકાર પાસેથી ન્યાયની આશા રાખવી બેકાર છે. તેમણે તો શહીદ ભગતસિંહ, રામપ્રસાદ ‘બિસ્મીલ’ તથા રાજ્યગુરુને સરકાર પ્રણીત પાઠ્યપુસ્તકોમાં ‘આતંકવાદી‘ - terrorists તરીકે વર્ણવ્યા છે.
જવા દો આ વાતોને. જગત, શરન તથા તેમના બાળકોની વાત આપણે આગલા અંકમાં જોઇશું.

1 comment:

  1. રાજાસાહેબ, અમે કોઇ પુરસ્કાર માટે આ કામ નથી કર્યું. અમે કેવળ ક્ષાત્રધર્મ નિભાવ્યો છે. આપ હવે રજા આપો તો અમે નીકળીએ.”
    >>>>>
    દેશદ્રોહી કોણ હતું?
    ભારતના શહેનશાહ બહાદુરશાહ ઝફર? કે પછી દિલ્લી સલ્તનતના શહેનશાહે જેમને પોતાના નોકર તરીકે બંગાળ અને બિહાર પ્રાન્તનો સરકાર વતી કર ઉઘરાવવા દિવાન તરીકે જેમની નિંમણૂંક કરી હતી તે ઇસ્ટ ઇન્ડીયા કંપની?

    >>>>>>>
    જવા દો આ વાતોને. જગત, શરન તથા તેમના બાળકોની વાત આપણે આગલા અંકમાં જોઇશું.
    Narendrabhai,...
    Read the Post !
    Interesting...Will read the next Post !
    Chandravadan Mistry
    www.chandrapukar.wordpress.com
    Inviting all to Chandrapukar !

    ReplyDelete