Pages

Monday, March 7, 2011

વર્ષોથી આ મંદિરમાં તેના સિવાય બીજું કોઇ જતું નહતું. પાંડેને જોઇ તે ગભરાયો, પણ પાંડેએ તેને “જય રામજીકી!” કહ્યું તેથી સ્વસ્થ થયો.
“જય રામજીકી,” કહી તેણે બન્ને હાથ મસ્તક સુધી લાવી પાંડેનું અભિવાદન કર્યું. પાંડેનાં સફેદ દાઢી મૂછ, સફેદ કેશ અને લાંબી ચોટલી જોઇ તેણે પૂછ્યું, “આપ ક્યારે પધાર્યા મહારાજ?”
“અમે ગઇ કાલે મોડી સાંજે અહીં આવ્યા. અમે કાશીવિશ્વનાથની જાત્રાએ નીકળ્યા છીએ. અમે તો ઘરડા થયા, પણ અમારો પૌત્ર અમને જાત્રા કરાવે છે.”
“ધન ભાગ અમારા, આપના દર્શન થયા. અમે મહિનાના પહેલા સોમવારે નિયમીત રીતે અહીં ફૂલ ચડાવવા આવીએ છીએ. આપ આરામ કરો, અમે પૂજા પતાવી આપના માટે ભોજન લઇ આવીએ. એટલું જ પુન કમાવીશું!”
“અમે મરજાદી કાન્યકુબ્જ બ્રાહ્મણ છીએ. અમારૂં ભોજન અમારે જ પકાવવું પડે. આપ એક મહેરબાની કરશો? મારો પોતરો નાહીને આવે કે આપ તેને ગામમાં લઇ જઇ સામાન ખરીદવામાં મદદ કરશો?”
તેની પૂજા પૂરી થાય ત્યાં સુધીમાં જગત આવી પહોંચ્યો. વૃદ્ધ પુજારી સાથે તે ગામમાં ગયો અને ભોજનની સામગ્રી તથા અન્ય વસ્તુઓ ખરીદી. બજારમાં પેલો વૃદ્ધ માણસ જગતનાં અને તેના સંત ‘દાદા’ના વખાણ કરતાં થાકતો નહોતો. “આ જમાનામાં કયો જુવાન પોતાના વૃદ્ધ દાદાને તીર્થયાત્રા કરાવે, કહો તો?”
વાણીયાની દુકાનમાંથી જગતે અંગરખો, શાલ અને ધોતિયું તથા પનસારી (ગાંધી)ની દુકાનમાંથી પાસેથી ગેરૂ ખરીદ્યા. મંદિરમાં પાછા આવી ‘દાદાજી’નાં કપડાં રંગ્યા. ભોજન રાંધીને બન્ને જમ્યા, મેઘને ચણા ખવડાવ્યા અને બપોરે આરામ કરી સાંજે પ્રવાસ શરૂ કર્યો.
દિવસે જંગલમાં આરામ અને રાતે પ્રવાસ કરી બીજી રાતે ત્રણ વાગે તેઓ પટના જતી ધોરી સડકને પાર, ચાર માઇલ દૂર આવેલા એક આંબાવાડીયા પાસે પહોંચ્યા. પાંડેએ આંગળી ચિંધી. “આપણે ત્યાં જવાનું છે.”
જગત તેમને મૂકી આંબાની વાડી ફરતું ચક્કર મારી આવ્યો. આસપાસ કોઇ નથી તેની ખાતરી કરી પાછો આવ્યો અને રિસાલદારને લઇ આંબાવાડીના ફાટક ની નજીક આવ્યો. ફાટકને હાથ લગાડે ત્યાં બે મોટા કૂતરાં જોરજોરથી ભસતા દોડી આવ્યા.
“મોતી, ભાલુ !” પાંડે મોટેથી બોલ્યા અને બેઉ શ્વાન ભસવાનું બંધ કરી આનંદનો અવાજ કરી પૂંછડી હલાવવા લાગ્યા. તેમની પાછળ ઉંચો, મજબૂત કાયાનો માણસ હાથમાં ગંડાસો (ધારિયું) લઇ આવ્યો.
“પ્રણામ, માલિક! અમે આપની જ રાહ જોઇ રહ્યા હતા. પધારો.”
તેઓ સુરક્ષીત સ્થળે પહોંચી ગયા હતા. આંબાવાડીયાની નીચે નાનકડું મકાન હતું. મુરારીએ તેમાં ચારપાઇ બીછાવી, તેના પર તળાઇ મૂકી. પાંડેએ જગતને પોતાની પાસે બેસવાનું કહ્યું.
પાંડે પરિવાર મુંઘેર જીલ્લામાં ગર્ભશ્રીમંત જમીનદાર હતો. રિસાલદાર તેમના વરીષ્ઠ સભ્ય હતા. શરૂઆતથી જ તેમને રિસાલાનો શોખ હોવાતી નાની વયે તેમાં જોડાયા હતા. તેમના નાના ભાઇ કૃષ્ણનારાયણ પારિવારીક સંપત્તિનો વહિવટ કરતા.
“કેમ છો મુરારી? ઘરમાં બધાં ઠીક છે ને?”
“આપની કૃપાથી બધું બરાબર ચાલે છે.”
“કોઇ સમાચાર?”
“હા, જી. ગઇકાલે મુંઘેરથી પોલિસ કોતવાલ આવ્યો હતો. ભૈયાજી (કૃષ્ણ નારાયણ) પાસે આપના વિશે પૂછપરછ કરતો હતો. એ કહેતો હતો આપ તથા આપના સાથીદાર પર સરકારને શક છે કે આપે આપના સીઓની હત્યા કરી છે. આપના સમાચાર મળે તો તેમને તરત ખબર કરવી તેવું ફરમાવી ગયા છે.”
“બીજું કંઇ?”
“ભૈયાજીએ આપના માટે ગંગા કિનારે જુની હવેલીના ભોંયતળીયાના છુપા કમરામાં આપના માટે વ્યવસ્થા કરી રાખી છે.”
એટલામાં મુરારીની પત્નિ તેમના માટે ગરમ દૂધ અને શિરામણ લઇ આવી. નાસ્તો કર્યા બાદ પાંડેની રજા લઇ મુરારીના કાચા મકાનની બાજુમાં બાંધેલા વાડામાં મેઘને લઇ ગયો, તેને ખરેરો કર્યો, ચારો નાખ્યો અને નાહવા ગયો. નાહીને પાંડેને મળવા ગયો.
“આવો, જગત, મારી પાસે બેસો.”
થોડી વારે તેમણે કહ્યું, “મારા માટે તમે જે કર્યું તેનો ઉપકાર માનવા જેટલા મારી પાસે શબ્દ નથી. સમય કઠણ છે અને મને શરન તથા તારા બાળકોની ચિંતા છે. આગળ શું કરવું તેનો વિચાર કર્યો છે?”
“હું શરનને મળીને નક્કી કરીશ. મારો વિચાર હતો વહેલી તકે તેમને લઇ નેપાલ જતો રહું. ત્યાં મધેસીઓની વચ્ચે અમે સમાઇ શકીશું”
નેપાળના તરાઇ વિસ્તારમાં મૂળ બિહારના મૈથિલી ભાષી લોકો વર્ષોથી રહેતા હતા. સરહદની બન્ને બાજુ તેમની આવનજાવન ચાલુજ રહેતી હતી.
“જગત, મારૂં માનવું છે કે તમે શરન તથા બાળકોને સાથે અમારે ત્યાં સુરક્ષીત રહી શકશો. અમે બધી વ્યવસ્થા કરીશું. તમે કહો તો શરનને અહીં લાવવાની વ્યવસ્થા કરીએ. ત્યાં સુધી તમે અહીં રહી જાવ.”
“ધન્યવાદ, સાહેબ. તેમને છોડી આવ્યાને ઘણો સમય થયો છે. હું આપની રજા લઇશ.”
“ભલે. હું અને મારો પરિવાર તમારાથી હવે અલગ નથી. અમારા પર તમારો પહેલો અધિકાર છે. આજે રાતે તમારા માટે એક નૌકાની વ્યવસ્થા થશે. તમે આરામ કરી લો.”
જગત મેઘ પાસે ગયો અને મુરારીને તેની બાજુમાં ચારપાઇ નાખવાનું કહ્યું. તે ઘણો થાક્યો નતો. ખાટલા પર પડતાં વેંત ઘસઘસાટ ઉંઘી ગયો.મોડી બપોરે તેની ઉંઘ ઉડી. હાથ-મોં ધોઇ પાંડેના કમરા પાસે ગયો. બહાર મુરારી ઉભો હતો.
“ઠાકુરસાહેબ, માલિક વૈદજી પાસે ગયા છે. તેમનું દર્દ એકદમ વધી ગયું હતું. જતાં પહેલાં આપના માટે પાત્ર આપી ગયા છે.”
જગતે પત્ર ખોલ્યો.
“સૌ પ્રથમ તો તમારી ક્ષમા ચાહું છું. જતાં પહેલાં તમને મળી ન શક્યો. તમે એટલી ઘેરી નિંદરમાં હતા, જગાડવાનું મુનાસિબ ન લાગ્યું. પરિસ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નીકળવું પડ્યું. એક રીતે સારૂં થયું. પ્રિયજનની આખરી વિદાય અત્યંત વસમી હોય છે. મારા માટે તમે દાખવેલ ત્યાગ અને ભક્તિ વિશે મારી ભાવના વ્યક્ત કરી તમને શરમિંદા કરૂં. એકબીજાનાં હૃદય ભાવનાનાં સ્પંદનોથી જ તેની જાણ કરતા હોય છે.
“એક વિનંતી છે.વિકટ સમયમાં પિતા તેના અંતિમ સમયે પુત્રની ચિંતા કરે અને તે માટે જે કાંઇ કરે, તેનો પુત્ર સ્વીકાર કરવો જોઇએ. મારી અંતિમ ભેટ તમે સ્વીકારશો. અલવિદા. શ્રીરામ તમારૂં કલ્યાણ કરે.”
પત્ર પૂરો થતાં મુરારીએ જગત સામે એક થાળી ધરી. તેમાં એક નાની કોથળી હતી. કોથળીશ્રમાં દસ સુવર્ણની ગીનીઓ હતી.

No comments:

Post a Comment