Pages

Friday, March 25, 2011

પરિક્રમા: પગરવનો અસ્પષ્ટ ધ્વનિ

વિનયે વાત ચાલુ રાખી.
“આ સમગ્ર વાત પંડિતજીએ રૂપક તરીકે લખી. હું તેનું વિશદ વર્ણન નહિ કરૂં. કેવળ મુદ્દા કહીશ,” કહી તેણે બ્રીફકેસમાંથી બે જુના બાઇંડર કાઢ્યા. તેમાં કેટલાક ‘બુકમાર્ક્સ’ રાખ્યા હતા.
“પ્રાસ્તાવિક બાદ તેમણે જગતપ્રતાપસિંહ સાથેની પ્રથમ મુલાકાતની વાત લખી. જગતપ્રતાપે તેમને નાનાજીના સંદેશની સાથે તેમણે બિહારના સૈનિકોના વિદ્રોહની હકીકત જણાવી અને કહ્યું કે કંપની સરકારના પ્રતિશોધમાં જનતા ઘણું વેઠશે.
“પંડિતજીને જાણ નહોતી કે ઠેઠ દાનાપુર સુધી બળવો પહોંચી ગયો છે. આરા પર ગોળીબાર કરનારા વિદ્રોહીઓ હતા તે સાંભળી તેઓ તરત સમજી ગયા કે તેનો દાહ આમ જનતા સુધી પહોંચે તે પહેલાં તેમણે સરકારી નોકરીનો સ્વીકાર કરવો સારો. આરાનો ઘેરો ઉઠાવી વિદ્રોહીઓ નીકળી ગયા બાદ તેમણે સ્થાનિક કમાંડરનો સંપર્ક સાધ્યો. તેમને કલકત્તાથી પંડિતજીની સહાયતા કરવા અંગેનો પત્ર મળી ગયો હતો તેથી તેમને કલકત્તા જવામાં અનુકૂળતા થઇ.
“ત્યાર પછી ૧૮૬૦ની ૨૦મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વાત તેમણે વિસ્તારથી લખી. તે દિવસે તેમની કચેરીના ચપરાસીએ કહ્યું કે તેમને મળવા સલીઆધારથી રામપ્રસાદ આવ્યા છે, તેઓ તરત જાણી ગયા કે જગત તેમને મળવા આવ્યા હતા.”
“વચ્ચે બોલવા બદ્દલ ક્ષમા માગું છું,” સુઝને કહ્યું. “ સલીઆધાર શબ્દનું મહત્વ શું છે?”
“આ નૌનદી પાસેનું સ્થળ છે જ્યાં થયેલા યુદ્ધમાં અમરસિંહને બચાવવા બ્રીજનારાયણજીએ ભાલાનો ઘા ઝીલ્યો હતો. આ વાત ઠાકુર જગતપ્રતાપ અને રાજા અમરસિંહ સિવાય બીજું કોઇ જાણતું નહોતું. નાનાજીના અવશેષ વિસર્જન બાદ ઠાકુરે આ શબ્દ પંડિતજીને તથા કૃષ્ણનારાયણજીને ‘પાસ વર્ડ’ તરીકે નોંધવા કહ્યું હતું,” કર્નલે કહ્યું.
વિનયે શરૂ કર્યું, “તે દિવસે કલકત્તામાં ‘રામપ્રસાદ’ તેમને ખાસ કહેવા ગયા હતા કે તે તેમની પત્નિ અને ઉદય - જેનું નામ તેમણે બદલીને નારાયણ રાખ્યું હતું, તેમને લઇ બીજા દિવસે પરોઢિયે ગયાના જઇ રહ્યા હતા. તેમણે પંડિતજીને જણાવ્યું કે પોલિસ તેમનો સગડ લઇને મુંઘેર સુધી પહોંચી ગઇ હતી તેથી તેમને જ્યોતિ પ્રકાશને છોડી જવો પડ્યો હતો. તેમણે પંડિતજીને વિનંતિ કરી કે તેમની અનુકૂળતા મુજબ જ્યોતિના મામા રામ અવધનો સંપર્ક સાધી તેને જણાવે કે વહેલામાં વહેલી તકે જગતપ્રતાપ જ્યોતિને બ્રિટીશ ગયાના બોલાવી લેશે.
“ ૧૮૬૦ના અંતમાં દેશમાં શાંતિ સ્થપાઇ અને મહારાણી વિક્ટોરિયાની અૅમ્નેસ્ટીનો અમલ થવા લાગ્યો, પંડિતજી ખુદ ભાગલપુર ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે રામ અવધ તેના પરિવાર સાથે અચાનક ગુમ થઇ ગયો હતો.
“એક વાત કહેવાની રહી ગઇ! જગત અને શરનરાનીનાં લગ્ન તથા તેમના પુત્રોના જન્મ બાદ તેઓ રિસાલદારસાહેબના ભાઇને મળવા જતા. બે ત્રણ વાર તેઓ રામ અવધને પણ સાથે લઇ ગયા હતા અને પંડિતજી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર પછી જ્યારે પણ રામ અવધને આરા કે મુંઘેર જવાનું થતું, શિરસ્તા પ્રમાણે મોટેરાંઓને રામરામ કરવા પાંડે પરિવાર કે પંડિતજીને મળવા જતા. આમ તેમની વચ્ચે સંબંધ અને સંપર્ક હતો.
“પંડિતજીને કૃષ્ણનારાયણજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે ભાગલપુર છોડતાં પહેલાં રામ અવધે તેમને જણાવ્યું હતું કે જગતની શોધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તેના - અને શરનરાનીના પિતા રામ દયાલને આ વતનો એવો આઘાત લાગ્યો, તેઓ મૃત્યુ પામ્યા. અહીં રામ અવધને ડર હતો કે પોલિસ તેને, તેના પરિવારને તથા જ્યોતિને ગિરફતાર કરીને ક્યાંક કાળાપાણી ન મોકલી દે. તેના દૂરના સગા ભાગલપુરના સરકારી મહેકમામાં કામ કરતા હતા. તેમને ખબર મળી કે રામ અવધને પૂછપરછ માટે પકડવા માટેના આદેશ પટનાથી આવ્યા હતા. તે પોલિસ ખાતાને પહોંચે તે પહેલાં રામ અવધ બિહાર છોડીને જતો રહ્યો.”
“આ કેવી રીતે થયું?” શૉને પૂછ્યું.
“જેમ બિહારમાંથી વેસ્ટ ઇંડીઝ, ફિજી, મૉરીશસ માટે ગિરમીટીયાની ભરતી થતી હતી, આસામના ચ્હાના બગીચા માટે પણ મોટા પ્રમાણમાં ભરતી થતી હતી. આ માટે કાગળ પત્રની જરૂર નહોતી, તેથી રામ અવધ આસામની એક ટી એસ્ટેટમાં ચાલ્યો ગયો. દસ કે બાર વર્ષે તેને સમાચાર મળ્યા કે જગતને ગદરમાં મરી ગયેલો સમજી તેની સામેનાં વૉરંટ રદ થયા હતા. રામ અવધ પાછો ભાગલપુર ગયો. આસામથી તે પહેલાં કલકત્તા આવ્યો અને પંડિતજીને મળ્યો. તે સમયે જ્યોતિ સોળ વર્ષનો યુવાન હતો. પંડિતજી તેમને ઘેર લઇ ગયા અને જ્યોતિની મુલાકાત પાર્વતિદાદી સાથે કરાવી. ત્યારથી તે તેમને ‘બુઆજી’ કહીને બોલાવતો થયો.
“પંડિતજીએ તરત જગત-રામપ્રસાદને પત્ર લખ્યો કે જ્યોતિ મળી ગયો છે, પણ દસેક મહિના બાદ પત્ર પાછો આવ્યો. ત્યાં રામ પ્રસાદ નામનો કોઇ કુલી નહોતો.”
“હા, તે સમયે અમારા દાદાજી ગયાના છોડી ટ્રિનીડૅડ ચાલ્યા ગયા હતા,” શૉને કહ્યું.
“ખેર, જ્યોતિએ પાંડે તથા ઝા પરિવાર સાથે થોડો સમય સંપર્ક ચાલુ રાખ્યો. પંડિતજી રિટાયર થયા બાદ પટનામાં સ્થાયી થયા. જ્યોતિ તેના કામમાં વ્યસ્ત થયો અને સંપર્ક ઓછો થતો ગયો. એક દિવસ છઠ પૂજાના તહેવારમાં અચાનક જ્યોતિ તેમને મળવા આવ્યો. આ વખતે કૃષ્ણનારાયણ, તેમનો મોટો પુત્ર અને પરિવાર આ તહેવાર માટે પટનામાં ભેગા થયા હતા. જ્યોતિ સાથે તેની પત્નિ અને ત્રણ વર્ષનો પુત્ર હતો, રામ નરેશ. આ વખતે બન્ને પરિવારોએ જ્યોતિનું સરનામું લખી લીધું. અમારે ત્યાં લગ્ન પ્રસંગ અને અન્ય મહત્વના પ્રસંગોમાં જેમની હાજરી અનિવાર્ય ગણાય છે, તેમની ખાસ જુદી સૂચિ રાખવામાં આવે છે. તેમાં જ્યોતિ અને રામ નરેશનાં નામ - સરનામાં લખવામાં આવ્યા. ત્યાર પછી દિવાળી, છઠ પૂજા, લગ્ન પ્રસંગે જ્યોતિ પ્રકાશ સિંહાનો પરિવાર અમારા બન્ને પરિવારોમાં આવતા રહ્યા. રામ નરેશ યુવાન વયનો થયો ત્યાં સુધી અમારે ત્યાં આવતો રહ્યો. ત્યાર પછી કેવળ પત્ર દ્વારા અમારા સંપર્કમાં રહ્યો,” વિનય ઝાએ કહ્યું.
હવે કર્નલ મોહન ચંદ્ર વાતમાં જોડાયા.
“અહીં એક અજબ સંયોગની વાત કરીશ. ભારતીય સેનામાં ઘણી જુની પ્રથા છે, જેમાં અફસરો અને જવાનો ખાસ પ્રસંગે સમૂહ ભોજનમાં ભાગ લેતા હોય છે. આને અમારી ફૌજી ભાષામાં ‘બડા ખાના’ કહેવાય છે. મારી રેજીમેન્ટના સુબેદાર રિટાયર થયા હતા અને તેમના માનમાં બડા ખાનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા પ્રસંગે નિવૃત્ત થનાર સુબેદાર કે નાયબ સુબેદાર કમાંડીંગ અફસરની જમણી બાજુએ, માનના સ્થાન પર બેસે. ભોજન બાદ અપાતા વિદાય સંદેશ બાદ સુબેદારે તેમના વક્તવ્યમાં કહ્યુ કે તેમના માટે ફક્રની વાત હતી કે તેમના એક પૂર્વજે અમારા પૂર્વજના હાથ નીચે ૧૮૫૭ના ગદર વખતે કૅવેલ્રી રેજીમેન્ટમાં નોકરી બજાવી હતી અને તેમને ખુદને મારા કમાંડ હેઠળ સેવા બજાવવાનો મોકો મળ્યો હતો.
“આ વાત તેમણે મારા કમાંડ દરમિયાન મારી સાથે કદી કરી નહોતી. બીજા દિવસે રેજીમેન્ટ છોડતી વખતે તે મને આખરી સલામ કરવા મારી અૉફિસમાં આવ્યા ત્યારે મેં કુતૂહલવશ તેમને પૂછ્યું. સુબેદાર સાહેબ જુની પરંપરાના સિપાહી હતા. અમારી રેજીમેન્ટના અફસરો સાથે તેમણે હંમેશા અદબ અને અંતર જાળવી રાખ્યું હતું. અફસરો પણ તેમને ઘણું માન આપતા કારણ કે તેમણે ૧૯૬૫ની લડાઇમાં અમારી રેજીમેન્ટ માટે પહેલું વીર ચક્ર જીત્યું હતું. તેમણે એટલું જ કહ્યું. ‘સાહેબ, વધુ તો હું કશું જાણતો નથી. સોળ વર્ષની વયે હું ફોજમાં ભરતી થયો ત્યારે મારા દાદાએ મને કહ્યું કે આપણા ‘પૂરખા’ બાદ ફોજમાં ભરતી થનાર હું પહેલો યુવાન થયો તેનું તેમને અભિમાન છે. અમારા પૂર્વજને મુંઘેરના જમીનદાર પાંડે સાહેબે ભરતી કર્યા હતા અને અમારો પરિવાર તેમનો ઘણો અહેસાનમંદ છે. આથી વધુ હું કશું જાણતો નથી.’
“સુબેદાર સાહેબની ટ્રેનનો સમય થયો હતો તેથી તે મને સૅલ્યૂટ કરી નીકળી ગયા. સમય જતાં વાત ભુલાઇ ગઇ.”
“તમને આ સુબાહડારનું નામ યાદ છે?” શૉને પૂછ્યું.
“હા. તેમનું નામ સુબેદાર રામ પ્રતાપ સિંહા હતું.”

3 comments:

  1. ખૂબ સરસ રજુઆત
    તેમા પગલાની વાત ગમી.સવાલ થાય છે કે,"સુરક્ષા પરિષદના મહાસચિવે જણાવ્યું કે લીબિયા સરકારના આશ્વાસન બાદ પણ સંઘર્ષવિરામ લાગૂ પડ્યું હોય તેમ લાગતું નથી. તેમણે કહ્યું કે કથિત સંઘર્ષ વિરામથી વિપરિત અજદાબિયા, મિસરાહાટ અને જિટાન તથા તેની આસપાસ ભીષણ સંઘર્ષ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે એ વાતનો કોઇ પુરાવો નથઈ કે લીબિયા પ્રશાસન સુરક્ષા પરિષદના કોઇ પ્રસ્તાવનું પાલન કરી રહ્યું છે.."અને ઇશ્વરના પગલા
    એક રાત્રે મને સ્વપ્ન આવ્યું જેમાં પિતાજી મે તમને અને ભગવાનને સમુદ્ર કિનારે સાથે ચાલતા જોયા.

    આકાશમાં તમારા જીવનનાં વિવિધ પ્રસંગોની છબી ઉપસતી ગઇ જેમાં દરેક સમયે તમારા પગલાંની સાથે સાથે બીજા પણ પગલાં હતાં જે ભગવાનનાં હતાં. જ્યારે તમારા જીવનાનાં છેલ્લા પ્રસંગો પસાર થયાં ત્યારે મારૂં ધ્યાન ગયું કે ઘણી વખત રેતીમાં ફક્ત એકજ વ્યક્તિનાં પગલાં દેખાયા અને એ પ્રસંગો પરથી મને યાદ આવ્યું કે તે તમારા જીવનનો સૌથી કપરો અને દુ:ખ ભર્યો સમય હતો. મારાથી આ સહન ના થયું અને મે ભગવાનને પુછ્યું કે, "ભગવાન તમે મારા પિતાજીને કહ્યું હતું કે એક વખત તે તમારા પર શ્રધ્ધા રાખશે પછી તમે હંમેશા તેમની સાથે ચાલશો, પણ મે જોયું કે તેમના સૌથી કપરા કાળમાં ફક્ત એકજ વ્યક્તિનાં પગલાં દેખાય છે, મને નથી સમજાતું કે જ્યારે તેમને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ તમે તેમને આમ એકલા કેમ છોડી દીધા?"
    ભગવાન બોલ્યા, "મારા વ્હાલા વ્હાલા દિકરા, હું તારા પિતાને ખુબ ચાહુ છું અને તેમને ક્યારેય એકલાં ના છોડું, તેમના કપરા કાળ દરમ્યાન જે તને એકજ પગલાં દેખાય છે તે ફક્ત મારા છે, કેમકે તે સમયે મે તારા પિતાને ઉંચકી લીધા હતાં." પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. @ પ્રજ્ઞાજુ,
    ઇશ્વરના પગલાં વાંચી એક અવર્ણનીય ભાવના થઇ આવી. શબ્દોમાં તે કહી શકતો નથી. બસ, આપના પ્રતિભાવ માટે અંતરથી આભાર માની શકું છું.

    ReplyDelete