Pages

Saturday, March 19, 2011

પરિક્રમા: ગયાનાથી ટ્રિનીડૅડ

“મને નવાઇ તો એ વાતની લાગે છે કે ગ્રૅન્ડપાએ કોઇ વાત કલ્પના પર ન છોડી. તેમણે કહેલી લગભગ બધી વાતોના પુરાવા તમારી પાસે મૂકી ગયા!” શીલાએ કહ્યું.
“કમલા ગ્રૅન, ગ્રૅન્ડપા ગયાનાથી અહીં ટ્રિનિડૅડ કેવી રીતે આવ્યા? મેં સાંભળ્યું હતું કે ઇન્ડેન્ચર્ડ મજુરો પાંચ વર્ષના કરાર પર હતા, અને તેમના માલિક તેમને આસાનીથી જવા નહોતા દેતા.”
“આની વાત પણ જાણવા જેવી છે.
“ગયાના પહોંચ્યાને એક વર્ષ થયું હશે. તેમના પ્લાન્ટેશનનો માલિક ટિમથી મૅકએલીસ્ટર ઘોડેસ્વારીનો શોખીન હતો. તેના તબેલામાં ઉંચી જાતના ઘોડા હતા. એસ્ટેટનું નિરીક્ષણ કરવા હંમેશા ઘોડા પર બેસીને જતો. એક દિવસ તે તેના પંદર-સોળ વર્ષના પુત્ર સાથે દદ્દા એસ્ટેટના જે ભાગમાં કામ કરતા હતા ત્યાં ગયો. બન્નેએ તેમના ઘોડા એક ઝાડની નીચે બાંધ્યા અને તેમના ઓવરસીયર સાથે વાત કરવા લાગ્યા. ઘોડા તરફ કોઇનું ધ્યાન નહોતું. ઘોડેસ્વારી દદ્દાના જહેનમાં ભારોભાર ભરી હતી, તેથી જ્યારે પણ કોઇ જાતિવંત ઘોડો નજરે પડે, તેમનું ધ્યાન તરત તેની તરફ જતું.
તે દિવસે તેમણે જોયું તો માલિકનો ઘોડો અસ્વસ્થ લાગ્યો. તેની આંખોમાં ગભરાટ હતો. અચાનક તે પગ પછાડવા લાગ્યો અને જ્યાં હતો ત્યાં જ ગોળ ગોળફરવા લાગ્યો. દદ્દા પોતાનું કામ મૂકી માલિક પાસે ગયા ત્યાં તેમનો ઓવરસીયર બે પગલાં આગળ ધસીને બોલ્યો, “કામ કર, કામ કર, કુલી.” દદ્દાએ તેની દરકાર ન કરતાં ઘોડા તરફ અંાગળી દર્શાવી માલિકને એક જ શબ્દ કહ્યો અને પોતાના સ્થાન પર ગયા.
“માલિક થીજી ગયો. આ ઘોડો તેમણે ભારે ખર્ચે ઇંગ્લંડથી મંગાવ્યો હતો.
“શબ્દ હતો Colic. ઘોડાની આ સૌથી વધુ ઘાતક બિમારી હતી. માલિકે ઘોડા તરફ જોયું, પણ તેમને ખાસ કોઇ ફરક ન જણાયો. તેમણે દદ્દાને બોલાવ્યા અને પૂછ્યું, ‘આ શબ્દનો અર્થ શું છે, તેનું તને ભાન છે, બ્લ.. કુલી?’
“દદ્દાએ તેને કહ્યું, આ શરૂઆતનાં ચિહ્ન છે. હવે તે પોતાની flank કરડવાનો પ્રયત્ન કરશે. તમે તાત્કાલિક વેટને બોલાવો, નહિ તો તમારો આરબ ગયો સમજી લેશો, કહી કામે વળગ્યા.
“માલિકને સૌ પ્રથમ તો ‘કુલી’ના અંગ્રેજીના તથા તેના અશ્વજ્ઞાનની નવાઇ લાગી. ઘોડા તરફ જોઇને જે કઇ નસલનો છે કહેનાર આ માણસ ખરે જ વિલક્ષણ હતો. બીજી ક્ષણે તેણે ઘોડા તરફ જોયું અને સાચે જ તે પોતાનું પડખું કરડવાનો પ્રયત્ન કરતો હતો. માલિક ભયગ્રસ્ત થઇ ગયો. તેણે ઓવરસીયરને નજીકના વેટેરીનરી સ્ટેશન તરફ દોડાવ્યો અને દદ્દાને બોલાવ્યા. ‘હું ક્ષમા ચાહું છું. તું કંઇ કરી શકે છે?’
“દદ્દાએ કહ્યું, પ્રયત્ન કરી શકીશ, પણ તે માટે મારે ઘેર જઇ દવા લાવવી પડશે. માલિકે તેના દિકરાનો ઘોડો લઇ જવાનો આદેશ આપ્યો. દદ્દાએ ઘોડો દોડાવ્યો. વીસેક મિનીટમાં તે એક જાતના બીજ અને પાલો લઇ આવ્યા. બિમાર ઘોડા સાથે જાણે કોઇ વાત કરતા હોય તેવું લાગ્યું અને તેના મસ્તક પર હાથ રાખ્યો. તે થોડો શાંત થયો અને દદ્દાએ તેને બીજ તથા પાલો પોતાના હાથે ખવડાવ્યા. થોડી વારે તેને ફરીથી બીજ ખવડાવ્યા. દસ પંદર મિનીટમાં તે સ્વસ્થ થયો અને માથું હલાવી દદ્દા પાસે ગયો અને તેમની ગરદનને snuggle કરતો હોય તેવું લાગ્યું. એવામાં વેટ આવી પહોંચ્યો. સદ્ભાગ્યે તે બાજુની એસ્ટેટમાં હતો. તેણે ઘોડાને તપાસ્યો, તેના માલિકની વાત સાંભળી અને કહ્યું,”ટિમ, તું ભારે નસીબદાર છે. કૉલીક પર કોઇ દવા કે ઇલાજ નથી. તારો ઘોડો કેવી રીતે જીવી ગયો એ મારા માટે આશ્ચર્યની વાત છે.
“માલિકે પૂરી વાત કહી. ડૉક્ટરે દદ્દાને બોલાવ્યા અને દવા વિશે પૂછ્યું.”
“Really? આ ચમત્કારી દવા કઇ હતી?” સુઝને પૂછ્યું.
“આ psilliumના બી હતા. ભારતમાં તેને Horse carraway (ઘોડા જીરૂં) કહે છે. પાલો ક્યો હતો તે હું ભુલી ગઇ. કલકત્તા છોડતાં પહેલાં તેમણે લીધેલી વસ્તુઓમાં આ વસ્તુઓ લીધી હતી. ગ્રૅન્ડમા સાન્ડ્રાએ તેમના ક્વાર્ટરની પાછળ નાનકડા વાડામાં શાકભાજીની સાથે આ પાલો વાવ્યો હતો.
“માલિકે તરત દદ્દાની બદલી અસ્તબલમાં કરી. તેમના બાળકોને ઘોડેસ્વારી શીખવવા માટે તેમની બમણા પગારે નીમણૂંક કરી. ખેતરની કાળી મજુરીમાંથી તે બચી ગયા.
“ગ્રૅનના અવસાન બાદ તેમને ગયાનામાં રહેવું અકારૂં લાગ્યું. તેમના નાનકડા ઘરની દરેક ચીજ વસ્તુ પર તેમની યાદી ભરી હતી. સદ઼ભાગ્યે તે સમયે કાયદો બદલાયો. ગિરમીટનો કરાર પાંચને બદલે ત્રણ વર્ષનો થયો. તેમણે મિ. મૅકએલીસ્ટરને કામ પરથી છૂટા કરવાની વિનંતિ કરી. તેઓ દદ્દાને છોડવા રાજી નહોતા. તેમની સ્થિતિ જોઇ તેમણે દદ્દાની વિનંતિને માન આપ્યું. છૂટા થઇ તેઓ ટ્રિનીડૅડ જવા નીકળ્યા ત્યારે તેમના માલિકે ટ્રિનિડૅડમાં રહેતા મિત્રને ત્યાં દદ્દાની નોકરી માટે ભલામણ પત્ર લખી આપ્યો.”
“અને રઇસખાનના પરિવારનું શું થયું?”
ગ્રૅની અને દદ્દાએ તેમને સાચવ્યા. ગ્રૅનના અવસાનના કેટલાક દિવસ પહેલાં ઝુબૈદાખાતુનની મોટી દિકરીના તેમણે લગ્ન કરાવી આપ્યા. કોઇ શમ્સ-ઉદ્-દીન નામના સુખવસ્તુ પરિવારનો દિકરો હતો. લગ્ન બાદ તે આસીયા તથા ઝુબૈદાને તેની સાથે લઇ ગયો.
આમ ગયાનાનો તેમનો રહેવાસ પૂરો થયો. જીવનનો નવો પ્રવાસ શરૂ થયો. આગળની વાત તો તમે બધા જાણતા જ હશો.”

1 comment:

  1. હીરો ધૂળમાં રગદોળાય, તો પણ ચમક્યા વગર રહેતો નથી.

    ReplyDelete