Pages

Friday, March 11, 2011

પરિક્રમા: જય ગોરક્ષનાથ!

વર્ષ વિતી ગયું. દેશમાં અશાંતિ હતી, સારા માઠા સમાચાર આવતા હતા તેમ છતાં જગત, શરન તથા બાળકોને પારિવારીક જીવન જીવવાની તક મળી હતી તે તેમના માટે અમૂલ્ય ખજાના જેવી લાગી.
૧૮૫૮નો અૉક્ટોબર હતો. શેરડીનું વાવેતર કરવાની સિઝન આવી હતી. જગત શરૂઆતથી જ તેના કામના દરેક પાસાનો અભ્યાસ કરવા લાગ્યા હતો. થોડા જ સમયમાં તે શેરડીના વાવેતર, ઉછેર, પાણી છોડવાનો સમય, તેને લગતા રોગ અને ઉપચાર વિશે શીખી લીધું હતું. મિલીટરીમાં જતાં પહેલાં તેના દિવાન અને શરનના કાકા ગૌરી પ્રસાદ માથુર પાસેથી એક વાત શીખ્યો હતો: પોતાના તાબા હેઠળના માણસ પાસેથી કોઇ કામ લેવું હોય તો તે કામ વિશેનું પૂરૂં જ્ઞાન હોવું આવશ્યક છે. થોડા જ સમયમાં તે પોતાના કામમાં માહિર થયો, એટલું જ નહિ, તેના કામદારો પાસેથી સ્નેહ અને માન બન્ને કમાવી શક્યો. શેરડીની ફસલ બાબતમાં કૃષ્ણનારાયણ સુદ્ધાં તેની સલાહ લેતા થઇ ગયા હતા.
એક દિવસ બપોરે ભોજન કર્યા બાદ જગત ખેતરમાં જવાની તૈયારી કરતો હતો ત્યાં મુરારી તેની પાસે આવ્યો.
“ઘણા દિવસે મળવા આવ્યો! ઘેર બધા મજામાં છે ને? પહેલાં એ કહે, તું જમ્યો કે નહિ?”
“હા, ઠાકુર..મારો મતલબ છે, મુકાદમ સાહેબ. આપને જય ગોરક્ષનાથ કહેવા આવ્યો છું.”
જગત એકદમ ઉભો થઇ ગયો. તું આગળ ચાલ. હું ભૈયાજીને કહી આંબાવાડીયામાં આવું છું.”
“મેં તેમને પણ જય ગોરક્ષનાથ કહ્યા છે.”
જગતે તૈયાર થઇ ઘોડાને દોડાવ્યો. મુરારી તેની પાછળ પાછળ ગયો. જ્યારે તે બાગમાંની કુટિરમાં પહોંચ્યો, અંદરના કમરામાં રિસાલદાર અને ભૈયાજી બેઠા હતા. રિસાલદારે આજે પણ કાનફટા નાથપંથીનો પોશાક પહેર્યો હતો.
“આવ, જગત. બેસ.”
“આપ અચાનક? બધું ઠીક છે ને, સાહેબ?”
“બેટા, જીવનનું છેલ્લું યુદ્ધ શરૂ થઇ ગયું છે. આજે તને સાચે જ આખરી વિદાય આપવા આવ્યો છું,” કહી તેમણે ખુલાસાથી વાત કરી.
રિસાલદાર પાંડે લાંબા સમયથી બાબુ કુંવરસિંહના મિત્ર હતા. કૅવેલ્રીના દેશી અફસરના નાતે તેઓ જગદીશપુર રિયાસતના મહેમાન તરીકે તેમને ત્યાં શિકાર પાર્ટીમાં જતા, પોલોમાં ભાગ લેતા અને જ્યારે જ્યારે કુંવરસિંહને તેમની નાનકડી ફોજ માટે ઘોડા ખરીદવાની કે તેમના સ્વારોને કેળવણી આપવાની વાત આવતી, સીઓની રજાથી તેઓ તેમને મદદ કરતા. જ્યારે તેમની નિવૃત્તિનો સમય આવ્યો, કુંવરસિંહે તેમને તેમના રિસાલાના સેનાપતિ તરીકે જોડાવાનું નિમંત્રણ આપ્યું હતું. આ હતી ૧૮૫૭ પહેલાંની વાત. ત્યાર બાદ પાંચમા રિસાલાના જે હાલ હવાલ થયા, કુંવરસિંહે તેમને બોલાવ્યા હતા. “આવો, રિસાલદાર સાહેબ. આપ અમારી સાથે જોડાવ તો તે અમારા ગૌરવની વાત થશે.”
“જગત, મેં કંપની સરકારનું એકતાલીસ વર્ષ સુધી લૂણ ખાધું હતું. બાબુસાહેબની સેનામાં જોડાઇ મારા પુરાણા માલિક સામે કેવી રીતે લડી શકું? મારા પુરાણા સીઓ, જુના લેફ્ટેનન્ટ્સ જે આજકાલ કોઇ ને કોઇ રિસાલાના સીઓ છે, તેમના પર કેવી રીતે ગોળી ચલાવી શકું? મેં તેમને ના કહી હતી.
“હવે પરિસ્થિતિ બદલાઇ છે,”કહી તેમણે પૂરી વાત કહી.
બાબુ કુંવરસિંહ પર કંપની સરકારે હડહડતો અન્યાય કર્યો હતો. જ્યારે તેમના પિતાના અવસાન બાદ જગદીશપુરની રિયાસત મળી, તેમના ભાઇઓએ ઇર્ષ્યાવશ પટના હાઇકોર્ટમાં તેમની સામે કેસ કર્યો. તે લડવામાં તેમને ઘણો ખર્ચ આવ્યો અને ભારે દેવું થયું. કંપની સરકારને તેઓ કર ન ભરી શક્યા. તેમણે મહેતલ માગી, પણ કંપનીએ ઇન્કાર કર્યો. ત્રણ લાખના કરજનું વ્યાજ સાથે લેણું છ લાખનું આકારવામાં આવ્યું અને ત્રણ મહિનામાં ભરવાની નોટિસ આપી. કુંવરસિંહે ફરી એક વાર બે વર્ષની મહેતલ માટે અરજી કરી પણ પટનાના કમિશ્નર વિલીયમ ટેલરે ઇન્કાર કર્યો. આનાં બે કારણ હતા: એક તો જગદીશપુરની જમીન અત્યંત ફળદ્રુપ હતી અને કંપની સરકારને તે જોઇતી હતી. બીજી વાત: કુંવરસિંહની ઉમર ૮૦ વર્ષની હતી. તેમનો એકનો એક પુત્ર બાળવયમાં જ મૃત્યુ પામ્યો હતો. હવે તેમને વારસ નહોતો. લૉર્ડ ડલહાઉસીની ખાલસા નીતિ હેઠળ તેમની રિયાસત પર કંપનીનો કબજો અનાયાસ થઇ શકે તેમ હતો. કુંવરસિંહે તેમના નાના ભાઇ અમરસિંહને વિધિપૂર્વક દત્તક લીધા અને કંપનીને તેની જાણ કરી. કંપનીએ જેમ રાણી લક્ષ્મીબાઇના પુત્રની દત્તકવિધિ નામંજુર કરી હતી, તેમ કુંવરસિંહની વિધિને પણ ગેરકાયદે ઠરાવી.
કુંવરસિંહે બળવો પોકાર્યો. જ્યારે જગતસિંહ પાર્વતિને સંદેશો આપવા આરા ગયો હતો, કુંવરસિંહે તેમની સેનાના એક ભાગને જગતસિંહની મદદ માટે આારાના ઘેરા પર મોકલી હતી અને બને તો સરકારી ખજાનો કબજે કરવાનો હુકમ અાપ્યો હતો. તેઓ પોતે કૅપ્ટન ડનબારની સેનાનો સામનો કરવા ગયા અને તેની સેનાનો સંહાર કર્યો હતો.
ત્યાર પછીના યુદ્ધમાં તેમણે કૅપ્ટન મિલમન, લૉર્ડ માર્ક કર - જે ક્રાઇમીયન વૉરના વીર તરીકે જાણીતા થયા હતા, કૅપ્ટન લુગાર્ડ અને લ ગ્રાન્ડને કારમી શિકસ્ત આપી હતી. બીબીગંજની લડાઇ માટે તો અંગ્રેજ ઇતિહાસકારોએ લખ્યું, “આવી શરમજનક હાર તો અંગ્રેજ સેનાએ કદી પણ ખાધી નહોતી.” છેલ્લા યુદ્ધમાં ગંગા નદી પાર કરતી વખતે તેમના જમણા હાથમાં ગોળી વાગી. કોણીમાં કરચ ભરાઇ ગઇ હતી. ઘા વકરે નહિ તે માટે કુંવરસિંહે પોતે જ પોતાનો હાથ કાપી નાખ્યો અને ગંગા નદીમાં ફેંકી દીધો હતો. તેઓ જગદીશપુર પહોંચ્યા ત્યારે રિસાલદાર તેમને મળવા ગયા હતા.
“જગત, બાબુસાહેબ ૮૧ વર્ષના થયા હતા. હાથ કપાયા બાદ તેમને ધનુર્વાના ચિહ્નો જણાયા. બે દિવસ બાદ તે મૃત્યુ પામ્યા. મરતી વખતે તેમણે કહ્યું, ‘રિસાલદારસાહેબ, હું તો જઉં છું. મારી પશ્ચાત મારા અમરસિંહને કોઇ મદદની જરૂર પડે તો માન્ય કરશો?’
“મેં તેમને એક શરત પર વચન આપ્યું. હું રાજા અમરસિંહનો અંગરક્ષક બની તેમની ઢાલ બનીશ. મારા જીવતે જીવ, તેમને આંચ નહિ આવવા દઉં, પણ મારા પુરાણા માલિક પર ગોળી નહિ ચલાવું.
“બાબુ કુંવરસિંહે કહ્યું, ‘મને મંજુર છે. હવે હું સુખે મરી શકીશ.’ અને તેમણે પ્રાણ ત્યજ્યા.
“જગત, કૃષ્ણ, મને રાજા અમરસિંહે સંદેશ મોકલ્યો છે. તેમના દૂતના સમાચાર મુજબ મારે તેમને બક્સર પાસે મળવાનું છે. જતાં પહેલાં મારા પ્રિયજનોને મળવા ઇચ્છતો હતો. તમને મળ્યો અને હવે હું ખુશીથી જઇ શકીશ.”
“આપ એકલા નહિ જાવ. હું આપની સાથે આવીશ.”
“ના, જગત. અમરસિંહ માટે આ આખરી યુદ્ધ છે. કોઇ બચી નહિ શકે. એક પણ સૈનિક નહિ. ડગલસ સાહેબને હું જાણું છું. મને મળેલા સમાચાર મુજબ એ ત્રણ પાંખીયો હુમલો કરવાના છે. તારૂં સૈનિક જીવન સમાપ્ત થયું છે. તારી ફરજ હવે તારા પરિવાર પ્રત્યે છે.
“કૃષ્ણ, જગત, આ આપણી આખરી મુલાકાત છે. જગત અને તેના પરિવારનું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે, કૃષ્ણ. જગત મારો માનસપુત્ર છે. પાર્વતિને મળી ન શક્યો તેનું દુ:ખ છે પણ તું તેને સાચવી લઇશ તેની મને ખાતરી છે. પંડિતજી તથા તેમના બાળકોને મારા આશિષ પહોંચાડજે. મારે આખી રાતનો પ્રવાસ છે. હવે હું આરામ કરીશ.”
તે રાતે રિસાલદાર પાંડે અમરાઇવાડીમાંથી બહાર નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જગત તેમની પાસે આવી પહોંચ્યો.
“મેં પહેલાં જ કહ્યું હતું કે આપ એકલા નહિ જાવ.”
જગતના ચહેરા પર નિશ્ચયની રેખાઓ જોઇ રિસાલદાર જાણી ગયા. જગત સાથે બહેસ કરવી શક્ય નથી. તેમની સાથે આવેલા તેમના શિષ્યનાં વાઘાં જગતને પહેરાવી રાતના અંધારામાં બે નાથપંથી સાધુઓ નીકળી પડ્યા. મુંઘેરના કિલ્લાથી થોડે દૂર માછીમારોના ઘાટ પર એક નૌકા હતી, તેમાં બેસી તેઓ પ્રવાસે નીકળી પડ્યા. બક્સર જવા માટે નદીમાર્ગે જવું સહેલું તથા સુરક્ષીત હતું.

2 comments:

  1. જગતસિંહના જીવનનો આ ત્રીજો વળાંક ધારવા પ્રમાણે જ નીકળ્યો.

    ReplyDelete
  2. તે રાતે રિસાલદાર પાંડે અમરાઇવાડીમાંથી બહાર નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જગત તેમની પાસે આવી પહોંચ્યો.
    “મેં પહેલાં જ કહ્યું હતું કે આપ એકલા નહિ જાવ.”
    જગતના ચહેરા પર નિશ્ચયની રેખાઓ જોઇ રિસાલદાર જાણી ગયા
    Interesting !
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY

    ReplyDelete