Pages

Friday, March 4, 2011

પરિક્રમા - વિપ્લવનો વિસ્ફોટ

દેશનું ભવિતવ્ય દેશની જનતાના હાથમાં હોય છે. કમનસીબે લાંબા સમય સુધી તેમને પોતાની શક્તિનો ખ્યાલ નથી હોતો. જ્યારે થાય છે ત્યારે તેમનું એક સામુહિક કૃત્ય આખા દેશનો ઇતિહાસ બદલૌ નાખે છે. ફ્રાંસમાં બૅસ્તીયના કિલ્લા પરના હુમલાએ ક્રાન્તિ સર્જી; ડીસેમ્બર ૧૭૭૩માં બૉસ્ટન બંદરમાં ચ્હાની પેટીઓ દરિયામાં ફેંકીને જનતાએ વસાહતવાદનો નાશ કરી અમેરિકન રાષ્ટ્ર શ્થાપ્યું. કેટલીક વાર એક જ વ્યક્તિના એક જ કૃત્યથી આખો દેશ વિનાશના ખાડામાં ગરક થવા લાગે છે, જેમ અમીચંદે કર્યું. કોઇ વાર એક વ્યક્તિએ ક્રોધમાં આવીને કરેલું અવિચારી અને કસમયનું કામ દેશનો ઇતિહાસ બદલી શકે છે. મારો નિર્દેશ ૨૪મી માર્ચ ૧૮૫૭ તરફ છે. આ તારીખની તવારિખનો સર્જક હતો મંગલ પાંડે.
ડલહાઉસીની ખાલસા પદ્ધતિને કારણે ભારતના દેશી રાજ્યોએ એકી સાથે યુદ્ધ છેડવાની યોજના બનાવી હતી. તારીખ નક્કી કરી હતી ૧૦મી મે ૧૮૫૭. મંગલ પાંડેએ જામગરી ચાંપી દોઢ મહિના પહેલાં. નાનાસાહેબ, બેની માધવ, બાબુ કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઇ, અવધનાં બેગમ હઝરત મહલ તથા તેમના સરદારો અને ભાયાતો પોતાની સેનાઓ અને રણનીતિને અંતિમ સ્વરૂપ આપે, તે પહેલાં સેંકડો માઇલ દૂર, બૅરેકપુરમાં બળવો ફાટી નીકળ્યો. ખબર પહોંચતાં દેશના મુખ્ય કેન્ટોનમેન્ટમાં આવેલી સૈનિક ટુકડીઓ બળવામાં સામેલ થઇ ગઇ. ન કોઇ તેમના નેતા હતા, ન કોઇ ઉદ્દૈશ. બધા એક જ વસ્તુ જાણતા હતા: ભારતના શહેનશાહ બહાદુરશાહ હતા. તેમના લીલા ઝંડા નીચે, તેમના નેતૃત્વ નીચે લડવું. દિશાહિન બળવાખોર સૈનિકોની ટુકડીઓ દિલ્લી જવા નીકળી તો કેટલીક લખનૌ, મેરઠ કે કાનપુર, જ્યાં મોટા ભાગની દેશી સેનાઓ મોજુદ હતી. નેતા વગરના સૈનિકોએ આચરેલા ઝનુની કૃત્યોમાં નિર્દોષ અંગ્રેજ સ્ત્રી-પુરુષ અને બાળકોની હત્યા થઇ. બીબીઘર, સતિચૌરા ઘાટની કતલનો બદલો લેવા અંગ્રેજ સેના હૅવલૉક અને નીલ જેવા અફસરો નીચે નીકળી હતી. રસ્તામાં પડતા ગામોમાંથી શંકા પર હજારો ભારતીયોને પકડી ગ્રાન્ડ ટ્રંક રોડના કિનારે ઉગેલા વૃક્ષો પર ફાંસીએ લટકાવી દીધ. “ઘાઘરા પલ્ટન”ના નામે ઓળખાતી કિલ્ટ પહેરેલી સ્કૉટીશ સેના મન ફાવે તેમ ગોળીબાર કરતી હતી. એક જૉક સૈનિકે તો પોતાની રોજનિશીમાં લખ્યું હતું કે “I was bored, so I peppered a few niggers along the road...”
દાનાપુરની બ્રિગેડમાં અફવાઓએ જોર પકડ્યું હતું. હજી સુધી ત્યાં ‘બળવા’ની અસર પહોંચી નહોતી. મિલીટરીના કૅમ્પ હોય ત્યાં સદર બજાર હોય જ. અહીં દૂર-સુદૂરથી ‘બજાર ગપ’ આવે અને ત્યાંની વાત અન્યત્ર જાય.
એક સાંજે રિસાલદાર પાંડે હંમેશની જેમ મંદિર જવા નીકળ્યા. તેમણે જગતને સાથે લીધો. મંદિરમાં આરતી બાદ બાકીના ભક્તો ત્યાંથી ઘેર ગયા ત્યારે પાંડેએ જગતને પૂછ્યું, “તમે નવી રાઇફલ માટે ઇસ્યૂ થયેલા કારતુસ વિશે સાંભળ્યું છે?”
નવા કારતુસની વાત તો જંગલમાં લાગેલા દવની માફક આખા દેશમાં ફેલાઇ હતી. મંગલ પાંડેનો બનાવ આ વાતને કારણે જ તો થયો હતો!
“જી સાહેબ. હિંદુ અને મુસલમાન સૈનિકો આ કારતુસ વાપરવાની વિરૂદ્ધ છે. તેના પૅકીંગમાંનો દારૂ અને ગોળી રાઇફલની મઝલમાં ભરવા માટે પૅકીંગને દાંત વડે તોડવાની હોય છે. સુવર અને ગાયની ચરબીના પડવાળા કારતુસ મોંમાં નાખવાથી ધર્મ ભ્રષ્ટ થાય તે જગ જાહેર થઇ ગયું છે. જેણે આ કારતુસ વાપર્યો, તેને તેના પરિવાર, ગામ અને ધર્મમાંથી નિકાલ બહાર કરવામાં આવે છે. આવું ઘણા સૈનિકોની બાબતમાં થયું છે એવું સાંભળ્યું છે.”
“તમારો શો અભિપ્રાય છે?”
“અમે જે સાંભળ્યું તથા જોયું છે તે વધુ ગંભીર છે. લોકોમાં અફવા છે કે આવા ધર્મભ્રષ્ટ થયેલા લોકો માટે ખ્રિસ્તી થવા સિવાય બીજો કોઇ રસ્તો નથી રહેતો. આખા હિંદુસ્તાનને ખ્રિસ્તી દેશ બનાવવાની ચાલમાં આ નવા કારતુસ પહેલું પગલું છે, તેના વપરાશથી હજારો સૈનિકો ખ્રિસ્તી થવા મજબુર થશે, એવું લોકો કહે છે.”
“તમે કહ્યું કે તમે કંઇક જોયું પણ છે?”
“જી હા.આખા બિહાર અને અવધમાં સેંકડો પાદરીસાહેબો હાથમાં તેમનું ધર્મ પુસ્તક લઇ ચોરે ને ચૌટે ધર્મપ્રચાર કરી લોકોને ખ્રિસ્તી બનાવવામાં મંડી પડ્યા છે. ગયા રવિવારે અમે આઉટપાસ પર પટના ગયા હતા ત્યાં અમે આ સરેઆમ થતાં જોયું છે. આપણી રેજીમેન્ટ તો ઠીક, દાનાપુરની સાતમી, આઠમી અને ચાલીસમી કાળી પલ્ટનમાં આ વાતથી ઘણો અસંતોષ છે.”
“તમે કેવી રીતે જાણ્યું?”
“આઠમી કાળીમાં બૅરેકપુરની ૩૪મીનો ડીસ્ચાર્જ થયેલો જવાન તેના પિતાને મળવા આવ્યો હતો. મંગલ પાંડે એ જ પલ્ટનમાં હતો. તેણે તો એટલી હદ સુધી વાત કરી કે ૩૪મીના એક જમાદાર તથા ઘણા સિપાઇઓને ગોળીએ દીધા છે અને કેટલાકને તોપને મોઢે બાંધી ઉડાવી દીધા હતા. કલકત્તામાં પણ પાદરીઓનાં ધાડાં ઉતરી આવ્યા છે એવું એ કહેતો હતો.”
“તમારો શો મત છે?”
“સિપાઇનું કામ વિચાર કરવાનું નથી. અમારે તો ઉપરીનો હુકમ માનવાનો હોય. વિચાર તો આપ જેવા કમાંડરોએ કરી અમને તે પ્રમાણે યોગ્ય હુકમ આપવાનો હોય. હું શું કહું?”
રિસાલદાર પાંડેએ તેમના સીઓને કોઇનું નામ આપ્યા વગર આ વાતનો રિપોર્ટ આપ્યો. “આ વાતોથી જવાનોના નૈતીક બળ પર વિપરીત અસર પડે છે. આપે આ બાબતમાં વિચાર કરવો જરૂરી છે.”
આ વાતને બે દિવસ થયા હશે ત્યાં પાંચમા રિસાલાને ભાગલપુર જવાનો હુકમ મળ્યો. દાનાપુરમાં પરિવાર સાથે રહેતા સિપાઇઓને સ્ત્રી-બાળકોને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ.
શરન, નાની અને ઉદય-જ્યોતિ રૂદ્રપુર ગયા.

2 comments:

  1. ત્યાની તળપદી ભાષાનો પણ ઉપયોગ કરી
    સ રસ રજુઆત...અમે આ રીતે ભણ્યા હતા...

    કંપની સરકારના હિંદના હાકેમે બહાદુરશાહ ઝફરનો બોલ ઉથાપ્યો છે. આ ઉથાપાયેલા બોલમાં બાદશાહને પોતાનું નહિ, પણ આખા દેશનું અપમાન જણાયું છે. તેથી દેશમાં પગદંડો જમાવીને કંપની સરકારને નામે ધરાર હકૂમત કરનારી પરદેશી સત્તાને પડકારવાના કારવાને આખરી ઓપ અપાયો. ગવર્નર જનરલના પત્રથી દિલ્હીના તખ્તની તાકાત તૂટતી હતી. ગોરા અધિકારીની મકસદ દેશ પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવાની હતી.તાબડતોબ વાયક છૂટ્યા. રાજાઓ, મહારાજાઓ, નવાબો અને નાની મોટી ઠકરતોને કહેણ મોકલાયાં. અઢારેય આલમના રણયોદ્ધાના સૂર છૂટ્યા. આઝાદી એ ઈશ્વરની મોટી દેણ છે. માભોમની મુક્તિ માટે મરજીવાઓએ સોગંદ લીધા છે.
    ક્રાંતિનો શુભ દિવસ નક્કી થયો. એકત્રીસ મે અઢારસો સત્તાવન.
    કમળ અને રોટીના સંકેત મારફતે આખા દેશમાં સંદેશો ફરી વળ્યો, સાઘુ અને ફકીરોના વેશે લડવૈયાઓએ દેશને પગ તળે ખૂંદી નાખ્યો.
    સૌ ચુપ હતા.
    સૌના ભીતરમાં ચિનગારી સળગી ચૂકી હતી.
    ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીની ઓછો જાણીતો આ ઇતિહાસ માણતા ઘણું નવુ જાણવા મળ્યુ
    પ્રગ્યાજુ વ્યાસ

    ReplyDelete
  2. આ વાતને બે દિવસ થયા હશે ત્યાં પાંચમા રિસાલાને ભાગલપુર જવાનો હુકમ મળ્યો. દાનાપુરમાં પરિવાર સાથે રહેતા સિપાઇઓને સ્ત્રી-બાળકોને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ.
    શરન, નાની અને ઉદય-જ્યોતિ રૂદ્રપુર ગયા.
    This inner tale of that period...before the Azadi !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Interesting !

    ReplyDelete