Pages

Sunday, February 27, 2011

NEW POST- Parikrama; PATNA BIHAR.

આ પહેલાં કિશોર કદી લાંબા પ્રવાસ પર ગયો ન હતો. મા અને બાબુજી સાથે તે અકબરપુર - રામ પ્રતાપ દાદાજીના ગામે જતો, તે કેવળ બે કલાકનો પ્રવાસ થતો. તે પણ માની પડખે બેસી, ઝોકાં ખાતાં ખાતાં તેના ખોળામાં માથું મૂકી સુઇ જવામાં પતી જતો. જીવનમાં પહેલી વાર તે લાંબા પાંચ કલાકના પ્રવાસે જઇ રહ્યો હતો. આજે તેની સાથે મા-બાબુજી નહોતાં, પણ પાછલા અકથ્ય વેદનામય દિવસોમાં તેને હૂંફ આપનારી બુઆ તેની સાથે હતી. બસમાં અજાણતાં કેમ ન હોય, માની જેમ જ બુઆએ તેને તેના ડાબા પડખામાં બેસાડ્યો હતો.
કંડક્ટરે બે વાર ઘંટડી વગાડી અને બસ ચાલવા લાગી. કિશોર બારીમાંથી બહાર જોઇ રહ્યો હતો. રસ્તાના કિનારે પીડબ્લ્યુડીએ વાવેલાં ઝાડવાં વેગથી વહી રહ્યા હતા. તે વિચારચક્રમાં પડી ગયો. સ્વપ્ન અને સત્ય વચ્ચેનું અંતર જાણવા જેટલી તેની ઉમર નહોતી, પણ ત્યારે થોડા દિવસ પર પરોઢિયે થયેલ પ્રસંગ તેની સ્મૃતીમાંથી હઠતો નહોતો.
મા-બાબુજીની અંત્યવિધિ પછીના ત્રીજા દિવસે સવારે લગભગ ત્રણ કે ચાર વાગે તે પથારીમાંથી સફાળો જાગીને બેઠો થયો. બુઆ તેની બાજુએ સૂતી હતી, પણ જાગતી જ હતી. તે પણ બેઠી થઇ અને પૂછ્યું, “શું થયું, બેટા? કોઇ સપનું જોયું?”
“ના બુઆ! સપનું નહોતું. અબ્બી હાલ મા અને બાબુજી મારી પાસે આવ્યા હતા. તેમણે ચળકતા સફેદ કપડાં પહેર્યા હતા. તેમના ચહેરા પર ચંદ્રની રોશની હતી. તેમણે હસીને મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘સંભાળીને રહેજે, દિકરા. ખુબ ભણજે. તારી બુઆને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજે’ અને ધીમે ધીમે સામે પેલા દીવા પાસે ગયા અને ત્યાંથી ક્યાંક જતા રહ્યા,” કહેતાં તે રડી પડ્યો. રૂપે તેને નજીક લીધો, તેનાં આંસુ પાલવ વડે લૂછ્યા અને તેને ખોળામાં સૂવાડ્યો.
વિષ્ણુપુરમાં તેના ત્રણ દિવસ ઝડપથી વિતી ગયા હતા. મિત્રોને માંડ આવજો કહી શક્યો હતો. માસ્ટરજીનો પ્રિય વિદ્યાર્થી હતો. કેમ ન હોય? હંમેશા વર્ગમાં પહેલા નંબરે પાસ થતો હતો તે. હવે તેમને ફરી કદી મળી શકીશ? વિચારમાં ને વિચારમાં તેની આંખ મળી અને તે અભાવિત રીતે રૂપના ખોળામાં માથું મૂકી સૂઇ ગયો.
બિહાર શરીફ બસ સ્ટેશન પર આંચકા સાથે બસ ઉભી રહી ત્યારે ઉંઘમાં ને ઉંઘમાં જ તે બબડ્યો, “મા, હજી ઘર કેટલું આઘું છે?”
*********
િબહારમાં રસ્તાઓની હાલત તે સમયે જેટલી દયાજનક હતી એટલી જ ખરાબ હાલત બસ સેવાની હતી. સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં બસોની અછત હોવાને કારણે બસમાં બમણા-ત્રણ ગણા પૅસેન્જ્રરો પ્રવાસ કરવા માગતા. કેટલીક ખાનગી બસો ચાલતી, પણ તે નામની જ બસ હતી. ખટારામાં લાકડાની પાટલીઓ હોય અને તેના પર પ્લાસ્ટીકની પાતળી ગાદીઓ રિવેટથી ફિટ કરેલી હોય. સીટ કરતાં પૅસેન્જર વધુ હોવાથી ડ્રાઇવર બસને તેના નિયત સ્થાને ઉભી ન રાખતાં સ્ટૉપથી વીસ-પચીસ મીટર દૂર ઉભી રાખે. પૅસેન્જરો એટલા જ ચાલાક તેથી તેઓ પણ ત્યાં ઉભા રહેવા લાગ્યા. ત્યારથી ડ્રાઇવર ભીડ ક્યાં છે તે જોઇ બસ સ્ટૉપ પહેલાં કે તેથી આગળ બસ રોકવા લાગતા. કોણ કહે છે બિહારનાં ગામડાંના લોકો પછાત હોય છે? તેમણે બસ સ્ટૉપની નજીક અને આગળ સીમેન્ટના મસ મોટા - અને અલબત્ ગેરકાયદે - સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કરી. આ જાણે એક પૅટર્ન જ થઇ ગયો. ડ્રાઇવરને ફરજિયાત બસ ધીમી કરવી પડતી અને તેની લાગમાં બેઠેલા કે ઉભેલા પ્રવાસીઓ ઝપાટાબંધ બસમાં ચઢી જતા. અંદર જગ્યા ન હોય તો બસના છાપરા પર.
બિહાર શરીફમાં પ્રવાસીઓનો ધસારો થયો. બસ ખીચોખીચ ભરાઇ ગઇ પ્રવાસીઓની ધમાલ અને કંડક્ટરની બૂમાબૂમમાં કિશોર જાગી ગયો. બહાર એક પ્રવાસી કિશોરની બારી પર ભારે ગામઠી જોડાવાળો પગ મૂકી છાપરાની રેલીંગ પકડવાનો પ્રયત્ન કરતો હતો. તેનો પગ કિશોરના હાથની એટલી નજીક આવ્યો, રૂપે તેને ધમકાવ્યો. “અરે ભૈયા, જરા તો ખ્યાલ કરો! જુઓ, તમે મારા દિકરાનો હાથ છુંદી નાખ્યો!”
પ્રવાસી ઝંખવાણૌ પડી ગયો. “માફ કરજો, બહેન. હું પાછળ જઉં છું” કહી ત્યાંથી નીકળી ગયો.
ફોઇના કાળજીભર્યા શબ્દોથી કિશોરના મનમાં સુરક્ષીતતાની અને સ્નેહની સુંદર ભાવના જન્મ પામી.
સુષુપ્ત, સ્વપ્ન અને જાગૃત, એવી ત્રણે અવસ્થામાં આવન-જાવન કરતા િકશોરને સંાજના સમયે તેની બુઆએ કહ્યું, “કિશોર, બેટા ઉઠ. આપણે પટના પહોંચી ગયા છીએ. બસ હવે ઘર સાવ નજીક છે.” ધીમે ધીમે તેઓ બસમાંથી ઉતર્યા. રૂપે એક મજુરને બોલાવ્યો. મજુરી નક્કી કરી સામાન ઉતારાવ્યો. સૌને નજીકના ટેમ્પો સ્ટૅન્ડ સુધી લઇ ગઇ. ફરી એક વાર નયી કૉલોની સુધીનું ભાડું નક્કી કરવામાં થોડી રકઝક કર્યા બાદ સામાન ટેમ્પોમાં મૂકાવ્યો અને ફરીથી એક પ્રવાસ શરૂ થયો.
‘નયી કૉલોની’ નામથી ભલે પ્રતિષ્ઠીત લાગે, પણ અસલમાં તેની શરૂઆત ઝુંપડપટ્ટીથી થઇ હતી.
વર્ષો પહેલાં ડચ કંપની બાટા શૂ ફૅક્ટરીને પટના નજીક આરા રોડ પર ફૅક્ટરી નાખવાનું લાઇસન્સ મળ્યું, ગંગા નદીના કિનારાની નજીકના પચીસે’ક એકરમાં તેમણે ફૅક્ટરી બાંધવાની શરૂઆત કરી. કામ માટે આખા બિહારમાંથી મજુરો, બાંધકામ કરનાર કારીગરો, સુથાર વિગેરે મોટી સંખ્યામાં આવ્યા. ફૅક્ટરીથી થોડે દૂર ખુલ્લી સરકારી જમીનમાં તેમણે ઝૂંપડા બાંધ્યા અને રહેવાનું શરૂ કર્યું. ફૅક્ટરી બંધાયા બાદ તેમાં કામ કરવા માટે કૂશળ-અકૂશળ કામદારોની ભરતી થઇ. તેમણે પણ આ ઝુંપડાની નજીક કાચા-પાકા મકાન બાંધવાની શરૂઆત કરી અને તરત સ્થાનિક ભુ-માફીયા આવી ગયા. તેમના મસ્તાન - આપણી ભાષામાં ગુંડા - લાઠી અને ગંડાસા - એટલે ધારીયા લઇને ત્યાંના રહેવાસીઓ પાસેતી પ્રોટેક્શન મની લેવાની શરૂઆત કરી. ધીમે ધીમે નયી કૉલોની માફીયાઓની વોટ-બૅંક થઇ ગઇ. રાજકારણીઓએ વચન આપ્યાં કે તેઓ ચૂંટાઇ આવશે તો આ બસ્તી અધિકૃત કરવામાં આવશે. ધીમે ધીમે તેને ગ્રામપંચાયતનો દરજ્જો અપાયો અને નામ પડી ગયું “નયી કૉલોની”. ઝુંપડા અધિકૃત રીતે મંજુર થયા, પણ સફાઇ, સુએજ, કચરાનો નિકાલ વિગેરેની કોઇ વ્યવસ્થા ન થઇ. કૉલોનીના જુજ વિસ્તારમાં ગટર કનેક્શન અપાયા, પણ મોટા ભાગે કોઇ વ્યવસ્થા નહોતી થઇ. પરિણામે અહીં ધારાવી, કોલાબા વિગેરે જગ્યાઓમાં આવેલા સ્લમ વિસ્તારમાં એક પ્રકારની આછી દુર્ગંધ આવે છે, તેવી બદબૂ નયી કૉલોનીની વિશીષ્ઠ પહેચાન બની ગઇ.
કિશોર જ્યારે તેના નવા ઘેર પહોંચ્યો, તેના આગમનને દુર્ગંધની આ ‘પહેચાને’ આવકાર આપ્યો.

3 comments:

  1. "ધીમે ધીમે નયી કૉલોની માફીયાઓની વોટ-બૅંક થઇ ગઇ. રાજકારણીઓએ વચન આપ્યાં કે તેઓ ચૂંટાઇ આવશે તો આ બસ્તી અધિકૃત કરવામાં આવશે. ધીમે ધીમે તેને ગ્રામપંચાયતનો દરજ્જો અપાયો અને નામ પડી ગયું “નયી કૉલોની”. ઝુંપડા અધિકૃત રીતે મંજુર થયા, પણ સફાઇ, સુએજ, કચરાનો નિકાલ વિગેરેની કોઇ વ્યવસ્થા ન થઇ. કૉલોનીના જુજ વિસ્તારમાં ગટર કનેક્શન અપાયા, પણ મોટા ભાગે કોઇ વ્યવસ્થા નહોતી થઇ. પરિણામે અહીં ધારાવી, કોલાબા વિગેરે જગ્યાઓમાં આવેલા સ્લમ વિસ્તારમાં એક પ્રકારની આછી દુર્ગંધ આવે છે, તેવી બદબૂ નયી કૉલોનીની વિશીષ્ઠ પહેચાન બની ગઇ.
    કિશોર જ્યારે તેના નવા ઘેર પહોંચ્યો, તેના આગમનને દુર્ગંધની આ ‘પહેચાને’ આવકાર આપ્યો. " રાજકારણ અને શોષણની આ રીત નવી પેઢીના ઘણાને ખબર નહીં હોય .
    મૂંબાઇની ધારાવીની કાંઇ આવી જ હકીકત છે ત્યાંની વ્યવસ્થામા શ્રી શ્રી રવિશંકર જેવા સંતોએ સારું પરિવર્તન આણ્યું છે.સ્લમ ડોગ બાદ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવી પર હવે હાવર્ડ બિઝનેસ સ્કુલમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતની આર્થિક અને મનોરંજન રાજધાની મુંબઈના શહેરી વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટી ધારાવીમાં રહેલા જોખમો અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે.ત્યા પોતાનું આગવું નાણાકીય માળખું છે, બેન્કિંગ સેક્ટર છે, કે જે લેણદારોને લોન સહિતની સુવિધાઓ આપી શકે છે. જેનાથી વ્યક્તિગત સંબંધો સુદ્રઢ થાય છે અને સમાજની શક્તિ વધે છે.ત્યાંપોતાનું આગવું નાણાકીય માળખું છે, બેન્કિંગ સેક્ટર છે, કે જે લેણદારોને લોન સહિતની સુવિધાઓ આપી શકે છે. જેનાથી વ્યક્તિગત સંબંધો સુદ્રઢ થાય છે અને સમાજની શક્તિ વધે છે.હાર્મની દેખાય છે. ધારાવીના લોકો જ્યાં-ત્યાં કચરો નાખવાને બદલે એકઠો કરે છે, તેનું રિસાઇકલિંગ થાય છે. અહીં કોઇ જ ઓફિશિયલ ફેસિલિટી નથી છતા બધુ વ્યવસ્થિત ચાલે છે.

    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  2. કિશોર જ્યારે તેના નવા ઘેર પહોંચ્યો, તેના આગમનને દુર્ગંધની આ ‘પહેચાને’ આવકાર આપ્યો.
    The Varta had continued..& this Post ended with these words.
    So now Kishor is in Patana !
    DR. Chandravadan Mistry (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Nice Post, Narendrabhai !

    ReplyDelete
  3. તમે બિહાર ઘણું રહ્યા લાગો છો!

    હું જમશેદપુરની XLRI માં દસ દિવસ રહ્યો હતો; ત્યારે એના છેવાડાના રસ્તાની બીજી બાજુ, તળ બિહારની બસ જોઈ હતી. તે દૄષ્ય યાદ આવી ગયું.

    એક જમાનામાં બિહારમાં મહાન સામ્રાજ્યો હતાં, એ માની પણ ન શકાય.

    ReplyDelete