Pages

Tuesday, June 29, 2010

હેમંતી દાસ

આપે જીપ્સીની ડાયરીમાં “મિસ્ટર જી”ની વાત વાંચી હશે. હા, આ તે જ સમયની વાત છે જ્યારે જીપ્સી સોશિયલ વર્કરનું કામ કરતો હતો.

એક દિવસ સવારે જ મને અમારા એરીયા મૅનેજરે તેમની અૉફિસમાં બોલાવ્યો. મારા ટીમ લીડર લિઝ વેબ્સ્ટર પણ ત્યાં હાજર હતા. બન્નેનાં ચહેરા પર ચિંતાની રેખાઓ હતી.

“આજે પીટરની ક્લાયન્ટ મિસેસ દાસની કેસ કૉન્ફરન્સ છે. લિઝ અને મારૂં માનવું છે કે આ કેસમાં ‘એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર’ તરીકે તમારી સલાહ ઘણી અગત્યની નીવડશે. કૉન્ફરન્સમાં જે નિર્ણય લેવાશે તેના પર એક મહિલાનું ભવિતવ્ય આધાર રાખે છે. તમારી સલાહ ઘણી ઉપયોગી નીવડશે.”

તેમણે મને ટૂંકમાં જે માહિતી આપી તે આ પ્રમાણે હતી.

ક્લાયન્ટનું નામ: હેમંતી દાસ. ઉમર: ૨૨ વર્ષ. પરિણીત. હેમંતીના લગ્ન લંડનમાં વસતા એક ભારતીય કોમના આગેવાન અને પ્રતિષ્ઠીત ગણાતા સદ્ગૃહસ્થ સાથે થયા છે. લગ્ન કરીને અહીં આવ્યા બાદ દોઢ વર્ષે તેને પુત્ર થયો હતો. એક દિવસ તે પોતાના છ-સાત મહિનાના પુત્રને લઇ દક્ષીણ લંડનના ટ્યુબ સ્ટેશન પર ગઇ. પુત્રને પ્લૅટફોર્મ પર એક બાંકડા પર બેઠેલી કેટલીક ભારતીય મહિલાઓ પાસે મૂક્યો અને દૂરથી આવી રહેલી ટ્રેનનો અવાજ સાંભળી તે પ્લૅટફોર્મના છેડા તરફ દોડવા લાગી. સદ્ભાગ્યે સ્ટેશનના એશિયન કર્મચારીને તેની હિલચાલ શંકાસ્પદ લાગી, અને અણીને વખતે તેને બચાવી લીધી. રડતાં રડતાં તેણે કહ્યું ‘મને મરવા દો. મારે હવે જીવવું નથી.’

લિઝ વેબ્સ્ટરે આગળ કહ્યું, “અત્યારે મિસેસ દાસને સેન્ટ ટોમસ હૉસ્પીટલના સિક્યૉર સાયકીઅૅટ્રીક વૉર્ડમાં નિરીક્ષણ માટે રાખવામાં આવી છે. કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but delayed post-natal depressionથી પીડાય છે. તેનું વલણ આત્મઘાતી છે. તે પોતાનો જીવ તો લેશે જ, તે ઉપરાંત તેના બાળકના જીવન માટે જોખમકારક હોઇ શકે છે. આ બધાં કારણો જોતાં તેને મેન્ટલ હેલ્થ અૅક્ટની ધારા મુજબ સાઇકીઅૅટ્રીક વૉર્ડમાં લાંબા ગાળના દર્દી તરીકે દાખલ કરવી જોઇશે. તેના બાળકને તેની દાદી તથા નણંદો પાસે રાખવું એવી વિનંતી તેના પતિએ કરી છે. આજની કેસ કૉન્ફરન્સમાં આ બધી વાતો વિશે નિર્ણય લેવામાં આવશે. મિસ્ટર જીના કેસમાં તમે કરેલા કામ બાદ આપણું ડીપાર્ટમેન્ટ તમારા અભિપ્રાયને મહત્વનું ગણશે.

આજની કેસ કૉન્ફરન્સમાં તમારૂં અહીં બેવડું કામ છે. એક તો એશિયન સ્ત્રીઓમાં આપઘાતની ઘટનાઓ પાછળ કોઇ કલ્ચરલ કારણો હોય છે કે કેમ તે વિશે માહિતી સાથે તમારે અભિપ્રાય આપવાનો છે. બીજું, તમારી નીમણૂંક Race Relations Act મુજબ થયેલી હોવાથી મિસેસ દાસ પ્રત્યે લેવાયેલા નિર્ણયમાં વર્ણભેદ દાખવવામાં આવ્યો નથી તે જોવાનું છે.”


કેસ કૉન્ફરન્સ બે કલાક બાદ હતી. મેં ઉતાવળે જ મિસેસ દાસની ફાઇલ જોઇ. હેમંતીના પતિનું નામ પુરુષોત્તમદાસ હતું તેથી તેની અટક અમારી અૅડમીન આસીસ્ટન્ટે ‘દાસ’ લખી હતી. હેમંતીની ઉમર ૨૦ વર્ષની હતી. પતિ ૩૨ વર્ષના. ‘રીફરલ’ મળ્યા બાદ પીટર તેને મળ્યો હતો. હેમંતીને અંગ્રેજી જરા પણ આવડતું નહોતું તેથી તેની નણંદે હેમંતીના દુભાષીયા તરીકે કામ કર્યું હતું. હેમંતીએ ગુજરાતીમાં આપેલા જવાબનું તેની નણંદે અંગ્રેજીમાં આપેલા જવાબના આધારે પીટરે નક્કી કરયું હતું કે તેની ફરી એક વાર મુલાકાત લેવી. નવાઇની વાત એ હતી કે હેમંતીના ‘માનસિક અસંતુલન’ વિશે આ જ નણંદે સોશિયલ સર્વિસીઝને ‘આપઘાત’ના પ્રસંગના બે અઠવાડીયા અગાઉ ફરિયાદ કરી હતી.

દુભાષીયાનો ઉપયોગ કરવા વિશે ચલાવાતા પ્રશિક્ષણમાં ચોક્ખું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે આ કામ કરવા માટે કુટુમ્બીજનોનો ઉપયોગ ન કરવો. ઘણી વાર પરિવારને લગતી ખાનગી વાતોને છુપાવવા કુટુમ્બના માણસ સાચો જવાબ આપતા નથી. જે મહિલાએ હેમંતી વિશે પહેલાં ફરિયાદ કરી હતી તેનો જ ઉપયોગ દુભાષિયા તરીકે કરવામાં આવ્યો હોવાથી મને તેમના આશય પર શંકા આવી. જ્યાં સુધી આ કેસમાં હેમંતી સાથે ‘એશિયન સ્પેશીયાલીસ્ટ સોશિયલ વર્કર’ તરીકે આ બાબતમાં પૂરી તપાસ ન થાય ત્યાં સુધી આખરી નિર્ણય ન લેવો જોઇએ, એવી ભુમિકા સાથે હું કેસ કૉન્ફરન્સમાં ગયો.

કેસ કૉન્ફરન્સમાં નિષ્ણાતો તથા પોલીસ અધિકારી હાજર હતા. એક પછી એક નિષ્ણાતે પોતાનો અભિપ્રાય આપ્યો. પોલીસ કૉન્સ્ટેબલે કહ્યું કે હેમંતીએ બાળકના ગજવામાં ચિઠ્ઠી મૂકી હતી, તેમાં તેનાં સાસરિયાનું નામ અને સરનામું લખી બાળકને તેમના ઘેર પહોંચાડવાની ગુજરાતીમાં વિનંતી કરી હતી. હૉસ્પીટલના નિષ્ણાતે તેમણે અગાઉ આપેલ અભિપ્રાય પર ભાર મૂક્યો અને કહ્યું કે ગઇ કાલ સવારથી તેણે કશું ખાવાનો ઇન્કાર કર્યો છે. આ ભુખ હડતાલ તેની આત્મઘાતી વૃત્તિ દર્શાવે છે. આવી હાલતમાં તેને લાંબા ગાળાના ઇલાજ માટે ખાસ સાઇકીઅૅટ્રીક (આપણી ભાષામાંં મેન્ટલ) હૉસ્પીટલમાં દાખલ કરવી જોઇએ.

મારો વારો આવ્યો ત્યારે મેં મારી ભુમિકા રજુ કરી. અત્યાર સુધીમાં હેમંતીની માનસીક હાલતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમાં કોઇ પ્રોફેશનલ વ્યક્તિએ હેમંતી સાથે સીધી વાત કરી નહોતી. તેને જે કહેવું હતું તેનું ભાષાંતર તેની નણંદે કર્યું હતું. વૉન્ડઝ્વર્થ ટ્યુબ સ્ટેશન પરથી પોલીસ તેને હૉસ્પીટલમાં લઇ ગઇ ત્યારથી તેની સાથે તેની વાત સમજી શકે અને ડૉક્ટર કે પીટરને તેની વાત સમજાવી શકે તેવા તાલિમબદ્ધ ગુજરાતી ભાષી ઇન્ટરપ્રીટરની સેવા તેને મળી નહોતી. આ કારણસર કેસ કૉન્ફરન્સના નિર્ણયો ગેરકાયદેસર અને નૈતિક રીતે અયોગ્ય ગણાય, તેવી રજુઆત કરી. ત્યાર બાદ કૉન્ફરન્સમાં હાજર વ્યક્તિઓને ગુજરાતમાં પરિણીત સ્ત્રીઓના આપઘાત પાછળના સામાજીક કારણ જણાવ્યા. મારી વાત સાંભળી કેસ કૉન્ફરન્સના અધ્યક્ષે પોતાનો ફેંસલો જણાવ્યો.

દસ દિવસની અંદર પીટર અને જીપ્સી હેમંતીની મુલાકાત લઇ, તેની પૂરી હાલતનો અહેવાલ તૈયાર કરે. હાલની કેસ કૉન્ફરન્સ બે અઠવાડીયા માટે મોકૂફ રાખવામાં આવે. ફરી યોજાનારી મિટીંગમાં નવા અહેવાલના આધારે નિર્ણય લેવામાં આવે.

બીજા દિવસે પીટર અને જીપ્સી સેન્ટ ટૉમસમાં ગયા. સાઇકાએટ્રીક નર્સ અમને હેમંતી પાસે લઇ ગઇ.
હેમંતીને જોઇ હું આશ્ચર્ય પામી ગયો. તેની માનસિક હાલતનું જે વર્ણન તેની નણંદે કર્યું હતું તેના પરથી અમે ધાર્યું હતું કે વિખરાયેલા વાળ સાથે ઘેલછાભરી હાલતમાં કોઇ સ્ત્રી અમારી પાસે આવશે. અમારી પાસે આવેલી હેમંતી નહાઇ-ધોઇ સ્વચ્છ અને સુઘડ રીતે તૈયાર થયેલી હતી. તેનું મ્હોં સુકાયેલું હતું. હૉસ્પીટલમાં મોટા ભાગના દર્દીઓ તથા કર્મચારીઓ અંગ્રેજ કે આફ્રીકન-કૅરીબીયન હતા. હેમંતી એકલી ભારતીય પેશન્ટ હતી તેથી તે અત્યંત ગભરાયેલી સ્થિતિમાં હતી. મને જોઇ તેના ચહેરા પર થોડી ખુશી જણાઇ. ત્યાર પછી પીટર અને હેમંતી વચ્ચે થયેલા વાર્તાલાપનું મેં ભાષાંતર કર્યું તે આ પ્રમાણે હતું:

“તમે ગઇ કાલથી ભુખ હડતાલ પર ઉતર્યા છો?”

“જી ના. ગઇ કાલે નિર્જળા એકાદશી હતી. પરમ દિવસે પોલિસ મને અહીં લઇ આવી ત્યારથી કંઇ ખાઇ શકી નહોતી, કારણ કે અહીં બધી સ્ત્રીઓને માંસ-મચ્છી જેવું ભોજન આપ્યું હતું. હું મરજાદી વૈષ્ણવ છું. મારાથી અભડાયેલું ભોજન ન લેવાય. ગઇ કાલે રહેવાયું નહિ તેથી ચ્હાની એક પ્યાલી લીધી હતી, પણ એકાદશીને કારણે કશું ખાધું નહિ. આજે નાસ્તામાં એક સફરજન લીધું છે. તમે ગુજરાતી છો ને? મને અહીંથી છોડાવી મારા બાબા પાસે લઇ જાઓ ને!”

“તમે શા માટે આપઘાત કરવા જતા હતા?”

આનો જવાબ હેમંતીએ આપ્યો તેનો અહીં સારાંશ જ આપીશ.

પુરુષોત્તમદાસ તેમના સંપ્રદાયના ધર્મગુરૂ છે. તેમનાં પહેલાં પત્નિને કોઇ બાળક નહોતું થતું તેથી તેમના બાદ તેમની ગાદી સંભાળવા માટે વારસ જોઇતો હતો. બે વર્ષ પર તેમનું અવસાન થયા બાદ પુરુષોત્તમદાસ ભારત ગયા અને તેમની જ્ઞાતિમાંથી કન્યા શોધવા લાગ્યા. કોઇ કારણસર તેમને કોઇ કન્યા આપવા તૈયાર નહોતું. હેમંતીના પિતા અત્યંત ગરીબ હતા. તેમને કહેવામાં આવ્યું કે લગ્ન બાદ તેમની ત્રણે દિકરીઓ તથા પુત્રની જવાબદારી જમાઇ લેશે. હેમંતીના લગ્નનો અને તેને લંડન લઇ જવાનો બધો ખર્ચ દાસ પરિવાર ઉપાડી લેશે. બન્નેના વયમાં તફાવત હોવા છતાં સમગ્ર પરિવારનો વિચાર કરી હેમંતી લગ્ન માટે તૈયાર થઇ.

લગ્ન બાદ લંડન આવતાં તેને મિસ્ટર દાસની પારિવારીક હાલતનો ખ્યાલ આવ્યો. તેમની બે બહેનો પાંત્રીસીની આસપાસ પહોંચી હોવા છતાં તેમના સ્વભાવને કારણે તેમની સાથે લગ્ન કરવા મુરતીયો મળતો નહોતો. એક પરિણીત બહેન દિવસનો મોટા ભાગનો સમય પીયર ગાળતા હતા. આવા મોટા પરિવારની રસોઇ, વાસણ, કપડાં, સાસુમાની સેવા તથા પતિ માટે પૂજા-અર્ચાની જવાબદારી હેમંતીને માથે આવી. એક વર્ષ બાદ તેને દિકરો થયો તેની ખુશીમાં તેમના સંપ્રદાયના ભક્તોએ મોટી મોટી ભેટ અને ઘરેણાં ‘માતાજી’ને આપ્યા. હેમંતીને તેઓ માતાજી કહેતા હતા, અને પુરુષોત્તમદાસજીને મહારાજ.
બાળક છ મહિનો થતાં દાદીમા અને બધી ફોઇઓએ તેનો કબજો લીધો. હેમંતી ગામડામાંથી આવેલી હોવાથી તેમને ભક્તગણ આગળ લઇ જવામાં નાનમ લાગવા લાગી. સાસરિયાનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો કે હેમંતીએ પતિ પાસે માગણી કરી કે તેને લઇ જુદા રહેવા જાય. કેટલા ‘ભક્તો’ની નજરમાં પણ આ વાત આવી હતી. તેમાંના એક ભક્ત પાસે મોટું મકાન હતું. તેમાં જુદો ફ્લૅટ બનાવી આપ્યો અને મહારાજ તથા માતાજીને ત્યાં પધારવા વિનંતિ કરી. અંતે મહારાજ તૈયાર થયા. જુદા રહેવા ગયા, પણ ઘરમાં હેમંતી વિરૂદ્ધ આક્રોશ થયો. મિસ્ટર દાસ દિવસે કામ પર, સાંજે માને ઘેર અને મોડી રાતે હેમંતી અને બાળક પાસે જતા. વહેલી સવારે કામ પર. હા, ‘એ’ લેવલ્સ સુધી ભણેલા હોવાથી બૅંકમાં નોકરી કરતા હતા અને બાકીનો સમય સંપ્રદાયના વડા તરીકે ગાળતા.

મહારાજ કામ પર જાય ત્યારે બન્ને નણંદો હેમંતીને ઘેર જઇ તેના પર ફિટકાર વરસાવતી. “અમારા પરિવારની શાંતિમાં ભંગ પડાવનારી, તને એવો પાઠ ભણાવીશું કે તારી પાસેથી તારો છોકરો લઇ તને તારા બાપના ઘેર મોકલી આપીશું,” એવી ધમકી અપાવા લાગી.

મોટી નણંદ બ્રિટનના સોશિયલ સર્વિસીઝ ખાતાની સેવાઓથી પૂરી રીતે પરિચિત હતી. તેણે અમારી અૉફિસમાં ફરિયાદ કરી કે તેમની ભાભી ઘેરા ડીપ્રેશનથી પીડાય છે અને તેના બાળકની જીંદગી તેના હાથમાં સલામત નથી. તેની માનસિક હાલતનું ‘એસેસમેન્ટ’ કરવું જોઇએ, અને જો એવું જણાય કે તેની માનસિક હાલત ખરાબ છે, બાળકની દાદીમા અને ફોઇઓ તથા પિતા તેને સારી રીતે સાચવશે. હેમંતીને લાંબા ગાળા માટે સાઇકાએટ્રીક સારવાર આપવામાં આવે, અને જરૂર જણાય તો પરિવાર તેને પોતાના ખર્ચે ભારત પાછી મોકલવા તૈયાર છે.

આ કેસ પીટરને અપાયો. પીટર જમેકાનો આફ્રિકન-કૅરીબીયન હતો. છ ફીટ ઉંચો, કદાવર શરીરનો પીટર જ્યારે હેમંતીને મળવા ગયો અને કહ્યું કે તે સોશિયલ સર્વિસીઝ તરફથી તેની હાલત જોવા ગયો છે, તેને જોઇને હેમંતી ગભરાઇ ગઇ. તેણે આવડતા હતા તે ચાર-પાંચ અંગ્રેજી શબ્દોમાં પીટરને કહ્યું: No English. Gujarati speaking please! પીટરે ટેલીફોન કરી હેમંતીની નણંદને દુભાષિયાનું કામ કરવા બોલાવી. અહીં સૌને ખ્યાલ આવી શકે છે પીટરને કેવા જવાબ મળ્યા હશે.

પીટરે તેને જણાવ્યું: વધુ તપાસ માટે તે બે દિવસ પછી પાછો આવશે. સાથે મેન્ટલ-હેલ્થ સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર તથા trained interpreter હશે જેથી તેની હાલત વિશે કોઇ વિચાર કરી શકાય. આનું ભાષાંતર નણંદબાએ કર્યું, “બે દિવસ પછી અમે પાછા આવીશું અને તારા બાબાને લઇ જઇશું. તારી રવાનગી મેન્ટલ હૉસ્પીટલમાં કરાવીશું.”

તેમના ગયા બાદ આખો દિવસ હેમંતીએ રડવામાં કાઢ્યો. સાંજે પતિનો ફોન આવ્યો કે રાતે તેઓ માને ઘેર રહેવાના છે. રાતે તે વિચાર કરવા લાગી કે દેશમાં ખબર પહોંચે કે હેમંતી ગાંડી થઇ છે અને તેને મેન્ટલ હૉસ્પીટલમાં મૂકવામાં આવી છે, તો તેની બહેનો સાથે કોઇ લગ્ન નહિ કરે. આખો પરિવાર બરબાદ થઇ જાય. અંતે તેને થયું કે જો તે આપઘાત કરે તો બધી સમસ્યાનો અંત આવે. સવારે નાહી, બાળકને નવરાવી, દૂધ પાઇ તે તૈયાર થઇ ગઇ. શરીર પરનાં ઘરેણાં ઉતાર્યા અને ઘરધણીની પત્નિને સાચવવા આપ્યા. એક કાગળમાં સાસરિયાનું ગુજરાતીમાં સરનામું લખી, બાબાના સ્વેટરના ખીસામાં મૂક્યું અને વૉન્ડ્ઝવર્થ ટ્યુબ સ્ટેશન પર ગઇ. ત્યાં પ્લૅટફૉર્મના એક બાંકડા પર બેસેલી કેટલીક ગુજરાતી સ્ત્રીઓ પાસે બાબાને મૂકીને કહ્યું, “હું લેડીઝ રૂમમાં’ જઇ આવું છું ત્યાં સુધી આનું ધ્યાન રાખજો,” અને તે પ્લૅટફૉર્મના છેડા તરફ ચાલવા લાગી. ત્યાં તેને સ્ટેશન અૅટન્ડન્ટે બચાવી, પોલીસને બોલાવી અને સેન્ટ ટૉમસ હૉસ્પીટલમાં મોકલવામાં આવી.

પીટર આ સંાભળી ચકિત થઇ ગયો. “My God! This could have resulted in such a disaster! I cannot believe that people could go to such low level!” તેણે તરત રજીસ્ટ્રાર સાથે પૂરી વાત કરી. તેને પણ નવાઇ લાગી. બે દિવસ તે હૉસ્પીટલમાં રહી તે દરમિયાન ડ્યુટી ડૉક્ટર, નર્સ તથા અન્ય અૅન્સીલરી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણના રિપોર્ટમાં તેની વર્તણૂંક નૉર્મલ હતી. કેવળ ખાવા-પીવાની બાબતમાં તેણે ફળ સિવાય બીજી કોઇ વસ્તુ લીધી નહોતી. સવાર-સાંજ પ્રાર્થના કરતી હતી, સ્વચ્છતાની બાબતમાં પૂરતી કાળજી રાખતી હતી. આ બધું જોતાં તેણે કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટની રજા લઇ હેમંતીને ડિસ્ચાર્જ કરવાની રજા આપી. આમ પણ કોઇ માનસિક હાલતના પેશન્ટને ૪૮ કલાક કરતાં વધુ રાખવાના હોય તો કોર્ટની રજા લેવી પડે. પીટરે અમારા એરીયા મૅનેજર સાથે વાત કરી અને હેમંતીની વ્યવસ્થા અમારા ખાતાએ માન્ય કરેલ પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું. તેમણે મંજુરી આપી.

અમારા સમયમાં એશિયન સોશિયલ વર્કર્સનું અમે મંડળ બનાવ્યું હતું. અમારી પાસે આવતા અસીલો માટે મંડળ તરફથી એક સંસ્થા સ્થાપી હતી: “બાપનું ઘર”. અહીં અમે પોલીસ ખાતા તરફથી clearance મેળવેલા અને પૂરી રીતે ચકાસવામાં આવેલા પરિવારો પાસે ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બનેલી અમારી અસીલ બહેનોને થોડા સમય માટે રહેવા મોકલતા હતા. આવી વ્યવસ્થા પૂરી પાડનાર પરિવારોને અમારા ડિપાાર્ટમેન્ટ પાસેથી સારી રકમ આપવામાં આવતી. અમે હેમંતીને આવા પરિવાર પાસે રહેવા મોકલી. થોડા દિવસ સાઇકાઅૅટ્રીક નર્સ તેની મુલાકાત લેતી રહી અને જે પરિવાર સાથે રહેતી હતી તેમની પાસેથી તેની દૈનંદિની તથા વર્તણુંકનોે અહેવાલ મેળવતી રહી. પીટર અને હું તેને મળવા બે વાર ગયા હતા.

બીજી વાર થયેલી કેસ કૉન્ફરન્સમાં પીટર તથા મેં રિપોર્ટ આપ્યો. સેન્ટ ટૉમસ હૉસ્પીટલ દ્વારા મોકલવામાં આવેલા લેખિત રિપોર્ટ, હેમંતીની હાજરી તથા તેને પૂછવામાં આવેલા પ્રશ્નોના અપાયેલા જવાબને આધારે એવો નિર્ણય લેવાયો કે હેમંતી માનસિક રીતે પૂર્ણત: સ્વસ્થ છે. તેના તરફથી બાળકને કોઇ ભય નથી અને બાળકને તેની પાસે રહેવા દેવામાં આવે. તે દિવસની મિટીંગમાં દાસમહારાજ પણ હાજર હતા. તેમણે કોઇ વિરોધ દર્શાવ્યો નહિ. તેમણે એટલું જ કહ્યું કે અત્યારે તેમની પાસે જુદા રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી મકાન મળે ત્યાં સુધી કાયદા પ્રમાણે હેમંતીની વ્યવસ્થા કાઉન્સીલનું હાઉસીંગ ડિપાર્ટમેન્ટ અને સોશિયલ સર્વિસીઝ કરે! અમે તેની જવાબદારી લીધી.

કેસ કૉન્ફરન્સ પૂરી થઇ. અમને સંતોષ થયો કે એક નિર્દોષ યુવતિને માનસિક અત્યાચાર અને પારિવારીક ષડયંત્રનો ભોગ થતાં બચાવી.

અંતમાં શું થયું તે જાણવું છે?

કાઉન્સીલના હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તરફથી એક નવા બ્લૉકમાં હેમંતીને બે બેડરૂમનો ફ્લૅટ મળ્યો. તેની પોતાની કોઇ આવક ન હોવાથી તેનું પૂરૂં ભાડું કાઉન્સિલ આપવા લાગી. દાસમહારાજને અમે પત્ર લખ્યો કે બાળકની સંભાળ માતા રાખે અને જો તેમને કસ્ટડી અંગે કોઇ શંકા હોય તો અમે કોર્ટ પાસે તેવી રજા લેવા તૈયાર છીએ. બીજી તરફ દાસમહારાજના સંપ્રદાયના મુખ્ય ભક્તને જાણ થઇ કે ‘માતાજી’ ફ્લૅટમાં રહેવા ગયા છે, તેમણે ઉંચી જાતનું ફર્નિચર, ફ્રીજ વિગેરેની વ્યવસ્થા કરી આપી. તેમણે દાસમહારાજને વિનંતી કરી કે તેમની ગાદીને વારસ આપનાર માતાજી પાસે રહેવા જવું જોઇએ. બાળકની સારી સંભાળ તેની મા જ લઇ શકે. અંતે પરિવારને છોડી, પુત્રને લઇ તેઓ હેમંતી સાથે રહેવા ગયા.

એક દિવસ કામ પર જવા હું બસ સ્ટૉપ પર ઉભો હતો. અચાનક મારી પાસે એક જૅગુઆર આવીને ઉભી રહી. બારીનો કાચ નીચે ઉતર્યો અને હેમંતીનો સ્મિતભર્યો ચહેરો નજર આવ્યો. દાસમહારાજ ગાડી ચલાવી રહ્યા હતા. તેમનો બાબો પાછલી સીટમાં સિક્યૉર કરેલ બેબીસીટમાં આરામથી ઉંઘી રહ્યો હતો. મને તેમણે રાઇડ આપવાની અૉફર કરી. મેં આભાર સાથે ના કહી. તેમના અને દાસમહારાજના ચહેરા પરના આનંદને જોઇ ખુશી ઉપજી. મારી આંખ થોડી નબળી હતી, તેથી મને એવો આભાસ થયો કે હેમંતીની આંખમાં ઝળઝળીયાં હતા.

આ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી.

(Disclaimer: બ્રિટનના સોશિયલ વર્કરના સત્ય અનુભવોનું અહીં સંકલન કરવામાં આવ્યું છે. કોઇ એક પરિવારનું અહીં દર્શન કરાવાયું નથી. નામ અને સ્થળ કાલ્પનિક છે.)

13 comments:

  1. સંવેદનશીલ સત્યઘટના ને હકારાત્મક મોડ આપીને ખરેખર સરાહના અને અભિનંદનને પાત્ર છો. સેલ્યુટ સર.

    ReplyDelete
  2. સત્ય ઘટનાઓ ઘણીવાત વાસ્તવિકતા કરતા પણ વધારે હ્રદયદ્રાવક સાબિત થતી હોય છે..
    સરસ અભિવ્યક્તિ.

    nilam doshi..

    ReplyDelete
  3. વિશ્વમાં દર સોમાંથી પાંચ થી દશ વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે. દર ૪૦ સેકન્ડે એક આપઘાત થાય છે અને કુલ આપઘાતના કિસ્સામાંથી ૬૦ ટકા કિસ્સા ડિપ્રેશનનું પરિણામ હોય છે. આશરે ૩૪ કરોડ લોકો આ દુનિયામાં ડિપ્રેશનથી પીડાય છે ડિપ્રેશનની બીમારી પ્રાઈમરી કેર ફીઝીશિયન પણ સહેલાઇથી ઓળખી શકે છે. અને તે છતાં આ બીમારી ની સારવાર સમયસર શરૂ થતી નથી. જેને પરિણામે દર વર્ષે દસ લાખ લોકો આત્મહત્યા કરે છે. જો સમયસર ડિપ્રેશનની સારવાર શરૂ થઇ હોત તો આમાંથી ઘણા દર્દીઓની આત્મહત્યા નિવારી શકાઇ હોત.
    માનસિક બીમાર વ્યક્તિને અન્ય કોઇ પણ શારીરિક બીમારી કરતાં વધુ હૂંફ અને સામાજિક ટેકાની જરૂર હોય છે અને દુર્ભાગ્યે આપણા સમાજમાં આવા દર્દીઓને જ સૌથી ઓછી હૂંફ મળે છે.

    આપણી હેમંતીદાસ તો કાવત્રાનો ભોગ બનેલી! આમાં સુખદ અંજામથી આનંદ થયો પણ તેને ભોગ બનાવનારના અંજામ વિષે માહિતી હોય તો ણાવશો........................
    ॐ નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે. બાઇબલ કહે છે: ‘શરૂઆતમાં માત્ર શબ્દ હતો. આ શબ્દ ઇશ્વર પાસે હતો.અને શબ્દ જ ઇશ્વર હતો.’ ॐ સૌથી શકિતશાળી મંત્ર છે.મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે? -"અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા સકાયેટ્રી પ્રોફેસર ડો. હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થનાની માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર છે અને અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે.
    મને માનસિક રોગની સારવારમા આ પધ્ધતિ શ્રેષ્ઠ લાગી છે....











































































    પ્રજ્ઞાજુ(તલાશ)

    ReplyDelete
  4. સરસ સુખાંત અંત વાંચી આનંદ થયો. આવા બીજા અનુભવો પણ આપતા રહેજો.
    દેશમાં પણ આવા ઘણા કેસ બનતા હોય છે.

    ReplyDelete
  5. Yes this is our society. Thanks that there exsist in
    a Welfare country like Britain such Govt agencies and honest and well educated person like Narendra, urfe Gypsy who does bring to the nation the social culture that is there in our shameful society, when we boast about our high
    and literate society. God help those who are nothing but claiming themselves to be God of Gods.
    WELL DONE NARENDRA !

    ReplyDelete
  6. ડીપ્રેશન વિશે વધારાની રસપ્રદ માહિતી આપવા માટે આભાર, પ્રજ્ઞાબહેન.
    ભારતીય ઉપખંડમાં જન્મેલી અને ઉછરેલી બહેનો જ્યારે પોતાનો સમગ્ર પરિવાર દેશમાં છોડી બ્રિટન જેવા દેશમાં લગ્ન કરીને જાય ત્યાર પછી તેમને સાસરીયા તરફથી ભાવનાત્મક આધારની અત્યંત આવશ્યકતા હોય છે. તે જો ન મળે તો તે સાવ એકાકી બની જતી હોય છે. આવી હાલતમાં પતિના એક્સ્ટેન્ડેડ પરિવાર તરફથી તેમને ત્રાસ આપવામાં આવે તો તેમને માનસિક બીમારી થવાની સંભાવના ઘણી વધી જાય છે. લંડનની અમારી સોશિયલ વર્ક ટીમના કેસ લોડમાં પોસ્ટ-નેટલ ડીપ્રેશનનો ભોગ બનેલી આવી કેટલીક બહેનો હતી.
    આમારી કાઉન્સીલનાા માનસિક આરોગ્ય કેન્દ્ર સાથે જીપ્સી થોડા સમય માટે સંકળાયો હતો. તે સમયે આ કેન્દ્રમાં ધ્યાન, યોગ અને સંગીતના સેશન્સ ચલાવતા. તેમાં ભાગ લેનારા સભ્યોને ઘણો લાભ થતો. પોતાના ઘરમાં જે બહેનો વ્યગ્રતાથી વર્તતી તેઓ સવારના યોગ અને ધ્યાનના સેશન પછી બાકીના આખા દિવસના કાર્યક્રમોમાં શાંત ચિત્તે ભાગ લઇ શકતી હતી. નાદ-બ્રહ્મ અને યોગની therapy પર સંશોધન કરવામાં આવે તો તેનો વ્યાપક લાભ થાય તેવું મારૂં માનવું છે.
    બાકી હેમંતીની સાથે તેના પતિ રહેવા ગયા પછી અમે તેમનો કેસ close કર્યો હતો તેથી તેમને ત્રાસ આપનાર લોકો વિશે જાણવા મળ્યું નહિ.

    ReplyDelete
  7. Capt. Narendra
    Hemanti ni ankh ma to chokkas zadzadia avya j hashe, mari ankh ma pan avi gaya.
    Kudos to you for such a nice service. If we have such a system in India too, then many girls would be saved.thnx again

    ReplyDelete
  8. સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but delayed post-natal depressionથી પીડાય છે. તેનું વલણ આત્મઘાતી છે. તે પોતાનો જીવ તો લેશે જ, તે ઉપરાંત તેના બાળકના જીવન માટે જોખમકારક હોઇ શકે છે
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Narenbhai, Late but happy to read this NEW POST !
    While in UK you had done GOOD thing...SAMAJ SEVA !
    My VANDAN to you !
    CHANDRAVADAN
    www.chandrapukar.wordpress.com
    Narenbhai Thanks for your BLESSING to RUPA & VIRAL !

    ReplyDelete
  9. ખૂબ જ હ્રુદયદ્રાવક સત્ય ઘટનાની સુંદર અભિવ્યક્તી
    અત્યાધુનિક પી.ઇ.ટી. અને સ્પેકટ સ્કેનથી એવું જાણવા મળ્યું હતું કે ડિપ્રેશન વખતે મગજના સૌથી આગળના ભાગ (ફ્રન્ટલ લોબ) અને એક ચેતાકેન્દ્ર (કોડેટ ન્ય(ુકલયસ)નું કામ ઘટી જાય છે અને ડિપ્રેશન જતું રહે ત્યારે ફરી પાછું આ ભાગોનું કામ નોર્મલ થઇ જાય છે. આ ઉપરાંત, ડિપ્રેશનને કારણે આપઘાત કરનાર લોકોના મગજની પોસ્ટ મોર્ટમ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે નોર-એડિ્રનાલીન તથા સીરોટોનિન નામનાં રસાયણો મગજના અમુક ભાગમાં ઘટી જાય છે. આ સાથે કોર્ટીસોલ નામના અંત:સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે અને ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય છે. મગજના આ જૈવ રાસાયણિક બંધારણ તેમજ એમાં રસાયણોની વધઘટને કારણે ડિપ્રેશન થવાની શકયતા વધી જાય છે. નકારાત્મક જીવનપ્રસંગોએ ડિપ્રેશન થાય એ સમજી શકાય પરંતુ એ ઉપરાંત ઘણી વખત કોઇપણ દેખીતા કારણ વગર પણ ડિપ્રેશનની તકલીફ ઉદભવી શકે છે.

    જનીનિક બંધારણ ઉપરાંત બાહ્ય-પરિબળોમાં મુખ્યત્વે નિરાશાવાદી વલણ અને અન્ય વ્યક્તિઓ સાથે લાગણીભર્યા સંબંધ બાંધવાની અક્ષમતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાહ્ય પરિબળો - માનસિક તાણ, સામાજિક-આર્થિક પરિસ્થિતિ, દુ:ખદ ઘટના વગેરે - સાથેનો ડિપ્રેશનનો સંબંધ હજી સ્પષ્ટ પણે સમજી શકાયો નથી. આવી પરિસ્થિતિ કે ઘટનાઓથી ડિપ્રેશન થવાની શકયતા વધે છે. પરંતુ માત્ર એ પરિસ્થિતિ જ ડિપ્રેશન કરે છે એેવું ન કહી શકાય. મૂળભૂત જનીન આધારિત માનસિક બંધારણ ડિપ્રેશન માટે જવાબદાર હોય છે જેમાં આવી પરિસ્થિતિ ''બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આ અંગે આપનો સહજ પ્રેમાળ અભિગમને સલામ
    પ્રજ્ઞાજુ (તલાશ)

    ReplyDelete
  10. પ્રજ્ઞા બહેન,
    માફ કરશો, આપની કમેન્ટનો જવાબ આપવામાં મોડું થયું છે. આપના ઊંડા સંશોધનને share કરવા માટે ઘણો આભાર. Manic Depressionથી પીડાતી વ્યક્તિ ઘાતકી હુમલા કરીને મૃત્યુ નિપજાવી શકે એવા પણ કિસ્સા અભ્યાસ વખતે જાણવા મળ્યા હતા. આપના અભિપ્રાય મુજબ કદાચ મગજમાં ઉદ્ભવતા રાસાયણીક દ્રવ્યોનો અતિરેક થવાથી હિંસક વૃત્તિ ઉત્તેજીત થતી હોય તે શક્ય છે.

    ReplyDelete
  11. તમે બસ લખતા રહો કેપ્ટન. અમે વાંચતા રહીશું.

    ReplyDelete
  12. આજના મેલમાં આ કહાણી વાંચી. દુઃખદ તો ખરી, પણ અંત તો સુખદ આવ્યો, એ સંતોષની વાત કહેવાય...... પણ, નરેન્દ્રભાઈ, આતો તમે તમારા વર્ષોજુનાના જમાનાની વાત કહી, શું આજે પણ તમારા જેવી નીષ્ઠા અને ભાવનાવાળા paid કે સેવાભાવી કાર્યકરો મળી રહે ખરા...????? આજે પણ ભારતથી કેટલીએ કન્યાઓ, ખાસ કરીને પંજાબથી, ગુજરાતથી, લગ્ન કરીને બ્રીટન અને અમેરીકા આવતીજ હોય છે, અને તેમાંથી કોઈકને તો આવી તકલીફ પડતીજ હોય છે...... સ્ત્રીને પુત્ર ન અવતરે તો કાંઈ કોઇ કારખાના કે દુકાનમાં થોડુંજ લેવા જવાય...???? અને મહેનત તો "પુરુષે"જ કરવાનીને....અને તે છતાં પણ સ્ત્રીનોજ વાંક.....!!!!!
    M.D.Gandhi, U.S.A.
    mdgandhi21@hotmail.com

    ReplyDelete