Pages

Sunday, September 20, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" - શેષ

એક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો.
5/9 ગોરખા રાઇફલ્સના કમાન્ડીંગ અફસરનો ભાર તેમને સોંપવામાં આવ્યો તે પહેલાં અનેક કારણોસર આ બટાલિયનની હાલત અને જવાનોનું મનોબળ નષ્ટપ્રાય: થઇ ગયા હતા. બટાલિયનનો ચાર્જ લેતાં પહેલાં તેઓ બ્રિગેડ કમાન્ડરને મળ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાલત એટલી ગંભીર હતી કે બટાલિયનને વિખેરી નાખવાનો - disband કરવાનો- નિર્ણય લેવામાં આવ્યો હતો. બટાલિયન - તથા કર્નલ ભટ્ટ માટે આ છેલ્લી તક હતી કે બટાલિયનનું આમુલાગ્ર પરિવર્તન કરી તેને યુદ્ધ માટે સક્ષમ (battle-worthy) બનાવવામાં આવે.
આપણી સેનામાં કહેવત છે: There are good officers and bad officers, but never a bad soldier. કર્નલ ભટ્ટે ચાર્જ લીધાને એક મહિનો પણ નહોતો થયો કે તેમના ડીવીઝનલ કમાન્ડર બટાલિયનનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા. પહેલા જ દિવસે જનરલ સાહેબે હુકમ સંભળાવ્યો: ૬૦ દિવસમાં બટાલિયન યુદ્ધ માટે સક્ષમ પુરવાર ન થાય તો તેમાંના એકેએક જવાનને ઘર ભેગા કરી દેવામાં આવશે અને 5/9 GRનું નામોનિશાન નહિ રહે.
સંરક્ષણની દૃષ્ટીએ ભારત માટે સમગ્ર કાશ્મીરનો પ્રદેશ સંવેદનશીલ છે. તેમાંના પૂંચ-રજૌરી, ઉરી, તંગધાર, કારગિલ અને બાંદીપોરા જેવા વિસ્તાર અત્યંત ભયાનક ગણાય છે. (આમાંના બે વિસ્તાર - રજૌરી અને તંગધારમાં ‘જીપ્સી’ સેક્ટર કમાંડર હતો અને લગભગ દરરોજ પાડોશીઓની ગોળીઓનો અનુભવ કર્યો હોવાથી આ વિસ્તારોની ભયાનકતા વિશેની બાહેંધરી આપી શકું છું!)
કર્નલ ભટ્ટની બટાલિયન ઉરીમાં ફરજ બજાવી રહી હતી. ત્રાસવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાનનું સૈન્ય તેમની સંરક્ષણપંક્તિઓ પર વારંવાર ગોળીબાર કરે. ગોળીઓના વરસાદની આડમાં ગીચ જંગલમાં બનાવેલી કેડીઓ દ્વારા છૂપા રસ્તે ત્રાસવાદીઓને તેમની સેના આપણા પ્રદેશમાં ઘૂસાડવાનો તે વખતે - અને હજી પણ પ્રયત્ન કરે છે. તેમને ઝબ્બે કરવા ગોરખાઓની પેટ્રોલીંગ પાર્ટીઓને ૨૪ કલાક પેટ્રોલીંગ કરવું પડે. આવી કપરી હાલતમાં કામ કરી રહેલી બટાલિયનનું મનોબળ, કાર્યકુશળતા અને યુદ્ધકૌશલ્યમાં શ્રેષ્ઠ પુરવાર કરવા ઉપરાંત તેમના શસ્ત્ર-સરંજામને ચળકતી અને નવા જેવી હાલતમાં કરવાનું કામ કર્નલ ભટ્ટ માટે અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું હતું - તે પણ ફક્ત ૬૦ દિવસમાં. ૧૯૬૫ના યુદ્ધમાં તેમણે આ જ બટાલિયનના જવાનોની સાથે રહી જે કામગિરી કરી હતી તેની યાદ જવાનોમાં હજી તાજી હતી. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી. તેમણે બટાલિયનને disband થવાની નામોશીમાંથી બચાવી એટલું જ નહિ, ઉરીમાં તેમના જવાનોની ઉત્કૃષ્ટ કામગિરી જોઇ ભારત સરકારે કર્નલ ભટ્ટની બટાલિયનને યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપક સેના તરીકે લેબનૉનમાં મોકલી.
મહેનત અને કાર્યમાં સંપૂર્ણ સમર્પણ હોય તો માણસ ઘણી ઉંચાઇઓ સર કરી શકે. હવે કર્નલ ભટ્ટને માઉન્ટન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડરનું પ્રમોશન આપી તેમને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સીમા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇ પર મોકલવામાં આવ્યા. આ એવો વિકટ પ્રદેશ છે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એક તો ત્યાં એટલી અસહ્ય ઠંડી પડે છે કે શરીરની સંભાળ લેવામાં જરા પણ શરતચૂક થાય તો હાથ કે પગમાં frost bight થઇને ત્યાં ગૅંગ્રીન (માંસમાં સડો) થઇ જાય, અને જે હાથ કે પગમાં તેની અસર થઇ હોય તે કાપી નાખવો પડે. રસ્તા પણ એવા દુર્ગમ કે 4 x 4 પાવરના ત્રણ ટન વજન ઉંચકી શકે તેવા ટ્રક એક જ ટન વજન લઇ ૨૫ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં પૂરૂં કરી શકતા. એટલું જ નહિ, આવી એક જ ખેપ કર્યા બાદ વાહનને સમારકામ કે મેન્ટેનન્સ માટે ફીલ્ડ વર્કશૉપમાં મોકલવું પડે. અધુરામાં પૂરૂં તેમના બ્રિગેડ કમાન્ડર માંદા પડી ગયા અને તેમને બ્રિગેડ કમાન્ડરનો ચાર્જ લેવો પડ્યો. તેમને સોંપવામાં આવેલ કપરી કામગિરી નિયત સમય કરતાં વહેલી પૂરી કરી. આ કાર્ય માટે ભારત સરકારે તેમને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કર્યો.
ત્યાર બાદ તેમની પદવૃદ્ધિ થતી ગઇ અને મેજર જનરલના પદ પર તેમને આસામમાં આવેલી માઉન્ટન ડિવિઝનના કમાન્ડર તરીકે ૨૦૦૦૦ સૈનિકોની વિશાળ સેનાનો કમાન્ડ આપવામાં આવ્યો. અહીં તેમને ULFA તથા બોડો ત્રાસવાદીઓ સામે અભિયાન ચલાવવાનું હતું. આસામમાં આવેલી પેટ્રોલિયમ રિફાઇનરીની પાઇપલાઇન ઉડાવી મૂકનારા ULFA ત્રાસવાદીઓ તથા બોડોલૅન્ડની માગણી માટે આસામના ચ્હાના બગીચામાં કામ કરનાર મજુરોની નિર્ઘૃણ હત્યા કરનાર ત્રાસવાદીઓ સામે તેમણે આક્રમક પેટ્રોલીંગ, સંરક્ષણ અને ઉગ્રવાદીઓના કૅમ્પ નષ્ટ કરી દેશદ્રોહીઓની પ્રવૃત્તિ પર નિયંત્રણ કર્યું.
મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retd) હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
મારી નજર સામે હજી પણ પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં પ્રથમ વાર મળેલા હેલ્મેટ,ખુખરી અને રાઇફલધારી કૅપ્ટન મારી સાથે હસ્તધુનન કરી પરિચય આપે છે, “I am Capt. Bhatt..”

11 comments:

  1. નરેનભાઇ, આ નિરૂપણ આગળ ચલાવવા જેવું છે.જો જનરલ ભટ્ટ અમદાવાદમાં હોય અને તમારા સંપર્કમાં હોય તો તેઓ આજે શું કરે છે , તેમની નિવૃત્તિમાં કોઈ તકલીફ છે વગેરે વિગત માં વાચકને રસ પડશે . આખરે ગણ્યા ગાંઠ્યા ગુજરાતી અફસરો આટલે સુધી પહોંચ્યા હશે. વિચારજો.
    તુષાર ભટ્ટ

    ReplyDelete
  2. Maj. Gen. Bhatt is really "been there, done that" type of person. I mean two wars, COIN experience in hot spots and field postings. He has a unique set of experience. If possible I would like to have TWO pegs with him and brainstorm about NE situation. After all its "one for enemy, two for friend". :)

    ReplyDelete
  3. We are taking pride as an Indian and Gujarati for the great service you did for "BHARAT" OUR Nation.

    www.bpaindia.org

    ReplyDelete
  4. @તુષારભાઇ:
    તુષારભાઇ,
    સૌ પ્રથમ તો તમે ગુજરાતીમાં મોકલાવેલી ઇમેલ જોઇ ખુશ થઇ ગયો!
    જનરલ ભટ્ટ સાથે ઘણા સમયથી સમ્પર્ક નથી. પહેલાં પત્રવ્યવહાર હતો ત્યારે તેઓ કૅમ્પમાં આવેલી ડિવીઝનના અૉફિસર્સ ક્લબમાં ગોલ્ફ જેવી પ્રવૃત્તિમાં સક્રિય હતા તેવું જણાવેલું. તેઓ શાહિબાગમાં આવેલા ફ્લૅટ્સમાં રહેતા હતા. હાલમાં તેઓ ક્યાં છે તે જાણવાનો પ્રયત્ન કરીશ.

    ગુજરાતી અફસરો વિશે કહીએ તો મારી જાણ મુજબ પહેલા અફસર હતા જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી, DSO, ભારતના બીજા કમાન્ડર-ઇન-ચીફ અને પ્રથમ ચીફ અૉફ આર્મી સ્ટાફ; ત્યાર પછી તેમના નાના ભાઇ લેફ્ટનન્ટ જનરલ હિમ્મતસિંહજી (જેઓ આગળ જતાં હિમાચલના ગવર્નર થયા), સુરતના લેફ્ટનન્ટ જનરલ નાણાવટી, ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ,અૅર ચીફ માર્શલ એન્જિનિયર, જામનગરના જ લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ (વાઇસ ચીફ અૉફ આર્મી સ્ટાફ), 'જીપ્સીની ડાયરી'માં ૧૯૬૯ના અમદાવાદના રમખાણમાં વર્ણવેલા પંજાબ રેજીમેન્ટના મેજર કાન્તિ ટેલર મેજર જનરલ થયા અને 6 Mountain Divisionનો કમાન્ડ સંભાળેલો. ત્યાર પછી મેજર જનરલ ચંદ્રસિંહજી વિશે સાંભળ્યું હતું. આપણા પારસી સમાજે જનરલની Rankના ઘણા જનરલ આપ્યા છે. આ વિશે કેટલાક લેખ અહીં આપવાનો પ્રયત્ન કરીશ.

    આવતા અંકમાં આ અગાઉ જીપ્સીએ 'અખંડ આનંદ' માટે લખેલ જનરલ રાજેન્દ્રસિંહજી વિશેનો લેખ સંક્ષિપ્ત સ્વરૂપે આપવાનો વિચાર છે.

    @Dark Knight: Yes indeed! Gen Bhatt has been there THRICE over - twice on the Western Front and once against the terrorists in North East India. I do not have Gen Bhatt's current address, but when I am in India next, it will be nice to call on the General with you and Tusharbhai. I would bring the Amber Nectar from the Glens and share a few wee drams with all. How about that?

    @ Dr. Rajendra Trivedi, MD:

    Each officer and soldier in the armed forces of India can only quote from the Coat of Arms of the Prince of Wales- "Ich Dien", which means, "I Serve".

    And big "Than you"for your even bigger support to this blog. 'Gypsy' is grateful.

    ReplyDelete
  5. Narenbhai...So proud of Maj Gen Bhatt....I salute him !
    May God keep him in good health in his retired life in Gujarat !
    Chandravadan ( Chandrapukar )
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  6. Narendra Mistry (Envy)September 29, 2009 at 12:53 AM

    Narendraji..kudos to you for giving us such a wonderful first hand report of front actions which we have seen in movies (rather glofified without much touch of facts sometimes)
    I am going to Gujarat on Dipawali and will try to find beloved Maj Bhatt...cant wait to meet such a great men like him and you too, some time.
    Many people write blogs but most are rubbish and childish too,I am very happy to read your blog..thanks lot

    ReplyDelete
  7. @ ENVY
    Dear Mr. Mistry,
    Thank you for your mail. I appreciate your feelings and the compliments you have paid to us Gujarati soldiers.

    General Bhatt lives in Shahibaug, Ahmedabad. I lost some of my diaries when I moved to the US from London. The address book which contained Gen. Bhatt's address was one those lost. If you can locate the General and phone him to make time to see him, do please pay my regards to him.

    ReplyDelete
  8. આદરણીય કેપ્ટન નરેન્દ્ર
    ગુજરાતીમાં લશ્કર વિષે આવી સરસ માહિતી આપતો બ્લોગ જોઈ આનંદ થયો. સરસ માહિતી આપવાની સાથે તમે લાખો છો પણ સરસ. આવી દુર્લભ માહિતી બદલ આભાર. મેજર જનરલ ભટ્ટનો સંપર્ક ક્યાંકથી શોધી કાઢીશું.
    લલિત
    અમદાવાદ

    ReplyDelete
  9. હવે તેમની આગેવાનીએ જવાનોમાં વિજળીક ગતિએ ઉત્સાહ વધાર્યો અને તેમના નેતૃત્વે 5/9 ગોરખા રાઇફલ્સને અગ્નિપરીક્ષામાં સફળતા અપાવી
    ---------------

    આ તેમણે શી રીતે કર્યું હશે?
    કદાચ નાગરિક ગ્રુપો માટે પણ એ પ્રેરણાદાયી નીવડે.
    સમાજમાં,આજે અનૈતિકતા અને હતાશા પ્રવર્તે છે' તે દૂર કરવા આવા નેતાઓ ક્યારે મળશે?
    - સુરેશ જાની

    ReplyDelete
  10. એક ગુજરાતી મેજર જનરલ પદે પહોંચ્યા, તે જાણી સ્વમાનની લાગણી દૃઢ બની. તુષાર ભાઈની વાત સાચી છે. એમની હાલની પરીસ્થીતી જાણવી જોઈએ.
    - સુરેશ જાની

    ReplyDelete
  11. જીપ્સી, જનરલ ભટ્ટ મળે તો તેમની આ વિરતા બદલ મારી સલામ અને રામરામ પાઠવશો.
    અને તમનેય મારા સલામ અને રામરામ.

    ReplyDelete