Pages

Thursday, September 17, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૨

કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી. ઝાંસીની આસપાસના જંગલોમાં આ અગાઉ થયેલી એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.
ત્યાર બાદ લડાઇએ એવું તે જોર પકડ્યું કે ન પૂછો વાત.
ફિલ્લોરાના યુદ્ધમાં ગોરખા રાઇફલ્સની ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના માર્ચ મહિનાના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ અમારી રક્ષાપંક્તિ પર દુશ્મનની ટૅંક્સ ગોળા વરસાવી રહી હતી. તેમાંની એક ટૅંક અમારી નજીકના ‘No man’s land’માં હતી. શેરડીના ખેતરમાં તેમણે એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપવામાં આવ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટની આગેવાની નીચે તેમના જુનિયર કૅપ્ટન ગાંગુલી અને છ સૈનિકોની ટુકડી નીકળી. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. ઇન્ફન્ટ્રીની ટુકડીનું આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર છઠી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા અને શહીદ થયા હતા. તે સમયે પાકિસ્તાનની ટૅંક્સ પાસે ઇન્ફ્રારેડ દૂરબીન હતી તેથી તેઓ રાતના અંધકારમાં પણ જોઇ શકતા હતા. કૅપ્ટન ભટ્ટ, ગાંગુલી અને તેમના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા અને ટૅંક પર ચઢી, તેનું હૅચ ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.
ફિલ્લોરાની સફળતા બાદ એક દિવસનો આરામ મળ્યો અને અમને બીજી કામગિરી મળી: કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. કલ્લેવાલીમાં ફર્મ બેઝ (સુરક્ષાપટ) બનાવ્યા બાદ ત્યાં આવનારી બટાલિયનને આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. તેમના પર બૉમ્બવર્ષા ન થાય તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર પ્લૅટૂનને લઇ તેઓ ફર્મ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો reverse angle કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરનું શેલીંગ કરી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે દુશ્મનની તોપથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.
આપણી સેના અલ્હર સ્ટેશન સુધી પહોંચી હતી અને સિયાલકોટ તરફ આગળ વધીએ તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગયા. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી. વળી વાત અહીં પૂરી નહોતી થઇ.
આગળની રસપ્રદ વાત આવતા અંકમાં!

7 comments:

  1. Captain Saheb-Nice account-I m happy to know about another Captain Bhatt-
    One request-can u publish ur story once a week-I need a week to digest your story.

    ReplyDelete
  2. Sir I am mighty surprised to know that Pakis had infra-red equipment at that point of time. Looks like USA give them the very best, but as they say "its not about the machine, but the man behind it".

    Jai Hind, Jai Hind ki sena.

    ReplyDelete
  3. Im pleased to know your story. Please carry on writing.Each story I'm reding regularly.

    ReplyDelete
  4. Nice narration on your meeting with Capt. Bhatt...& his military experise & the Courage...I salute him !
    Chandravadan

    ReplyDelete
  5. એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે,
    -------
    આટલું વજન તો હું જુવાનીમાં શહેરના રસ્તા પર પણ ન ઉંચકી શક્યો હોત!
    - સુરેશ જાની

    ReplyDelete
  6. નરેન્દ્રભાઇ..આ ડાયરી આખી એકીસાથે ઇ બુક તરીકે મળી શકે ? ડાઉનલોડ કરી શકાશે ? એકી સાથે વાંચવાની મજા અલગ જ આવે તેથી..શકય બની શકશે ?

    nilam doshi

    http://paramujas.wordpress.com

    thanks a lot..

    ReplyDelete
  7. નીલમ બહેન,
    જીપ્સીને મળવા આવ્યા તેનો પહેલાં આભાર માનું છું.

    "જીપ્સીની ડાયરી"નું સંકલન કરી તેના પુસ્તકની હસ્તપ્રત તૈયાર થઇ છે અને હાલ પ્રકાશક પાસે છે. તેમના પ્રકાશનની યોજના વિશે પૃચ્છા કરી 'ડાયરી'ને eBook તરીકે વેબમાં મૂકવાનો જરૂર પ્રયત્ન કરીશ. આ બાબતમાં જે પ્રગતિ થશે આપને જરૂર જણાવીશ.

    ReplyDelete