Pages

Friday, June 19, 2009

રણની આખ્યાયિકાઓ (૧)

છાડબેટ પાકિસ્તનાને સોંપ્યા બાદ આપણી ચોકીઓને નવેસરથી અાઉટપોસ્ટ સ્થાપવી પડી. અગાઉ જ્યાં CRPF અને ગુજરાત રાજ્યની SRP (સ્ટેટ રીઝર્વ પોલીસ) હતી તેમની જગ્યાએ બીએસએફના સૈનિકોને રણમાં મોકલવામાં આવ્યા. તેઓ પોતાની ફરજના નવા સ્થાને જાય તે પહેલાં તેમને રેતીના તોફાનમાં સ્વરક્ષણ, શસ્ત્રાસ્ત્રની જાળવણી, રણમાં પેટ્રોલીંગ કરવું વિગેરેનું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. રાતના સમયે રણમાં જનાર વ્યક્તિ સહેલાઇથી ભુલી પડી શકે છે, અને તેમને શોધવું લગભગ અશક્ય હોય છે. આથી રણમાં ફરજ બજાવનાર સૈનિકોને કેટલાક સ્થાયી હુકમ - standing orders અાપવામાં આવ્યા, જેમાં મુખ્ય હુકમ હતા: રાતના સમયે વાહનમાં પ્રવાસ કરવાનો પ્રસંગ આવે અને યાંત્રિક ક્ષતિને કારણે વાહન અટકી પડે તો તેનો ડ્રાઇવર તથા તેની સાથે પ્રવાસ કરનારા જવાનોએ ત્યાં જ રોકાઇ જવું. જવાનોની ટુકડી એક ચોકીમાંથી બીજી ચોકી તરફ જવા નીકળે કે તરત તેની ખબર બીજી ચોકીને આપવામાં આવે. આ રીતે નીકળેલી ટુકડી ચોક્કસ સમયમાં નિયત સ્થાન પર ન પહોંચે તો વહેલી સવારે બન્ને ચોકીમાંથી search party તેમને શોધવા નીકળે. છેલ્લે, દિવસના કે રાતના સમયે ફરજ પર બહાર નીકળનાર દરેક જવાન પોતાના સરંજામમાં પાણીની એક બાટલીને બદલે બે ભરેલી બાટલીઓ લઇને નીકળે.
૧૯૬૭ના ઉનાળાની વાત છે. વિગો કોટના એક હવાલદાર અને ચાર જવાનોની એક મહિનાની વાર્ષિક રજા મંજુર થઇ. એક સાંજે તેઓ ટ્રકમાં હેડક્વાર્ટર જવા નીકળ્યા. રજા પર જઇ રહેલ ટુકડીના આ નાયકે સ્થાયી હુકમના પાલનને મહત્વ ન આપ્યું. ખાવડા થઇને ટ્રક તો જલદી ભુજ સુધી પહોંચી જશે, તેવી ધારણાથી તેમણે પાણીની બાટલીઓ સુદ્ધાં ન લીધી. કમનસીબે રસ્તામાં ટ્રકના એન્જીનમાં ખરાબી આવી અને ગાડી બંધ પડી ગઇ. રાબેતા મુજબ જવાનોએ ગાડીને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રક ચાલુ તો ન થયો, પણ પાંચ-છ કિલોમીટર સુધી ભારે ભરખમ ટ્રકને ધક્કો મારવાના સખત પરિશ્રમને કારણે તેમને ડીહાઇડ્રેશન થયું. રાત પડી ગઇ અને રણમાં દિશા વર્તાતી નહોતી. ડ્રાઇવરે કહ્યું કે રાતે ત્યાં જ રોકાઇ જઇએ. સ્ટૅન્ડીંગ અૉર્ડર પ્રમાણે વહેલી સવારે રાહત આવી પહોંચશે તેની તેને ખાતરી હતી. હવાલદારે કહ્યું કે તે રસ્તો જાણે છે, તેથી તેની સાથે બધાએ માર્ચીંગ કરવું. જવાનોએ તેમની વાત ન માની. હુકમ પ્રમાણે તેમણે ગાડીની પાસે જ રાત ગાળવાનું નક્કી કર્યું. હવાલદાર એકલા જ નીકળી પડ્યા. જવાનોએ તેમને વારી જોયા, પણ તેમણે કોઇની વાત માની નહિ.
રણમાં કોઇ વાર નકશા અને હોકાયંત્ર પણ કામ નથી આવતા. સર્વે કરાયેલ ક્ષેત્રમાં ગામ, મકાન, ટેકરી, મંદિર અથવા અતિ પુરાણા વૃક્ષ, જેને ‘સર્વે ટ્રી’ કહેવામાં આવે છે - તેના જેવી સ્થાયી વસ્તુ જમીન પર હોય, તે લશ્કરમાં વપરાતા અૉર્ડનાન્સ સર્વેના large scale નકશામાં સહેલાઇથી ઓળખી શકાય છે. આવા સ્થળ-ચિહ્નોની એંધાણી અને હોકાયંત્રની સહાયતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકાય. રણમાં આવા કોઇ સ્થળ-ચિહ્ન (landmarks) નથી હોતાં તેથી રણમાં દિવસના સમયમાં પણ પગપાળા પ્રવાસ કરવામાં અત્યંત મુશ્કેલી નડે. રાત્રે તો આ કામ અસંભવ કહી શકાય. તેમ છતાં ખાસ કેળવણી અને ઊંડા અનુભવથી દોરાયેલા ‘રૂટ ચાર્ટ’, નકશા અને તરલ હોકાયંત્ર (liquid prismatic compass)ની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકાય. આ કળાને map reading અથવા orienteering કહેવામાં આવે છે. કચ્છના રણમાં સૌથી મુશ્કેલ વાત તો એ છે કે ઘણી વાર જમીન પર કે નકશામાં કઇ જગ્યાએ કળણ - quicksand હોય છે તે દર્શાવી શકાયું નથી. તેથી જો ચાલુ ચીલાને મૂકી કોઇ આડ રસ્તો લેવાનો પ્રયત્ન કરે અને અજાણતાં જ ખારાપાટમાં અથવા રેતીમાં આવેલ quicksandમાં ગરક થઇ જાય તો તે વ્યક્તિના અવશેષ પણ કદી હાથ ન આવે. તેથી રાતના સમયમાં રણમાં જવું જોખમકારક હોય છે.
હવાલદારે શા માટે આવી ગંભીર પરિસ્થિતિમાં એકલા ચાલી નીકળવાનો નિર્ણય લીધો તે કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે ઘરમાં કોઇ આપત્તિ આવી પડી હતી જેને કારણે આટલી ઉતાવળે તેઓ એકલા ચાલી નીકળ્યા. અંતે થવા કાળ હતું તે જ થયું. તેઓ ભૂલા પડી ગયા, છતાં તેમણે ચાલવાનું બંધ ન કર્યું. તેમની પાસે પાણી નહોતું. તરસથી રીબાઇને મરવાના ડરથી તેઓ ડઘાઇ ગયા અને વિચારશક્તિ ગુમાવી બેઠા. તેમની પાસે રાયફલ અને નિયત સંખ્યામાં ગોળીઓ હતી. તેમને થયું કે હવામાં ગોળીબાર કરવાથી નજીકની ચોકીના જવાનો ગોળીઓનો અવાજ સાંભળીને તેમને શોધવા આવશે. એક કલાક સુધી થોડી થોડી મિનીટને અંતરે તેમણે ગોળીઓ છોડી, પણ કોઇ આવ્યું નહિ. અંતે છેલ્લી ગોળી વડે તેમણે પોતાના પ્રાણ લીધા.
રાત્રી દરમિયાન તેમણે કરેલ ગોળીબારનો અસ્પષ્ટ અવાજ પાછળ રહેલી ગાડીના જવાનોએ સાંભળ્યો, પણ તેઓ કશું કરવા અસમર્થ હતા. તેમની પાસે પાણી નહોતું, અને તેઓ પોતે જ ગાડીને ધક્કા મારીને થાકી ગયા હતા. પાણી વગર તેમના શરીરમાં શુષ્કતા આવી ગઇ હતી. તે સમયે રાતના સમયે રણમાં કોઇને શોધવા નીકળવું અશક્ય હતું. હવે તો GPS - ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમના યંત્રો આવ્યા છે. અમારા સમયમાં.... ખેર!
વિગોકોટથી જવાનોની ટુકડી ખાવડા જવા નીકળી ત્યારે તેની ખબર રસ્તામાં આવતી ચોકીઓને વાયરલેસથી આપવામાં આવી હતી. જવાનો આગલી ચોકીએ પણ પહોંચ્યા નહોતા તેથી બીજા દિવસની વહેલી પરોઢે બેઝ કૅમ્પથી એક ટ્રક રવાના કરવામાં આવ્યો. વિગો કોટ ચોકીએ તેમના માટે પાણી તથા શિરામણ સાથે દોડાવેલા ઊંટ સવારો ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકની પાસે પહેલાં પહોંચ્યા અને જોયું તો તેમાં રહેલા જવાનો ભય અને dehydrationના કારણે અર્ધબેભાનાવસ્થામાં હતા. તેમને ભોજન-પાણી આપી ઊંટસ્વાર હવાલદારનું પગેરું લઇ તેમને શોધવા નીકળ્યા. દસ િકલોમીટરના અંતરે ચક્રવ્યુહ જેવા ચકરાવામાં ગોળ ગોળ ફરી એક ઠેકાણે પડેલું તેમનું અપાર્થિવ શરીર મળી આવ્યું.
સદ્ગત હવાલદારને અંજલી આપવા માટે જે સ્થળે તેમણે પ્રાણ ત્યજ્યા, ત્યાં એક નાનકડી દેરી બનાવવામાં આવી. તેની પાળ પર પાણીના માટલાં મૂકવામાં આવ્યા છે. ચોકીઓ પર પાણી પહોંચાડવા જનારા ટ્રક તેમાં પાણી ભરીને જ આગળ જતા હોય છે. આગળની ચોકી પર આવનારા અને જનારા બધા સૈનિકો અંજલી આપવા અહીં રોકાય છે. દેરીમાં સાકરિયા ચણા અને પતાસાંનો પ્રસાદ ધરાવે છે, અને માટલાંનું પાણી પીને જ ત્યાંથી આગળ જતા હોય છે.
અહીં એક માન્યતા પણ છે.
આ સ્થળનો અનાદર કરી કોઇ અહીં ન રોકાય, અને પ્રસાદ તરીકે પાણી પીધા વગર જાય તેના પર મુસીબત આવ્યા વગર નથી રહેતી. આથી સીમા પર નિરીક્ષણ માટે જનારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અહીં રોકાતા હોય છે. પાણી અને પ્રસાદ લીધા વગર કોઇ આગળ જતું નથી.
હવે તો આધુનિક સાધનસામગ્રી આવી ગઇ છે. સૈનિકો માટે સુવિધાઓ વધારવામાં આવી છે. રણમાં સેવા બજાવતા સૈનિકોની નિયમીત સમય પર બદલી કરવામાં આવે છે. વાત રહી પરંપરાની અને આખ્યાયિકાઓની - જે હજી સુધી બદલાઇ નથી.

2 comments:

  1. દસ િકલોમીટરના અંતરે ચક્રવ્યુહ જેવા ચકરાવામાં ગોળ ગોળ ફરી એક ઠેકાણે પડેલું તેમનું અપાર્થિવ શરીર મળી આવ્યું.
    સદ્ગત હવાલદારને અંજલી આપવા માટે જે સ્થળે તેમણે પ્રાણ ત્યજ્યા, ત્યાં એક નાનકડી દેરી બનાવવામાં આવી. તેની પાળ પર પાણીના માટલાં મૂકવામાં આવ્યા છે. ચોકીઓ પર પાણી પહોંચાડવા જનારા ટ્રક તેમાં પાણી ભરીને જ આગળ જતા હોય છે. આગળની ચોકી પર આવનારા અને જનારા બધા સૈનિકો અંજલી આપવા અહીં રોકાય છે. દેરીમાં સાકરિયા ચણા અને પતાસાંનો પ્રસાદ ધરાવે છે, અને માટલાંનું પાણી પીને જ ત્યાંથી આગળ જતા હોય છે.
    What a story !
    Chandravadan Mistry

    ReplyDelete