Pages

Wednesday, June 24, 2009

રજૌરી: શાંતિથી રહેવા દો ને બાપલા!

અમારી એક ચોકીનું નામ હતું “બડા ચિનાર” (ચોકીનું નામ બદલવામાં આવ્યું છે). તેના કમાંડર ઇન્ફન્ટ્રીની રેજીમેન્ટમાંથી મારા સેક્ટરમાં ડેપ્યુટેશન પર આવેલા કૅપ્ટન ક્રિશન વાસુદેવ હતા. સેક્ટરનો ચાર્જ લઇને મને એક દિવસ પણ નહોતો થયો અને વહેલી સવારે લાઇટ મશીનગન (LMG)ના ફાયરીંગ નો અવાજ આખી ખીણમાં ધમધમી ઉઠ્યો. મેં ફીલ્ડ ટેલીફોન પર વાસુદેવને પૂછ્યું તો જાણવા મળ્યું કે બડા ચિનાર પર ફાયરીંગ થઇ રહ્યું હતું. બે કલાકની પદયાત્રા બાદ ત્યાં પહોંચ્યો ત્યારે પણ થોડી મિનીટોના અંતરે ફાયરીંગ ચાલુ જ હતું. વાસુદેવ તથા જવાનો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમની સામેની પાકિસ્તાની પોસ્ટ કેવળ ૧૫૦-૨૦૦ મીટર પર હતી ત્યાંથી ગોળીબાર થતો હતો. બિગ ટ્રી અને તેમની વચ્ચે LC હતી. જમીન પર આ લાઇન ખેંચાઇ નહોતી તેથી પાકિસ્તાનને તે મંજુર નહોતી!
અમારી કંપનીઓ જે વિસ્તારમાં મોરચા ખોદીને બેઠી હતી ત્યાં ઝાઝી વસ્તી નહોતી, તેથી જમ્મુ-કાશ્મિરની સરકારે પાણીની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમારા રોજિંદા ઉપયોગ માટે નજીકના પહાડી ઝરણાં - જેને કાશ્મિરમાં ચશ્મા કહે છે ત્યાંથી પાણી લાવીએ. એક દિવસ અમારા લંગર (રસોડા)માં કામ કરનાર સૈનિકો ચશ્મા પર પાણી લેવા ગયા, પાકિસ્તાની સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. અમે ફ્લૅગ મીટીંગ કરી તો તેમણે કહ્યું, “આ ચશ્મો અમારા વિસ્તારમાં છે. એક પણ ડગલું મૂકશો તો જાન ગુમાવી બેસશો.” યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકે કહ્યું, “આ disputed territory છે તેથી અમે કંઇ પણ કરવા અશક્તિમાન છીએ!”
સામાવાળાઓની ધોંસ એટલી વધી ગઇ હતી કે તેમના કોઇ સૈનિકને કંટાળો આવે તો અમને બે-ચાર ગાળો અાપી, રાયફલ કાઢી અમારી ચોકી તરફ દસ-બાર ગોળીઓ છોડી દે. આ સત્ય હકીજત છે, અને હું તેનો સાક્ષી છું.
આમ અમારા દિવસ વીતતા હતા. એક દિવસ અમને બધા ‘ફીલ્ડ કમાંડરો’ને હેડક્વાર્ટરમાં ખાસ મીટીંગ માટે બોલાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનામાં ખાસ કમાંડો રેજીમેન્ટ - સ્પેશીયલ સર્વિસ ગ્રૂપ -SSG- છે, જેને પાકિસ્તાનની ‘શાન’ ગણવામાં આવે છે. તેમની ફોજમાં જ પૂરવાર થયેલા શ્રેષ્ઠ નિશાનબાજ તથા શારીરિક અને માનસિક દૃઢતાની પરમોચ્ચ કસોટીમાં સફળ થનાર કમાન્ડો અફસર અને જવાનોને તેમાં લેવાય છે. આપને ખ્યાલ હશે કે જનરલ મુશર્રફ SSGના અફસર હતા. બીજી રસપ્રદ વાત: પાકિસ્તાનનું સર્જન થયા બાદ ભારતીય સેનાના અફસરોને જે દેશનીસેનામાં જવું હોય ત્યાં જવાની છૂટ આપવામાં આવી હતી. મુંબઇના ગુજરાતી મેમણ પરિવારના અગ્રણી સર ઇસ્માઇલ મીઠા મેમણના પુત્ર પાકિસ્તાનની સેનામાં ગયા અને જનરલ મીઠાના નામે પ્રસિદ્ધ થયા. જનરલ મીઠા SSGના સ્થાપક હતા!
SSGના કૅડેટ્સની ટ્રેનિંગ પૂરી થતાં તેમને કાશ્મિરમાં આપણી સેનાની ચોકી પર ‘raid’ કરવાનું ખાસ ‘મિશન’ આપવામાં આવે છે. મીટીંગમાં અમને જણાવવામાં આવ્યું કે આપણા ગુપ્તચરો ખબર લાવ્યા હતા કે SSGની ટ્રેનીંગ લેનાર એક ટુકડીને મારા સેક્ટર પર દરોડો પાડી બને તો એક-બે જવાનોને તેમના હથિયાર સાથે કેદી બનાવી પાકિસ્તાન લઇ જવાનો ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો.
બ્રીફીંગ બાદ હું તરત મારા સેક્ટરમાં પહોંચી ગયો. ત્રણ કલાકના માર્ચ બાદ રાતે હું મારી ટીમ સાથે મારા સેક્ટરની ફૉર્વર્ડ લોકેલીટીમાં ગયો. ચોકીઓમાં બે દિવસ અને બે રાત રહી, ત્યાંના દરેક સૈનિકની ટ્રેન્ચમાં ‘પોઝીશન’ લઇ બેઠેલા જવાનો સાથે સમય ગાળ્યો. તેમની જવાબદારીના વિસ્તારમાં દુશ્મનની હિલચાલ દેખાય તો તેમણે શી કાર્યવાહી કરવાની છે તે સમજાવ્યું. દરેક જવાનને તેનો 'ટાસ્ક' યાદ છે કે નહિ તેની ચોકસાઇ કરી. અમારા જવાનો ભારતના બધા રાજ્યોમાંથી આવ્યા હતા. પોતાની જવાબદારી ઉપરાંત તેમની દેશપ્રેમની ભાવના મજબૂત હતી. મને હૈયાધારણ થઇ કે SSGની કોઇ યુક્તિ અમારા સૈનિકોની સામે ચાલી નહિ શકે. ખાસ તો મેં તેમને એ હુકમ આપ્યો કે જો દુશ્મન તેમની સંરક્ષક ખાઇ સુધી આવેલો દેખાય તો મારા હુકમની રાહ જોયા વગર તેમણે ગોળી ચલાવવી. આનું જે કાંઇ પરિણામ આવે તો તેની હું અંગત જવાબદારી લઇશ એવું જણાવ્યું.
પાંચમા દિવસની રાતે હું માર સેક્ટર હેડક્વાર્ટરની સૌથી આગળની ખાઇમાં હતો ત્યારે રાતના બે-અઢી વાગે લાઇટ મશીનગનમાંથી નીકળતી ગોળીઓની ધણધણાટી સાંભળી. પાંચ સેકંડનો સમય નહિ વિત્યો હોય ત્યાં પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારી FDLs પર ભારે ગોળીબાર શરૂ કર્યો. એક ‘મિનિ-યુદ્ધ’ શરૂ થઇ ગયું હતું. ફીલ્ડ ટેલીફોન પર ચોકીઓના કમાંડરો સાથે વાત કરતાં જણાયું કે અમારી એક FDLમાં લાઇટ મશીનગન પોસ્ટ પર પાકિસ્તાનના SSG કમાંડોની ટુકડી પહોંચી હતી. દુશ્મનને લાગ્યું કે તે સમયે અાપણા સંતરી ગાફેલ હશે, તેથી ‘ફિક્સ્ડ લાઇન’ પર ગોઠવેલી LMGને ખેંચીને લઇ જવાના ઇરાદાથી તેઓ આપણી ખાઇ સુધી પહોંચી ગયા. ભારતનો બહાદુર સંતરી સિખ લાન્સ-નાયક તૈયાર બેઠો હતો. તેણે દુશ્મનને જોતાં વેંત ૨૮ ગોળીઓની મૅગેઝીન ચલાવી. દુશ્મન અમારા ગોળીબારમાં સપડાઇ ગયો હતો. ત્યાંથી તેમને કાઢવા માટે પાકિસ્તાનની બધી ચોકીઓએ અમારા પર ગોળીબાર શરૂ કર્યો. આમાંનો સૌથી મોટો માર મારી કમાંડ પોસ્ટની સામે આવેલી ચોકીમાંની મશીનગનમાંથી આવી રહ્યો હતો. તેમનો ગોળીબાર રોકવા મારી બટાલિયન કે આર્મીના અૉપરેશનલ કમાંડરની “પ્રૉપર ચૅનલ”થી રજા લેવા જઉં તો તે આવતાં સુધીમાં કેટલો સમય નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું. તે દરમિયાન આપણા જવાનોની સલામતિ જોખમમાં મૂકાતી હતી. મેં પોસ્ટના લાન્સનાયક સાથે વાત કરી અને તેના પ્લૅટૂન કમાંડર પાસેથી રિપોર્ટ મેળવ્યો. જીપ્સીએ શો નિર્ણય લેવો જોઇએ?
તેની જગ્યાએ આપે શું કર્યું હોત?

7 comments:

  1. કેપ્ટન સાહેબ-તમારા આ લેખમાં આપણા જવાનોને જંગમાં વાતે વાતે ઓફિસરોની પરમિશન લેવી પડે એ વાત સાંભળી શરમ થાય છે. આ જંગ છે. સામેથી ગોળી છુટે છે તો તમે છોડો. રજા શેની લેવાની? શિસ્તભંગ એ કઇ બલા? આ તુમારશાહીમાં લશ્કર ક્યાંથી જીતે? લડાખમાં આપણાં વીરો આ પોલિટીક્સની લાયમાં વધેરાય ગયા.ઇઝરાયલની મુઠ્ઠીભર પ્રજાના આર્મી પાસેથી આપણા ઓફિસરોએ ઘણું શીખવાનું છે. ત્યારના અને અત્યારના પોલિટીશીયનો માં ઝાઝો ફેર નથી. પણ આશા રાખીએ કે આર્મીની ફિલોસોફીમાં બદલાવ આવ્યો હોય.

    ReplyDelete
  2. @હરનીશભાઇ; આવતા અંકમાં આનો જવાબ મળશે! અહીં જણાવેલ પ્રસંગ ૩૩ વર્ષ પહેલાં થયો હતો. તે સમયે યુનાઇટેડ નેશન્સના નિરીક્ષકો blatantly 'સામેવાળા'ના પક્ષમાં હતા. તેમનું થાણું તેમના મુઝફ્ફરાબાદમાં હતું અને તેમનો મત જીતવા માટે તેમની ખાતરબરદાસ અતિ ઉત્તમ પ્રકારની હોવી જોઇએ! તે સમયે આપણા લગભગ બધા જ આક્ષેપોને તેઓ ખારીજ કરતા હતા. ચશ્મા પરથી પાણી લેવાની બાબતમાં તેમણે લીધેલા વલણને કારણે આપણા જવાનોને દૂરના ચશ્મા પર જવું પડતું અને તે માટે ૧૦ મિનીટને બદલે હવે બે કલાક લાગી જતા. યુનાઇટેડ નેશન્સને આની ક્યાં પડી હતી?

    ReplyDelete
  3. Narendrabhai..Nice report & noe better understanding of what was happening behind the actual fighting !
    Chandravadan ( Chandrapukar )

    ReplyDelete
  4. All developing countries suffer from a common obstacle in maintaining their armed forces.They do not have enough money to properky equip their jawans. It is the lot of ordinary soldiers and junior officers,drawn from among the poor and lower middle classes who join the forces. In the name of discipline, our sons cannot air their grievances even though those serving in snow-clad mountains may not have proper clothing, equipment,means of communications, and in recent years indifference of the top brass. Isreal is a nation in danger and that makes the people acutely aware of the state or armed forces. Our country is like a continent. We are so many that even in hand to hand combat we will win.Another tragedy is the nuclear arms race. It is highly unlikely that despite all the muscle flexing,no country will be insane enough to use nuclear weapons. Tomorrows wars,as foretold by terrorist attacks in recent years will be wages with machine guns and missiles.That is why it imperative to root out terrorism wherever it rears its head.

    ReplyDelete
  5. ગુજરાતી ભાષામાં પ્રથમ વખત ભારતીય જવાનોની હિમંતભરી સફરની એક રોમાંચક કથની તમારા લેખો દ્વારા વાંચવા મળી રહી છે એ માટે હું મને ખાસ ભાગ્યશાળી માનું છું.

    એક નાનો સવાલઃ LMG અને FDLએટલે શું?

    જય

    ReplyDelete
  6. @ જય:
    જીપ્સીની ડાયરીની મુલાકાત લેવા માટે આભાર!
    LMG એટલે લાઇટ મશીન ગન. આ અૉટોમેટીક શ્રેણીનું હથિયાર છે. તેમાં મૅગેઝીન (ગોળીઓનું કન્ટેનર) ચડાવેલું હોય છે અને તેમાંથી ૨૮ ગોળીઓ હોય છે. એક વાર ટ્રીગર દબાવવાથી દસે'ક સેકન્ડમાં ૨૮ ગોળીઓ છોડી શકાય છે. FDL 'ફૉર્વર્ડ ડીફેન્ડેડ લોકૅલિટીનું abbreviation છે. હુમલો કરવા આવનારા દુશ્મનને પરાસ્ત કરવા માટેની આ વ્યુહાત્મક ખાઇ, માઇનફીલ્ડ વિ. હોય છે.

    ReplyDelete
  7. Today, I read so many posts.

    really really enjoyed lot.

    ReplyDelete