Pages

Tuesday, June 23, 2009

આખ્યાયિકાઓ (4)

આખ્યાયિકાઓ કહો કે દંતકથા, તે ઇતિહાસનો અંશ હોય છે. ઇતિહાસનો અંશ એટલા માટે કે જુના જમાનાથી કહેવામાં આવતી, વણ-લખાયેલી, દસ્તાવેજી પુરાવા વગરની આ વાતો હોય છે, પણ તેની પાછળ સત્યનો અંશ હોય છે. રાણકદેવીનું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ તેમને પાટણ લઇ જઇ રહ્યા હતા તે સમયથી ગિરનારમાં એક મોટો ખડક એવો છે જે પડતાં પડતાં રોકાઇ ગયો હોય તેવું લાગે. આખ્યાયિકા તો સૌ જાણે છે કે સતીમાતાએ તેમની પાછળ શોકથી તુટી પડતા ગિરનારને “મા પડ, મારા આધાર, ચોસલાં કોણ ચઢાવશે/ગયા ચઢાવણહાર, જીવતાં જાતર આવશે...” ગાયું હતું. પહાડ પરથી પડતા ખડકની થઇ આખ્યાયિકા, રાણકદે ઐતિહાસીક પાત્ર અને વંદનીય સતી હતા. તેમની ખાંભી સુરેન્દ્રનગર પાસે હજી ઉભી છે.
કચ્છની આખ્યાયિકાઓ એવી જ છે - સત્યના અંશ સમાન.
ભુજની પાસે આવેલ માધાપર ગામ પાસેનું જખનું મંદિર સુપ્રસિદ્ધ છે. અહીંની આખ્યાયીકા છે કે હજારો વર્ષ પહેલાં અહીંની ધનિક અને શાંત પ્રજા પર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે તેમની સહાયતા માટે ગોરા વાનના ‘તેજસ્વી’ યક્ષ ઘોડા પર બેસીને ત્યાં આવ્યા અને દુશ્મનોને મારી હઠાવ્યા. લડાઇમાં કેટલાક ‘યક્ષ’ મૃત્યુ પામ્યા અને સ્થાનિક પ્રજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટેકરી પર ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ રચી. ત્યાં મંદીર થયું અને દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ઘોડા પર બેઠેલા યક્ષોની ખાંભીઓ આપણને હજી જોવા મળશે. ઇતિહાસવિદોની માન્યતા છે કે આ યક્ષો આકાશમાંથી ઉતરી આવ્યા નહોતા. તેઓ એલૅક્ઝાન્ડર-ધ-ગ્રેટના ગ્રીક સૈનિકો હતા, અને કચ્છના બંદરેથી પોતાને વતન જવા નીકળ્યા હતા. ગામલોકોની ચીસો સાંભળી તેઓ તેમની મદદે ધસી ગયા હતા.
આવી જ વહેમભરી આખ્યાયિકા હતી સિંધમાં. એક ઉંચા, વિશાળ ટેકરામાં ભૂતોનો વાસ છે એમ મનાતું. સાંજ પછી ત્યાં કોઇ જતું નહિ. આ ટેકરાનું નામ જ પડી ગયું- મરેલાઓનો અડ્ડો. સિંધી ભાષામાં લોકો તેને “મૂંએજો-ડેરો” કહેતા. અંગ્રેજોએ તેનો જેવો ઉચ્ચાર કર્યો તેવી જ જોડણી કરી: Mohen-jo-daro. આપણા ઇતિહાસકારોએ તેનું ભારતીય-કરણ કર્યું, “મોહન જો દરો”. પુરાતત્વવિદ્ વિદ્વાનો દ્વારા ત્યાં ખોદકામ થયું અને આખ્યાયિકા ઇતિહાસ સાબિત થઇ. સિંધુ-સરસ્વતિની ભારતીય સંસ્કૃતીની પ્રાચિનતાનો નક્કર પુરાવો મળ્યો. કચ્છના રણ પ્રદેશની આખ્યાયિકાઓ પાછળ ઇતિહાસ છે. ખારાપાટની નજીક અકાળે મૃત્યુ પામેલા યુવાન હવાલદારની દેરી છે; પાણી વગર ટળવળીને મરી ગયેલ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષ-બાળકોની કરૂણ ઘટના રણમાં થઇ. આ ઇતિહાસ પાછળ અને તેની આસપાસ વણાઇ છે દંતકથાઓ. અરવિંદ વૈષ્ણવનો અનુભવ કહો કે જીપ્સીને નાડાબેટની સામેના રણમાં થયેલ અનુભુતિ કહો. તેને માન્યતા કે વહેમનું નામ આપો. પરંતુ સત્ય તો એ વાતમાં છે કે અમારા સમયમાં નાડાબેટમાં માતાજીની 4x4 મીટરની દેરી હતી તેનું આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. દૂર દૂરથી હજારો પ્રવાસીઓ ત્યાં દર્શન કરવા તથા બાધા ઉતારવા જાય છે. શ્રદ્ધા, સંજોગ, અજાણ્યા સ્થળે અને રહસ્યમય રીતે મળતી અનપેક્ષીત સહાય - આ બધી વાતોનો વૈજ્ઞાનિક ખુલાસો ન મળે તો સામાન્ય લોકો તેને ચમત્કાર કહેશે. અંતે તારતમ્ય તો એ નીકળે છે કે માનવતાનું દિવ્ય અમૃત મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે વહેતું જ રહે છે. અચાનક તેનાં થોડાં અમીછાંટણાંનો પ્રસાદ કોઇને મળે તો તેની ધન્યતામાં ચમત્કારની ચમક રહેલી છે એવું જીપ્સીનું માનવું છે.
અહીં જીપ્સીને નાડાબેટમાં થયેલા અનુભવનો ઉલ્લેખ કર્યો છે તો તેની સંક્ષીપ્ત વાત કહીશ.
બનાસકાંઠા- થર પારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. રસ્તામાં આવતા પાડણ નામના ગામમાં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદીર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઇ અમે હંમેશા દર્શન કરવા રોકાઇએ.
એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સુઇગામ જઇએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદીરેથી રણમાં ઉતરી સીધી લાઇનમાં નાડાબેટ જઇએ તો કેવળ ત્રણ-ચાર કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ ખારાપાટમાં વાહન લઇ જવાની અમને સખ્ત મનાઇ હતી. મેં મારા ડ્રાઇવરને કહ્યું, ‘ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઇ જઇએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી.
અમે પચીસે’ક મીટર ગયા હઇશું ત્યાં આગલા પૈડાંની નીચેથી સફેદ મીઠાના બદલે કાળો કાદવ દેખાયો. ડ્રાઇવરને ગાડી રોકવાની સૂચના આપું તે પહેલાં જીપ ખારાપાટમાં ખૂંપવા લાગી. તેણે 4x4નો ગીઅર ચડાવ્યો પણ જીપના ટાયર વધુ ખૂંચી ગયા. પૈડાં skid થવા લાગ્યા અને વ્હીલની નીચેથી ભીનો, કાળો કાદવ ઉડવા લાગ્યો. પોણા ભાગની આગલી એક્સલ કાદવમાં ખૂંપી ગઇ. ડ્રાઇવરે જીપ રીવર્સ કરી, તો પાછળનાં પૈડાં પણ સ્કીડ થયા અને એક જ જગ્યાએ ઘૂમતા રહ્યા. મીઠાના થરને દૂર કરી વ્હીલ તથા પાછલી એક્સલ પણ કાદવમાં ખૂંપી ગઇ.
હું જબરી વિમાસણમાં પડી ગયો. એક તો મેં સ્થાયી હુકમનો ભંગ કર્યો હતો, અને હવે જીપ ખારાપાટમાં અટવાઇ ગઇ. અહીં મીઠાના થરની નીચે કળણ હતું. હવે તો હેડક્વાર્ટર તરફથી કોર્ટ અૉફ ઇન્ક્વાયરી થાય અને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. શું કરવું તે સમજાતું નહોતું. ડ્રાઇવરે મદદ માટે બૂમો પાડી, પણ શિવ મંદીરમાં તે સમયે કોઇ નહોતું. આસપાસ કોઇ મકાન પણ નહોતાં. તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતીજ પર દેખાતા નાડાબેટ પર પડી. મૃગજળને કારણે લીલો છમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. અમને નાડાબેટનાં માતાજીની આખ્યાયિકાઓ યાદ આવી. છેલ્લી આશા હવે માતાજીની કૃપાની હતી. અમે બન્નેએ પ્રાર્થના કરી. માતાજી પાસે મદદની યાચના કરી. ડ્રાઇવરે થોડી વારે ફરી જીપનું એન્જીન સ્ટાર્ટ કર્યું અને રીવર્સમાં ગિયર લગાવ્યો. ભાસ કહો, આભાસ કહો, વહેમ કહો કે પરમ શક્તિની કૃપા કહો, મને અહેસાસ થયો કે જીપને એક અદૃષ્ટ બળ પાછળથી ઉંચકીને ખેંચી રહ્યું હતું. પાછળના બન્ને પૈડાં જાણે પાણીમાં તરતા હોય તેમ થોડા ઉપર આવ્યા અને ધીમે ધીમે જીપ પાછળ સરકવા લાગી. તેવી જ રીતે આગળનાં પૈડાં થોડા ઉંચકાયા અને પહેલાં જે જગ્યાએ ટાયર લપસી રહ્યા હતા ત્યાં તેમને જાણે નવી પકડ મળી. દસ પંદર મિનીટમાં અમે ખારાપાટની બહાર મંદિરના કિનારે પાછા આવી ગયા.
હું કશું કહું તે પહેલાં મારા ડ્રાઇવરે ધ્રુજતા અવાજે કહ્યું, “હુકમ, આપને મહેસૂસ કિયો જો મૈંને કિયો? ઐસો લાગો જૈસો ગાડીકો કિસીને પીછેસે ઉઠાયો અૌર ખિંચ કે અઠે રણ-રે કિનારે લાયો!”
આ શું હતું? ચમત્કાર? આભાસ?
કોઇ કહેશે તમારી જીપ 4x4 હતી તેથી તે પોતાના મોટિવ ફોર્સથી ચાલી ગઇ. પહેલાં અમે જીપને 4 x 4 માં જ ચલાવી હતી ત્યારે જીપનાં આગળ અને પાછળના બન્ને એક્સલ ખારાપાટના કાદવમાં ખૂંપી ગયા હતા. આ બાબતમાં હું તો એટલું જ કહીશ: આનું રહસ્ય મારા માટે અગમ્ય છે.
રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
તે સમયે હું તેની વાતથી અસંમત ન થઇ શક્યો!

4 comments:

  1. શ્ર્ધ્ધાનો હોય જો વિષય તો પુરાવાની શી જરુર.
    કુરાનમાં કયાંય પયગંબરની સહી નથી.

    -જલન માતરી.

    ReplyDelete
  2. I believe that after Kaka Kalelkar, Captain Narendra Phanse is the only pen-man,whose mother spoke Marathi but who writes better Gujarati than most of those whose mothers spoke Gujarati. I also suspect that Narenbhai's Gujarati writing is much better than his Marathi writing.He should try to write simultaneously in Gujarati,Marathi and English.

    ReplyDelete
  3. હું તુષાર ભાઈની સાથે સહમત છું .

    કદીક આવા ચમત્કાર થતા જ હોય છે. પણ તેમાંથી શ્રધ્ધા પ્રગટે અને શક્તીમાન થવાય ત્યાં સુધી એ બરાબર .
    - સુરેશ જાની

    ReplyDelete
  4. રાજસ્થાનના ચુરૂ જીલ્લાના નાનકડા ગામમાંથી આવનાર અમારા ડ્રાઇવર માટે આ માતાજીનો ચમત્કાર અને પ્રાર્થનાની પ્રસાદી હતી.
    Another Paranormal incident..but Man always has the Explanation to ANYTHING rightly OR wrongly. A belief of a person is always based on his/her presonal experience...so let us keep away from this discussions !
    Chandravadan ( Chandrapukar )
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete