Pages

Thursday, April 23, 2009

દાવાનળનું પૂર્વસૂચન

બૉર્ડર સિક્યોરિટી ફોર્સ - BSF - ભારત સરકારની સશસ્ત્ર સેનાનું અંગ - Armed Force of the Nation છે. ૧૯૬૫ના યુદ્ધ બાદ કરવામાં આવેલી તેની રચના પાછળ બે ઉદ્દેશ હતા: દેશની આંતરરાષ્ટ્રીય સીમા પર ફરજ બજાવતી સેનાનું સ્થાન લઇ સીમા પરની તંગદીલી ઘટાડવી. આ કાર્ય માટે BSFના સૈનિકોને પ્રશિક્ષણ તથા શસ્ત્રો ભારતીય સેનાના સમકક્ષ દરજ્જાના આપવામાં આવ્યા જેથી આ નુતન સુરક્ષાદળ સીમા પારથી થતી ઘૂસણખોરીને રોકે તથા દુશ્મને કરેલ અચાનક એવા પ્રથમ હુમલા (preemptive strikes)ને ભારતીય સેના આવે ત્યાં સુધી તેને ખાળી શકે. આ અગાઉ દેશમાં કાયદો અને શાસકીય વ્યવસ્થા શાંતિ સ્થાપવામાં રાજ્ય સરકારનું પોલીસખાતું નબળું પડે ત્યારે તેમને મિલીટરી બોલાવવી પડતી. મિલીટરી સખત હાથે કામ કરે તો દેશની જનતા આગળ તેની છબી નબળી પડે તેથી સૈન્યના સ્થાને આંતરીક સુરક્ષા (Internal Security) માટે એવા “paramilitary” દળને મોકલવું જે નિપુણતાથી સૈન્ય જેવું કામ કરી શકે. BSFને આ કામ માટે તૈયાર કરવા આવવામાં આવ્યું. આ હતો BSFના નિર્માણ પાછળનો બીજો ઉદ્દેશ. આમ ગૃહખાતાના સુરક્ષા દળને મિલીટરી જેવું જ કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલ BSFની બટાલિનોના મોટા ભાગના કમાન્ડીંગ અૉફિસરોની નીમણૂંક માટે ભારતીય સેનાના કર્નલોની માગણી કરવામાં આવી. કમનસીબે કર્નલના પદથી આગળ વધી ન શકે તેવા તથા કેવળ પોતાના મૂળ પગારથી પચાસ ટકા વધુ મળતા ‘ડેપ્યુટેશન અલાવન્સ’ મેળવવા માટે ઘણા અફસરો BSFમાં આવ્યા.

જીવનમાં સારા, નરસા અને દુષ્ટજનોનો સંપર્ક દરેકને થતો હોય છે, પણ અમારા નવા CO કર્નલ શહાણે જેવો માણસ જીંદગીમાં ક્યાંય જોવા મળ્યો નહોતો. જેટલી તેમની ભાષા અશીષ્ટ અને અશ્લીલ, એટલું જ ખરાબ તેમનું વર્તન. તેમની વક્રતા શબ્દો પૂરતી સીમિત નહોતી. ડ્યુટી કે ટ્રેનીંગના બહાના હેઠળ કડક શિક્ષા પણ ઠોકતા. સશસ્ત્ર સેનામાં અફસરોનાં પ્રમોશનનો ૯૦% આધાર કમાન્ડીંગ અૉફીસરે આપેલા ‘અૅન્યુઅલ કોન્ફીડેન્શીયલ રીપોર્ટ’ પર રહેતો હોવાથી અફસરોને ચૂપચાપ આવા અત્યાચાર સહન કરવા પડતા.

સરબજીત સિંઘ ઢિલ્લૉં અમારી બટાલિયનના સૌથી લોકપ્રિય અફસર હતા. પંજાબ રાજ્ય તરફથી રાષ્ટ્ીય ચૅમ્પિયનશીપમાં તેઓ હૉકી ખેલી ચૂક્યા હતા. અભ્યાસમાં પણ એટલાજ હોંશિયાર. બી.એસસી.માં પ્રથમ વર્ગ મેળવ્યા બાદ તેમને અમેરીકાની સર્વોચ્ચ ગણાતી MIT (મૅસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ અૉફ ટેક્નોલૉજી)માં ‘માસ્ટર્સ’ માટે અૅડમિશન મળ્યું હતું, પણ દેશપ્રેમને પ્રાથમિકતા આપી ૧૯૬૨ની લડાઇ બાદ સેનામાં જોડાઇ ગયા હતા. જવાનો અને અફસરોના પ્રિય એવા સરબજીત એક મહિનાની રજા પર ગયા. પરિવારના દબાણને કારણે તે દરમિયાન તેમને લગ્ન કરવા પડ્યા, અને રજા પરથી યુનિટમાં પાછા આવતી વખતે પત્નિને સાથે લઇ આવ્યા. ટ્રેન મોડી સાંજે પાલનપુર પહોંચી અને દાંતિવાડા આવતાં રાતના આઠ વાગી ગયા હતા. અમે તેમને રાતના ભોજન માટે બોલાવ્યા. જમણ પૂરૂં પણ નહોતું થયું કે શહાણે સાહેબનો ગોરખા
અૉર્ડર્લી પ્રેમ બહાદુર અમારે ઘેર આવ્યો. “સીઓ શાબને શરબજીત શાબ કે લિયે ખત ભેજા હૈ.”

સરબજીતે પત્ર ખોલ્યો અને તેનો ચહેરો પડી ગયો.

શહાણે સાહેબે તેને પરોઢિયે પાંચ વાગે બટાલિયન છોડી, રણના ખારાપાટની વચ્ચે આવેલી અમારી સૌથી આગળની ચોકી બોરિયાબેટ જવાનો હુકમ કર્યો હતો!

એક નવપરિણીત અફસર અને તેની નવવધુને આવી શિક્ષા આપવાનું કારણ કોઇની સમજમાં આવ્યું નહિ. પતિયાળાથી પાલનપુર સુધીના લાંબા પ્રવાસ બાદ તેમણે હજી સામાન પણ ખોલ્યો નહોતો કે તેને બૉર્ડર પર જવાની તૈયારી કરવી પડી. અમારા અંદાજ પ્રમાણે સરબજીતે પત્નિને સાથે લાવવા માટે શહાણે સાહેબની રજા માગી નહોતી! આવી જ રીતે બટાલીયનના ત્રણ અન્ય અફસરોને તેમણે આવી જ અકારણ સજા આપી હતી.

કર્નલ શહાણે (આ તેમનું સાચું નામ નથી) તીવ્ર માનસિકતાથી પીડાતા હતા એ સ્પષ્ટ હતું. તેમના હાથ નીચે કામ કર્યા બાદ તમને હૉલીવૂડનું બીજા વિશ્વયુદ્ધ પર આધારીત “ડર્ટી ડઝન” નામનું ચિત્રપટ યાદ આવશે. તેમાં ટેલી સૅવાલાસ નામના અભિનેતાએ એક sadist ખુનીની ભુમિકા ભજવી હતી. શહાણે ખુની નહોતા, પણ સેડીસ્ટ જરૂર હતા! તેમના આ સ્વભાવ - કે માનસિક રોગનું કારણ જાણવા જેટલા અમે તજ્ઞ નહોતા, પણ તેમની અને કેટલીક વાર તેમનાં પત્નિની વાતોમાંથી લપસતી ફ્રૉઇડીયન સ્લિપમાંથી થોડો અંદાજ આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં તેમને ભારતની વિશ્વવિખ્યાત ગણાતી લાઇટ ઇન્ફન્ટ્રીમાં કમીશન મળ્યું હતું. રેજીમેન્ટનો ખુબસુરત યુનિફૉર્મ જોઇ પુનાની વાડિયા કૉલેજની બ્યુટી ક્વીન તેમના પર મોહી પડી અને ગ્રૅજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા આપ્યા વગર લગ્ન કરી બેઠી. બે બાળકોના જન્મ બાદ પતિના કપરા સ્વભાવથી કંટાળી તેમની સાથે રહેવા કરતાં તેમનાથી દૂર રહેવાનું તેમણે વધુ પસંદ કર્યું. જ્યારે બનાસકાંઠામાં આવે અને અૉફિસર્સ મેસમાં થતી પાર્ટીમાં કોઇ અફસરને કર્નલ શહાણે તેમની પત્ની સાથે વાત કરતાં જુએ તો તેની આવી બની સમજો: આ અફસરને કૂડા-બેલા, બોરીયાબેટ અથવા રાઘાજીના નેસડા જેવી ચોકીમાં રાતોરાત મોકલવામાં આવે!

એક વાત સાચી કે શહાણે સાહેબની આ વાત છોડીએ તો તેમણે અમને તથા અમારા સૈનિકોને અમારી ડ્યુટી માટે પલોટવામાં પૂરી રીતે ‘પ્રોફેશનાલીઝમ’ દાખવી હતી. આ એક જ વાત માટે અમે તેમના ઋણનો કાયમ માટે સ્વીકાર કર્યો. તેમની સખત - અને ઘણી વાર અસહ્ય નીતિને કારણે ઇન્ફન્ટ્રીની મૂળભૂત ફરજ ઉપરાંત દેશમાં આંતરીક સુરક્ષા માટે જવાની અમારી જવાબદારી પૂરી કરવા અમારે જે કાર્યવાહી કરવી પડે તેનો અમે ઊંડાણથી અભ્યાસ કરી શક્યા. ખાસ કરીને અાંતરીક સુરક્ષા માટે અમે જે તૈયારી કરી તેમાં આગામી તોફાનની આગાહી હતી તેનો અમને કોઇને અંદાજ નહોતો.

તે વર્ષ હતું ૧૯૬૯.

આ વર્ષમાં અમદાવાદના ૫૫૦ વર્ષના ઇતિહાસમાં કદી ન બન્યા હોય તેવા કોમી રમખાણ થયા. આ હુલ્લડ નહોતું, એક પ્રલય હતો. તેની આંચ જીપ્સીના જીગરને એવી લાગી, તેની યાદ આવતાં આત્મા કંપી જાય છે. કદી કોઇને ન કહેલી વાત હવે કહ્યા વગર રહી શકતો નથી. આ જીપ્સીની વાત નથી, અગ્નિના તાંડવમાંથી બહાર નીકળી આવેલા એક Firefighterની વાત છે - તમારી અને મારી વાત. તમે સાંભળી હશે અને અનુભવી પણ હશે.

આગળ જતાં તમે વાંચશો આ દાવાનળને ઠારવા ગયેલા અગ્નિશામકદળના એક સૈનિકની વાત....

tatto media
tatto media

3 comments:

  1. વાહ નરેનકાકા, નાનપણમાં વાંચેલી યુદ્ધકથાઓની યાદ તાજી કરાવી આપી, પણએ યુદ્ધકથાઓ ની ખામીઓ એ હતી કે તેમાં માનવીય તત્વ ઓછું હતું જ્યારે તમારી વાતોમાં માનવતા વધારે ઝલકે છે એનુ કારણ કદાચ વિમલાતાઈ જેવા મહાન માતા પણ હોઈ શકે.

    ReplyDelete
  2. Enjoyed the new chapter in the old memories....& the creation of Border Security Force & the story of an officer's behaviour......& willwait for the next chapter...!
    Chandrapukar (Chandravadan )

    ReplyDelete
  3. શહાણે સાહેબની વાત રસપ્રદ લાગી.
    -સુરેશ જાની

    ReplyDelete