Pages

Friday, April 3, 2009

ચવીંડાનું યુદ્ધ.... અને વિવાદ

ચવીંડાનું યુદ્ધ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના ઇતિહાસમાં વિશીષ્ઠ સ્થાન ધરાવે છે. ૧૯૬૫ના યુદ્ધની પરાકાષ્ટા સમાન આ લડાઇને પાકિસ્તાનની સેના તથા જનતા ભારતનો “પરાજય” ગણે છે! બીજી વાત: પાકિસ્તાની જનતા તથા સેનાનાં નિવૃત્ત અફસરોએ લખેલાં પુસ્તક અને લેખોમાં તેમણે ૧૯૬૫ના યુદ્ધને “બીજું જમ્મુ-કાશ્મીર યુદ્ધ” ગણ્યું છે. પ્રથમ યુદ્ધ ૧૯૪૭માં થયું હતું એવું હવે તેઓ કબુલ કરવા લાગ્યા છે. સંદર્ભ જોવા અહીં ક્લીક કરશો:

અહીં ભારત-પાકિસ્તાનના યુદ્ધોના ઇતિહાસમાં ડોકિયું કરવાનું મન થાય છે. જો કે એક વાતનું અહીં સ્પષ્ટીકરણ જરૂર કરીશ કે "જીપ્સી" 'મિલીટરી હિસ્ટોરીયન'નથી. યુદ્ધશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કરેલા અભ્યાસમાં તથ્ય શોધવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મારો અભ્યાસ પુસ્તકો પુરતો મર્યાદીત નથી. ૧૯૬૫ અને ૧૯૭૧ની લડાઇમાં હું રણમોરચે રહી યુદ્ધ ખેલી આવ્યો છું. ૧૯૭૮થી ૧૯૮૦ના વર્ષોમાં કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની સામે રહી તેમના સતત ગોળીબારનો સામનો કરી આવ્યો છું. તેથી મારા અભ્યાસમાં “ફીલ્ડ સ્ટડીઝ”નો અનુભવ પણ સામેલ છે. તેમ છતાં હું વાચકોની શોધક નજરને નિમંત્રણ આપીશ. મને ઉમેદ છે કે તેઓ નીર-ક્ષીર વિવેકબુદ્ધીથી મારી વાત નિહાળશે.

ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાં ભારતનો રાજકીય વહીવટ બે ભાગમાં વહેંચાયેલો હતો: બ્રિટીશ ઇંડીયા અને નેટીવ ઇન્ડીયન સ્ટેટ્સ. ૧૯૪૭માં દેશી રાજ્યોને સ્વેચ્છાએ નિર્ણય લેવાનો હતો કે તેમણે ભારત યા પાકિસ્તાનમાં જોડાવું અથવા સ્વતંત્ર રહેવું. દેશી રાજા પર કોઇ દબાણ નહોતું કે તેમણે અમુક જ રાજ્યમાં જોડાવું. હા, આજકાલની ચૂંટણીઓમાં થાય છે તેવું લૉબીઇઁગ બન્ને સરકારો તરફથી કરવામાં આવ્યું હતું. નવાઇની વાત છે કે જામનગરના મહારાજા દિગ્વીજયસિંહજી પાકિસ્તાનમાં જોડાવાનો વિચાર કરતા હતા!

કાશ્મીરમાં મુસ્લીમ બહુમતી હોવા છતાં તે સમયે ત્યાંના લોકનેતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કાશ્મીરની જનતાની સુખાકારી અને કલ્યાણ ભારતમાં જોડાવાથી કાયમ રહેશે. મહંમદ અલી ઝીણાના ‘દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત’ મુજબ ભારતનું વિભાજન ધર્મના આધારે જ થવું જોઇએ, અને તે પ્રમાણે તેમણે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય તેવો તેમણે આગ્રહ રાખ્યો. આ આગ્રહ તેમણે શબ્દો પુરતો સીમિત ન રાખતાં તેમણે હજારોની સંખ્યામાં NWFPના કબાઇલીઓને પાકિસ્તાની સેનાના શસ્ત્રાગારમાંથી રાઇફલ્સ, લાઇટ મશીનગન્સ અને ભરપુર સંખ્યામાં દારુગોળો આપીને કાશ્મીરની ખીણમાં ઘુસાડ્યા. પશ્ચીમ કાશ્મીર - એટલે પૂંચ-રજૌરી વિસ્તારમાં પણ તેમણે સૈનિકો- કબાઇલીઓને મોકલ્યા અને યુદ્ધ શરૂ કર્યું. આવી રીતે ઝીણાએ શરૂઆતમાં હથિયારબંધ પઠાણ-સ્વાતી કબાઇલીઓને મોકલ્યા. ત્યાર બાદ પાકિસ્તાની સેનાની ટુકડીઓ મોકલીને મહારાજા હરીસિંહ પર લશ્કરી દબાણ આણ્યું. તેમની હથિયારબંધ ટોળીઓ બારામુલ્લા કબજે કરી શ્રીનગરના હવાઇ અડ્ડા નજીક પહોંચી ગઇ હતી.

પરિસ્થિતિ કથળેલી જોઇ મહારાજા હરીસિંહને ખાતરી થઇ કે તેમને જોઇતી ‘સ્વતંત્રતા’ કોઇ પણ હાલતમાં તેમને કે કાશ્મીર રાજ્યને મળી શકે તેમ નહોતી. દુશ્મન દરવાજા સુધી પહોંચી ગયો હતો. જે રીતે તેણે કાશ્મીરની પ્રજા - હિંદુ છે કે મુસલમાન તે જોયા વગર જે રીતે કત્લેઆમ કર્યો તે જોતાં દુશ્મન સૌ પ્રથમ તેમની અને તેમના રાજપરિવારની કતલ કરે તેવું હતું. બીજી તરફ પાકિસ્તાનના ગવર્નર જનરલ ઝીણા કાશ્મીરને યુદ્ધ દ્વારા કબજે કરી તેને ‘જનતાની ક્રાંતિનું’ નામ આપવા માગતા હતા. ઝીણાની ઇચ્છા અધુરી રહી.

અહીં વાચકો માટે જીપ્સી રજુ કરે છે પરદા પાછળની વાત, જે ભારતના જાણીતા પત્રકાર પ્રેમ શંકર ઝાએ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ સાથે લીધેલી મુલાકાતમાં ઉભરીને બહાર આવી. આ મુલાકાત શ્રી. ઝાએ લખેલ પુસ્તક “Kashmir 1947, Rival Versions of History”, by Prem Shankar Jha, Oxford University Press, 1996, Rs 275. Readers in the US may secure a copy of the book from Oxford University Press Inc USA, 198, Madison Avenue, New York, New York 10016, USA. Tel: 212-726-6000. Fax: 212-726-6440.

સૅમ માણેકશૉ (સૅમ બહાદુર) તે સમયે કર્નલ હતા અને ભારતના કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર રૉય બુચરની નિકટના વિશ્વાસુ અફસર હતા. ભારતીય સેનાના યુદ્ધ વિભાગ - ડાયરેક્ટોરેટ અૉફ મિલીટરી અૉપરેશન્સમાં સૅમ બહાદુર અતિ મહત્વના વિભાગના વડા અફસર હતા. હવે પછીની વાત આવતા અંકમાં સૅમ બહાદુરના શબ્દોમાં જોઇશું....

tatto media
tatto media

2 comments:

  1. Chavina Battle of 1965....& the comparision to the Battle for KASMIR....it is getting interesting & will wait for the next Post....
    Chandravadan
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  2. Nice chapter-I also enjoyed reading Indo-Pak war of Kashmir on Wikipedia-It was very intersting to read about the war and follow diff maps-
    Fantastic reading-Keep it up Captain-
    Yes, I read many things about General Manekshaw and Ayubkhan redently on the ocassion of General Manekshaw's death

    ReplyDelete