યુદ્ધના ત્રણ અભિયાન (Operations of War) હોય છે: સંરક્ષણ (Defence), આક્રમણ (Attack), અને પીછેહઠ (Withdrawal). સંરક્ષણની તૈયારી એવા સ્થળે કરવામાં આવે છે જ્યાંથી આપણા પર હુમલો થવાની સંભાવના સૌથી વધારે હોય છે. સામરીક દૃષ્ટીએ મહત્વના ગણાય તેવા આ સ્થાન પર દુશ્મન કબજો કરે તો તે દેશનું સંરક્ષણ કરવું મુશ્કેલ બની જાય. દાખલા તરીકે ૧૯૪૮માં કાશ્મીરમાં ઘૂસી ગયેલ પાકિસ્તાની કબાઇલીઓ માટે શ્રીનગરનું એરોડ્રોમ કબજે કરવું અતિ મહત્વનું હતું. તેમ કરવાથી કાશ્મીરની ખીણ પર તેમનો કબજો થઇ જાય તેવું હતું. દુશ્મન શ્રીનગરની નજીક પહોંચી ગયા હતા, તેમ છતાં તેના પર કબજો કરવાને બદલે આ જંગલી કબાઇલીઓ સ્થાનિક લોકોની હત્યા, લૂંટફાટ અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં સમય વીતાવ્યો. તેમણે ત્યાંની મુસ્લીમ, હિંદુ અને બારામુલ્લામાં સેવાકાર્ય માટે યુરોપથી આવેલ િખ્રસ્તી સાધ્વીઓ - કોઇને છોડ્યા નહિ. તે સમયે બનીહાલ ટનલ બની નહોતી, કાશ્મીરની ખીણમાં આપણી સશસ્ત્ર સેના નહોતી કારણ કે મહારાજા હરીસિંહે કાશ્મીર રાજ્યને ભારતમાં વિલીનકરણ કરવાના દસ્તાવેજ (Instrument of Accession) પર સહિ કરી નહોતી. સરદારશ્રીએ પ્રસંગાવધાન દર્શાવી જે પગલાં લીધાં તેના કારણે રાતોરાત મેજર સોમનાથ શર્મા તથા તેમની ૧૦૦ સૈનિકોની કંપનીને વિમાનમાર્ગે શ્રીનગર પહોંચાડવામાં આવ્યા. ત્યાં થયેલ તુમુલ્લ યુદ્ધમાં કબાઇલીઓને ત્યાંથી હઠવું પડ્યું હતું. મેજર સોમનાથ શર્મા વીરગતિ પામ્યા, પણ શ્રીનગર એરોડ્રોમ બચી જતાં ત્યાં બ્રિગેડિયર એલ.પી.સેન તથા તેમની સેનાના ૩૦૦૦ સૈનિકો ઉતરી શક્યા. કાશ્મીર બચી ગયું - અથવા તેના જેટલા ભાગમાંથી શત્રુને આપણી સેના હાંકી શકી એટલો ભાગ બચી ગયો. (કાશ્મીરના બચાવ વિશેનો “episode” ફરી ક્યારેક કહીશ). અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ કે strategically મહત્વના સ્થળનું જાનમાલની પરવા કર્યા વગર સંરક્ષણ કરવા ત્યાં મજબૂત રક્ષાપંક્તિ Defence રચવામાં આવે છે. અહીં આર્ટીલરીની ભારે તોપના મારને જીરવી શકે તેવા બંકર બાંધી, તેમાં ટૅંકને વિંધી શકે તેવી રિકૉઇલ-લેસ ગન, મશીનગન વિ. મૂકવામાં આવે છે. (તોપમાંથી ગોળો છૂટે ત્યારે તેની પ્રતિક્રિયામાં તોપને ઝટકો લાગી તે પાછી હઠે છે. આ ઝટકાને -recoiling-ને નિવારવા બનાવેલી ખાસ પ્રકારની તોપને રિકૉઇલલેસ ગન કહેવાય છે.) સંરક્ષણપંક્તિની સામેના મોટા વિસ્તારમાં માનવ અને ટૅંક વિરોધી (anti-personnel and anti-tank) માઇન્સની જાળ બીછાવવામાં આવે છે. માનવ વિરોધી માઇન પર લગભગ દસ કિલોગ્રામ (વીસ રતલ) વજન પડતાં તેનો સ્ફોટ થઇ તેના પર મૂકવામાં પગ, હાથ કે શરીરનું અંગ ઉડી જાય છે, જ્યારે ટૅંક વિરોધી માઇન પર ૧૦૦ કિલોગ્રામ (૨૦૦ રતલ) વજન પડતાં તેનો એટલો જબરજસ્ત સ્ફોટ થાય છે કે તેના પર આવેલ ટૅંકનો પાટો (ટ્રૅક) તૂટી જઇ ટૅંક કે અન્ય ભારે વાહન તે સ્થળે જ અટકાઇ પડે છે. આમ થતાં રિકૉઇલલેસ ગનથી ટૅંકને વિંધવું સરળ પડે. આના પરથી ખ્યાલ આવશે કે આવી મજબૂત સુરક્ષાપંક્તિ પર આક્રમણ કરવા માટે કેટલી હિંમત, ધૈર્ય અને સાહસની જરૂર હોય છે. રિકૉઇલલેસ ગન જોવા માટે અહીં બતાવેલ વેબસાઇટ જોવા વિનંતી:
http://commons.wikimedia.org/wiki/File:Recoilless-rifle-beyt-hatotchan-1.jpg
આક્રમણ: જ્યારે સીમેન્ટ-કૉંક્્રીટથી બાંધવામાં આવેલ મોરચા (બંકર, પીલ બૉક્સ વિ.)ની સંરક્ષણ પંક્તિમાં બેસેલા શત્રુ પર હુમલો કરવાનો હોય ત્યારે તેમની સંખ્યાથી ત્રણ ગણી વધુ સેનાએ હુમલો કરવો પડે. આનું કારણ એ છે કે આવા મોરચા એવી રીતે ઢાંકવામાં - એટલે camouflage કરવામાં આવે છે કે હુમલો કરનાર સેના તેમને જોઇ શકતી નથી. બીજી વાત: હુમલો કરનાર સેના ખુલ્લા મેદાનમાંથી ધસી જતી હોઇ દુશ્મન તેને દૂરથી જોઇ શકે છે તેથી તેમના પર દૂરથી તોપના ગોળા છોડવાથી માંડી ૨૦૦૦ મીટર દૂરથી ઘાતક ગોળીબાર કરી શકે તેવી મિડીયમ મશીનગન તથા ૮૧ મિલીમીટર વ્યાસની મૉર્ટરનો મારો ચલાવી શકે છે. ત્યાંથી પણ આગળ વધનારા દુશ્મન પર લાઇટ મશીનગન ૪૫૦ મીટરથી અને સેમી-અૉટોમેટીક રાઇફલ ૩૦૦ મીટરથી ઘાતક ગોળીઓ ચલાવી શકે છે. ત્યાર બાદ આવે છે જમીનમાં દાટેલી માઇન્સ. ત્યાંથી પણ આગળ વધી શકનારા પાયદળ પર ગ્રેનેડઝનો મારો કરી દુશ્મનને પરાસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ હુમલો કરનાર સૈનિકો એટલી સંખ્યામાં ઘાયલ થતા હોય છે કે મૃત્યુ પામતા હોય છે કે દુશ્મનની ટ્રેન્ચ પર પહોંચતાં પહોંચતા ૧/૩ જેટલા સૈનિકો બચતા હોય છે.
અહીં આપને બે ‘અૉપરેશન્સ’નો ખ્યાલ આવી ગયો હશે. ત્રીજું અભિયાન પીછેહઠનું હોય છે, જે સૌથી મુશ્કેલ હોય છે. પીછેહઠનો મુખ્ય ઉદ્દેશ હોય છે દુશ્મનને આપણી સંરક્ષણ પંક્તિનો આભાસ કરાવી, થોડો સમય તેને ત્યાં રોકી એવી રીતે જગ્યા ખાલી કરવી કે તેને લાગે કે આપણે હારીને પાછા જઇ રહ્યા છીએ. તે આપણો પીછો કરવા લાગે, ત્યાં સુધીમાં આપણે પહેલેથી તૈયાર કરી રાખેલી મજબુત રક્ષાપંક્તિમાં પહોંચીને દુશ્મન માટે પહેલેથી તૈયાર કરવામાં આવેલ killing groundsમા તેને દોરી લાવીને હરાવવો. આનો બીજો પાસો: જ્યારે કોઇ સેના સજ્જડ હાર પામે ત્યારે તે મૂળ સ્થાન છોડી પાછળ આવેલી છેલ્લી રક્ષાપંક્તિ તરફ જઇ દુશ્મનનો સામનો કરવા જાય, તેને પણ withdrawal operation કહેવાય છે. અહીં જીવસટોસટની છેલ્લી લડાઇ હોય છે, જ્યાં દુશ્મન ગલીઓમાં કે ઘરમાં પણ રહીને લડાઇ ચાલુ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે.
૧૯૬૫માં અાપણી પશ્ચિમ સેનાનું લક્ષ્ય સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગને ‘કાપવાનું’ હતું. પાકિસ્તાનની સેનાએ આપણી સેનાને રોકવા પ્રથમ ફિલ્લોરા અને ત્યાર બાદ ચવીંડામાં રક્ષાપંક્તિ બનાવી હતી. આપણે આક્રમણ કરી રહ્યા હતા.
ગયા અંકમાં જોયું કે આર્મર્ડ બ્રિગેડના રિસાલા પુના હૉર્સ તથા હડસન્સ હૉર્સની સાથે લૉરીડ બ્રિગેડની અમારી ગોરખા અને જાટ બટાલિયને ફિલ્લોરાની રક્ષાપંક્તિ પર હુમલો કરીને જીત હાંસલ કરી હતી. આપણા ઘણા સૈનિકો મૃતક/ઘાયલ થયા હતા. તેથી ચવીંડા પર હુમલો કરવા માટે આપણી માઉન્ટન ડિવિઝનની ૯૯મી બ્રિગેડ તૈયારી કરી રહી હતી. આપણો સામનો કરવા ચવીંડામાં પાકિસ્તાનની છઠી આર્મર્ડ ડિવીઝનના ચાર રિસાલા - ૨૦મા લાન્સર્સ, ૨૫મી કૅવેલ્રી તથા ૩૧ અને ૩૩મા ટૅંક ડીસ્ટ્રોયર યુનિટ્સ (TDUs) આવી પહોંચ્યા હતા. તેમને સાથ આપવા તેમની ૮મી ઇન્ફન્ટ્રી ડિવિઝન (જેમાં ૨૪, ૧૦૧, ૧૦૪ તથા ૧૧૫ નંબરની ઇન્ફન્ટ્રી બ્રિગેડ્ઝ) હતી. તેમના પર હુમલો કરવા માટે આપણી ૧લી આર્મર્ડ ડિવીઝન, ૬ઠી માઉન્ટન ડિવિઝન, ૧૪મી અને ૨૫મી ઇન્ફન્ટ્રી ડિવિઝનો હતી. દુશ્મનની ટૅંક્સ પર હુમલો કરવા સેન્ચુરીયન ટૅંક્સ ધરાવતી ૧૭મી પુના હૉર્સ તથા ૪થી હડસન્સ હૉર્સને જવાબદારી આપવામાં આવી હતી.
આવતા અંકમાં જોઇશું ચવીંડા પર હુમલો કેવી રીતે થયો.......
tatto media
કેપ્ટન સાહેબ-ખૂબ સરસ ચેપ્ટર બન્યુ_ છે. કહેવાનું મન થાય છે કે મારું હવે પછીનું ચેપ્ટર કયાં છે?
ReplyDeleteઆ બટાલિયન-કંપની-પ્લતૂન વિ.માં સૈનિકોની સંખ્યાનો ખ્યાલ આપશો. તો માણસોની સંખ્યામાં સમજ પડે.
"પીછેહઠ" લગભગ દરેક યુધ્ધમાં અગત્યની છે.ખાસ કરીને ગેરિલા વોર્ફેરમાં.
શસ્ત્રોની સમજણ માટે આભાર. 2000 કિલોમિટર હુમલા ગન થી થાય ત પહેલી વાર જાણ્યું
બીજી વિનંતી-તમે કાશ્મીરને 1947ની લડાઇનો વિસ્તારથી ખ્યાલ ન આપી શકો?-- જેથી મારી જનરેશન ના લોકોને ત્યારની પરિસ્થીતીનો ખ્યાલ આવે.
માફ કરશો, હરનિશભાઇ. મેં જોઇએ એટલી સ્પષ્ટતા ન કરી. મિડીયમ મશીનગનથી બે હજાર મીટર સુધી જ કારગર ફાયર થઇ શકે, બે હજાર કિલોમીટર નહિ. આપનું સૂચન શિરોમાન્ય! આવતા અંકોમાં સૈનિક સંખ્યાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરીશ.
ReplyDeleteયુદ્ધના ત્રણ અભિયાન (Operations of War) હોય છે: સંરક્ષણ (Defence), આક્રમણ (Attack), અને પીછેહઠ (Withdrawal).
ReplyDeleteVery interesing descrpition of the warfare tactics.....a nice page for the future Book...I will wait for the next Post.
Dr. Chandravadan
www.chandrapukar.wordpress.com
આમ હુમલો કરનાર સૈનિકો એટલી સંખ્યામાં ઘાયલ થતા હોય છે કે મૃત્યુ પામતા હોય છે કે દુશ્મનની ટ્રેન્ચ પર પહોંચતાં પહોંચતા ૧/૩ જેટલા સૈનિકો બચતા હોય છે
ReplyDelete---------------
કમકમાટી આવી જાય તેવી વાત. આપણો સમાજ સૈનીકોની જાંફેસાનીને ક્યારે માન આપશે? ક્રીકેટના દસમા ભાગનું પણ આપે તો સદભાગ્ય .