Pages

Tuesday, March 10, 2009

પ્રખર થતું યુદ્ધ....

આમ હવાઇ હુમલા અને તેમની તોપના મારાની પરવા કર્યા વગર અમારી કૂચ ચાલુ રહી. દુશ્મનના પ્રદેશમાં એવી ઘણી જગ્યાઓ હતી જ્યાં તેમના તોપખાનાનો FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર) તેની OP (અૉબ્ઝર્વેશન પોસ્ટ)માં છૂપાઇ રહ્યો હતો. અમે ક્યાં હતા તેની પોઝીશન (ચોક્કસ સ્થાનની માહિતી) તે પોતાના ‘લૉંગ રેન્જ’ તોપખાનાને આપતો રહેતો હતો. પાકિસ્તાનના તોપખાનાએ અગાઉથી કેટલાક સ્થાનોનો ‘સર્વે’ કરી નકશામાં તેના વિભાગ કર્યા હતા. આ વિભાગોનો કોણ અને અંશ તેમની તોપમાં નોંધી રાખવામાં આવ્યો હતો. જેવી આપણી સેના આવા વિભાગમાં આવે, દુશ્મનનો OP વાયરલેસથી ૧૦-૧૫ માઇલ દૂર આવેલ તોપખાનાને સમાચાર આપતો અને તેમની તોપ આપણી સેના પર ગોળા વરસાવે. મજાની વાત તો એ હતી કે ઘણી વાર તેમના વાયરલેસની ફ્રીક્વન્સી આપણા સેટમાં આવી જતી. જેવો અમે તેમના OPનો હુકમ સાંભળીએ “સેક્ટર ૭૫૩૬, બૅટરી ફાયર”, પાંચ-સાત મિનીટમાં તેમની તોપના ગોળા અમારા પર પડે, પણ તે પહેલાં અાપણી ટૅંક્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ તોપ અને સૈનિકોને લઇ જતી ટ્રક્સ ખેતરોમાં વિખરાઇ જતી. આમ આપણું જાનમાલનું નુકસાન સાવ ઓછું થવા લાગ્યું.

સાંજે ચરવાહ નામના ગામ પાસે અમારી લૉરીડ બ્રિગેડની મોખરાની ટૅંક્સ અને ગઢવાલ રાઇફલ્સ પહોંચ્યા. અહીં ત્રણ દિશામાંથી આવતી સડકોનો સંગમ હતો. પાકિસ્તાનની સેના મોરચાબંધી કરીને અમારી રાહ જોઇને બેઠી હતી. ૮ ગઢવાલ રાઇફલ્સનું પાકિસ્તાનની સેના સાથે ઘમસાણ યુદ્ધ થયું. પ્રથમ તેમની તોપોએ બૉમ્બાર્ડમેન્ટ કર્યું અને તે પૂરૂં થાય તે પહેલાં ખાઇઓમાં બેઠેલા તેમના સૈનિકોએ ભારે પ્રમાણમાં ગોળીઓ ચલાવી. અંધકારમાં પણ આપણી ટૅંકો તેમની સંરક્ષણ પંક્તિઓ પર ફરી વળી, અને ભારે ખુવારી સાથે પાકિસ્તાનની સેનાને પીછેહઠ કરવી પડી. ગઢવાલ રાઇફલ્સમાં અૉફિસર સમેત ઘણા સૈનિકો કામ આવ્યા. અમે (ગોરખા રાઇફલ્સ) તેમને રિલીવ કરી તેમને લીધેલી પોઝીશનથી પાંચસો ગજ આગળ ગયા, જેથી ત્યાં આવી અમારા પર જવાબી હુમલો કરવા આવનાર દુશ્મનને ત્યાં જ પરાસ્ત કરી શકીએ. દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા - ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. તે સમયે અમારા મનમાં એક જ વાત હતી: જો દુશ્મનના આ સૈનિકો જીવતા હોત તો તેમની જગ્યાએ આપણી માતાઓના લાડકવાયા અહીં ચિરનિદ્રામાં પડ્યા હોત.

ચરવાહ ગામને “ક્લીયર” કરી, અમારા નિયત સ્થાને પહોંચીને અમે તરત ખાઇઓ ખોદી અને તેમાં પોઝીશન લઇ બેઠા.

અમે અમારા બી-એચલૉન એરીયા -દુશ્મનના મારથી દૂર સુરક્ષીત સ્થાન, જ્યાં અમારા 'ફીલ્ડ કિચન', સ્ટોર વિ. હોય છે- ત્યાંથી આવનાર ભોજનની ગાડીઓની રાહ જોતા હતાં ત્યાં ખબર આવી કે પાકિસ્તાની સેબર જેટે જે પાંચ ગાડીઓ ઉધ્વસ્ત કરી હતી તેમાં જ અમારા ‘ફીલ્ડ કિચન’ અને રાશનનો કોઠાર હતા. તે દિવસે વહેલી સવારે અમે કૂચ કરી ત્યારે અમને ગરમ પૂરી-શાક નાસ્તામાં મળ્યાં હતા, અને સાથે બપોર માટે ‘પૅક લંચ’માં પરાઠાં અને સૂકી દાળ અાપવામાં આવ્યા હતા. બસ, અમારી પાસે આટલું જ ભોજન હતું.

નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે. કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે હજી સુધી અમારી ભોજનની ગાડીઓ અમારા સુધી પહોંચી નહિ. કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પુરીઓ ત્રીજા દિવસે ચામડા જેવી થઇ ગઇ હતી. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા. પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી રીતે કરી શકું?

આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો. અમારા વખતમાં બટાલિયનના કમાન્ડીંગ અૉફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા. તેમને ૧૦૦૦ સૈનિકો તારણહાર માને. હું મારી પાસે હતા એટલા દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા (ગોરખા બટાલિયનના) CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”

મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ.”
અમે બધાં જ ભુખ્યા રહ્યા.

ત્રીજા દિવસના પ્રસંગો મારા માટે અવિસ્મરણીય છે.

અમારી બટાલિયનને આર્મર્ડ બ્રિગેડની સાથે રહી ફિલ્લોરા નામના ગામ નજીકની કાચા રસ્તાની ચોકડી પર કૂચ કરી રહી હતી. ખેમકરણ સેક્ટર તરફ જવા નીકળેલી પાકિસ્તાનની ૬ઠી આર્મર્ડ ડિવીઝનની ટૅંક્સને અમારા સેક્ટરમાં વાળી, તે તથા ઇન્ફન્ટ્રીની એક બ્રિગેડ અમારી રાહ જોઇને બેઠી હતી. તેમના પર હુમલો કરવા સૌ પ્રથમ અમને મહારાજકે નામના ગામ પર કબજો કરી આગળના આક્રમણ માટે તૈયારી કરવાની હતી. આ નાનકડા ગામમાં પાકિસ્તાનની સેનાએ મોરચાબંધી કરી હતી, પણ ઘમસાણ લડાઇ બાદ પાકિસ્તાનની સેના હારી અને તેમને આ ગામ છોડવું પડ્યું. તેમની ‘અજેયતા’ પર ભરોસો રાખનાર મહારાજકેના ગ્રામવાસીઓ ગામમાં રોકાઇ રહ્યા હતા, પણ તેમના ‘રક્ષક’ તેમને ભગવાન ભરોસે છોડી ગયા હતા. તેઓ શેરડીના ખેતરમાં છુપાઇ ગયા. ગામ પર અમે કબજો કર્યો ત્યારે રાત હતી. સવારે જ્યારે અમે ગામને ‘ક્લિયર’ કર્યું ત્યારે નજીકના શેરડીના ખેતરમાં છુપાયેલ ૩૦-૩૫ કિશોરીઓ, બાળાઓ તથા મહિલાઓ, કેટલાક આધેડ અને વૃદ્ધજનોને અમારા સૈનિકો અમારા અૅડમિનીસ્ટ્રેશન એરીયામાં લઇ આવ્યા. યુવાન પાકિસ્તાની સ્ત્રીઓ ભારતીય સૈનિકો કેવા ખરાબ હાલ કરશે એ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. હું અૅડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે લાવવામાં આવ્યા. મેં તેમને એટલું જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે, તમારી સાથે નહિ. લડાઇના વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડીઓ લઇ જશે. ગભરાશો મા.”

આ સમૂહના આગેવાન ગામની શાળાના હેડમાસ્તર હતા. આ પ્રૌઢ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “ભારતીય સેના પાસેથી અમને જે ઉમેદ હતી તેમાં તમે સાચા ઉતર્યા છો. અમારા અખબાર અને રેડિયો તો તમારી સામે ગંદો પ્રચાર કરતા રહે છે, પણ તમે....” તેઓ આટલું જ બોલી શક્યા.

મેં આ લોકોને સાંબા જીલ્લાના કઠુઆ નામના ગામ પાસે આવેલા રેફ્યુજી કૅમ્પમાં લઇ જવાની જવાબદારી ઉમામહેશ્વરનને આપી અને તરત જ તેમને રવાના કર્યા.

7 comments:

  1. Continued story if very touching..the bravery of our Indaian Jawans if demonsrated ....& also the love to all Humanity is clearly seen in our treatment of the Prisoners of war or the captives. Also, here is the realisation that the Army if "one big Family "
    Dr. Chandravadan

    ReplyDelete
  2. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”

    મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ.”

    -------------
    યુધ્ધની ભયાનકતા વચ્ચે આ બહુ જ ગમ્યું

    ReplyDelete
  3. નરેન્દ્ર !! નરોમાં ઈન્દ્ર!! જ્યારે આ તો ફરી પાછો સૈનિક… સલામ કેપ્ટન તમને લાખો સલામ

    ReplyDelete
  4. Very well written account-One of the best chapter-Breath taking -Keep it up-

    ReplyDelete
  5. બહુ જ સુંદર વર્ણન અને એમાં પણ ભારતીય પ્રણાલીકાનાં દર્શન!!!

    સલામ, કૅપ્ટન.

    ReplyDelete
  6. કેપ્ટન, યુદ્ધ સુંદર હોય છે કે કુરૂપ? આ પ્રકરણ વાંચવા સાથે મને આ સવાલ ઉઠ્યો છે. કૃપયા જવાબ આપશો.

    ReplyDelete
  7. @ શ્રી. હિમ્મત કટારીયાને:

    આપની કમેન્ટ્સ માટે હૃદયપૂર્વક આભાર. એક અઠવાડીયાથી બહારગામ હતો અને ત્યાં ઇન્ટરનેટનું wifi connection ન હોવાથી અાપને તરત જવાબ આપી ન શક્યો તે માટે ક્ષમાયાચના.

    આપના ગામ ભાદરોડમાં મારા પરમ મિત્ર રવિશંકર જોશી (હાલ અમદાવાદમાં જ હોવા જોઇએ)ને ઘેર ગયો હતો તેથી ભાદરોડની મુલાકાત હજી યાદ છે.

    બીજી વાત. યુદ્ધ કદી પણ સુંદર હોતું નથી. રાજકારણીઓ પોતાની અંગત મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા યુદ્ધનો આશ્રય લેતા હોય છે જેમાં અનેક સૈનિકો, નિષ્પાપ નાગરિકો તથા પશુઓનો અકારણ સંહાર થતો હોય છે. અનેક બહેનો વિધવા થાય છે, માતા-પિતા એકના એક સંતાનને ખોઇ બેસે છે. તેમના નિરાધાર અશ્રુમાં ક્યાંય સૌંદર્ય નથી હોતું. યુદ્ધમાં સુંદરતાના દર્શન કોઇ કોઇ વાર થતા હોય છે જ્યારે લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલ, મનોજ પાંડે, સૌરભ કાલિયા, મેજર પિતામ્બરે, સિપાહી આલ્બર્ટ એક્કા જેવા સૈનિકો વતનની રક્ષા કરવા પરમોચ્ચ બલિદાન આપતા હોય છે; યુદ્ધમાં માનવતાનાં દર્શન થતા હોય છે ત્યારે તેની ઝલક જોવા મળે છે. અહીં યુદ્ધનું નહિ, ખરું સૌંદર્ય સૈનિકોની વીરતા તથા તેમણે દર્શાવેલી માનવતામાં હોય છે. દેશના નાગરિકોની આપણા સૈનિકો પ્રત્યેની નિષ્ઠા તથા તેમના પરત્વે પ્રદર્શિત થતા ગૌરવમાં છે.

    આશા છે આપને આપના પ્રશ્નનો અાંશિક જવાબ મળ્યો હશે.

    ReplyDelete