Pages

Friday, January 7, 2022

અનેરી શૌર્યકથાઓ (૨)

  ત્યાર બાદ જે કાર્યવાહી કરવાની હતી તે 43 Infantry Brigade તથા 17 Poona Horseને સોંપ્યું. બ્રિગેડમાં ત્રણ બટાલિયનો હતી : 3 Grenadiers, 16 Madras અને 16 Dogra બટાલિયન. તેમણે ગ્રેનેડિયર અને મદ્રાસ બટાલિયનને બસંતર નદીના પૂર્વ કિનારા પરથી આગેકૂચ કરી, બસંતર નદી પાર  કરીને નદીના પશ્ચિમ કિનારા પર મોરચા બંધી કરવાનું કાર્ય સોંપાયું. આ બન્ને બટાલિયનો (3 Grenadiers અને 16 Madras) બસંતર પાર કરે તે પહેલાં 17 Poona Horse રિસાલાને આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી, બસંતરના પશ્ચિમ કિનારા પર  ગ્રેનેડિયર્સ અને મદ્રાસ રેજીમેન્ટની બટાલિયનોને મોરચાબંધી કરવાનો હુકમ થયો હતો. ત્યાં પહોંચીને Bridgehead તૈયાર કરવાનો હતો. બ્રિજહેડ એટલે શત્રુના કબજા હેઠળના વિસ્તારમાં આવેલ નદી, સમુદ્ર કે સરોવરના સામા કિનારા પર આક્રમણ કરી ત્યાં એવી કિલ્લાબંધી જેવી વ્યવસ્થા કરવી કે ત્યાંથી આપણા મુખ્ય સૈનિકદળ પહોંચીને આગળ આગેકૂચ કે રક્ષાત્મક અભિયાન શરૂ કરી શકે. આપને ખ્યાલ હશે કે બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ પર જર્મનીનો કબજો થયા બાદ મિત્ર રાજ્યોની સેનાએ સમુદ્ર પાર કરી નૉર્મંડીના કાંઠા પર જીવસટોસટની લડાઈ બાદ કબજો કરી બ્રિજહેડ બનાવ્યું હતું, જે તૈયાર કર્યા બાદ મિત્ર રાજ્યોની લાખોની સંખ્યામાં મુખ્ય સેનાઓ ઉતરી શકી હતી.

શક્કરગઢમાં બસંતર નદીના પશ્ચિમ કિનારા પર આવું જ બ્રિજહેડ secure કરવાની જવાબદારી પુના હૉર્સને સોંપાયું હતું. આ અભિયાન એવું હતું કે બસંતરના પૂર્વ કાંઠા પર ગ્રેનેડિયર્સ અને મદ્રાસ રેજીમેન્ટ્સ આગેકૂચ કરે, અને પશ્ચિમ કાંઠા પર પુના હૉર્સની ટૅંક્સ. આ કાર્ય નકશા પર સરળ લાગે, પણ આ શત્રુનો ગઢ ગણાય તેવો પાકિસ્તાનના પંજાબનો વિસ્તાર હતો. પંજાબ એટલે પાકિસ્તાની સેનાની શક્તિ, અભિમાન અને ગૌરવ. તેમની સેનાના ૭૦ ટકા અફસરો અને જવાન આ વિસ્તારમાંથી આવે છે. તેનું રક્ષણ કરવામાં તેમણે કોઈ બાંધછોડ કરી નહીં.    પાકિસ્તાને આ સમગ્ર વિસ્તારમાં અભેદ્ય ગણી શકાય તેવા ચક્રવ્યૂહ સમાન માઈનફિલ્ડની ત્રણ હરોળની રચના કરી. બે ઘનીષ્ટ માઈનફિલ્ડઝ દેગ નદી અને બેન નદી વચ્ચે, જેમાં બસંતર નદીના બન્ને કાંઠા આવી જતા હતા. ત્રીજું માઈનફિલ્ડ જરપાલ-બડા પિંડ ગામની સામે રચ્યું અને તેને જોડ્યું હતું  દેગ નદીની પૂર્વ દિશામાં ઊંડી ખાઈ સાથે. તેમનો ઉદ્દેશ હતો, કોઈ પણ સંજોગોમાં ભારતની ટૅંક્સ આ વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે. આ માઈનફિલ્ડઝની પાછળ તેમણે ૮મી આર્મર્ડ બ્રિગેડ અને ઇન્ફન્ટ્રીની એક ડિવિઝન રાખી હતી. એક રીતે આ સમગ્ર વિસ્તાર તેમણે ભારતીય સેનાના ભાવિ કબ્રસ્તાન તરીકે તૈયાર કર્યો હતો.  કર્નલ હનુતસિંહ વીર યોદ્ધા હતા. તેમની રેજિમેન્ટ, 17 Poona Horseની બસો વર્ષની વિજયી પરંપરા હતી, જે હાલની જ - એટલે 1965ની લડાઈમાં તેમના કમાન્ડાન્ટ કર્નલ અરદેશર (અદી) તારાપોરે મરણોપરાંત પરમ વીર ચક્ર મેળવીને જાળવી હતી. માઈનફિલ્ડની પરવા કર્યા વગર હનુતસિંહે પુના હૉર્સને માઈનફિલ્ડમાં દોડાવી.

અગાઉ જણાવેલા પાંચ મહત્વના ‘અનિશ્ચિત’ પરિમાણોમાં છેલ્લું તત્વ - નસીબ - અહીં પુના હૉર્સને લાધ્યું! હનુતસિંહે પાકિસ્તાનમાં ધસી જવા માટે જે સાંકડી પટ્ટી પસંદ કરી, ત્યાં કેવળ ઍન્ટી-પરસોનેલ માઈન્સ હતી! આ સુરંગ ઇન્ફન્ટ્રીના સૈનિકોને ક્ષતિ પહોંચાડે શકે એટલો સ્ફોટ કરી શકે, પણ ટૅંકના પાટાને સહેજ ઉલાળવા કે હલાવવા ઉપરાંત કોઈ નુકસાન ન કરી શકે. 

પુના હૉર્સની B Squadron - એટલે બ્રેવો સ્ક્વૉડ્રનને લઈ મેજર અમરજીતસિંહ બાલને લક્ષ્ય અપાયું હતું જરપાલ - બડા પિંડ. હનુતસિંહ બાકીની રેજિમેન્ટને લઇ સામેની 8 Armoured Brigadeને લલકારવા તેમની દિશામાં લઈ ગયા.

પુના હૉર્સમાં જુની સેન્ચુરિયન ટૅંક્સ હતી. એક સ્ક્વૉડ્રનમાં સામાન્ય રીતે ૧૫ ટૅંક્સ હોય, પણ પુરાણી ટૅંક્સમાં કોઈ ને કોઈ ક્ષતિ કે મેન્ટેનન્સ માટે મોકલવાની હોવાથી મેજર બાલ પાસે યુદ્ધમાં અસરકારક ગણાય તેવી ૧૨ ટૅંક્સ હતી. હોય છે.  તેમનો સામનો થયો ભાગલાના સમયે પાકિસ્તાનના ભાગે ગયેલી સવાસો વર્ષની ઐતિહાસિક પરંપરા ધરાવતી 13 Lancers. તેમની આધુનિક ૪૫ પૅટન ટૅંક્સ સામે મેજર બાલ તેમની ૧૨ ટૅંક્સ લઈને યુદ્ધ કરી રહ્યા હતા. જોત જોતામાં તેમણે શત્રુની ૧૨ ટૅંક્સ નષ્ટ કરી, પણ  તેમની પોતાની ચાર ટૅંક્સ દુશ્મનની ભોગ ચઢી. હવે મુકાબલો હતો મેજર બાલની આઠ ટૅંક્સની સામે 13 Lancersની ૩૩ ટૅંક્સ. તેમણે કર્નલ હનુત સિંહને કૂમક મોકલવા વિનંતી કરી. 

“સર, મને મારી ટ્રૂપ સાથે બ્રૅવો સ્ક્વૉડ્રનને સપોર્ટ આપવા જવા દો.” 

વિનંતી કરનાર હતા આલ્ફા સ્ક્વૉડ્રનના સેકંડ લેફ્ટેનન્ટ અરૂણ ખેતરપાલ. હનુતસિંહજીએ આ યુવાન અફસર તરફ જોયું. કેવળ છ મહિના પહેલાં Indian Military Academyમાંથી રિસાલામાં જોડાયેલા ૨૧ વર્ષના યુવાન તેમની ટૅંકના યુદ્ધની આંટીઘૂંટી શીખવા માટેના અહમદનગરના આર્મર્ડ કોર સેન્ટરની યંગ ઑફિસર્સ કોર્સની ટ્રેનિંગ અધવચ્ચે મૂકીને યુદ્ધમાં ભાગ લેવા મોરચા પર પહોંચ્યા હતા. 

“શાબાશ, ખેતરપાલ.” કહી કર્નલ હનુતસિંહજીએ તેની વિનંતી માન્ય કરી. “યાદ રહે, આગેકૂચ બાદ એક ઇંચ પણ પાછળ હઠવાનું નથી. અમરજીતની હાલત કટોકટી ભરેલી છે. દુશ્મન મરણિયો થઇને counterattack કરવાની તૈયારીમાં છે. Good luck and good hunting.”

લેફ્ટેનન્ટ ખેતરપાલ તેમની ત્રણ ટૅંક્સની ટુકડીને લઈને નીકળી પડ્યા. યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરતાં જ ત્યાંની સંરક્ષણ પંક્તિમાં બેસેલા મરણીયા પાકિસ્તાની સૈનિકોએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. એક રિકૉઈલલેસ ગને તેમના પર ગોળા છોડ્યા, પણ તેમની ટૅંકની તેજ ગતિને કારણે સહેજમાં નિશાન ચૂકી ગયા. હવે ખેતરપાલે જરપાલ - બડા પિંડ જતાં પહેલાં  દુશ્મનની ઇન્ફન્ટ્રીની ટુકડીઓ પર હુમલો કરવા ટૅંક દોડાવી. તેમના મોરચા - બંકર પર ટૅંક ચઢાવી, પિસ્તોલની અણીએ તેમને શરણે આવવા ફરજ પાડી. આખી સંરક્ષણ પંક્તિ clear કરી તેઓ બડા પિંડ પર થનારા પાકિસ્તાનની આર્મર્ડ રેજિમેન્ટના પ્રતિકારાત્મક હુમલા (counter attack)નો સામનો કરવા ટૅંક્સ દોડાવી. 

તે સમયે કોઈને ખ્યાલ નહોતો કે 13 Lancersનો મુખ્ય હુમલો ત્યાંથી થવાનો હતો. બડા પિંડની નજીક પહોંચતાં જ અરૂણ ખેતરપાલની ત્રણ ટૅંક્સ પર દુશ્મનની ૧૫ ટૅંક્સ ત્રાટકી. ખેતરપાલનું જોશ, તેની હિંમત અને નિશાનબાજી પરનું નૈપુણ્ય અદ્વિતિય હતું. તેમણે અદ્વિતિય શૌર્ય, ધીરજ અને શાંતીથી પોતાની ટૅંક્સની વ્યૂહ રચના કરી અને સામેથી આવતી ટૅંક્સ પર નિશાન સાધી, ગોળા વરસાવવાનું શરૂ કર્યું.

ટૅંકનું યુદ્ધ અસામાન્ય હોય છે. ૧૯૬૫ના યુદ્ધમાં ‘જિપ્સી’એ તે પ્રત્યક્ષ અનુભવ્યું હતું તેથી તેનું તાદૃશ વર્ણન કરી શકે છે. 

એક ટૅંક જ્યારે પૂરી ગતિથી દુશ્મનની સામે દોડે છે ત્યારે તેના એન્જિનના અને પાટાનો અવાજ એક સામટા લાઈનબંધ ચાલી રહેલા દસ ટ્રૅક્ટરના અવાજ કરતાં પણ વધુ ગડગડાટ કરનારો હોય છે. તેમાં સામેલ થાય છે ટૅંકની તોપમાંથી ધડાકા સાથે છૂટેલા ગોળાનો અવાજ, અને ટૅંકના cupola પર ચઢાવેલી મિડિયમ મશિનગનમાંથી એક મિનિટમાં છૂટતી ૩૫૦ ગોળીઓનો અવાજ એક ધરતીકંપના કડાકાથી ઓછો નથી હોતો. આ જાણે ઓછું હોય, ટૅંકના પાટા એવા હોય છે, કે જમીન પરની માટીનું ચૂર્ણ કરી ધુળની આંધી સમાન ડમરી ઉડાવતી હોય છે. 

અહીં મુકાબલો હતો અરૂણ ખેતરપાલની ત્રણ ટૅંક્સ સામે દુશ્મનની અગિયાર ટૅંક્સનો. ટ્રૂપ કમાંડરની ટૅંકની ગન અરૂણ ખેતરપાલ પોતે ચલાવી રહ્યા હતા. જેવા કમાંડર, તેવા તેમના સ્વાર ! જુના રિસાલાના ઘોડેસ્વાર સૈનિકોને ‘સ્વાર’ કહેવાતા, તેમ આજના ભારતની ટૅંક્સના જવાનોને ‘સ્વાર’, હવાલદારને ‘દફેદાર’ અને નાયબ સુબેદાર અને સુબેદારને નાયબ રિસાલદાર અને રિસાલદારના હોદ્દા અપાય છે. કાળા યુનિફૉર્મ અને કાળી બેરે (beret), આંખો પર Sand Goggles પહેરેલા આ બહાદુર અફસર અને જવાન કાળ ભૈરવની જેમ લડી રહ્યા હતા.

એક કલાકના યુદ્ધમાં ખેતરપાલની ટ્રૂપે દુશ્મનની દસ ટૅંક્સને ઉદ્ધ્વસ્ત કરી - જેમાંની ચાર ટૅંક્સ તો ખેતરપાલે પોતે ઉડાવી હતી. આ યુદ્ધમાં ખેતરપાલની એક ટૅંક સમ્પૂર્ણપણે ધ્વંસ પામી. હવે કેવળ બે ટૅંક્સ સાથે ખેતરપાલ અડગ તૈયાર હતા. તેમણે બચેલી બેઉ ટૅંક્સને V આકારમાં ગોઠવી અને હુકમ કર્યો, “ છેલ્લા ગોળા, છેલ્લા સ્વાર સુધી અહિં જ લડીશું.”

નીચે આપેલું ચિત્ર પાકિસ્તાનના કૅવેલ્રી ઑફિસર મેજર આગા હુમાયુઁ અમિને પ્રકાશિત કરેલા પુસ્તકનું કવરપેજ છે. તેમાં ન કેવળ મેજર અમિને લેફ્ટેનન્ટ ખેતરપાલે  લડેલા યુદ્ધની વિગતો વર્ણવી, તેમનો સામનો કરનાર મેજર ખ્વાજા મોહમ્મદ નાસરે બન્ને વચ્ચે થયેલા દ્વંદ્વનું વર્ણન કર્યું. 

Front Cover of the book by Major Aga Humayun Amin
of 11 Prince Albert Victor's Own Indep Cavalry 
of Pakistan Army


ચાર ટૅંક્સનો ખુરદો બોલાવી ખેતરપાલ આગળ વધી રહ્યા હતા ત્યાં તેમની સામે એક ટૅંક મદમસ્ત હાથીની જેમ આવી રહી હતી. સામસામે યુદ્ધ થયું. દુશ્મન ટૅંકનો તોપચી કોઈ કાબેલ આદમી હતો. તેનો એક ગોળો અરૂણ ખેતરપાલનીટૅંકનાએન્જિનને  ચીરી આરપાર નીકળી ગયો. ટૅંક ત્યાં જ અટકાઈ પડી અને અંદર આગ લાગી. ખેતરપાલનો એક સાથી ત્યાં જ મૃત્યુ પામ્યો. અચાનક ખેતરપાલને ખ્યાલ આવ્યો કે તેમના  યુનિફૉર્મનો ઉપરનો ભાગ ભીનો થયો છે.

“સર, ટૅંકમાં આગ લાગી છે. એન્જિન ભાંગીને ભુક્કો થયું છે; અને સર, આપના ખભા અને પેટમાંથી લોહીની ધારાઓ વહી રહી છે,” ટૅંકના ડ્રાઇવર સ્વાર નાથુ સિંહે ખેતરપાલને કહ્યું. 

ટૅંક યુદ્ધ ચાલતું હોય ત્યારે ટૅંકમાંના સૈનિકો જે ટોપ પહેરે છે, તેમાં વાયરલેસ સેટનો માઇક્રોફોન ફિટ કરેલો હોય છે જે સતત ચાલુ રહે છે, અને તેનો સમ્પર્ક સ્ક્વૉડ્રન તથા રેજિમેન્ટલ હેડક્વાર્ટર્સ સાથે રહે છે. નાથુ સિંહ અને અરૂણ ખેતરપાલ વચ્ચેની વાત કર્નલ હનુતસિંહ સાંભળી રહ્યા હતા. આગની જ્વાળામાં લપટાયેલી ટૅંકની નષ્ટપ્રાય હાલત અને ખેતરપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે સાંભળી તેમણે હુકમ કર્યો, “Abandon tank. Report back to HQ.”

My main gun is still working. I will not abandon tank. I will give hell to these bxxxs” ખેતરપાલનું આ વાક્ય પૂરૂં થયું - ન થયું, તેમની કેવળ દોઢસો મિટરના - એક હૉકીના મેદાનના અંતરથી સહેજ વધુ અંતર પર દુશ્મનની યમરાજના વાહન સમાન વિશાળકાય પૅટન આવી ગઈ. ખેતરપાલે તેમની ટૅંકની તોપનું નિશાન સાધી તેના પર ગોળો છોડ્યો. નસીબની બલિહારી એવી કે બરાબર તે જ ક્ષણે સામેની ટૅંકે ખેતરપાલની ટૅંક પર ફાયરિંગ કર્યું. તેનો સૉલીડ ગોળો અરૂણ ખેતરપાલની ટૅંકના cupola (તોપ વાળા ભાગનો ગોળાર્ધ) પર વાગ્યો. 

ટૅંકનો ગોળો એક હજાર ગજ દૂર રહેલી ટૅંક કે ભારે વાહનને નષ્ટ કરી શકે છે. આ તો કેવળ દોઢસો ગજના અંતર પર રહેલી પૅટનનો ગોળો હતો! ખેતરપાલની ટૅંકનો cupola ઉખેડાઇને હવામાં ઉડ્યો. ખેતરપાલ પોતાની સીટ પર તત્કાળ અવસાન પામ્યા. સ્વાર નાથુસિંહ હવામાં ફંગોળાઈને બહાર પડ્યા. પોતે ઘાયલ થયા હતા તેમ છતાં તેઓ જોઈ શક્યા કે ખેતરપાલના આખરી ગોળાએ દુશ્મનની ટૅંકના ભુક્કા બોલાવ્યા હતા. તેમાંથી મહા મુશ્કેલીએ નીકળીને પલાયન કરી રહેલા દુશ્મનના સૈનિકને નાથુસિંહે જોયો. 

17 Poona Horseને અપાયેલ લક્ષ્ય - બડા પિંડ -  સેકંડ લેફ્ટેનન્ટ અરૂણ ખેતરપાલે સર કર્યું હતું. દુશ્મનના counterattackના તેમણે લીરા ઉડાવ્યા હતા. કમાંડાન્ટના આદેશ અનુસાર એક ઇંચની પણ પીછેહઠ તેણે કરી નહોતી.

પુના હૉર્સની medical rescue ટીમે ખેતરપાલના પાર્થિવ દેહને અને ઘાયલ નાથુસિંહ તથા તેમના મૃત સાથી સાથે તેમની ‘ફામાગુસ્તા’ નામની ટૅંક રેજિમેન્ટમાં પાછી આણી.

ભારતે આ યુવાન મહા યોદ્ધાને મરણોપરાંત પરમ વીર ચક્ર અર્પણ કરીને બહુમાન આપ્યું.


 સેકન્ડ લેફ્ટેનન્ટ અરૂણ ખેતરપાલ, પરમ વીર ચક્ર, વય વર્ષ એકવીસ. સેનામાં સર્વિસ - કેવળ છ મહિના. 

***

દાનો દુશ્મન :

યુદ્ધવિરામ બાદ એક દિવસ ભારતની સંરક્ષણપંક્તિની સામે પાકિસ્તાનના એક મેજર સફેદ ધ્વજ લઈને આવ્યા. એક ભારતીય અફસરે તેમને આવકાર્યા અને આવવાનું કારણ પૂછ્યું.

“મારૂં નામ મેજર ખ્વાજા મોહમ્મદ નાસર છે, 13 Lancersનો સ્ક્વૉડ્રન કમાંડર. મારે આપના એ અફસરને મળવું છે, જેણે બડા પિંડ - જરપાલની લડાઇમાં અમારી સામે આખરી યુદ્ધ ખેલ્યું. આવી હિંમત દાખવનાર આ વીર યોદ્ધાને મળી તેની સાથે હાથ મિલાવવો છે. એક અનન્ય બહાદુર અફસરને મળવામાં આનંદ અને ગૌરવ અનુભવીશ. ”

“ઓહ! માફ કરશો મેજર, યુદ્ધ વિરામ બાદ તેમને અન્ય સ્થાન પર જવું પડ્યું છે. આપનો સંદેશ તેમને મોકલવાનો પ્રયત્ન જરૂર કરીશું.”

(જિપ્સીની નોંધ : આ બ્લૉગમાં રજુ થયેલ વાતોની પુષ્ટી googleમાં મળી શકે છે. કેવળ Battle of Shakergarh; 2 Lt Arun Khetarpal PVC; 17 Poona Horse in 1971; Lt Col Hanut Singh MVC; Brigadier K M Nasir 13 Lancers - જેવા શબ્દો ટાઇપ કરવાથી પૂરી વિગતો મળી શકશે.)

Thursday, January 6, 2022

અનેરી શૌર્યકથાઓ

     અત્યાર સુધી અમૃતસર ક્ષેત્રના પ્રસંગોની કેટલીક વાતો કહી.  આજે ૧૯૭૧માં યુદ્ધના પશ્ચિમ ક્ષેત્રમાં થયેલી કેટલીક અનેરી કથાઓ અહી ંરજુ કરવામાં આવી છે. વાતો જેટલી રોમહર્ષક છે એટલી વ્યક્તિગત શૌર્ય, વિશાળ હૃદય તથા આત્મસમર્પણની છે. વર્ણનોમાં એક પણ અક્ષરની અતિશયોક્તિ નથી : વાતોને પાકિસ્તાનના મિલિટરી ઈતિહાસકારોએ પણ સમર્થન આપ્યું છે. 

 આપની આ વિષય અંગેની જાણકારી જોતાં મુખ્ય પ્રસંગોનું વર્ણન કરીએ તે પહેલાં નાની સરખી પૂર્વ ભૂમિકા આપને રસપ્રદ લાગશે. 

૧૧-૧૨ ડિસેમ્બર ૧૯૭૧ સુધીમાં પૂર્વ બંગાળ (હાલના બાંગ્લાદેશ)માં ભારતીય સેનાની ત્રણ દિશાઓમાંથી થઇ રહેલી આગેકૂચને પાકિસ્તાન રોકી શકે તેમ નહોતું. અમેરિકા કે ચીન તેમની મદદ માટે આવી શક્યું નહી. તેમણે પશ્ચિમ ક્ષેત્રમાં ૩ ડિસેમ્બરન ૧૯૭૧ના રોજ મોરચો ખોલી રાખ્યો હતો. હવે છેલ્લો દાવ ખેલવા માટે તેમણે કાશ્મિરના બે મહત્વના ક્ષેત્રોમાં હુમલો કરી, કાશ્મિરની શ્વાસ નળી સમાન ભારતને કાશ્મિર સાથે જોડતો ધોરી માર્ગ કાપવાની યોજના કરી. પ્રથમ તો છમ્બ, જૌડિયાઁ - પૂંચ - રજૌરી - મેંઢરને જોડતો એક માત્ર ધોરી માર્ગ હતો તે અખનૂરના પૂલ પરથી પસાર થતો હતો. જનરલ યાહ્યાખાને અખનૂરના પૂલનો કબજો કરવાની યોજના કરી. તેમની નજરે  કામ  સહેલું હતું કેમ કે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમના માટે અનુકૂળ હતી. પાકિસ્તાન વિભાગનેખંજર’ (Dagger) કહે છે, કેમ કે ભૂ-ભાગ ભારતના પડખામાં છરીની જેમઘૂસેલોદેખાય. ભારત તેને ‘chicken neck’ કહે છે - અને નામ તેને વળગી રહ્યું છે! નીચે દર્શાવેલ માનચિત્ર પરથી  વિસ્તારનો ખ્યાલ આવી શકશે.






પાકિસ્તાની સૈન્યની યોજનાને નિષ્ફળ કરવા આપણા રણનીતિકારોએ ભારત સીમામાં પરપોટાની જેમ ઉપસેલા શક્કરગઢ વિસ્તારમાં હુમલો કરવાની યોજના કરી. કોઇ નાનું સૂનું અભિયાન નહોતું. તેમાં સ્વિસ ઘડિયાળની નાનામાં નાની કળ, ચક્કરડી અને ચાવી વચ્ચેના અણિશુદ્ધ સંયોજનની જેમ એન્જિનિયર્સ, ટૅંક્સ, તોપખાનું અને પાયદળના સૈનિકોની સંયુક્ત હિલચાલમાં મિનિટ - મિનિટ અને મિટર-પ્રતિ મિટરની કૂચનું ચોકસાઈ પૂર્વક સંયોજન કરવું પડે છે. ઘડિયાળની એક કળમાં ક્ષતિ ઉપજતાં તે બંધ પડી જાય તો નવું ઘડિયાળ લઈ શકાય ; પણ સૈન્યના અભિયાનમાં કોઇ એક તત્વમાં આવી કોઈ ભૂલ થાય તો અસંખ્ય સૈનિકોનું બલિદાન આપવું પડે. આક્રમણના અભિયાનમાં પાંચ અનિશ્ચિત તત્વો મહત્વનું સ્થાન ધરાવે છે : () નૈસર્ગિક પરિબળો - જેમ કે અચાનક બદલાતું હવામાન, વરસાદ/ઝાકળ/ધુમ્મસ/નદીમાં આવતું ઘોડા પૂર વિ.() સૈન્યને આગેકૂચ માટે લઇ જતા વાહન, પાયદળની મદદ માટે જતી ટૅંક્સ જેવા શસ્ત્રસજ્જ સાધન જેમાં તેની તોપ, પાટા, એન્જીન, વાયરલેસ સેટ વિ. જેવા યંત્રોમાં અણધારી ક્ષતિ ઉપજવી અને તે અણીના સમયે નકામા થઈ જાય () શત્રુના વિસ્તાર અંગેની અપૂરતી માહિતી - જેમ કે તેમના માઇનફિલ્ડ,  અણધારી જગ્યાએ ખોદી રાખેલી ખાઇઓ વિશેની અપૂર્ણ માહિતી અથવા મળેલી માહિતી સાચી હોય કે તેમાં દુશ્મને અચાનક બદલાવ કર્યો હોય () શરતચૂક - જેને human error કહી શકાય; () નસીબ

આગળ આવતા વર્ણનોમાં આ તત્વોનો અહેસાસ આપને થતો રહેશે!

શક્કરગઢ ક્ષેત્ર અને તે વિસ્તારમાં થનારા લશ્કરી અભિયાનનો ખ્યાલ આવે તે માટે નીચે માનચિત્ર સમજુતિ સાથે આપ્યું છે.

 

(ઉપરના બન્ને માનચિત્રો જિપ્સીના અણઘડ હાથે તૈયાર થયા છે. ભૂલચુક માફ કરશો!)

શક્કરગઢમાં શરૂ થનારા અભિયાનની ઉત્તર દિશામાંથી કરવાના આક્રમણનું  સુકાન 54 Infantry Division ના કમાંડર મેજર જનરલ વૉલ્ટર ઍન્થની પિન્ટોને સોંપવામાં આવ્યું હતું. 

મેજર જનરલ પિન્ટો - ૧૯૭૧માં
જનરલ પિન્ટોએ કુશળતાપૂર્વક પૂરા અભિયાનની યોજના કરી. તેમણે 17 Poona Horseને બસંતર નદીના પશ્ચિમ કિનારાથી પાકિસ્તાનમાં આગેકૂચ કરી જરપાલ - બડા પિંડની નજીક એક બ્રિજહેડ સ્થાપવું. માટે તેમને સમય મર્યાદા બાંધી. સૌ પ્રથમ પુના હૉર્સની ટૅંક્સ ત્યાં પહોંચી જાય અને ત્યાં કડક મોરચાબંધી કરે. બીજી તરફ,  47 Infantry Brigadeને બસંતર નદીના પૂર્વ કિનારા પર આગેકૂચ કરી, જે સ્થાન પર પુના હૉર્સને બ્રિજહેડ સ્થાપવાની મોહિમ સોંપી હતી ત્યાં પહોંચવા બસંતર પાર કરીને મોરચા બાંધવા. અહીં સમયનું સંયોજન અત્યંત મહત્વનું હતું. જે ઘડીએ પુના હૉર્સ પહોંચે અને તેમની ટૅંક્સ દુશ્મનના હુમલાનો સામનો કરવા યોગ્ય વ્યૂહ રચના કરે બરાબર તે સમયે ગ્રેનેડિયર્સ તથા મદ્રાસ રેજિમેન્ટ્સ ત્યાં પહોંચે અને મોરચાબંધી કરે. તેમાં જો શરતચૂક થાય અને સમય સચવાય તો આપણી સેનાને ભારે નુકસાન ભોગવવું પડે.  જો ઇન્ફન્ટ્રી તેના લક્ષ્ય પ્રમાણે પહોંચી જાય અને તેમને ટૅંક્સનો સપોર્ટ હોય તો દુશ્મનનોની ટૅંક્સ ઇન્ફન્ટ્રીની કતલ કરી શકે. ઇન્ફન્ટ્રી પાસે ટૅંક્સનો સામનો કરવા recoilless gun હોય છે, પણ તેનો દારૂગોળો સો ટૅંક્સના હુમલાને પહોંચી વળે એટલો નથી હોતો. વળી એક ઇન્ફન્ટ્રી બટાલિયન પાસે કેવળ ચાર રિકૉઈલલેસ ગન્સ હોય છે. જીપ પર ફિટ કરેલ નાનકડી તોપ એક ગોળો છોડે, તો ત્યારે તોપની પાછળના ભાગમાંથી સો ફિટ સુધી જ્વાળા નીકળતી હોય છે. સામે વાળાની ટૅંક તે તરત જોઈ શકે છે અને પાંચ-પાંચ સેકંડના અંતરે તેમની તોપ જીપ પર ગોળા છોડી તેને નષ્ટ કરી શકે છે. તેમના ટૅંક દળને ખાળવા અને બને તો નષ્ટ કરવા આક્રમણના અભિયાનોમાં ઇન્ફન્ટ્રી અને ટૅંક્સની ટુકડીઓની સંયુક્ત હિલચાલ અને આગેકૂચમાં precision coordination અત્યંત મહત્વનું હોય છે.

મદ્રાસ રેજીમેન્ટ અને ગ્રેનેડિયર્સની આગેકૂચમાં બાધારૂપ હતી દુશ્મને રોપેલા minefields. એટલા ઘનીષ્ટ અને પહોળા હતા કે તેમાંથી ઇન્ફન્ટ્રી પસાર થઈ શકે એવા માર્ગ કરવા માઈનફિલ્ડમાંથી સુરંગો કાઢવા માટે ખાસ પ્રશિક્ષણ મેળવેલ એન્જિનિયર રેજીમેન્ટના Sappers and Minersને કામ સોંપવામાં આવે છે. 

પરિસ્થિતિ એવી હતી કે એન્જિનિયર્સના કર્નલ ભર્તૃહરિ પંડિત પોતે તેમની ટુકડીઓને લઈ ઇન્ફન્ટ્રી માટે બસંતરના બન્ને કિનારા પરના માઈનફિલ્ડ સાફ રવા ગયા. તેમના પર દુશ્મને ભારે હુમલા કર્યા. બહાદુર કર્નલ અને તેમના સૈનિકો એક તરફ તેમના હુમલાનો પ્રતિકાર કરતા ગયા અને સાથે સાથે સુરંગનું ક્ષેત્ર clear કરતા ગયા. હુમલા એટલા ભયંકર હતા કે તેમનો પૂરો સમય શત્રુની ઇન્ફન્ટ્રીનો સામનો કરવામાં તેમજ આપણી ઇન્ફન્ટ્રી બટાલિયનો સામેના માઈનફિલ્ડ clear કરવામાં ગયો. પુના હૉર્સની સામેની સુરંગ clear કરવા જાય તે પહેલાં ગ્રેનેડિયર્સ અને મદ્રાસ રેજિમેન્ટના સૈનિકોએ બસંતરને પાર કરીને મોરચાબંધી કરી. હવે તેઓ પુના હૉર્સની રાહ જોતા હતા ત્યાં સામેના વિસ્તારમાં ગસ્ત પર ગયેલી તેમની ટુકડીઓને દૂરથી તેમની દિશામાં ધસી આવતી દુશ્મનની ટૅંક્સનો અવાજ સંભળાયો.

અહીં ધ્યાનમાં લેવા જેવી વાત છે કે ભારતીય સેનાને મળેલી માહિતી અનુસાર જનરલ પિન્ટોએ તે વિસ્તારમાં મોકલાવેલ મદ્રાસ અને ગ્રેનેડિયરના કૂલ મળીને ૧૫૦૦ - ૧૬૦૦ સૈનિકો અને તેમની સહાયતા માટે પુના હૉર્સની ૧૮ ટૅંક્સની એક ટુકડીની સામે  શત્રુની સોએક જેટલી ટૅંક્સ ધરાવતી આર્મર્ડ બ્રિગેડ હતી અને તેમને સાથ આપવા બે ઇન્ફન્ટ્રી બ્રિગેડઝ - લગભગ ૭૦૦૦ સૈનિકોનો જથ્થો હતો.  પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી.

જ્યારે પુના હૉર્સના કમાંડિંગ ઑફિસર કર્નલ હનુત સિંહ રાઠોડને સમાચાર મળ્યા કે મદ્રાસ અને ગ્રેનેડિયર્સ તેમના લક્ષ્ય પર પહોંચી ગયા છે, અને તેમની રેજિમેન્ટ સામેના minefields હજી clear નથી થયા, તેમણે કડક નિર્ણય લીધો : માઈનફિલ્ડની પરવા કર્યા વગર ટૅંક્સ આગેકૂચ કરે. "કોઈ પણ હિસાબે ગ્રેનેડિયર્સ તથા મદ્રાસીઓ પર દુશ્મનોની ટૅંક્સની ઉની આંચ પણ ન આવવી જોઈએ. તેમની ટૅંક્સ આપણી ઇન્ફન્ટ્રી પર કેર વરસાવે તે પહેલાં તેમને નષ્ટ કરવી.

લેફ્ટેનન્ટ કર્નલ હનુત સિંહ, MVC (જે આગળ જતાં
લેફ્ટેનન્ટ જનરલના પદ પર નિવૃત્ત થયા)


કર્નલ હનુત સિંહે તેમની રેજિમેન્ટની ટૅંક્સ સાથે માઈનફિલ્ડમાં ઝંપલાવ્યું. તેમની બ્રેવો સ્ક્વૉડ્રન સૌથી આગળ થઈ અને પાછળ તેમની પોતાનું રેજિમેન્ટલ હેડક્વાર્ટર.

(વધુ આવતા અંકમાં)