Pages

Friday, May 28, 2021

કર્મ, લગ્ન અને...લંગર ગપ!

 કર્મના સિદ્ધાંતનું વિવરણ તથા તેનું અર્થઘટન અનેક રીતે સમજાવવામાં આવ્યું છે. મોટા ભાગના લોકોનસીબમાં જે લખાયું હોય તે ભોગવ્યા વગર છૂટકો નથીકહી વિપરીત પરિસ્થિતિમાં પણ આવી પડેલા દુ:ખનો વિચાર કરી કરીને વ્યથિત અવસ્થામાં દિવસ ગુજારતા હોય છે. વિષય પર મેં કદી ઊંડો વિચાર કર્યો નહોતો. ત્યારે મેં તો સ્વ. હિરાલાલ ઠક્કરનું પુસ્તકકર્મનો સિદ્ધાંતવાંચ્યું હતું કે નહોતું સાંભળ્યું પૉલ બ્રન્ટનનું નામ. (પૉલ બ્રન્ટને કર્મના તત્ત્વ પર નાનકડું પણ અત્યંત સુંદર, સરળ અને ઊંડાણતાભર્યું પુસ્તક 'What is Karma' લખ્યું છે.) 

અમારી વિષમ-તમ પરિસ્થિતિમાં બા અમને મહારાષ્ટ્રના એક સંત કવિના સરળ તત્વજ્ઞાનનો એક લિટીનો સાર સંભળાવતા:  आलिया भोगासी असावें साजीरें”.  ભાગ્યમાં લખાયું હોય તો થશે જ તેથી તેને પરમાત્માની આજ્ઞા સમજી તેનો સ્વીકાર કરવા સજ્જ રહેવું. કર્મની ઉદ્ભવતી પરિસ્થિતિમાંહા દૈવ, દૈવ!’ કરી તેમાં સબડતા રહેવાને બદલે તેનો સામનો કરવામાં પુરુષાર્થ રહ્યો છે. બાએ જીવી જાણ્યું. અમે તેમની હિંમત, ધીરજ અને ઉદાર સ્વભાવ સાથે  તેમણે તેનો જે રીતે સામનો કર્યો તે જોયું હતું. સામાન્ય વ્યક્તિ માટે આવો પુરુષાર્થ અત્યંત કઠણ હોય છે. હું સામાન્ય કરતાં પણ વધુ, અતિ સામાન્ય માણસ હતો. માનસિક રીતે સજ્જ હોવા છતાં જ્યારે કોઇ ઉગ્ર અને દારૂણ પ્રસંગ અનપેક્ષિત રીતે નાગપાશની જેમ જકડવા ઉભો થાય થાય ત્યારે ક્ષણભર માટે કેમ ન હોય, મનુષ્ય હેબતાઇ જાય. પ્રસંગાવધાન - presence of mind - તથા mindfulness કેળવેલા હોય તો તરત સ્વસ્થ થઇ તેનો સામનો કરી શકાય. અમારા પારિવારીક જીવનમાં આવા અનેક પ્રસંગો આવ્યા હતા. બાએ ધીરજ અને હિંમતથી તેની સામે ટકી, પરિસ્થિતિ પર કાબુ કર્યો હતો. પોતાના અંગત ઉદાહરણથી તેમણે અમને કશો ઉપદેશ આપ્યા વગર આ માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું. બાને સાધારણ ખ્યાલ હતો કે મિલિટરીનું જીવન કઠણ હોય છે તેથી અમદાવાદમાં તેમને નડતી પારાવાર મુશ્કેલીઓ વિશે તેમણે કદી મને જણાવ્યું નહોતું. 

આપણા સમાજમાં દરેક પરિવારને પરિસ્થિતિએ નિર્માણ કરેલા કઠણ પ્રસંગોમાંથી પસાર થવું પડે છે તેથી મારી કૌટુમ્બિક સમસ્યાઓનું ક્લિષ્ટ વિવરણ અને વર્ણન કર્યા વગર આ ડાયરીને સુસંગત એવા સૈનિક જીવનમાં જે થતું ગયું તે જ કહીશ. 

આવી પરિસ્થિતિમાં હું અમારા કૅમ્પમાં ડ્યુટી બજાવવામાં દિવસો પસાર કરી રહ્યો હતો. ઘરના રણાંગણમાં શું થઇ રહ્યું છે તેની મને કશી જાણ નહોતી મળતી. બા તેમનાં પત્રોમાં આનો કદી પણ ઉલ્લેખ કરતા નહોતાએટલું જાણતો હતો કે મારી નાની ત્રણ બહેનોમાંની સૌથી મોટી મીનાના પહેલા સંતાનના જન્મ બાદ ત્રણ-ચાર મહિનામાં જ તેની બદલી વડોદરા થઇ હતી. તેથી તેના પુત્ર મૉન્ટીને બા પાસે મૂકીને જવું પડ્યું હતું. બીજી બે બહેનોમાંથી વચેટનાં લગ્ન નક્કી થયા હતા અને સૌધી નાની, ડૉલી હજી કૉલેજમાં હતી.પત્રોમાં તેઓ એટલું લખતાં કે તેઓ, સૂ, ડૉલી અને મૉન્ટી મજામાં છે. મીના અને તેના પતિ વડોદરામાં નોકરી કરતા તેથી મૉન્ટી બા પાસે ઉછરતો હતો. 

આવામાં એક એવી વાત બની જેના પરિણામે અમારા બધાંના જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયું.

અમારા નજીકના સંબંધી આફ્રિકાથી તેમની પુત્રી માટે મૂરતિયો શોધવા ભારત આવ્યા હતા. તેમના બે જમાઇ મિલીટરીમાં કર્નલ હતા, કર્મ ધર્મ સંયોગે એક કર્નલ સાહેબની બદલી અમારા શહેરમાં થઇ હતી. દૂરનો સંબંધ હોવાથી તેમને હું ઘણી વાર મળ્યો હતો તેથી તેમણે તેમના સસરાજીને મારા વિશે વાત કરી. તપાસ કરતાં તેમનેસંતોષજનકરિપોર્ટ મળ્યા અને તેઓ બા ને મળ્યા. મારો હકાર મળે તો બાકીની બધી વાત પાકી કરવામાં આવી. બા તથા મારી ત્રણે નાની બહેનોએ 'કન્યા' જોઇ અને તે સૌને પસંદ પડી.

એક દિવસ મને બાનો પત્ર આવ્યો. “વહેલો ઘેર આવ! મારી આંખ બંધ થાય તે પહેલાં તારા ચાર હાથ થતા જોવાં છે. વખતે તું ના પાડીશ મા. તું પણ હવે ત્રીસ વર્ષનો થયો છે. આપણાં નજીકનાં સંબંધી ડૉક્ટર આફ્રિકાથી તેમની દીકરીનું તારા માટે માગું લઇને આવ્યા છે. કન્યા સારી છે, અને અમને સહુને તે ગમી છે. તું એક વાર અહીં આવી તેને જોઇ જા! મને ખુબ સંતોષ થશે.

તું કહીશ કે બેઉ બહેનોનાં લગ્ન પછી લગ્નનો વિચાર કરીશું. પણ તું તો જાણે છે કે તારી વચેટ બહેનનાં લગ્ન નક્કી થયા છે. ડૉલીને કૉલેજનો અભ્યાસ પૂરો કરવા હજી ત્રણ વર્ષ લાગશે, એટલે તેના લગ્નની હમણાં ચિંતા નથી. આવી હાલતમાં તારે લગ્ન કરી લેવા જોઇએ એવી મારી આગ્રહભરી વિનંતી છે.” 

સાચું કહું તો બન્ને બહેનોનાં લગ્ન પહેલાં મારે લગ્ન કરવા નહોતા. મિલિટરીની નોકરીમાં સૈનિકે પોતાનો પ્રાણ હાથમાં રાખીને રહેવાનું હોય છે. યુદ્ધ ક્યારે પણ થઇ શકે અને જો તેમાં મારૂં મૃત્યુ થાય તો મારા જીવનમાં આવનાર યુવતીને વૈધવ્યનું કષ્ટ ભોગવવું ન પડે તેવી પણ ઇચ્છા મારા મનમાં હતી. મારા પિતાજીનું અવસાન થયું ત્યારે બા કેવળ ૨૯ વર્ષનાં હતા. ત્યાર બાદ તેમને જે માનસિક મુશ્કેલી ભોગવવી પડી હતી તે કોઇ પણ યુવતિને ભોગવવી પડે તે મને માન્ય નહોતું.  મારી દૃષ્ટિએ લગ્ન માટે કોઇ પણ સંજોગ અનુકૂળ નહોતા. તેમ છતાં બાના આંસુ અને આગ્રહ જોઇ મેં બાબતમાં વિચાર કરવાનું નક્કી કર્યું

મારા માટે મારા જીવનના નિર્ણયની બાબતમાં સૌથી મોટી બાંધછોડ હતી. આ એક એવો compromise હતો જેમાં મારા પર મોજુદ હતી તે કૌટુમ્બિક અને સામાજીક જવાબદારી પૂરી કર્યા વગર વધારાની જવાબદારી લેવાની વાત હતી. અત્યારે વિચાર કરૂં છું તો મને મારા પર ધિક્કારની લાગણી થાય છે. મૂળભૂત જવાબદારી કહો કે કરજ કહો, તે ઉતાર્યા વગર તેમાં વધારો કરવામાં કોઇ કશી નૈતિકતા નથી કે નથી કોઇ શાણપણ. 

બાનો પત્ર વાંચી હું વિચારમાં પડી ગયોતે વર્ષની મારી બાકીની રજાઓ ડીસેમ્બરમાં lapse થતી હતી તેનો લાભ લઇ દસ દિવસ માટે હું અમદાવાદ ગયો, અને મેં મારા જીવનની મોટામાં મોટી અને અક્ષમ્ય ભુલ કરી. 

જવાબદારી પૂરી કર્યા વગર લગ્ન ન કરવાનો મારો નિર્ણય મેં બદલ્યો. 

હું તો હજી પણ કહીશ કે જેના શિર પર નાનાં ભાંડુંઓની જવાબદારી હોય તેણે જવાબદારી પૂરી કરતાં પહેલાં લગ્ન કરવા જોઇએ.  બીજી વાત: પરદેશમાં જન્મેલ અને ત્યાં કેળવણી પામેલ ભારતીયોની વિચારધારા, ભારતના લોકો પ્રત્યેની તેમની મનોવૃત્તિ તથા ભાવનાઓ સાવ જુદી, આપણી કલ્પનાની બહાર હોય છે. તેથી પરદેશથી આવનાર લગ્નના સાથીદારમાં આપણા social milieuમાં સમાઇ શકવાની ક્ષમતા છે કે નહિ, તેની ખાતરી કરવી આવશ્યક છે. તેમાં પણ સૌથી વધુ અગત્યની વાત તો છે કે આપણા પોતાના પરિવારના સદસ્યોમાં પરદેશથી આવતી સ્ત્રીને સમજવાની અને આપણા પરિવારમાં સમાવવાની તૈયારી છે કે નહિ તે જાણવું અત્યંત જરૂરી છે. મેં આમાંથી કોઇ પણ વાતનો વિચાર ન કર્યો. સદ્ભાગ્યે અમારી સામે કોઇ એવી સમસ્યા આવી નહીં કે જેનું નિરાકરણ કરવું અશક્ય થાય. મેં પોતે એવા કેટલાક કિસ્સા જોયા હતા જેમાં આવાં લગ્ન એક કે બે મહિનામાં જ ધ્વસ્ત થયા હતા. 

 બા તથા બહેનોના પત્રથી ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે મારે લગ્ન કરવા પડે તે બાની ખુશી માટે હતા. હું મોડેથી કેમ નહિ, પણ પારિવારીક જવાબદારી પૂરી કર્યા બાદ લગ્ન કરવા ધારતો હતો.

આવી પૂર્વભુમિકા પર હું અનુરાધાને મળ્યો. પૂર્વ આફ્રિકામાં સધન પરિવારમાં જન્મેલી, ત્યાંની શાળાઓમાં ભણેલી  યુવતીને હું મળ્યો. અમે એક બીજાને પસંદ કર્યા અને બે મહિના બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું. હું પાછો મારા યુનિટમાં ગયો.

નવાઇની વાત એ છે કે રજા પર જતાં પહેલાં અમારે ત્યાં ફેલાયેલી 'લંગર ગપ' સાચી નીકળી! રજા પરથી પાછા ફરતાં જ પહેલા સમાચાર મળ્યા : મારી બદલીનો હુકમ આવ્યો હતો!