Pages

Saturday, September 17, 2016

અદૃષ્ટ


જગતમાં કેટલીક એવી વ્યક્તિઓ વસે છે જેમને અસ્તીત્વમાં ન હોય તેવી વ્યક્તિઓ દેખાતી હોય છે અને અન્ય કોઈને ન સંભળાય તેવા અવાજ તેઓ સાંભળતા હોય છે. આ એક માનસિક વ્યાધિ છે અને નિષ્ણાતો તેને સ્કિત્ઝોફ્રેનિયા કહે છે. જેમની નજર સામે વ્યક્તિ, તેની ભાવના, અવાજ - સઘળું હોવાં છતાં તેમને દેખાતું કે સંભળાતું ન હોય તેને શું કહેવાય? આ કોઈ રોગ છે ખરો?
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદમાં હું સાવ નવો હતો. સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાં બી. કૉમ. કર્યા બાદ નોકરી શોધવા હું અમદાવાદ આવ્યો હતો. એલિસબ્રીજના માદલપુર વિસ્તારમાં મારા દૂરના મામા રહેતા હતા. તેમણે મને રહેવાની કામચલાઉ સગવડ કરી આપી હતી. તે સમયે એલિસબ્રીજ વિસ્તાર વિકસ્યો નહોતો. સી.જી. રોડનું નામોનિશાન નહોતું. વાણિજ્ય અને ઉદ્યોગોની અૉફિસો ગાંધી રોડ, રિલીફ રોડ અને મિર્ઝાપુર વિસ્તારમાં હતી. ‘પદયાત્રા’ની ટેવ નાનપણથી જ હતી તેથી રોજ સવારે નવ વાગ્યાના સુમારે માદલપુરથી ચાલીને શહેર જતો. એલિસબ્રીજ પસાર કરી, ભદ્રના કિલ્લા પાસેથી નીકળીને લાલ દરવાજા, રિલીફ રોડ, ગાંધી રોડ પર આવેલી બૅંકો, વિમા કંપનીઓ તથા નવી નવી ખુલતી વિદેશી કંપનીઓની શાખાઓમાં નોકરીની શોધમાં કે ઈન્ટર્વ્યૂ માટે જતો. 
ભદ્રના કિલ્લાની પાછળ એક બસ સ્ટૅન્ડ હતું. લાલ દરવાજાથી નીકળતી ઘણી બસો અહીં રોકાતી. વાહન વ્યવહારનો આ ધોરી માર્ગ હોવાથી જીવ બચાવવા તથા હાડકાં - પાંસળાં સુરક્ષીત રાખવા માટે હું ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરતો. વળી મ્યુનીસીપાલિટીએ ઠેકઠેકાણે “પગથી ઉપર ચાલો”નાં પાટિયાં પણ લગાડ્યાં હતા. પહેલાં મને પગથી ઉપર કેમ ચલાય તે ન સમજાયું, પણ તરત ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં પણ ડૉ. રઘુવીર જેવા કોઈ પંડિત હતા જેમણે ફૂટપાથનું ગુજરાતી ભાષાંતર ‘પગથી’ કર્યું હતું.
એક દિવસ ભદ્રના આ બસ સ્ટૉપ પર મેં એક યુવતી જોઈ. તેણે પીળા રંગના સાદા પ્રિન્ટેડ સુતરાઉ સ્કર્ટ પર લાલ રંગનો ટૉપ પહેર્યો હતો. આવો પોશાક તે સમયે કેવળ ગોવાનીઝ કે અૅંગ્લોઈન્ડિયન સ્ત્રીઓ પહેરતી. હું તેની નજીકથી પસાર થયો ત્યારે એક ક્ષણના હજારમા ભાગ જેટલા સમય માટે અમે એકબીજા તરફ જોયું. યુવતીનો વર્ણ ગૌર હતો, પણ ચહેરા પર કોઈ જાતનું રંગરોગાન નહોતું. ઉમર પણ સત્તર - અઢાર વર્ષથી વધુ નહોતી લાગતી. તેના ચહેરા પર એક જાતનું ઔદાસ્ય કહો કે ચિંતા જેવો ભાવ દેખાયો. બીજી ક્ષણે મને મારા પર શરમની ભાવના થઈ. કોઈ યુવતી તરફ ‘આવી’ રીતે નિરખીને જોવામાં અશિષ્ટતા હતી તે હું જાણતો હતો. તેમ છતાં કોણ જાણે કેમ જોવાઈ ગયું.
બીજા દિવસે મેં તેને એ જ બસ સ્ટૉપ પર જોઈ. મારાથી પહેલાં જેવી ભૂલ ન થાય તે માટે હું તેની પાસેથી નીચે જોઈને નીકળી ગયો. ત્રીજા દિવસે તેને ત્યાં જ અને તે સમયે જોઈ. ત્યાર પછી મેં રસ્તો બદલ્યો.
ઘણાં પ્રયત્નો કર્યા બાદ મામાજીની લાગવગથી એક મોટી બૅંકમાં મને નોકરી મળી. બૅંકનું નામ જુદું હતું પણ કર્મચારીઓ તેને ‘પારસી બૅંક’ કહેતા. અમારી શાખામાં પારસી કર્મચારીઓની સંખ્યા સારી એવી હતી. મારી નીમણૂંક ફૉરીન એક્સચેન્જ ખાતામાં હતી તેથી કાઉન્ટર્સની પાછળના જુદા કમરામાં બેસવાની વ્યવસ્થા હતી. મારા ટેબલની બાજુમાં એક ટાઈપિસ્ટ બહેન બૅપ્સી ખંભાતાનું ડેસ્ક હતું. ઉમરમાં તેઓ મારાં કરતાં દસેક વર્ષ મોટાં. તેમનો સ્વભાવ અત્યંત મિલનસાર હોવાથી મારી સાથે તેમને પહેલા દિવસથી જ સારૂં ફાવવા લાગ્યું હતું. પરિચય વધતાં ટી-બ્રેકમાં અમે ચ્હા અને કોઈ કોઈ વાર લંચ પણ સાથે લેતાં. હું જાણે તેમનો નાનો ભાઈ હોઉં, મને ‘તું’ કહીને બોલાવતાં.
થોડા સમય બાદ અમારી શાખાનું વિસ્તરીકરણ થયું. ઘણાં નવા કર્મચારીઓ આવ્યા. તેમાં એક ખાસ જુદી તરી આવે તેવી એક યુવતી હતી ; શ્યામલ વર્ણની, અપૂર્વ બુદ્ધિમત્તાના તેજથી દીપતી રાજશ્રી તિવારી. તેની નિયુક્તિ મારા સેક્શનમાં જ થઈ અને તેને કામ શીખવવાની જવાબદારી મને આપવામાં આવી. 
પહેલાં બૅપ્સી, હું અને અન્ય સાથી બી.કે. દેસાઈ સાથે ચ્હા કે લંચ લેતાં. હવે તેમાં રાજશ્રી જોડાઈ. લંચનો એક કલાક મળતો તેથી અમારૂં જૂથ ઘણી વાર નજીકના રેસ્ટોરાંમાં જતું. એક વર્ષ આમ જ નીકળી ગયું. 
એક દિવસ બૅપ્સી કામ પર ન આવી. લંચના સમયે રાજશ્રીએ કહ્યું, “અરવિંદ આજે નાસ્તો કરવા બહાર જઈશું?” બી.કે. કામના દબાણને કારણે અમારી સાથે આવી ન શક્યા.
અમે શેફાલી સિનેમા પાસે આવેલા રેસ્ટોરાંમાં ગયા. અૉર્ડર અપાઈ ગયા પછી રાજશ્રીએ મારી સામે ક્ષણભર જોયું. તેના ગાલ પર શરમના શેરડા પડ્યા અને નજર ઝુકાવીને બોલી, “અરવિંદ, હું તને ચાહું છું.” 
મારા મસ્તક પર જાણે વીજળી પડી. હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. રાજશ્રી ઉત્તર પ્રદેશના ગર્ભશ્રીમંત અને રૂઢિચૂસ્ત કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારની હતી. અમે હતા ગુજરાતના નાનકડા શહેરના રહેવાસી. રાજશ્રીએ મારામાં કોણ જાણે શું જોયું, ક્યાં તથા કેવી રીતે તેને ઠેસ વાગી અને જ્યાં ન પડવું જોઈએ ત્યાં -  પ્રેમની ગર્તામાં પડી? એવું નહોતું કે રાજશ્રી મને અપ્રિય લાગતી હતી. તેનું વ્યક્તિત્વ, સાડી પરિધાન કરવાની તેની ઢબ અને હિંદી લઢણમાં ગુજરાતી બોલવાની રીતમાં એક વિશેષ આકર્ષણ હતું. અમારી બૅંકના ઘણા અપરિણીત સાથીઓ તેની સાથે પરિચય વધારવા કોશિશ કરતા હતા, પણ તેણે કોઈને દાદ આપી નહોતી. 
જીવનમાં પહેલી વાર કોઈ યુવતીએ મારા પ્રત્યે પ્રેમ જાહેર કર્યો હતો. આમ જોવા જઈએ તો અમારા સામાજીક સ્તરમાં ભારે ફેર હતો. રાજશ્રીનો સંયુક્ત પરિવાર ધનિક હતો. અમારો પરિવાર સાધારણ મધ્યમ વર્ગનો. ઘરમાં સૌથી મોટાં બા અને હું તેમનો મોટો દીકરો. એસ.એસ.સી.માં હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું.  મારાથી નાની બહેન કુસુમ અને નાનો ભાઈ વિક્રમ હજી શાળામાં ભણતા હતાં. હું મારી આર્થિક અને પારિવારીક મર્યાદાઓ જાણતો હતો તેથી મારા જીવનમાં પ્રેમ અને લગ્નને પ્રાથમિકતા નહોતી. પણ પ્રેમ કદી કોઈનું આર્થિક સ્તર, જાતિ બંધન, સમાજે સર્જેલી અભેદ્ય ગણાતી દિવાલો તરફ થોડું જ જુએ છે? અને પ્રેમમાં ન પડવું એવાે નિશ્ચય કદી કોઈ લઈ શકે? 
રાજશ્રીનો એકરાર સાંભળી અમારા સહવાસના બે વર્ષમાં પ્રથમ વાર મેં તેને જુદી દૃષ્ટીથી નિહાળી. તેના ચહેરા પરની આર્જવતા તથા આંખમાંથી નિતરતા સ્નેહને મારૂં હૃદય અવગણી શક્યું નહિ. મેં તેના પ્રેમનો સ્વીકાર કર્યો પણ તેને કહ્યું કે હું બે વર્ષ સુધી લગ્ન નહિ કરી શકું.  કુસુમ એસએસસીમાં હતી. અમારી જ્ઞાતિમાં છોકરીઓનાં લગ્ન બહુ વહેલાં લેવાતાં. બાએ તો અત્યારથી તેના લગ્નની વાત ચલાવી હતી! બીજી વાત મારી અંગત મહેચ્છાની હતી. જ્યાં સુધી હું પ્રથમ વર્ગનો અફસર ન બનું ત્યાં સુધી હું લગ્ન કરવા તૈયાર નહોતો. બૅંકમાં અા પ્રમોશન માટે મેં ચાર્ટર્ડ બૅંકર્સ ઈનસ્ટીટ્યૂટની પરીક્ષાઓ આપી હતી ફેલોશિપની પરીક્ષાને એક વર્ષ બાકી હતું. મારા વિચારને રાજશ્રીએ માન આપ્યું. અમે બે વર્ષ સુધી લગ્નનો વિચાર ન કરવાનું નક્કી કર્યું. બૅંકમાં અમે કેવળ સહકારીઓ જેવું ઔપચારીક વર્તન રાખ્યું. 
બીજી તરફ બૅપ્સી કેટલાય વખતથી મારી પાછળ પડી હતી કે મારે બૅંક ક્લાર્કની નોકરી છોડીને કોઈ વિદેશી કંપનીમાં નોકરી જોવી.  “અરવિંદ, તું આય બૅંકમાં ટાઈમ વેસ્ટ કરે છ.” પછી અંગ્રેજીમાં કહ્યું, “તારી ઈન્ટેલીજન્સ, તારા અંગ્રેજીના જ્ઞાનની અને પર્સનાલિટીની કદર આ બૅંકમાં કદી નહિ થાય. મારો મોટો ભાઈ બહેરામ મુંબઈમાં જે. વૉલ્ટર થોમસનમાં ડાયરેક્ટર છે. હાલ માયજીને મળવા અહીં અાવ્યો છે. તું એવું કર, કાલે શનિવાર છે. સાંજે તું અમારે ઘેર ચ્હા માટે આવ. મેં બહેરામ સાથે તારા વિશે વાત કરી રાખી છે.”
જે. વૉલ્ટર થોમસન એટલે અમેરિકાની વિશ્વવિખ્યાત અૅડવર્ટાઈઝીંગ કંપની. બૅપ્સીની વાતને માન આપી હું ખાનપુરમાં તેમના બંગલે ગયો અને દરવાજા પરની કૉલબેલની ઘંટડી વગાડી. અર્ધી મિનીટ પણ થઈ નહિ હોય અને દરવાજો ખુલ્યો. હું ‘હૅલો બૅપ્સી’ કહેવા જતો હતો અને રોકાઈ ગયો, કારણ કે દરવાજો ખોલનાર બીજું કોઈ નહિ પણ મેં બે - અઢી વર્ષ પહેલાં ભદ્રના કિલ્લાની નજીકના બસ સ્ટૉપ જોયેલી પેલી ગોવાનીઝ યુવતી હતી. મને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. મીઠું હસીને ઘંટડી જેવા સ્વરે સ્વચ્છ ગુજરાતીમાં બોલી, “અરવિંદભાઈ, ખરૂં ને? હું અૅન્જેલા છું. આવો. બૅપ્સી અને બહેરામ તમારી રાહ જોઈને બેઠાં છે.” 
હું અંદર ગયાે. બૅપ્સીએ મારી ઓળખાણ તેનાં માયજી, બહેરામ અને આ યુવતી સાથે કરાવી. “આ અૅન્જી છે. અમારી પાડોશમાં રહે છે. મારાથી ખાસ્સી નાની છે પણ છે મારી ખાસ બહેનપણી!”
અમે વાતો કરવા બેઠાં. થોડી વારે પગની ઘૂંટી સુધીનો લાંબો ફ્રૉક અને અૅપ્રન પહેરેલાં મહિલા હાથમાં ટ્રે લઈને હૉલમાં આવ્યાં. અૅન્જેલા એકદમ ઉભી થઈ ગઈ અને તેમના હાથમાંથી ટ્રે લઈ તેમની સાથે કોંકણીમાં કશું’ક બોલી. મને તેમાંના ફક્ત થોડા શબ્દ સમજાયા. “મા!” અને “મને કેમ ન બોલાવી?” મહિલાએ ફક્ત તેની સામે જોઈને સ્મિત કર્યું. બૅપ્સીએ ઉભા થઈ તેમના ખભા પર હાથ મૂકી મારી તેમની સાથે ઓળખાણ કરાવી. “આ મિસેસ જી - મિસેસ ગોન્સાલ્વીસ છે. માયજીનાં ફ્રેન્ડ, કમ્પેનિયન અને અૅન્જેલાનાં મમી. માયજીને મદદ કરવા આવે છે,” કહી તેમને બેસવા કહ્યું. તેમણે હસીને ના પાડી અને ગોવાનીઝ-હિંદીમાં કહ્યું, “જાના પડેંગા. બો’ત કામ પડેલા હૈ,” કહી અંદર ગયાં.
આ જોઈને મને ઘણું કુતૂહલ થયું. આ બાબતમાં બૅપ્સીને ક્યારેક પૂછીશ એવું નક્કી કર્યું. ત્યાર પછી બહેરામ સાથે મારી ઘણી લાંબી વાત થઈ. અંગ્રેજી સાહિત્યથી માંડી યુરોપિયન ચિત્રકારો, સંગીત, લોકકથાઓ જેવા વિષયો પર ચર્ચા થઈ. બૅપ્સી અને અૅન્જેલા અમારી વાતચીત રસપૂર્વક સાંભળી રહ્યાં હતા. 
“તમે કહો છો તમે નાનકડા શહેરથી આવ્યા છો. આ બધી વાતોનું આટલું ઊંડાણથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું તેની મને નવાઈ લાગે છે. અમને તો મુંબઈમાં પણ આ વિષયો પર આવા અધિકારથી વાત કરનાર લોકો ક્વચિત મળે છે,” બહેરામે પૂછ્યું.
 હવે હું તેને ટૂંકમાં કેવી રીતે કહું અમારા અંગ્રેજી અને ગુજરાતીના પ્રાધ્યાપકોએ અમારા માટે વિશ્વની સંસ્કૃતિઓની બારીઓ ખોલી આપી હતી? પ્રખર ચિત્રકાર સોમાલાલ શાહ, તેમના શિષ્ય ખોડીદાસ પરમાર અને જાણીતા આધુનિક ચિત્રકલાના કલાકાર અંજન તથા તેમના સાહિત્યરસીક ભાઈ ગિરીશ સાથે મારો ઘનીષ્ટ પરિચય હતો? કેમ કરીને કહું કે અમે કેટલાક મિત્રો નિયમીત રીતે મળીને ઈમ્પ્રેશનીસ્ટ ચિત્રકારો, સમરસેટ મૉમ અને જેમ્સ જોઈસ જેવા સાહિત્યકારોનાં પુસ્તકોની ચર્ચા કરતા હતા? આત્મશ્લાઘાના દોષમાંથી બચવા મેં જવાબમાં કેવળ સ્મિત કર્યું.
“જુઓ, અમને ઈમેજીનેટીવ કૉપીરાઈટર્સની જરૂર છે. અમેરિકાની મોટી કંપનીઓ ભારતમાં મોટા પાયા પર પ્રવેશ કરવાની તૈયારીમાં છે અને તેમાંની ઘણી કંપનીઓ અમેરિકામાં અમારી જુની ક્લાયન્ટ્સ છે. આજની આપણી વાતને હું ઈન્ટરવ્યૂ ગણું છું. તમે મુંબઈ આવો અને અમારા પર્સનેલ મૅનેજરને મળી તમારા કૉન્ટ્રૅક્ટની વિગતો પૂરી કરી લેજો. અને હા, કૉપીરાઈટરને અમે xxxxx પગાર આપીએ છીએ. તમને અૅક્સેપ્ટેબલ હોય તો…”
કૉપીરાઈટરનું કામ શું હોય છે તે હું જાણતો હતો. બહેરામે કહેલો પગાર મને હાલ બૅંકમાં મળતા પગાર કરતાં લગભગ ચાર ગણો હતો! મુંબઈના જીવનધોરણને પહોંચી વળાય તેના કરતાં પણ આ રકમ વધારે હતી. મેં વિચાર કરવાનો સમય માગ્યો.
બહેરામની અૉફર અત્યંત આકર્ષક હતી, પણ પરિસ્થિતિ એવી હતી કે મારાં બા અને ભાઈ બહેન હજી હાલમાં જ અમારા ગામથી અમદાવાદ શિફ્ટ થયા હતા. ભાઈ બહેનને શાળામાં દાખલ કરીને બહુ સમય નહોતો થયો. આવી હાલતમાં મારા માટે મુંબઈ જવું શક્ય નહોતું. મેં બહેરામને ફોન કરી મારી અશક્તિ જણાવી. બૅપ્સીને માઠું તો લાગ્યું પણ મારી પરિસ્થિતિ જાણતી હોઈ ઉદાર હૃદયે મને દરગુજર કર્યો.
આ વાતને એકાદ મહિનો થયો હશે અને અૅન્જેલાને અમારી બૅંકમાં ટાઈપિસ્ટની નોકરી મળી. બૅપ્સીએ મને કાનમાં કહ્યું, બહેરામે અમારા પારસી મૅનેજર સાથે વાત કરીને તેને નોકરી અપાવી હતી. બૅપ્સીએ અૅન્જેલાના પરિવાર વિશે વાત કરી. અૅન્જેલાનાં પિતા લાલ દરવાજા પાસે આવેલ બ્રિટિશ કાર ડીલરશિપની ગૅરેજમાં હેડ મિકૅનીક હતા. માયજી સાથે તેમનાં પત્નીની ખાસ મૈત્રી. એક અકસ્માતમાં મિસ્ટર ગોન્સાલ્વીસનું અવસાન થયું. અૅન્જેલા અને તેનો ભાઈ સાવ નાનાં હતાં. મિસેસ જી ખાસ ભણેલાં નહોતાં. માયજીએ તેમને હર રીતે મદદ કરી અને ત્યારથી તેઓ તેમને ઘેર હાઉસકીપરનું કામ કરવા લાગ્યાં હતા. માયજીએ તેમને દોસ્તની જેમ જ સાચવ્યાં અને તેમને આર્થિક તથા ભાવનાત્મક આધાર આપતા રહ્યાં. અૅન્જીના અભ્યાસમાં પણ તેમણે આર્થિક મદદ કરી હતી.
અૅન્જેલા કામે આવવા લાગી અને અમારું ગ્રુપ મોટું થયું. બૅપ્સી, બી.કે., રાજશ્રી અને અૅન્જેલા. હવે અમે તેને અૅન્જી કહીને બોલાવતા. કોઈ કોઈ વાર અમે બધાં એકબીજાને ઘેર પણ જતાં.
***
૧૯૬૨માં થયેલા ચીન સાથેના યુદ્ધ વિશે સૌ જાણે છે. સરકારે મોટા પાયા પર અફસરોની ભરતી શરૂ કરી. મારો મિત્ર સમુદાય દેશભક્ત હતો. અમે સૌએ સૈન્યમાં ભરતી માટે અરજી કરી. મિલિટરીમાં સિલેક્શનનું સ્તર અત્યંત સખત હોય છે તેથી સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં અમારામાંથી કેવળ બે જણા યશસ્વી થયા. તેમાંનો એક હતો અરવિંદ ઝાલા - એટલે હું - અને બીજો મારો મિત્ર વિન્સેન્ટ મૅકવાન.
ટ્રેનીંગ માટે મારે છ મહિના માટે દહેરાદુન જવાનું હતું. અૉફિસમાં રાજશ્રી સાથેના મારા સંબંધની જાણ ફક્ત બૅપ્સી અને અૅન્જીને હતી. દહેરાદૂન જતાં પહેલાં એક સાંજે હું રાજશ્રીને મળ્યો. તેની આંખમાંથી આંસું સૂકાતાં નહોતાં. મેં તેને આશ્વાસન આપ્યું કે છ મહિનાની તો વાત છે. ત્યાર પછી મને મળનારી દરેક રજામાં તેને મળવા આવીશ. મારો પ્રથમ નિર્ણય - અફસર થવાનો - હાથવેંતમાં પૂરો થવાનો હતો. બાએ કુસુમ માટે મૂરતિયો જોઈ રાખ્યો હતો અને એક વર્ષ બાદ તેનાં લગ્ન લેવાનું નક્કી કર્યું હતું. આમ બધી રીતે અમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હતો. અમે એકબીજાને દર અઠવાડિયે એક પત્ર લખવાનું વચન આપ્યું અને અમે જુદા પડ્યાં. 
અમારી ટ્રેનીંગ સખત હતી. કહેવાય છે કે સ્નેહીઓ વચ્ચે ભૌતિક અંતર જેટલું વધુ એટલું જ તેમનાં હૃદયો વચ્ચેનું અંતર ઘટીને નહિવત્ થઈ જાય છે! ટ્રેનિંગના બીજા સત્રના છેલ્લા એક મહિનામાં મને રાજશ્રીનો એક પણ પત્ર ન મળ્યો, જો કે રાજશ્રીના હૃદયના ધબકાર મેં જરૂર અનુભવ્યા. ટ્રેનીંગ કાળની મારી સિદ્ધીઓ જોતાં મારી નિયુક્તિ આપણાં xx લાન્સર્સ નામના રિસાલામાં થઈ. તેમાં પસંદગી પામવા સારૂં નસીબ જ કામ આવે! આને મેં ભવિષ્યનાં એંધાણ સમજ્યાં. ટ્રેનીંગ પૂરી થઈ અને લેફ્ટેનન્ટના હોદ્દા સાથે મળેલી બે અઠવાડિયાની રજા લઈ હું ઘેર પહોંચ્યો. 
બીજા દિવસે લંચના સમયે હું મારા નવા નક્કોર યુનિફૉર્મમાં રાજશ્રીને તથા મારા અન્ય સાથીઓને મળવા બૅંક ગયો. રાજશ્રીની સીટ તરફ નજર કરી તો તે દેખાઈ નહિ. બૅપ્સી અને અૅન્જીએ એકબીજા તરફ વિષાદપૂર્ણ નજરે જોયું અને કહ્યું, “ઘણા સમય પછી આવ્યો છે તો ચાલ ચ્હા પીવા જઈએ.”
અમે અમારા હંમેશના સ્થળે ગયા. બૅપ્સી અને અૅન્જેલાએ એક બીજા સામે જોયું. બન્નેની અંાખોએ છાની વાત કરી. બૅપ્સીએ માથું હલાવી અૅન્જીને સંકેત કર્યો, ‘તું જ કહે!’ 
અૅન્જેલાએ મને કહ્યું, “સૅારી, અરવિંદ. આ વાત તમને કેવી રીતે કહેવી તે સમજાતું નથી. અમે બન્ને હજી આઘાતમાં છીએ.”
“કેમ? ઘેર તો બધાં ઠીક છે ને?” મેં ચિંતીત સ્વરે પૂછ્યું.
“હા, અમારે ત્યાં તો બધું ઠીક છે, પણ રાજશ્રી…”
હવે મારી ચિંતા એકદમ વધી ગઈ. “કેમ, શું થયું રાજશ્રીને? મને પણ એક મહિનાથી તેનો પત્ર નથી…”
“એક દિવસ તારી યાદમાં તારાં પત્રો વાંચતાં વાંચતાં ઉંઘી ગઈ. બત્તી બંધ કરવા તેનાં મમી ગયા ત્યારે તેમણે આ પત્રો જોયાં. બસ, બીજા દિવસે તેની પાસેથી રાજીનામું લખાવી તેને વતન લઈ ગયા.”
મારા પર જાણે વજ્રાઘાત થયો. બે મિનીટ હું ચૂપ રહ્યો. ફક્ત એટલું પૂછી શક્યો, “તમારી પાસે તેનું સરનામું છે?”
“કોઈ ફાયદો નહિ થાય. તેેમણે તેનાં લગ્ન કરી નાખ્યાં. અત્યારે કોઈને ખબર નથી કે તે બનારસ છે કે અલ્લાહાબાદ. તેણે મને ચોરીછૂપીથી કરેલા અર્ધી મિનીટના ટેલીફોનમાં આ બધી વાત કહી,” બૅપ્સીએ કહ્યું.
મારી હાલતનું વર્ણન શું કરૂં?
***
એક વર્ષ બાદ રજા પર આવ્યો ત્યારે લંચના સમયે બૅપ્સી અને અૅન્જેલાને મળવા બૅંકમાં ગયો. બૅપ્સી મુંબઈ ગઈ હતી. અૅન્જેલાએ મને કહ્યું, “અરવિંદ, ખોટું ન લાગે તોે એક વાત કહું?”
“ના, અૅન્જી. બૅપ્સી અને તારી કોઈ વાતનું દુ:ખ મને નહિ થાય.”
“રાજશ્રીના વિયોગથી તમને થયેલી તમારી વ્યથા હું સમજી શકું છું, પણ મારી વાત માનો. તમે લગ્ન કરી લો. તમારા સુખ - દુ:ખમાં સહભાગી થાય તેવી યુવતી આપણી અૉફિસમાં છે. તમે પહેલી વાર યુનિફૉર્મ પહેરીને અૉફિસમાં આવ્યા હતા ત્યારે તેણે તમને જોયા અને બસ, તેને લવ અૅટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો. ત્યારથી તે તેના સ્પૅર ટાઈમમાં, લંચના સમયે, બૅપ્સી અને મારી પાસે આવે અને તમારા વિશે પૂછ પૂછ કરે. તમારા આવવાની ચાતકની જેમ રાહ જુએ છે. આ જુઓ, તે અહીં અાવી રહી છે!”
યુવતીનું નામ હતું ઈશિતા ત્રિવેદી. અત્યંત રૂપાળી અને સંસ્કારી. તેણે મધુર હાસ્ય હસીને નમસ્તે કર્યા. અમે કૅન્ટીનમાં ગયા.
સાચું કહું તો રાજશ્રી મારા જીવનમાંથી ગયા બાદ મને લગ્નમાં રસ નહોતો રહ્યો. ઈશિતાને ખોટી આશામાં રાખવું મને ગમ્યું નહિ. મેં તેને મારો નિર્ણય કહ્યો ત્યારે તે રડી પડી. તેની સાથે અૅન્જેલા પણ. મને પારાવાર દુ:ખ થયું, પણ શું થાય? ઈશિતાના અનુભવ પછી રજા પર આવવાનું થાય ત્યારે અૉફીસમાં જવાને બદલે મિત્રોને મળવા તેમને ઘેર જતો.
બીજા બે વર્ષ વિત્યા. બાની તબિયત સારી નહોતી રહેતી. તેમણે મને લગ્ન કરવા ઘણો આગ્રહ કર્યો. પિતાજીના અવસાન બાદ બાને જરા જેટલું દુ:ખ ન થાય તેવો પ્રયત્ન મેં હંમેશા કર્યો હતો. આ વખતે તેમની આંખોમાં ઝળઝળીયાં જોઈને હું લગ્ન માટે તૈયાર થયો. કન્યા બાએ પસંદ કરી રાખી હતી!
ત્યાર બાદ પંદર વર્ષ કેવી રીતે વિતી ગયા ખ્યાલ ન રહ્યો. બૅંકના જુના મિત્રો સાથે સમ્પર્ક ન રહ્યો. એક રજામાં મેં બૅપ્સીને ફોન કર્યો. એ રિટાયર થયાં હતા. તેમણે મને મળવા ઘેર બોલાવ્યો. 
એક સાંજે તેમના ઘેર ગયો. શ્રીમતીજી આવી ન શક્યા. બૅપ્સીએ ઘણી વાતો કરી અને ‘લેટેસ્ટ’ સમાચાર આપ્યા. 
રાજશ્રીના લેવાયેલા લગભગ 'ઘડિયાં' લગ્ન પછી પતિ સાથે અમેરિકા ગઈ હતી. 
ઈશિતાનાં લગ્ન થઈ ગયા હતા.
“બૅપ્સી, અૅન્જેલા કેમ છે?”
“તને દુ:ખ ન પહોંચે એટલે તેની વાત નહોતી કરતી,” બૅપ્સીએ કહ્યું. 
“કેમ, શું થયું અૅન્જીને? એ ઠીક તો છે ને?” મેં ચિંતાના સ્વરમાં કહ્યું. 
“અૅન્જીનાં લગ્ન તેની કોમમાં થયા હતા. તું તો જાણે છે કે તે સીધી, સાદી ચોખ્ખા મનની છોકરી હતી. આડોશી-પાડોશી અને જરૂરતમંદ લોકોને ખુલ્લા દીલથી મદદ કરતી. તેણે કદી જાતિ ધર્મનો ભેદ માન્યો જ નહોતો. એ તો કદી ચર્ચમાં પણ નહોતી જતી. લોકોની સહાયતા કરવા હંમેશા તે દોડી જતી. બસ, આ જ વાત તેને નડી. તેના સાસુ સસરા અત્યંત રૂઢિચુસ્ત હતા. ચર્ચમાં ન જનારી તેમની વહુને તેમણે ધર્મભ્રષ્ટ થયેલી સમજી પહેલાં તો તેની પાસેથી પ્રાયશ્ચિત કરાવ્યું. લેન્ટના દિવસોમાં કડક અપવાસ કરવાની ફરજ પાડી અને દર રવિવારે ચર્ચમાં જવાનું અને બાકીના દિવસોમાં કન્ફેશન… ખેર! અૅન્જીનો પતિ ભલો માણસ હતો, પણ માબાપ સામે લાચાર હતો. આમ ને આમ વર્ષો વિતી ગયા. અૅન્જીને બે બાળકો અવતર્યા. બન્ને તેના જેવા ખુબસુરત. માની ‘ખરાબ’ અસર તેમના પર ન પડે એટલા માટે સાસુએ બાળકોને તેનાથી દૂર રાખી. ટૂંકામાં કહીએ તો સઘળી વાતોનું પરિણામ છુટાછેડામાં આવ્યું. કમનસીબે અૅન્જીને બાળકોની કસ્ટડી ન મળી. અંત સુધી તેણે પ્રયત્ન કર્યો…”
હું ધ્રુજી ગયો.
“અંત સુધી એટલે?” મેં પૂછ્યું.
“બાળકોની કસ્ટડી માટેની તેની સતત બે વરસની મહેનત નિષ્ફળ ગઈ. બિચારી ભાંગી પડી. એક વહેલી સવારે હાર્ટ અૅટેકમાં તે ગુજરી ગઈ ત્યારે તેની પાસે કોઈ નહોતું. બિચારી છુટી. મને દુ:ખ તો બહુ થયું, પણ શું કરીએ? અને તારૂં તો કશું ઠેકાણું નહોતું. કૅર અૉફ 56 APO ના સરનામા પર તને કેવી રીતે ફોને કરૂં કે તાર કરીને તને જણાવું?”
હું નિ:શબ્દ હતો.
પશ્ચાત્તાપથી મારૂં મન વિલાઈ ગયું. બૅપ્સી અને અૅન્જી સાથે સમ્પર્ક ન રાખવા માટે મારા મનમાં થયેલી અપરાધની ભાવનામાં હું એવો ડૂબી ગયો, આંખ ભીની થઈ ગઈ અને મને તેનો ખ્યાલ પણ ન આવ્યો. 
મને મારા સ્વાર્થીપણાની શરમ આવી.
“અરવિંદ, એક વાત પૂછું તો તને ખોટું નહિ લાગે ને?” બૅપ્સીએ નરમાશથી પૂછ્યું.
“ના, જે પૂછવું હોય તે પૂછો.”
“તારા મનમાં અૅન્જી પ્રત્યે એક વાર પણ પ્રેમની ભાવના થઈ હતી?”
“કેવી વાત કરો છો! અૅન્જી તો કેવળ મિત્ર હતી. તમારા જેવી.”
“તું બી બધા મિલિટરીવાળાઓ જેવો મગજ મેટ નીકળ્યો,” બૅપ્સીએ નરમાશથી પારસી ભાષામાં મને ઠપકો આપ્યો. “એ વર્ષોથી તારા પર પ્રેમ કરતી હતી! તને કદી તેનો ખ્યાલ પણ ન આવ્યો? કેવો કમનસીબ માણસ છે!
“ અૅન્જી અઢાર વર્ષની હતી ત્યારે તેણે તને પહેલી વાર જોયો હતો. તે ભદ્ર પાસેના બસ સ્ટૉપ પર ઉભી હતી અને તું તેની નજીકથી નીકળ્યો હતો. તારી સાથે વાત કરવાનો ચાન્સ તેને અમારે ઘેર મળ્યો. બહેરામ સાથે વાત કરતી વખતે તેણે તારી મીઠી, ચિકણી બોલી સાંભળી અને તે તારા પર લપસી પડી. ત્યારથી તારા પર પ્રેમ કરવા લાગી હતી.”
“અૅન્જીએ મને એક વાર પણ તેનો અણસાર ન આપ્યો!”
“એ તો હંમેશા તારા પર unrequited (અપ્રતિઘોષીત) પ્રેમ કરતી રહી. તું બી ખરો નીકળ્યો! પહેલાં રાજશ્રી, પછી પેલી ઈશિતા…કદી’ક તેની આંખોમાં તારા પ્રત્યે છલકતો સ્નેહ તું જોઈ શકીશ તે આશામાં અૅન્જી જીવી હતી. છૂટાછેડા પછી એકલી હતી ત્યારે એક દિવસ તેણે મને આ વાત કરી. તું લગ્ન કરવાનો છે એ તેણે જાણ્યું હોત તો કદાચ તેનો જીવ બચી જાત. ઓ ખોદાયજી!”
હું અવાક હતો. 
અૅન્જી આખી જિંદગી મારી નજર સામે સતત  હતી, પણ મારાથી અદૃષ્ટ. એવો જ તેનો પ્રેમ હતો - અદૃશ્ય.



***