Pages

Wednesday, March 23, 2016

આસપાસ ચોપાસ : મારી દંતકથા (૨)

ઈંગ્લૅન્ડથી કાયમ માટે અમેરિકા જવા નીકળ્યો ત્યારે દત્તક લીધેલો દેશ (બ્રિટનની નાગરિકતા લીધી ત્યારે ભારતે મારી રાષ્ટ્રિયતા ખૂંચવી લીધી હતી), મિત્રો અને સગા-વહાલાંઓની સાથે સાથે  આઠ દાંત  અને ચારે’ક ‘રૂટ કૅનાલ’ના પ્રોસીજરમાં દાંતની મજ્જા અને મજા પણ છોડી આવ્યો.  સંતોષ હોય તો એક વાતનો કે ‘ગયેલા’ દાંતમાં મારી ચાર અક્કલ દાઢ શહેરની મધ્યમાં આવેલી નૅશનલ હેલ્થ સર્વિસ હેઠળ ચાલતી ઈસ્ટમન ક્લિનિકમાં કાઢવામાં આવી હતી તેથી એક તો દેશના સર્વશ્રેષ્ઠ ડેન્ટિસ્ટની સારવાર મળી અને પૈસા પણ આપવા ન પડ્યા. આ ચાર દાઢ કાઢવાનો બ્રિટનમાંના આપણા દેશી દંત વૈદ્યોએ લગભગ છસો પાઉન્ડ (લગભગ સાઠ હજાર રુપિયા)નો  અંદાજ આપ્યો હતો.

અમેરિકા આવ્યો ત્યારે નવા દાવ માટે નવી ઘોડી લેવી પડશે તેનો ખ્યાલ નહોતો. આમ તો મારી ઉમર અને અનુભવને કારણે નવી ‘બૅટ’  લેવી પડશે તેનો અણસાર સરખો નહોતો આવ્યો. આનું મુખ્ય કારણ એ હતું કે મારા મતે મારે લેવી જોઈતી સઘળી દંત-ચિકિત્સા લંડનમાં જ પૂરી થઈ હતી. પણ મને ‘પીચ’નો ખ્યાલ નહોતો. અહીં ક્રિકેટની સરખામણી કરવાના ઘણા કારણો છે.
૧. ભારતમાં એક જમાનો એવો હતો કે ક્રિકેટ રમવા માટે સારા મેદાન ફક્ત ચાર જગ્યાએ હતા. મુંબઈ, કલકત્તા, મદ્રાસ (ચેન્નઈ) અને દિલ્હી. બાકીના બધા સ્થળોએ મૅટ પર રણજી ટ્રૉફી અને ટેસ્ટ મૅચ રમાતી. આવી જગ્યાએ સ્થાનિક ટીમને જીતાવવા માટે ‘પીચ’ સાથે ગમે તેવા ચેડાં કરવામાં આવતા. દાખલા તરીકે રાતના સમયે પીચ પર પાણી છાંટી તેના પર મૅટ બીછાવી દેવામાં આવતી. જો સામે વાળી ટીમ ટૅાસ જીતે તો બૅટિંગ કરવાનું પસંદ કરે અને સ્થાનિક ટીમના  સ્પિનરો સામે ટકી ન શકે. જો સ્થાનિક ટીમ ટૅાસ જીતે તો ‘સામે વાળાઓ’ને બૅટિંગ કરવા આપે. આમ ‘ચટ ભી મેરી ઔર પટ ભી મેરી’ થતી. અમેરિકાના ડેન્ટિસ્ટો તેમના ‘મેદાન’માં આવું જ કંઈક કરશે એનો મારા જેવા બૅટધરોને જરાય ખ્યાલ નહોતો.

૨. એક જુનો વિનોદ હંમેશા યાદ આવે છે. એક વાર શેતાને ભગવાનને કહ્યું, ‘ચાલો આપણે ક્રિકેટની મૅચ રમીએ’. ભગવાને સ્મિત કરીને કહ્યું, “શો ફાયદો? વિશ્વના બધા  દિવંગત ઉત્કૃષ્ટ ક્રિકેટરો મારી પાસે, મારા સ્વર્ગમાં છે. જીત તો અમારી જ થાય ને?”
શેતાન ખડખડાટ હસ્યો, “તેથી શું થયું? બધા અમ્પાયરો નરકમાં મારી પાસે છે. તમારા બધા બૅટધરો lbw થશે, અને અમારો કોઈ ક્લિન બોલ્ડ થાય તો તે બૉલને નો-બૉલ કરીશું. રમવું છે?”

અમેરિકાના ડેન્ટલ ક્ષેત્રમાં અમ્પાયરો, ખેલાડીઓ અને પીચ - બધું ડેન્ટિસ્ટો ના કબજામાં હોય છે તેથી તમારા - અમારા જેવા લોકોનું કશું ચાલે નહિ. મને યાદ છે કે ૧૯૯૦માં સોશિયલ વર્કની ઈન્ટર્નશિપ કરવા ન્યુ યૉર્ક આવ્યો હતો ત્યારે મારા ભાણાને ઘેર ઉતર્યો હતો. એક દિવસ તેના ઘેર તેના ડેન્ટિસ્ટ મિત્ર મળવા આવ્યા.. તેઓ આવ્યા ત્યારે તેમનાં પત્ની સાથે પૉર્શા (Porche)માં બેસીને આવ્યા હતા. વાત વાતમાં તેમણે ભાણાભાઈને કહ્યું, “પ્રદીપ, મારાં પત્નીને ઘણા વખતથી ફેરારી લેવી હતી. કાલે અમે તેની ડિલિવરી લેવા જવાના છીએ…”

તેઓ ગયા પછી પ્રદીપને પૂછ્યું, “આ ભાઈ ગર્ભશ્રીમંત લાગે છે. તેમના પિતા…?”

“અરે, ના, અંકલ. ડૉક્ટર પ્રસાદ મૂળ મુંબઈના. ત્યાં ડેન્ટિસ્ટ થયા, અને ભાઈની સ્પૉન્સરશિપ પર ન્યુ યૉર્ક આવ્યા. અમેરિકામાં ડેન્ટિસ્ટ, ડૉક્ટર અને પ્લમર (ગુજરાતમાં આપણે તેમને પ્લમ્બર તરિકે ઓળખીએ) અઢળક કમાતા હોય છે. જુઓ ને, પ્રસાદે અહીં આવીને  રેસિડેન્સી કરી અને સાત વર્ષની પ્રૅક્ટિસમાં કેટલું કમાયા તેનો ખ્યાલ આવ્યો હશે! “

તે વખતે મારા માન્યામાં આ વાત આવી નહિ. પણ કૅલિફૉર્નિયામાં આવીને વસ્યા બાદ તેની અનુભૂતિ થઈ. 

હવે શરૂ થાય છે મારી દંતકથાનો બીજો ભાગ.

લંડનના વસવાટ દરમિયાન એક વાત શીખ્યા હતા કે વર્ષમાં બે વાર ડેન્ટિસ્ટ પાસે દાંત સાફ કરવવા જવું સારું, કારણ કે પરિસ્થિતિ (દાંતની) બગડે તે પહેલાં તેનો ઈલાજ થાય. તેથી અમે ડેન્ટિસ્ટોની શોધ શરૂ કરી. કામ મુશ્કેલ નહોતું કારણ કે અહીં બધા જ નાનકડા મૉલ (જેને સ્ટ્રીપ મૉલ કહેવાય છે) તેમાં એક ડેન્ટલ અૉફિસ હોય જ. અમારા બે લાખની વસ્તીના નાનકડા શહેરમાં અનેક ડેન્ટિસ્ટ હતા, જેમાંના મોટા ભાગના મૂળ ઈરાનના વતનીઓ હતા. અમારા ઘરની નજીકના એક ડેન્ટિસ્ટની અપૉઈન્ટમેન્ટ લઈને મળવા ગયો ત્યારે સૌથી પહેલાં તેમની રિસેપ્શનિસ્ટે ત્રણ - ચાર ફૉર્મ ભરવા આપ્યા. સૌથી પહેલું હતું નાણાંકિય જવાબદારીનું. તમારી પાસે ડેન્ટલ ઈન્સ્યોરન્સ છે? વિગતો આપો. જો ન હોય તો અમે તમને શોધી આપીશું કેમ કે અમારી પાસે તેમની વિગતો છે (એટલે તેમના એજન્ટ પણ અમે જ છીએ.) મહિનાના ૪૫ ડૉલર, અને ટ્રીટમેન્ટ બહુ સસ્તામાં થશે.  દાખલા તરિકે તમારે ક્રાઉન બેસાડવો હોય અને ડેન્ટલ વિમો ન હોય તો તેના લગભગ ૭૫૦-૮૦૦ ડૉલર થાય. વિમો હોય તો બસ, ફક્ત સાડા પાંચસોમાં કામ પતી જાય. બીજું ફૉર્મ છે તે અગત્યનું છે. તે બરાબર વાંચી, સમજીને સહિ કરજો. તેમાં લખ્યું છે કે જો તમારી વિમા કંપની તમારી સારવારનો ખર્ચ ઊપાડવાનો ઈન્કાર કરે તો તેના પૈસા આપવા માટે તમે અંગત રીતે જવાબદાર છો. શું તે તમે કબુલ કરો છો? ત્યાર પછી પેશન્ટના અધિકારોનું ફરફરિયું અને છેલ્લે: તમારા માટે તમારા હાસ્યની મોહકતા કેટલી અગત્યની છે? તમારા હાસ્યમાં તમારી દંતપંક્તિ ચમકતા મોતી જેવી કરવાની વ્યવસ્થા અમારી પાસે છે (જો કે તેની જુદી કિંમત તમારા પર કરવામાં આવનાર ખર્ચ પર અવલંબિત હોય છે; અને મારી પૃચ્છા પ્રમાણે  તમારે દાંત અત્યંત સુંદર અને સોહામણા કરવા હોય અને સ્મિત કરતાંની સાથે તે મોતીના હારની જેમ ચમકાવવા હોય તો તમારા દાંત પર તે પ્રકારનું વિનિયર ચઢાવી આપવામાં આવશે. જો કે તેની કિંમત ફક્ત ત્રણથી ચાર હજાર ડૉલર થાય.)

અમારી દીકરીને પૂછતાં જાણવા મળ્યું કે આ બધી રાબેતા મુજબની વિધિઓ હોય છે અને અમેરિકાના દરેક ડેન્ટિસ્ટ પાસે આવાં જ ફૉર્મ હોય છે. તે ન ભરો તો કોઈ ડેન્ટિસ્ટ તમને સેવા ન આપે.  

ના છૂટકે મેં ફૉર્મ ભર્યાં. જ્યારે ‘મોહક હાસ્યની અગત્યતા’ વિશેનો પ્રશ્ન આવ્યો ત્યારે મેં લખ્યું, “મારી ઉમર જોતાં મારા હાસ્ય કરતાં મારા બચેલા દાંત હજી કેટલો વખત બચાવી શકાય તે મારા માટે વધુ અગત્યનું છે.’ ફૉર્મ આપી હું મારા વારાની રાહ જોવા લાગ્યો. પહેલેથી સવારના ૧૦ વાગ્યાની અપૉઈન્ટમેન્ટ કરી રાખી હતી તેથી ફક્ત અર્ધો કલાક જ રાહ જોવી પડી. એક રૂપાળી સ્ત્રી નર્સના પોશાકમાં આવી અને સુંદર હાસ્ય (જે કદાચ તેના શેઠે તૈયાર કરી આપ્યું હતું)નો સાક્ષાત્કાર કરાવી તેમની ટ્રીટમેન્ટ રૂમ તરફ લઈ ગઈ. અંદર જઈને જોયું તો ત્યાં ટ્રિટમેન્ટના ચાર કમરા હતા. એક કમરામાં ડેન્ટલ ટેક્નિશિયન એક દર્દીના દાંત સાફ કરી રહી હતી. બીજા કમરામાં ડેન્ટિસ્ટ પોતે એક દર્દીને તપાસી રહ્યા હતા. ત્રીજો કમરો એક્સ-રેનો કમરો હતો, જે બંધ હતો. ચોથાે કમરાે ખાલી હતો ત્યાં જઈને જોયું તો ત્યાં બે ફિટ પહોળું અને  સાત ફિટ લાંબું વિમાનની સીટ જેવું આસન હતું. એક બટન દબાવો તો વિમાનના બિઝનેસ ક્લાસની સીટની જેમ આ ખુરશી લાંબી થઈને આરામદેહ પથારી જેવું બની જાય. નર્સે મને તેના પર બેસાડ્યો અને ચાર-છ મહિનાના બાળકના ગળામાં બાંધવામાં આવે છે તેવું કાગળના નૅપકિનનું લાળિયું  (બિબ) - મારા ગળામાં ભેરવી, “ડૉક્ટર અબ્બી હાલ આવશે. ત્યાં સુધીમાં તમારે કોઈ સામયિક વાંચવું હોય તો અહીં બાજુમાં પડ્યા છે, તેમાંથી લઈ લેશો,” કહી બહેન ગયા. અર્ધા કલાક બાદ ડૉક્ટર આવ્યા અને તેમની નર્સ કરતાં પણ વધુ પહોળું હાસ્ય કરીને બોલ્યા, “હું ડૉક્ટર જૉન કાસિમી છું.,” અને હાથ મિલાવ્યો. “કહો, તમારા માટે હું શું કરી શકું છું?” મેં મારી પ્રાથમિક જરુરિયાત - દાંત ‘ક્લિન’ કરાવવાની વાત કહી.
“સરસ, બહુ સરસ! આપણે છે ને, પહેલાં તમારા દાંતના એક્સ-રે કઢાવવા જોઈશે. તમે બેસો, મારી ટેક્નિશિયન તમને એક્સ-રે કઢાવવા લઈ જશે,” કહીને તેઓ ગયા. આ વખતે મને ખ્યાલ આવ્યો કે આ ડેન્ટલ સર્જરીને બદલે ડેન્ટલ પેશન્ટની અૅસેમ્બ્લીલાઈન છે. ડેન્ટિસ્ટ એક સાથે ચાર પેશન્ટને તપાસે છે! ચાલો, ઓળખાણ કરીને ડૉક્ટર ગયા અને ટેકનિશિયન આવી. ‘ફોટા’ પાડ્યા અને કહ્યું, “ડૉક્ટર વિલ બી વિથ યૂ મોમેન્ટરિલી.” વીસે’ક મિનિટ પછી ડૉક્ટર આવ્યા, એક્સ-રે તપાસ્યા અને મારા દાંત તપાસવાની શરુઆત કરી. થોડી વાર પેલો નાનકડો અરિસો મારા મોઢામાં ફેરવ્યા બાદ ઉચર્યા: “હમ્”!

મારો અનુભવ છે કે વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ, ખાસ કરીને ડૉક્ટર કે વકીલ ‘હમ્’ બોલે સમજવું કે માથા પર આફતનો પહાડ પડવાનો છે.

“નરેન્દ્ર, તમારા દાંત પર બહુ કામ કરવું પડશે. એક તો Deep Cleaning કરાવવું પડશે, કારણ કે  ટૂથ નંબર ૮, ૧૨, ૨૩ અને ૨૪માં ઊંડુ ઇન્ફેક્શન છે. એક દાઢમાં ક્રાઉન બેસાડવો પડશે અને એક દાંતનું સર્જિકલ એક્સટ્ૅરક્શન કરાવવું પડશે. જો કે હું તેને બચાવવાનો પ્રયત્ન કરીશ. તમારું ઈન્સ્યૂરન્સ આ બધું કવર નહિ કરે. હું તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશ અને પૈસા વગર વ્યાજે હફતેથી ભરી શકાય તેવી વ્યવસ્થા કરી આપીશ.”

મને થયું પાંચસો - હજારની વાત હોય તો હફત્ાની જરુર નહિ પડે. આ વાત મેં નમ્રતાપૂર્વક ડૉ. કાસિમીને કહી. “ભાઈ હજાર - બારસોની વાત હોત તો મેં હફ્તાનો ઉલ્લેખ ન કર્યો હોત. આખી ટ્રીટમેન્ટના આઠ હજાર ડૉલર થશે. વિચાર કરીને મારી રિસેપ્શનિસ્ટને ફોન કરી અૅપોઈન્ટમેન્ટ લેજો.”

“આઠ હજાર!!!”  મારા મોતિયા તો લંડનમાં ઉતાર્યા હતા, પણ ડૉક્ટરનો આંકડો સાંભળી કયા મોતિયા મરી ગયા તે કહેવા જેટલી અક્કલ બાકી રહી નહોતી! 

હું તે વખતે અમેરિકામાં પરમેનન્ટ રેસિડેન્ટ નહોતો થયો તેથી મેં ઈંગ્લેન્ડ જઈ સારવાર કરાવવાનું નક્કી કર્યું.  મારી ભાણેજ વહુ તાજેતરમાં જ ડેન્ટિસ્ટ થઈ હતી. હું તેને મળ્યો અને તેણે તેના સર્જરીના પ્રોફેસરને વાત કરી, તેમની ખાનગી સર્જરીમાં મોકલ્યો. દસ દિવસમાં સમગ્ર ટ્રીટમેન્ટ પૂરી કરી હું અમેરિકા પાછો આવ્યો. ક્રાઉનની જરૂર નહોતી. કૂલ ખર્ચ - હવાઈ ટિકિટ સમેત - ૧૨૦૦ ડૉલર - જે આઠ હજાર ડૉલર કરતાં થોડા કિફાયતી લાગ્યા. આ મારો પહેલો અનુભવ.

બીજો અનુભવ જરા વધુ ઈન્ટરેસ્ટીંગ નીકળ્યો, ત્રણેક વર્ષ બાદ અમે નવા શહેરમાં રહેવા ગયા. ઘરની નજીકના ડેન્ટિસ્ટ હતા ડૉ. બૅરી અશ્રફિયાન. શરૂઆતની પદ્ધતિ (How important is your smile to you? વિ. વિ.) એક સરખી હતી. એક્સ-રે લેવાયા અને ડૉક્ટરે મારા દાંત તપાસવા મારી ખુરશી લાંબી કરી, મારા ચહેરા નજીક સર્જિકલ અૉપરેશન કરતી વખતે જે શૅડો-લેસ સર્ચ લાઈટ જેવો લૅમ્પ વપરાય તેનો પ્રકાશ મારા ચહેરા પર નાખી દાંત તપાસ્યા. એક્સ-રે તપાસ્યા અને ફરી એક વાર મારા દાંત ધારી ધારીને જોયા અને “હમ્” કહી મને એવી જ હાલતમાં, એટલે લાંબી પથારીમાં સૂતેલી હાલતમાં, મારા ચહેરા પર પ્રકાશનો ધોધ ચાલુ રાખી બહાર ગયા. અર્ધી  મિનિટમાં તેમની અૉફિસ મૅનેજર આવી અને મારા કાન પાસે તેનું સુંદર મુખ આણી કહ્યું, “નરેન્દ્ર, યૂ આર લકી. તમારા દાંત સરસ છે. ફક્ત એક ક્રાઉન અને જમણી બાજુએ ઉપરના દાંત ગયા છે ત્યાં બ્રિજ નખાવવો પડશે. બસ. ફી બહુ નથી. ફક્ત સાડા ચાર હજાર ડૉલર. અને અમે તમને સરળ, ઈન્ટરેસ્ટ-ફ્રી હફતો….”

થોડી વારે હું ભાનમાં આવ્યો ત્યારે બાજુમાં શ્રીમતીજી હતાં અને નર્સ મારા ચહેરા પરથી તેણે છાંટેલું પાણી પેપર નૅપકીનથી લૂછી રહી હતી.

“ડોન્ટ વરી. યૂ વિલ બી ફાઈન. તમારા મિસેસે કહ્યું કે વિચાર કરીને એપૉઈન્ટમેન્ટ કરશે. આવજો ત્યારે.”

ઘેર જવા નીકળ્યો ત્યારે ડૉક્ટરનું બોર્ડ ફરીથી જોયું ત્યારે જણાયું કે તેમનું નામ ડૉ. અશરફિયાઁ હતું . મારી દૃષ્ટિએ તેમાં ફક્ત એક કમી હતી: ‘અશરફિયાઁ’ બાદ ‘લા’ શબ્દ લખવો જોઈતો હતો જે તેમણે જાણીબૂજીને નહોતો લખ્યો એવું મારૂં ખાતરીપૂર્વકનું માનવું છે. 

ઘેર પહોંચ્યા બાદ હું ઊંડા વિચારમાં પડી ગયો. મને મારા ભાણા પ્રદીપના ડેન્ટિસ્ટ દોસ્તની મોંઘીદાટ મોટર કાર - પોર્શા અને ફેરારીની વાતો યાદ આવી. અચાનક મારા મસ્તિષ્કમાં વિજળીનાે ચમકાર થયો. મને સાક્ષાત્કાર થયો કે અમેરિકાના ડેન્ટિસ્ટ તમારા મુખમાં ડોકિયું કરીને તમારા દાંત નથી જોતા. તેઓ તેમાં નવી કારના કેટલા હફ્તા નીકળી શકે છે તે જુએ છે. કોના દાંતમાંથી ફૅમિલી ક્રુઝનો કેટલો ખર્ચ નીકળી શકે છે તે નિહાળે છે. 

આમાંની કોઈ વાત સાચી ન લાગતી હોય તો થોડી તપાસ કરતાં જણાશે કે આપણા ભારતીય ભાઈ બહેનો જ્યારે જ્યારે દેશમાં જાય છે, ત્યારે ત્યાં જ દાંતની સારવાર કરાવી આવતા હોય છે. અમારે ઘેર અમને મદદ કરવા આવનારાં ગ્વાટેમાલાનાં સ્પૅનિશ-ભાષી બહેન બ્લાંકાને જ્યારે પણ દાંતની તકલીફ હોય, ચાર કલાક મોટર ચલાવીને અમારી નજીકની મૅક્સિકન બૉર્ડર પાર કરી ટિવ્હાના (Tijuana) શહેરમાં જઈ સારવાર કરાવે છે. ફક્ત અમારા જેવા કેટલાક લોકો, જેઓ વીસ-બાવિસ કલાકનો સતત પ્રવાસ કરી ભારત જઈ શકતા નથી તેમને ડેન્ટિસ્ટના ખિસ્સામાં અશરફી ઠાલવવી પડતી હોય છે. બીજો કોઈ પર્યાય નથી.


તો મિત્રો, આ છે મારી દંતકથા -  મારા છેલ્લા બાર દાંતની કથા. 

Friday, March 18, 2016

આસપાસ ચોપાસ : મારી દંતકથા (૧)



કથાનું શિર્ષક જરા વિચિત્ર લાગશે, કારણ કે હું હજી જીવિત છું. જીવતા માણસની કદી દંતકથા હોય? ક્ષમા યાચના કરી કહેવું જોઈશે કે આ મારા ચોકઠામાં વસતા બત્રીસમાંથી બાકી બચેલા સોળ દાંતની કથા છે, તેથી તેને મારા દાંતની વાત એટલે કે મારી દંતકથા કહું છું.

ભારતમાં હતાે ત્યારે દાંતની વ્યાધિ કદી થઈ નહોતી. અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે બે કે ત્રણ  ડેન્ટિસ્ટની દુકાનો હતી. ત્યાં મોટા અક્ષરે ચિતરવામાં આવ્યું હતું “ચાઈનીઝ  દાંતના ડાક્ટર”. તેમની દુકાન પહેલા માળે હતી અને ત્યાં ચઢીને જવાના દાદરા પાસે આ જ ડેન્ટિસ્ટના પરિવારની બે વૃદ્ધ ચાઈનીઝ મહિલાઓ કાગળના સુંદર લૅન્ટર્ન, પુષ્પહાર અને એવી ઘણી વસ્તુઓ વેચવા નાનકડા સ્ટૂલ પર બેસતી. તેમનાં ઘૂંટણ સુધીના ચાઈનીઝ ટાઈપનાં ફૂલોની ડિઝાઈનવાળા રંગ બેરંગી લેંઘા, લાંબી બાંયના ટ્યુનિક, અને શરીરના પ્રમાણમાં સાવ ટચૂકડા પગ અને તેના પર પહેરેલા પ્રિન્ટેડ કૅનવાસના શૂઝમાં સાવ જુદી તરી આવતી. પણ તેમને જોઈ તેમના સંતાન ડેન્ટિસ્ટ કેવી જાતનું ડેન્ટલ શ્રકામ કરતા હશે તેની ચિંતા થતી. 

એક દિવસ મને દાંતમાં દુ:ખાવો થયો. મારા પિત્રાઈ ડૉક્ટર હતા, તેમણે મને રતનપોળના નાકે આવેલા ડેન્ટિસ્ટ ડૉ. રસિકભાઈ પરીખની ભલામણ કરી તેમની પાસે મોકલ્યો. પરીખ સાહેબ ખરે જ નિષ્ણાત ડેન્ટિસ્ટ હતા. તેમણે મને ખુરશી પર બેસાડ્યો. ખુરશી પાસે પગથી ચલાવાતા સીવણકામના મશીનના પૈડા જેવું એક સાધન હતું. તેની બાજુમાં એક પૅડલ હતુંં. પગ વતી પૅડલ ચલાવી, પૈડું ઝપાટાબંધ ફેરવીએ તો તેનાં બે-ત્રણ ગિયરના એક છેડે એક પાતળી, તીક્ષ્ણ ડ્રિલ હતી. પરીખ સાહેબે પગ વતી પૈડું ઝપાટાબંધ ફેરવી, પેલી ડ્રિલ વતી મારા દાંતમાં નાનકડી કૅવિટી હતી તે સાફ કરી. વચ્ચે વચ્ચે આપણે કેમિસ્ટ્રીના વર્ગમાં શીખેલા ‘લાફીંગ ગૅસ’ને જુના જમાનાની મોટરના હૉર્ન જેવા સાધન વડે મારા મુખ પર તેના અદૃશ્ય ફૂવારા છાંટીને સારવાર આપી. મને તો આ ગૅસનો આનંદ માણવાની ઘણી મજા આવી. “ફરી ક્યારે આવું?” એવું પૂછતાં પરીખ સાહેબે હસીને કહ્યું, “તમારા દાંતમાં જે કૅવિટી હતી તે પારાના અૅમાલ્ગમથી પૂરી દીધી છે. હવે તમારે પાછા નહિ આવવું પડે. બસ, રોજ સવાર સાંજ બ્રશ કરવાનું શરુ કરશો.”

“ડૉક્ટર સાહેબ, જતાં પહેલાં પેલા હૉર્નમાંથી ગૅસનો એકાદ ફૂવારો છોડશો, પ્લીઝ? બહુ મજા આવી.” પરીખ સાહેબે હસીને કહ્યું, “હવે તેની જરૂર નથી. ઘેર જઈ બે-ત્રણ વાર  રાખજો અને મીઠાના પાણીના કોગળા કરજો. થોડો દુ:ખાવો ઉપડે તો અૅસ્પિરિનની ગોળી આપું છું તે લેજો. તરત આરામ થશે.  હવેથી મારી સલાહ પ્રમાણે દિવસમાં બે વાર બ્રશ કરશો તો મારી પાસે પાછા આવાની જરૂર નહિ પડે.”

પરીખસાહેબની વાત સાચી નીકળી. પરીખ સાહેબની સારવાર બાદ મને દાંતમાં ફરી દુ:ખાવો ન થયો. જો કે એક વાતનો અફસોસ રહી ગયો કે મને લાફીંગ ગૅસનો લહાવો લેવા ન મળ્યો. મારા અનુભવે પરીખસાહેબ મારા જીવનના સર્વશ્રેષ્ઠ અને સન્નિષ્ઠ ડેન્ટિસ્ટ હતા. તેમની સલાહ માન્યા બાદ ભારતમાં રહ્યો ત્યાં સુધી મારે ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર ન પડી. જો કે તેમણે ઉચ્ચારેલ શબ્દ ‘કૅવિટી’ પરથી એક વિનોદ યાદ અવી ગયો.

નવા દર્દીના દાંત તપાસતાં એક ડેન્ટિસ્ટ બબડ્યા,”આવડી મોટી કૅવિટી? બાપ રે!” દાંતની આસપાસ પેલો નાનકડો અરિસો ફેરવી તેઓ ફરી બોલ્યા, “આવડી માેટી કૅવિટી…” દર્દી જરા અપસેટ થઈ ગયો અને બોલ્યો, "હવે ખબર છે મારા દાંતમાં કૅવિટી છે, પણ તે વારે વારે કહેવાની જરૂર નથી."
ડેન્ટિસ્ટ હસીને બોલ્યા, “ભઈ, હું તો એક જ વાર બોલ્યો હતો. આ તો તમારા દાંતની કૅવિટી એટલી ઊંડી છે,કેે હું પહેલી વાર જે બોલ્યો એનો પડઘો બિજાપુરના ગોલ ગૂંબજની જેમ ફરી ફરીને પાછો આવે છે! હું શું કરૂં?”

ખેર, આ તો ભારતની વાત થઈ. પશ્ચિમમાં રહેવા ગયો ત્યારે ડેન્ટિસ્ટસ્ ને લઈ એક વાત ધ્યાનમાં આવી. 

બાળકો તેમની પાસે જવા ડરતા હતા. 

નોકરી ધંધો કરનાર સ્ત્રી પુરુષો તેમની પાસે જવા ગભરાતા હતા.

આમ જોવા જઈએ તો સમગ્ર જનતા તેમની પાસે જવા ડરતી હતી. તેમ છતાં બ્રિટનમાં દરેક સડકના ખૂણામાં ‘કૉર્નર શૉપ’ તરીકે જાણીતી ભારતીયોની સિગરેટ - તમાકુ- ચૉકલેટ - બિસ્કીટ, પ્લેબૉય જેવા ‘નઠારાં’ (પણ બહુ વેચાતા) સામયિક અને અખબાર વેચતી દુકાનોની જેમ ડેન્ટિસ્ટની દુકાન ખૂણે ખૂણે હોય જ. જો કે તેમને “કૉર્નર ડેન્ટિસ્ટ”ને બદલે “ડેન્ટલ સર્જરી”  કહેવાય છે. પહેલી વાત ઈંગ્લેન્ડની કરીશું. બ્રિટન એવો દેશ છે જ્યાં મોટા ભાગના ડૉક્ટરો અને ડેન્ટિસ્ટ્સ આપણા ભારતીયો હોય છે.

અરે હા! કહેવાનું રહી ગયું. ઊપર જણાવ્યા મુજબ પશ્ચિમના દેશોમાં લોકો દંતવૈદ્યને ત્યાં જવા શા માટે ડરતા હોય છે તેનું કારણ સ્વાનુભવ પરથી અને મેં કરેલા સંશોધનથી જાણવા મળ્યું કે :

પહેલી વાર તમે ડેન્ટિસ્ટ પાસે જાવ તો તે સૌ પ્રથમ તે તમારા દાંતના એક્સ-રે લેશે અને કહેશે કે તમારા દાંતમાં કૅવિટી છે. તમે નહિ ભરાવો તો આ દાંત સડીને પડી જશે, અને તેનો ચેપ આજુબાજુના દાંતને…  તમે ગભરાઈને કહેશો, ‘હા સાહેબ, કૅવિટી ભરી આપો.’
આપણા આરોગ્યની તેમને ઊંડી ચિંતા હોય તે રીતે કપાળ પર બે-ત્રણ આંટી લાવી તેઓ ઈલેક્ટ્રીક ડ્રિલથી કૅવિટી સાફ કરી, તેમાં એમાલ્ગમ ભરી આપશે. તમે તેમની ‘ખુરશી-કમ-બેડ પરથી ઊભા થાવ તે પહેલાં સુંદર હાસ્ય ચહેરા પર લાવી તેઓ કહેશે, “બે અઠવાડિયા પછી પાછા આવજો. જોઈશું કૅવિટી બરાબર ભરાઈ છે કે નહિ,” અને તમને રિસેપ્શનિસ્ટ સુધી મૂકવા આવશે. અંદર જતાં પહેલાં રિસેપ્શનિસ્ટને કહેશે, “સિલ્વિયા, કૂડ યૂ પ્લીઝ મેક અપૉઈન્ટમેન્ટ ઈન ટૂ વીક્સ ફૉર નરેન્દ્ર?”
પહેલી કૅવિટી ભરવાની ફી કેટલી થાય તે ન પૂછશો કેમ કે એટલા રોકડા પૈસા આપણા ખિસ્સામાં હોય નહિ. ક્રેડિટ કાર્ડથી અથવા ચેકથી પૈસા આપવા પડે. (૧૯૮૨માં મારે ૮૨ પાઉન્ડ ભરવાના આવ્યા હતા, તે સહેજ!) જો કે બે અઠવાડિયા પછી તમે જાવ ત્યારે ડૉક્ટર મહેતા તમને જરૂર કહેશે, “વહેલી તકે દાંતનું ક્લિનીંગ કરાવવા આવજો. દાંતમાં પ્લાક એટલો ભરાયો છે, સાફ નહિ કરાવો તો દાંત હાલવા લાગશે અને પછી પડી જશે. વર્ષમાં બે વાર તો ક્લિનિંગ કરાવવું જ જોઈએ,” કહી સિલ્વિયાને કહેશે, “કુડ યુ પ્લીઝ મેક અૅન અપૉઈન્ટમેન્ટ ફૉર નરેન્દ્ર? ઈટ ઈઝ ફૉર હાફ યર્લી ક્લિનિંગ.”

છ માસિક ક્લિનિંગ માટે ગયો અને જાણવા મળ્યું કે મારી અક્કલ દાઢ સેપ્ટિક થઈ છે અને તે કઢાવવી પડશે. ચાર સિટીંગમાં આ કામ પૂરું થશે, અને ચાર સિટીંગ, ચાર એક્સ-રે અને આઠ વાર ‘ચેકિંગ’ની મુલાકાત બાદ આ ‘કામ’ પૂરું થયું. આંકડો પૂછશો મા, કારણ કે મારે ફરીથી બેભાન નથી થવું.

લંડનમાં હતો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં આવી. આજ કાલ ક્રિકેટમાં બૅટિંગમાં ક્રીઝ પર ‘સ્ટાન્સ’ લેવાની રીતમાં ઘણો ફેર થયો છે. પહેલાંના બૅટ્સમૅન બેટનું તળિયું ક્રીઝ પર રાખી બૉલ આવવાની રાહ જોતા. હવે બૅટ્સમૅન ક્રીઝ પર આવીને બૅાલને ફટકારવા પહેલેથી જ બૅટ અદ્ધર રાખે છે, તેમ અમારા ડૉક્ટર મહેતા હાથમાં ગ્લવ પહેલેથી પહેરીને તૈયાર રહેતા. આવી જ રીતે અમે બીજા શહેરમાં રહેવા ગયા ત્યારે ત્યાંના ડેન્ટિસ્ટ ડૉ. શાહની પણ ‘બૅટિંગ’ સ્ટાઈલ એવી જ હતી. મેં મને પોતાને જ કહ્યું, ભાઈ, આ સ્ટાઈલથી ઘણા ‘રન’ બનાવી શકાય એવું લાગે છે!’ પહેલેથી ગ્લવ પહેરી રાખવાનું રહસ્ય ઘણા સમય બાદ જણાયું. ભારતીય વંશના એક ડેન્ટલ સર્જનની અંગ્રેજ ડેન્ટલ આસિસ્ટન્ટે ડેન્ટલ કાઉન્સિલને લેખિત ફરિયાદ કરી કે તેમના ડેન્ટિસ્ટ પેશન્ટ્સના મ્હોંમાં આંગળાં ઘાલ્યા બાદ ગ્લવ બદલતા નથી, અને એક જ ગ્લવથી અનેક પેશન્ટને તપાસે છે. પેશન્ટનું ભલે જે થવાનું હોય તે થાય, પણ ગ્લવની (અને પૈસાની) બચત થાય છે તે જોવાય છે. આ ફરિયાદ અને તેની તપાસ બાદ આપણા દંતવૈદ્યોની શાખ ઘણી ખરાબ થઈ હતી. જો કે ત્યાર પછી આપણા દેશી ડેન્ટિસ્ટોએ નવી પદ્ધતિ શરુ કરી. તેમણે સૌ પ્રથમ અંગ્રેજ ડેન્ટલ આસિસ્ટન્ટને કામે રાખવાનું બંધ કર્યું. કોઈ અંગ્રેજ પેશન્ટ આવે ત્યારે તેની નજર સામે નવા ગ્લવ પહેરવાનું શરૂ કર્યું, પણ દેશી ‘બૉલર’ની સામે ઊંચી બૅટની જેમ પહેલેથી પહેરી રાખેલા ગ્લવથી તપાસે! 

અમારા હૅરો વિસ્તારના આપણા એક ડૉક્ટરસાહેબે નવી રીત અજમાવી હતી. તેમણે પોતાનાં પત્નિને જ ડેન્ટલ આસિસ્ટન્ટનું કામ સોંપ્યું, જેમણે આ કામનો બે વર્ષનો કોર્સ પણ કર્યો નહોતો. આમ તો આ કામ માટે ડેન્ટલ કાઉન્સિલના સર્ટિફિકેટની જરૂર હોય છે, પણ જ્યાં હજારોની સંખ્યામાં ડેન્ટિસ્ટ હોય અને અંાગળીના વેઢે ગણાય એટલો કાઉન્સિલનો સ્ટાફ હોય, ત્યાં કોણ તપાસ કરવા જાય? આ જાણે ઓછું હોય, આ ‘મિસેસ ડેન્ટિસ્ટ’ને કોઈના મોઢાની નજીકની ખુરશી પર બેસતાં પણ સૂગ આવતી હતી. જ્યારે ડેન્ટિસ્ટ પેશન્ટના દાંતમાં ડ્રિલિંગ કે એવી નાનકડી સર્જરી કરે, અને લોહી નીકળે અથવા પ્લાક નીકળે ત્યારે તેને drain કરવા ડેન્ટલ આસિસ્ટન્ટે પાણીની નળી પેશન્ટના મ્હોંમાં રાખી તેનું draining કરવાનું હોય. પણ ઉચ્ચ વર્ગીય પાર્ષ્વભુમિમાંથી આવતા આ બહેનને આવા ‘હલકા’ કામની સૂગ હતી. આ કારણે આ બહેનથી આવું કામ થાય નહિ, તેથી તેમના પ્રેમાળ પતિએ તેમનું આ કામ પેશન્ટ પાસેથી કરાવવાનું શરુ કર્યું. આનો મને પોતાને અનુભવ આવ્યો. ડ્રેઈનિંગ કરાવતી વખતે ડેન્ટિસ્ટે પાણીની નળી મારા મ્હોંમાં ખોસીને કહ્યું, “આ નળીને પકડો અને ધ્યાન રાખજો તે ખસે નહિ, નહિ તો તમારા કપડાં ભીનાં થશે,” અને પત્નિ તરફ વળીને કહ્યું, “બિનીતા, ત્યાં સુધીમાં આમની નોટ્સ લખી કાઢને!”
બિનીતા બહેન ડૉક્ટરસાહેબના પત્ની હતા તેની જાણ તે વખતે થઈ. તેમણે પતિને પૂછ્યું, "તું મને રૂટ કૅનાલનો સ્પેલિંગ કહે. અગાઉ લખ્યું તેમાં તેં મારી કેટલી મજાક કરી હતી!"

"ઓ ડિયર, સીધો સરળ આર-ઓ-ઓ-ટી - રૂટ. તું Route લખે તો હસવું ન આવે?" કહી તેઓ હસી પડ્યા.

આ બિપીનભાઈ ડેન્ટિસ્ટ અમારા છેલ્લા ડેન્ટિસ્ટ હતા. ત્યાર પછી અમને કોઈને દાંતની તકલીફ હોય તો અમારા ડૉક્ટરને કહી શહેરમાં આવેલી ઈસ્ટમૅન ક્લિનિક અથવા માઉન્ટ વર્નન હૉસ્પિટલનું રીફરલ લઈ ત્યાં જવા લાગ્યા. 

વર્ષો બાદ અમે કૅલિફૉર્નિયા આવીને વસ્યા. નવી ઘોડી નવો દાવ શરુ થયો! તે પહેલાં ઘણા દાંત (અક્કલ દાઢ સમેત) મારી વિદાય લઈને જતા રહ્યા હતા. ચાર - પાંચ દાંત પર અગાઉ કદી ન સાંભળેલો ‘Root Canal’ નામનો પ્રોસીજર થયો હતો. અાપણા દેશી ડેન્ટિસ્ટોને એક વાત માટે દાદ આપવી જોઈશે કે તેઓ આપણી માતૃભાષામાં  સમજાવતા હોય છે કે આ પ્રોસીજર શું છે અને શા માટે કરવામાં આવે છે. આ વધારાની સેવા સાવ મફત હોય છે. 

સાચું કહીએ તો મારાે જમેકન મિત્ર રૉબર્ટ ગ્લાઉડન હંમેશા કહેતો, “નરેન્દ્ર, યૂ કૅન નૉટ ગેટ સમથિંગ ફૉર નથિંગ!” તેમ આ બધા પ્રોસિજર, ક્લિનિંગ, રૂટ કૅનાલ વિ.વિ.ની ફીમાં આ ‘મફત’ સલાહ અને સમજાવટ આવી જતી હોય છે.


આવતા અંકમાં જોઈશું અમેરિકાની પદ્ધતિ.

Tuesday, March 15, 2016

આસપાસ ચોપાસ : ભારતને બિલિયર્ડઝમાં વર્લ્ડ કપ કેવી રીતે મળ્યો?


હા, વાત તો વિશ્વ કપની છે, પણ ક્રિકેટની નહિ, જે આજકાલ ભારતમાં રમાઈ રહી છે. વર્લ્ડ કપ ફૂટબૉલની પણ નહિ. આજની વાત છે અમારા (મૂળ) અમદાવાદના કમલભાઈની. તેઓ દેશ માટે વિશ્વ કપ જીતી આવ્યા હતા. તેમની યાદ તો ત્યારે આવી જ્યારે બ્રાઝિલમાં વર્લ્ડ કપ ફૂટબૉલ સ્પર્ધા પૂરી થઈ. 

જર્મનીની ટીમ કપ જીતીને બર્લિન પહોંચી ગઈ હતી. ફૂટબૉલના વિશ્વ કપમાં ભારતનું નામોનિશાન નહોતું. ફૂટબૉલ અને ભારત એક વિરોધાભાસ - oxymoron - ભલે ગણાતું હોય, પણ આપણા દેશમાં ક્રિકેટ બાદ (કે ક્રિકેટ કરતાં વધુ) રમાતી કોઈ રમત હોય તો તે ફૂટબૉલ છે. ક્રિકેટની મૅચ પછી કદી મારામારી થઈ હોય તે સાંભળ્યું છે? અમારા જમાનામાં બંગાળમાં મોહન બાગાન અને ઈસ્ટ બૅંગાલ વચ્ચેની ફાઈનલ મૅચ પૂરી થયા બાદ બેઉ ટીમના સમર્થકોમાં ભયંકર મારામારી થતી. બંગાળના માલદા શહેરની પાસે ‘માથાભાંગા’ નામનું એક ગામ છે (મારા મિત્ર અમલેન્દુ સેનનાં લગ્ન આ ગામમાં થયાં અને તેની કંકોત્રી મને આવેલી તેથી મને તે યાદ છે). એક ફૂટબૉલની મૅચ ખતમ થયા બાદ આ ગામના બધા યુવકોનાં માથાં ભાંગ્યા તેથી આ ગામનું નામ આવું થયું હશે એવી મારી માન્યતા છે. આપે શરદબાબુનું ‘શ્રીકાંત’ જરૂર વાંચ્યું છે, તેના પરથી ખ્યાલ આવશે કે આ મહાનવલ શરૂઆત ફૂટબૉલ મૅચમાં થયેલી મારામારીથી થાય છે. ત્યાંથી જ તો ઈન્દ્રનાથ શ્રીકાંતને બચાવીને લઈ ગયો હતો અને તેની નિષ્પત્તિ ત્રણ ભાગના વિરાટ પુસ્તકમાં થઈ, અને આખા ભારતમાં વંચાઈ. 

આજની વાત વર્લ્ડ કપ ફૂટબૉલની નથી, પણ ફૂટબૉલને કારણે મારા મિત્ર બુલચંદ બુલચંદાણીનો પુત્ર સ્નૂકરમાં વિશ્વ ચૅમ્પિયન કેવી રીતે થયો તેની વીર ગાથા છે.

***

૧૯૪૮ -૫૦ના સમયમાં અમદાવાદ સાવ જુદું હતું. અત્યારે લાલ દરવાજામાં સ્ટેટ બૅંકની સામે આવેલું બસ સ્ટૅન્ડ અને સરદાર પાર્ક છે ત્યાં ખુલ્લું મેદાન હતું. દર રવિવારે માંડવીની પોળ, રાયપુર, શાહપુર, દરિયાપુર, ખાનપુર - આ બધી જગ્યાએથી સેંકડોની સંખ્યામાં કિશોરો અને યુવકો ક્રિકેટ રમવા આવતા. તે વખતે અમદાવાદ આજ જેટલું ધનિક નહોતું, તેથી મોટા ભાગનાં બાળકો પાસે બૅટ અને ક્રિકેટનાં લાલ ‘ડ્યૂક’ બૉલ - જેને અમે ‘સીઝન બૉલ’ કહેતાં - તેની અછત હંમેશા વરતાતી. બે બૅટ્સમેન વચ્ચે એક બૅટ અને એક ધોકા જેવું સાધન લઈ ટીમ બૅટીંગમાં ઉતરતી. બૅટીંગ કરનાર ખેલાડી અલબત્ બૅટથી રમે, પણ તેની સામેનો રનર ‘ક્રીઝ’ને અડવા ધોકાનો ઉપયોગ કરે, જેથી તે રન આઉટ ન થાય. ત્યાર પછી બૅટ-ધોકાની અદલાબદલી થાય. અમારા મહોલ્લામાં વીરેન્દ્ર વશી નામનો પૈસાદાર છોકરો હતો. તેના બાપુજી મોટી વિમા કંપનીના મૅનેજર હતા. તેમણે વીરેનને બૅટ લાવી આપી હતી. કહેવાની જરૂર નથી અમારી ટીમનો કૅપ્ટન કોણ હશે! હવે વાઈસ કૅપ્ટન ચૂંટવાનો સમય આવ્યો ત્યારે અૉફ કોર્સ બુલચંદ ઉર્ફે બુલો બુલચંદાણીની વરણી થઈ. તેની પાસે ‘ડ્યુક’ માર્કાનો બૉલ હતો. એ જ્યારે ન આવે ત્યારે કાં તો મૅચ ન રમાય અને રમાય તો સ્ટેટ બૅંકની નજીકના એક ઝાડ નીચે બેઠેલા મનજીકાકા પાસેથી અમારો જુનો, ફાટેલો બૉલ સીવડાવીને રમતા.

વીરેનની બૅટીંગ ઠીક હતી, પણ બુલો? બૉલની માલિકી એની એટલે બૉલીંગ તો એને આપવી જ પડે નહિ તો એ રમવા જ ન આવે. એ રમવા ન આવે તો અમને બૉલ ન મળે! બુલોની બૉલીંગ એવી કે માંડવીની પોળમાં રહેતા અને ત્રણ દરવાજા ટ્યુટોરીઅલ હાઈસ્કૂલના મારા ક્લાસમેટ સાર્વભૌમ સત્યભામેશ્વર પરીખે બુલચંદની ઓવરમાં વિશ્વમાં પહેલી વાર છ છક્કા માર્યા. (તે વખતે સર ગારફીલ્ડ સોબર્સનો જન્મ પણ નહોતો થયો.) વર્લ્ડ રેકોર્ડ તો જવા દો, પણ સાર્વભૌમને બૅટ પણ પકડતાં આવડતી નહોતી. એ તો ‘માંડવી’ઝ પોલ-ઈન-લાલભાઈ’ઝ પોલ’નો ગિલ્લી દંડા સમ્રાટ હતો. સાર્વભૌમના બૅટીંગ પરના સ્વામીત્વ બાદ બુલોએ બૉલીંગ છોડી દીધી. ફીલ્ડીંગમાં વાઈસ કૅપ્ટન તરીકે ફીલ્ડીંગમાં દોડવું ન પડે એટલે સ્લિપમાં ઉભો રહે, પણ તેનાથી કૅચ એક પણ ન થાય. વળી બૅટ્સમૅન જાણે એનો સગો ભાઈ હોય તેમ તેના ‘સ્ટ્રોક’ પર અને તેને આપેલી ‘જીંદગી’ પર તાળી વગાડે. આખરે વીરેને તેને સમજાવીને તેની નીમણૂંક ‘બાય વિકેટકીપર’ તરીકે કરી. ક્રિકેટમાં આવી કોઈ પોઝીશન હોતી નથી, પણ વિશ્વના બીજા રેકૉર્ડ તરીકે આ સ્થાન નિર્માણ થયું. બાય વિકેટ કીપર એટલે વિકેટ કીપરના હાથમાંથી એક હજારમા બૉલમાંથી એકાદો બૉલ છટકે તો તે રોકી બાય રન બચાવવા માટે તેને વિકેટ કીપરની પાછળ, બાઉન્ડરી લાઈન પર બુલચંદ માટે આ સ્થાન તૈયાર કર્યું. જો કે તેણે કોઈ બૉલ રોક્યો હોય તેવી ઘટના સાંભરતી નથી.

અરે, આપણે તો ફૂટબૉલની વાત કરતા હતા. આ ક્રિકેટ ક્યાંથી આવી ગયું? આપણે ભારતીયો પણ ખરા છીએ. આપણી પાસે ચર્ચા માટે ફક્ત ત્રણ વિષયો હોય છે : ક્રિકેટ, બૉલીવૂડ અને કરપ્શન. સારૂં થયું આપે યાદ કરાવી આપ્યું.

અમદાવાદમાં પણ ક્રિકેટની સીઝન પૂરી થાય એટલે ફૂટબૉલ શરૂ થાય. લાલ દરવાજાના મેદાનમાં મૅચો રમાતી અને તે જોવા સેંકડોની સંખ્યામાં લોકો ઠેઠ મણીનગરથી આવતા. અમદાવાદમાં ફૂટબૉલના ક્ષેત્રમાં ખાસબજાર અને પટવા શેરીના મુસ્લીમ ભાઈઓએ જેટલું યોગદાન આપ્યું એટલું કોઈએ નથી આપ્યું. તે વખતે અમદાવાદમાં ચાર ટીમો પ્રખ્યાત હતી. ખાનપુર ફૂટબૉલ ક્લબ, સિટી ક્લબ, કેરાલા સમાજમ્ અને ગોઆનીઝ ક્લબ. ગોઆનીઝ ટીમ છોડીએ તો બાકીની ટીમોમાં નવાણૂં ટકા ખેલાડીઓ ખાસ બજાર અને ખાનપુરના મુસ્લીમ ભાઈઓ હતા. અમારા પ્રિય ખેલાડી હતા ખાનપુર ટીમના સેન્ટર ફૉર્વર્ડ કોદરૂ (એમનું ખરૂં નામ કોર્ડેરો હતું), જેણે સીઝનની લગભગ દરેક મૅચમાં હૅટ-ટ્રીક કરી હતી. બીજો ખેલાડી હતો સિટી ક્લબનો ગોલકીપર ‘પક્કી દિવાર’ રહીમ ખાન - જેમની સામે ગોલ બનાવવો લગભગ અશક્ય હતું; ત્રીજો કેરાલા ટીમનો કૅપ્ટન ‘કાલા હાથી’ મોહમ્મદ હમઝા. ચોથો સિટી ક્લબનો કૅપ્ટન અકબર ખાન હતો. કોદરૂનું ફૂટવર્ક અને ચાર ચાર ખેલાડીઓ વચ્ચેથી બૉલ ‘ડૉજ’ કરીને લઈ જવાની કળા મૅરાડોના (તે વખતે ડિયેગો મૅરાડોનાનો જન્મ પણ નહોતો થયો) જેવી હતી. જ્યારે પણ રેફરી કોઈ ટીમને પેનલ્ટી આપે, લાલ દરવાજાનું આખું મેદાન ‘પે - લ - ન્ટી, પે - લ - ન્ટી’ના નાદથી ગાજી ઉઠતું. હજી પણ વર્લ્ડ કપમાં પેનલ્ટી અપાય, મારાથી ‘પે - લ - ન્ટી, પે - લ - ન્ટી’  જ બોલી પડાય છે! 

લાલ દરવાજાની મૅચો જોઈને અમારૂં ફૂટબૉલ રમવાનું ઝનૂન જાગી ઉઠ્યું. સવાલ બૉલનો હતો. તે સમયે ઉદયન ચિનુભાઈ બેરોનેટના બંગલાની નજીક ઉજ્જડ પડેલા ટેનીસ કોર્ટ હતાં, ત્યાં જઈ અમે ટેનીસ બૉલથી ફૂટબૉલ રમતા. ગોલની જગ્યાએ બબ્બે ઈંટો અને ટીમ ‘જર્સી’નાં સ્થાને એક ટીમ શર્ટ પહેરીને મેદાનમાં ઉતરે અને બીજી ટીમ શર્ટ વગર. આ જોઈને બુલચંદ (અમારા માટે તેનું હુલામણું નામ બુલો હતું)ના મગજમાં એક વિચાર ચમકી ગયો. એક તો તેને કૅપ્ટન થવાનો મોકો મળતો હતો અને બીજી તક કોદરૂ કે રહીમ ખાન જેવા પ્રખ્યાત ખેલાડી થવાની હતી. તેના બાપુજીએ તેને સલાપોસ ક્રૉસ રોડ પર આવેલી મૅકવાન સ્પોર્ટ્સમાંથી ફૂટબૉલ લઈ આપ્યો. બુલોનો પહેલો ઉદ્દેશ - કૅપ્ટન થવાનો પૂરો થયો! બીજો ઉદ્દેશ - કોદરૂની જેમ સેન્ટર ફૉર્વર્ડ થવાનો પણ પૂરો થયો - પણ તે અલ્પ સમય પૂરતો જ. સેન્ટર ફૉર્વર્ડને ઘણું દોડવું પડે છે અને તે પણ અત્યંત તેજ ગતિથી. સેન્ટ ઝેવિયર્સમાં ભણતો બુલો આ જ લાલ દરવાજામાં યોજાતી તેમની વાર્ષિક રમત ગમતમાં થતી દોડવાની સ્પર્ધામાં હંમેશા છેલ્લો આવતો. ફૂટબૉલની મૅચમાં તેને કોઈ બૉલ પાસ કરે તો તે કદી પણ બૉલ સુધી પહોંચી શકતો નહોતો. મૅચમાં બૉલને જાણે તેની સામે દુશ્મની હોય, આખી મૅચમાં તે તેના પગને ભાગ્યે જ અડકતો અને અડકે તો દસ સેકન્ડથી વધુ તેની પાસે રહેતો નહિ. ક્રિકેટમાં તેની બૅટનો બૉલ સાથે કદી સંગમ ન થતો તેમ ફૂટબૉલમાં પણ તેના પગ અને બૉલનો સંગમ ભાગ્યે જ થતો. 

અંતે બુલોએ પોતે જ નક્કી કર્યું કે રહીમ ખાનની જેવા ગોલી (goalie) થવું. આ પણ તેના ભાગ્યમાં નહોતું ; મરઘીના બે પગ વચ્ચેથી ઈંડુ સરકે તેમ બૉલ તેના પગ વચ્ચેથી નીકળી જતો અને સામેની ટીમને ગોલ મળી જતો. એક મૅચમાં તેના પગ વચ્ચે થઈને બૉલ આઠ વાર નીકળી ગયો અને અમારા પ્રતિસ્પર્ધી આઠ વિરૂદ્ધ ત્રણ ગોલથી જીતી ગયા. તે દિવસે અમારી પ્રતિસ્પર્ધી ટીમે બુલચંદને ‘અંડા ગોલી’ નો ખિતાબ આપ્યો ત્યારથી તેનું ઉપનામ  ‘અંડા ગોલી’ થઈ ગયું. બુલો ખીજાયો. તેણે ગોલીના પદનું રાજીનામું આપ્યું અને બહુ દોડવું ન પડે તે માટે ડીફેન્ડર થવાનું નક્કી કર્યું. બસ, આ તેનો આખરી રોલ હતો. એક મૅચમાં ગોલપોસ્ટની નજીક ઉંચેથી બૉલ આવ્યો અને તેણે ‘હેડીંગ’ કરી બૉલને ખાળવાનો પ્રયત્ન કર્યો.  બુલોના મસ્તકને ભટકાઈ બૉલ અમારા ગોલમાં ગયો અને અમે એક ગોલથી મૅચ હારી ગયા. આ તો નજીવી બાબત હતી, પણ હેડીંગ કરતી વખતે બૉલનું વજન અને તેમાં ભળેલી ગતિ બુલોના મસ્તકને ફાવી નહિ અને માથા પર બૉલ ભટકાતાં જ તે બેભાન થઈ ગયો.  તે દિવસે સદ્ભાગ્યે તેના  પિતાજી મૅચ જોવા આવ્યા હતા. તેઓ તેને મોટરમાં નાખી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ ગયા. નસીબ સારાં કે અેલીસબ્રીજ પસાર કરતાં પહેલાં જ તે ભાનમાં આવ્યો. હૉસ્પિટલના સુપરીન્ટન્ડન્ટ ડૉ. મણીભાઈ દેસાઈએ બુલોને તપાસ્યો અને તેને ‘ફિટ’ જાહેર કરી ઘેર જવાની રજા આપી.

તે દિવસથી અમારી ફૂટબૉલની ટીમ બરખાસ્ત થઈ ગઈ. બુલોના પિતાજીએ તેના ફૂટબૉલ રમવા પર પ્રતિબંધ મૂક્યો અને બૉલ જપ્ત કર્યો. ઉછીના મળેલા ખરા ફૂટબૉલથી રમવાની ટેવ પડ્યા પછી અમે ટેનીસ બૉલથી ફૂટબૉલ રમી શક્યા નહિ. અમારો શોખ બસ લાલ દરવાજાની મૅચો જોવા પૂરતો રહી ગયો.

હવે બુલચંદનું શું થયું?

બુલોના હૃદયના ઊંડાણમાં રમત ગમતનો ભારે શોખ હતો. રમત તેના દરેક રક્તકણમાં સમાઈ હતી. તે રમ્યા વગર રહી શકતો નહોતો તેથી તેની માતા દ્રૌપદીદેવીએ તેને કૅરમ બોર્ડ લાવી આપ્યું. મૂળ મુંબઈનાં દ્રૌપદી કાકી તેમનાં લગ્ન પહેલાં પાર્લા - અંધેરીના કૅરમ ચૅમ્પિયન હતાં. તેમણે પુત્ર પાસે દિવસ રાત પ્રૅક્ટીસ કરાવી. એક દિવસ છાપાંઓમાં બુલચંદનું નામ મુંબઇની રાષ્ટ્રીય કૅરમ ચૅમ્પીયનશીપમાં વિજેતા થયાનું વાંચી અમને સાશ્ચર્યાનંદ થયો. તે આવો છુપો રૂસ્તમ નીકળશે એવું અમે કદી ધાર્યું નહોતું. અમે તેને હાર્દીક અભિનંદન આપ્યાં.

વર્ષો વીત્યાં. અમે સૌ છૂટા પડ્યા. બુલચંદ સાથે મારો સમ્પર્ક કેવળ દિવાળી અને નાતાલના કાર્ડ પૂરતો રહ્યો હતો. હું લંડનમાં સ્થાયી થયો તેમ છતાં કાર્ડનું લેવાણ-દેવાણ ચાલુ રહ્યું. બુલચંદ ધનાઢ્ય થયો હતો અને તેનોે એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો વ્યવસાય સારો ચાલતો હતો. રમત ગમત -  એટલે કૅરમમાંથી - તે હવે નિવૃત્ત થયો હતો. મારી પોતાની ખેલ કૂદની પ્રવૃત્તિ હવે અખબારનાં સ્પોર્ટ્સ પેજ પર આવતા રમતગમતના સમાચાર વાંચવા પૂરતી રહી હતી. એક દિવસ મેં સમાચાર વાંચ્યા કે લંડનમાં યોજાયેલ બિલિયર્ડની સ્પર્ધામાં કમલ બુલચંદાણી નામનો યુવાન વિશ્વ ચૅમ્પિયન થયો છે. મારા મગજમાં વિચાર ચમકી ગયો! બુલોનો આ કોઈ સગો તો નહિ હોય? મેં મારી જુની ડાયરી ફંફોસી અને તેમાંથી બુલચંદનો ટેલીફોન નંબર શોધી કાઢ્યો.

“કેમ છે ‘લ્યા ‘ફણસે-તું-નહિ-ભણસે’ (નિશાળમાં અમારા ગુજરાતી શિક્ષકે મને આ નામ આપ્યું હતું)? તું કમલ વિશે પૂછે છે? અરે દોસ્ત, કમલ મારો નાનો દીકરો છે. તેને કૅરમ શીખવતો હતો ત્યારે  વિચાર આવ્યો, આ રમતના સિદ્ધાંત બિલિયર્ડ અને સ્નૂકરમાં એટલા જ લાગુ પડે છે.  કૅરમના સ્ટ્રાઈકરની જગ્યાએ સફેદ બૉલ હોય છે, અને કૅરમની કૂકરીની જગ્યાએ પ્લાસ્ટીકના લાલ  દડા - આપણી ક્વીનની જેમ. હું તો ભારતનો કૅરમ ચૅમ્પિયન થયો, પણ બોલ દોસ્ત, જગતમાં કૅરમની રમત ભારત સિવાય બીજે ક્યાં રમાય છે? બિલિયર્ડ જેવી રમતમાં શરીર કરતાં મગજની શક્તિ વધુ અગત્યની હોય છે. પરિણામ તું જોઈ શકે છે. મારી આપેલી ટ્રેનીંગ કામ આવી ગઈ : બુલોનો દીકરો કમલ બુલચંદાણી આજે વિશ્વ ચૅમ્પિયન છે! અમારા પરિવારનું નામ દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું!"

મને વિચાર આવ્યો : જો તે દિ’ બુલોના માથા પર ફૂટબૉલ ભટકાયો ન હોત તો કમલ બિલિયર્ડમાં વર્લ્ડ ચૅમ્પિયન થયો હોત? 

ફૂટબૉલ, તારો મહિમા અપાર છે!