Pages

Wednesday, December 30, 2015

૨૦૧૫નું વર્ષ નવાઈ લાગે એટલી ત્વરાથી વહી ગયું!  વિતેલા વર્ષનું વિહંગાવલોકન કરતાં ખ્યાલ આવશે કે આપને અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થઈ હતી. સુંદર અનુભવો આવ્યા હતાં, અને આજે જ્યારે નુતન વર્ષની સંધ્યાએ નવા વર્ષના આગમનની ઘડીઓ ગણીને રાતના બારના ટકોરા સાંભળતા હશો ત્યારે Auld Lang Syneના ગીતો સાથે ટેલિવિઝન પર અનેક પાટનગરોમાં ઉજવાતી આતશબાજી જોવા મળશે.  આપને તેમાં આગામી વર્ષના પથ પર પડતો આશાનો પ્રકાશ પણ  દેખાશે. તે સમયે કદાચ ગયા વર્ષના યાદગાર પ્રસંગોની ઝાંખી પણ થશે.

વિતેલા વર્ષને અલ વિદા કહી ૨૦૧૬નું વર્ષ આપને આરોગ્યદાયી અને આનંદમય નીવડે એવી શુભેચ્છા સાથે આ વર્ષનો  છેલ્લો અંક રજુ કરું છું.

આવતા વર્ષમાં આપની સેવામાં વર્ષો પહેલાં જિપ્સીએ  સ્વ. નિર્મલા દેશપાંડેએ લખેલી મરાઠી નવલકથા 'બંસી કાહેકો બજાયી'નું લેખિકા તથા પ્રકાશકની લેખિત પરવાનગીથી કરેલ ગુજરાતી ભાષાંતર પ્રસ્તૂત કરીશું. આજના અંકમાં અનુવાદકનું નિવેદન રજુ કર્યું છે, જેના પરથી લેખિકાની પ્રતિભાનો અને પુસ્તક વિશે આપને ખ્યાલ આવશે.
***
મરાઠી સાહિત્યમાં નિર્મલાબહેન દેશપાંડેનું સ્થાન વિશીષ્ઠ અને માનપૂર્ણ ગણાય છે. જેમ ખાનોલકરે કોંકણ અને ગ.દિ. માડગુળકરે દેશની ખુશ્બૂ તેમના સાહિત્યમાં રજુ કરી, તેમ નિર્મલાબહેને તેમની જન્મભુમિ - બુંદેલખંડની ધરતીની સુગંધને મરાઠી પૈઠણીની પોતમાં સુલભ અને સુંદર રીતે વણી લીધી છે. તેનો આહ્લાદદાયક પમરાટ, ત્યાંની વ્યક્તિઓ અને તેમના વાસ્તવ્યની જમીનનું દર્શન વાચક વર્ગને જરૂર મોહી લેશે. બુંદેલખંડની સુજલા અને સુફલા ધરતી તથા તેમાં વસતા નિર્દોષ અને સરળ મનના લોકોની એવી જ નિર્મળ કથા એટલે 'બંસી કાહેકો બજાયી'. કથાની નાયિકા ચંદ્રાવતી છે. તેની સહનાયિકા છે નાજુક હૃદયની કિશોરી જામુની. પુસ્તક વાંચતાં ચંદ્રાવતીના મનની સંવેદનાઓને અનુભવીએ અને તેની ભાવનાઓના projectionનો અહેસાસ થાય ત્યાં જામુનીનું પારદર્શક, પ્રામાણિક અને લાગણી-સભર વ્યક્તિત્ત્વ આપણા માનસપટલ પર આગમન કરે છે.

જામુની. આંખોને આંજી નાખે તેવી પ્રતિભાશાળી કિશોરીનું આ નવલકથામાં આગમન
સામાન્ય લાગશે. લગભગ દુર્લક્ષ્ય કરવા જેવું. જેમ જેમ લેખિકા જામુનીના વ્યક્તિત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે, તેમ તેમ એક દુર્લભ હીરામાંથી નીકળતા પ્રકાશની હજારો જ્યોતિઓની જેમ ઝળહળી ઊઠે છે તેની નિર્દોષ બાલીશતા, કૌમાર્યની કુમાશભરી પ્રેમભાવના અને યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતા તેણે જીવનના વાસ્તવિક સત્યનો કરેલો સ્વીકાર. એક ગ્રામકન્યા હોવા છતાં તેણે જીવન દર્શનનો જે સાક્ષાત્કાર કર્યો અને તેનો તે જે રીતે ખુલાસો કરે છે, તે ચંદ્રાવતી જેવી આધુનિક યુવતિને અને વાચકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. જામુનીએ ગાયેલાં ગીતોને પોતાના જીવન સાથે તેણે એવી સહજતાથી વણી લીધા છે તે સાંભળીને - વાંચીને આપણા મનમાં જેવી કસક ઉપજશે, તેના પ્રત્યે જે આત્મભાવ જન્મશે તે અનન્ય અનુભવ સાબિત થશે.

મૂળ નવલકથામાં નિર્મલાબહેને લખેલા કેટલાક હિંદી સંવાદ બને ત્યાં સુધી તેવાં જ રાખ્યા છે જેથી ત્યાંની માટીની મહેક આપણે અનુભવી શકીએ. એક અન્ય મજાની વાત જોવા મળશે કે આપણી માતૃભાષાને પરદેશમાં પણ જાળવવાનો પ્રયત્ન કરવા છતાં જ્યાં આપણે વસ્યા છીએ, ત્યાંના શબ્દપ્રયોગ કે વ્યાકરણ આપોઆપ આપણી ભાષામાં આવી જતા હોય છે. ઉદાહરણ તરીકે 'હું જઉં છું' કહેવાને બદલે હિંદીભાષીક પ્રદેશોમાં બોલાતાં 'મૈં જા રહા હું'નું ગુજરાતીકરણ 'હું જઈ રહ્યો છું' આપોઆપ થતું હોય છે. નિર્મલાબહેને આવા વાક્યપ્રયોગ ઠેરઠેર કર્યા છે, તે આપણા ભાષાંતરમાં પણ રાખ્યા છે.

અંતમાં એક વાત કહીશ: લંડનમાંના મારા રહેવાસ દરમિયાન વેમ્બલીની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકોનો વિભાગ છે તે જાણવા મળ્યું ત્યારે હું કિશનસિંહ ચાવડાનું 'અમાસના તારા' લેવા ગયો. પુસ્તક તો કોઈ લઈ ગયું હતું, પણ તપાસ કરતાં ગુજરાતી પુસ્તકોની બાજુમાં કેટલાક મરાઠી પુસ્તકો જોવા મળ્યાં. તેમાં 'બંસી કાહેકો બજાયી' જોયું. પહેલાં તો તેની ઉપેક્ષા કરી, કારણ કે 'અમાસના તારા'માં કિશનસિંહજીની આ જ શિર્ષકની એક પહાડી બાલિકાની સુંદર વાર્તા હતી. જો નિર્મલાજીનું પુસ્તક શિર્ષકને અન્યાય કરનારૂં નીવડે તો મનમાં ઉદ્ભવનારી નિરાશા સહન કરવા મન માનતું નહોતું. તેમ છતાં પુસ્તક લીધું, વાંચ્યું અને તેની મારા માનસ પર એવી તીવ્ર અસર પડી કે તેનું ભાષાંતર કર્યા વગર રહી ન શકાયું. લેખિકાને પત્ર લખી તેમની રજા મેળવી. કમભાગ્યે 'જિપ્સી'ને પ્રકાશક ન મળ્યા અને વર્ષો સુધી તેની હસ્તપ્રત પડી રહી. વીસ વર્ષ બાદ જુનો સામાન ઉખેળતાં 'બંસી...' હાથ લાગી અને તે આપની સમક્ષ રજુ કરવાનું મન થયું. આશા છે આપને તે ગમશે.

ફરી એક વાર આપ સૌને નુતન વર્ષાભિનંદન અને સાલ મુબારક.