Pages

Friday, September 19, 2014

કોને દોષ દઈએ?


૧૯૫૦ની આસપાસ મહારાષ્ટ્રમાં એક કવિ અને એક સંગીતકારની બેલડીએ ગીત-સંગીતની સૃષ્ટિમાં અદ્વિતિય ભાત પાડી. ફિલ્મો માટે લખતા ગીતોમાં કવિના હૃદયની આધ્યાત્મિકતાની આભા દેખાતી.  સંગીતકારે તેમનાં ગીતોને શાસ્ત્રીય રાગમાં એવી લોકભોગ્ય રીતે ઢાળ્યાં, જનતાના મુખમાં અને રેડિયો પર તે હંમેશા ગવાતાં રહ્યાં અને હજી સંભળાય છે.
એક દિવ્ય ઘડીએ તેમના મનમાં જ્યોતિ પ્રગટી. તેમણે તેને નામ આપ્યું “ગીત રામાયણ”. ૧૯૫૫ના મધ્યમાં આકાશવાણી પુણેંમાં શરૂ થયેલી આ શ્રેણી એક વર્ષ ચાલી. ૫૬ ગીતોમાં વહેંચાયેલ રામાયણનું ગીત સ્વરૂપ લોકોને વધાવી લીધાં. તેનું ભાષાંતર ભારતની ગુજરાતી સહિત ઘણી મુખ્યા ભાષાઓમાં થયું અને રેડિયો પર પ્રસ્તુત થયું.
કવિ હતા ગ.દિ.માડગુળકર - લોકો તેમને પ્રેમથી ગ.દિ.મા. કહે છે. તેમનાં ગીતોને સંગીત આપ્યું - અને ગાયું સુધીર ફડકેએ - લોકો તેમને સ્નેહથી સુધીરબાબુ કહે છે. આ ગીત-સંગીતને સંાભળીએ તો એવું લાગે કે આકાશમાં વહેતા કોઈ દિવ્ય સ્રોતે તેમનાં હૃદય શબ્દો પ્રેર્યા અને એ જ શક્તિએ સુધીરબાબુને વિવિધ રાગ-રાગિણીઓમાં ઢાળવા પ્રેર્યા. આજે લગભગ પંચાવન-સાઠ વર્ષનાં વાયરા વિત્યા હોવા છતાં ગીત રામાયણનું માધુર્ય એવું જ - પ્રભાતનાં પુષ્પો જેવું સૌરભશીલ અને મનને પ્રસન્ન કરી રહ્યું છે.
આજે તેમાંનું એક ગીત સાંભળ્યું અને તરત એવી અકળ અનુભૂતી થઈ, આપની સાથે તેને વહેંચીને માણવું.
શ્રીરામને વનમાંથી પાછા લાવવા ભરત ગયા છે. ચોધાર આંસુએ ભ્રાતાને વિનંતી કરે છે, "મારી માતા અને આપણાં પિતાજીએ આપ પર અન્યાય કર્યો છે. દોષી હું છું. અમને માફ કરો અને પાછા અયોધ્યા પધારો."
શ્રીરામ ભરતને શું કહે છે તે મહર્ષિ વાલ્મિકીએ સંસ્કૃતમાં કહ્યું - અને તેને ભાવવાહી રીતે ગ.દિ.મા.એ સાદાં પણ ગંભીર અને મધુર શબ્દોમાં ઉતાર્યાં. સુધીરબાબુએ તેને શ્રાવ્ય સંગીતમાં ગાયાં. “દૈવને કારણે મનુષ્યને દુ:ખ ભોગવવું પડે છે, મારા ભાઈ!  આપણા જીવનમાં જે કંઈ થયું છે તેમાં કોઈનો દોષ નથી. તું શાને દુ:ખી થાય છે?"
દુ:ખની ઘડી આપણા સૌના જીવનમાં આવે છે. ઘણી વાર માણસને એવું જ લાગે છે કે તેની પોતાની ભુલને કારણે આ દુ:ખ આવી પડ્યં છે. પસ્તાવામાં તે આખું આયખું ગાળે છે. ભરતને શ્રીરામે પશ્ચાત્તાપના અગ્નિમાંથી બચવા જે શબ્દો કહ્યા, તેને ભાવપૂર્ણતાથી  ગ.દિ.મા.એ લોકભોગ્ય ભાષામાં લખ્યા. સુધીરબાબુએ તેને સૂર આપ્યા અને એવી જ તન્મયતાથી ગાયા. આ ગીતનાં ધીર ગંભીર શબ્દ, સંગીત અને જે રીતે સુધીરબાબુએ ગાયું છે, સૌને ગમશે. 
ગીતનાં મરાઠી શબ્દો અને તેની નીચે તેનું અંગ્રેજી રસાળ ભાષાંતર અપાયું છે. તેમ છતાં જિપ્સીને આવડે છે તેવી તેની માતૃભાષામાં ગીતની સમજુતિ નીચે લખી છે.

હવે સુધીરબાબુના મુખમાંથી સરતાં શ્રીરામનાં શબ્દો સાંભળીએ:  

દૈવે આપ્યું દુ:ખ, પ્રિય ભરત રે, દોષ ના કોઈનો,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો.. (ધૃ)

નથી માત કૈકેયી દોષી, નથી દોષી તાત,
રાજત્યાગ, વનમાં વાસ, કર્મ ફળ એ જાણ,
પૂર્વ-સંચિતોનો મારાં, ખેલ છે તું જાણ,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો…૧

અંત ઉન્નતીનો જગતમાં, પતનમાં જ થાય
સર્વ સંગ્રહો, હે વત્સ, નાશિવંત જાણ
મિલન-અંત વિયોગમાં, જગ નિયમ જાણ
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૨ 

જીવન સાથે જન્મે મૃત્યુ, જોડી આ જન્મ-જાત
જે જે દેખો, ભાસે જે જે,વિશ્વ નાશિવંત
શું શોક કરીશ તું ઘેલા, સરી જતા સ્વપ્ન-ફળનો
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૩

તાત થયા સ્વર્ગવાસી, ભાઈ ગયા વનમાં
અતર્ક્ય એવું નથી કાંઈ, ભલે લાગે અકસ્માત
જ્ઞાનીઓનો તર્ક સુદ્ધાં, થમે મરણ કલ્પના પર,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૪

જરા-મૃત્યુથી મુક્તિ, કયા પ્રાણીને છે એ પ્રાપ્ત?
દુ:ખમુક્ત જીવન જીવ્યો કદી કોઈ?
વૃદ્ધીમાન થતી એ વસ્તુ, અંતે તો છે એ ક્ષત
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૫

કાષ્ઠનાં બે ઢીમચાં, મળે સાગરમાં કદી
એક મોજું પાડે એ જુદાં, ફરી ના મેળાપ
ક્ષણિક એવો મેળ મનુષ્યનો, સમજી લે જે ભાય!
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૬

ગાળીશ ના આંસુ હવે તું, લૂછી લે આ લોચન
તારો ને મારો હવે છે, જુદો આ પ્રવાસ
રાજ્ઞ અવધનો હવે તું, વાસી હું અરણ્યનો
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૭

કરીશ ના વ્યર્થ આગ્રહ મને તું, પાછા આવવાનો
પિતૃવચન પાળીશું બન્ને, થઈશું રે કૃતાર્થ
મુકુટ-કવચ ધારણ કરી લે, છોડ વેશ-વલ્કલ
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો.. ૮

ચૌદ વર્ષ વનવાસ વગર હું
અયોધ્યા ન આવું
રાજ્ય સંપદાનો સ્વામી બન, તું,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૯

ફરી ના'વીશ આ વનમાં કદી તું,
પ્રેમભાવ તુજ પ્રતિ નિરંતર, રહેશે મારા મનમાં
કીર્તિ અયોધ્યા કેરી, વધાર અપાર આ જગમાં 

પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૧૦

Friday, September 5, 2014

“વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?” - અર્થાત્ મારી નિશાળ અને અમારા ગુરુવર્યો

જુની વાત છે.
૧૯૬૫નું યુદ્ધ હાલમાં જ ખતમ થયું હતું. અમારી ફર્સ્ટ આર્મર્ડ  ડિવીઝન પાકિસ્તાનમાંથી પાછી ફરી હતી પણ હજી બૉર્ડર પર જ હતી. શાંતીની સંધિ થઈ હોવાથી અફસરો ડિવીઝનમાંની અન્ય બટાલિયન કે રેજીમેન્ટની મુલાકાત લેવા અફસર મેસમાં જતા.
એક દિવસ બપોરના સમયે આર્મર્ડ બ્રિગેડના કમાંડર અને તેમના સ્ટાફ અફસરો અમારા મહેમાન થઈને આવ્યા. આમાંના બહુતાંશ અફસરો ૨૦૦-૩૦૦ વર્ષ જુના રિસાલા - જેમકે ગાર્ડનર્સ હૉર્સ, સિંધ હૉર્સ, પૂના હૉર્સના હતા. આવા સિસાલાઓમાં પસંદ થતા અફસરો ડૂન સ્કૂલ, બિશપ કૉટન, સનાવર કે રાજકુમાર કૉલેજ જેવી માતબર શાળાઓમાં ભણેલા ધનિક પરિવારના અથવા ‘કુંવર’ કે ‘કુમાર’થી શરૂ થતા નામનાં અફસર હોય. સ્વાભાવિક છે આ અફસરોની વાતો અંગ્રેજી સાહિત્ય, મિલિટરીની પરંપરાઓની આસપાસ ચાલતી હોય.
બ્રિગેડ કમાંડરે વાત ઉપાડી અંગ્રેજી સાહિત્યના ‘ડ્રાય ઈંગ્લીશ હ્યુમર’ની. વાત વાતમાં જિપ્સીએ પી.જી.વૂડહાઊસ અને અૉસ્કર વાઈલ્ડના વિનોદની વાત કરી તે સાંભળી કમાંડરે પૂછ્યું, “યંગમૅન, વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?”
જિપ્સીએ જવાબ આપ્યો, “હું અમદાવાદની વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં ભણ્યો છું.”
“ઓહ! મેં આ શાળાનું નામ સાંભળ્યું નથી, પણ એટલું કહી શકું કે તે ઉચ્ચ કક્ષાની શાળા હોવી જોઈએ.”
બ્રિગેડ કમાંડરની વાત સાચી હતી. ભારતમાં ભાગ્યેજ કોઈએ અમદાવાદના ત્રણ દરવાજાની બહાર ફૂટપાથ પરનાં ફેરિયાઓનાં ઝૂંડની પાછળ સંતાયેલી - અને હવે વર્ષોથી બંધ પડેલી, એક જમાનામાં ડચ વ્યાપારીઓની ‘બૅલેન્ટાઈનની વખાર’નામે ઓળખાતી આ શાળા વિશે સાંભળ્યું હશે. પરંતુ શાળાની નામના તો તેમાં ભણેલા વિદ્યાર્થીનાં મુખમાંથી તેમની શાળા વિશેના ગૌરવ અને કૃતકૃત્યતાની ભાવનાનાં શબ્દોમાં વ્યક્ત થતી હોય છે.
શાળા એટલે શાળાનાં શિક્ષકો, આપણા ગુરૂવર્યો. બાળકમાં સંસ્કારનાં મૂળ તો તેના માતા પિતા સિંચતા હોય છે. આ મૂળને દૃઢ કરવાનું, તેમાં આદર્શોનું ખાતર પૂરવાનું, તેના જીવનને સાહિત્ય, કલા, વિજ્ઞાન, સદ્ભાવના જેવા સપ્તરંગી સૂર્યકિરણોનો જીવનાવશ્યક પ્રકાશ આપવાનું દિવ્ય કાર્ય તો કેવળ આપણાં ગુરુવર્યો કરતા હોય છે. તેમની કૃપાથી નહાઈને બહાર પડતા વિદ્યાર્થીઓનાં મનમાં ગુરૂજનો પ્રત્યે ઋણની ભાવના જન્માવે, જે શાળાનું નામ લેતાં માણસ નતમસ્તક થાય, તે સાચી શાળા હોય છે. અમારી ‘વીએસટી ત્રણ દરવાજા ટ્યુટોરીયલ હાઈસ્કૂલ’ આવી શાળા હતી!

***
ત્રણ દરવાજાથી ફૂવારા તરફ જતાં રસ્તામાં આવતી કેમિસ્ટોની દુકાન વચ્ચે ધારી ધારીને જોઈએ તો જ અમારી શાળાનો દરવાજો દેખાય. શાળામાં પ્રવેશ કરીએ તો ડાબી બાજુએ અૉફિસ, શિક્ષકોનો ‘કૉમન રૂમ’, હેડમાસ્તર શ્રી. નંદુભાઈ ડી. શુક્લ (જેમને અમે સૌ  ‘એન્ડી’ સાહેબ કહેતા) તથા શાળાનાં માલિક/પ્રિન્સીપલ શ્રી. વિનાયકરાવ ત્રિવેદીની કચેરી. નજીકમાં પાણીની ઓરડી, જેની બહાર છ ફીટ ઉંચા, સફેદ પૂણી જેવી ભરાવદાર મૂછોવાળા મહાદેવ ભૈયાજી હસતે મુખે બાળકોને પાણી પાતા દેખાય. ભૈયાજીનો પરિવાર  ઉત્તર પ્રદેશમાં. તેઓ એકલા શાળાના મકાનમાં જ રહેતા. દિવસે અમને પાણી પાવાનું અને રાત્રે શાળાના ચોકીદારનું કામ કરે. અમને પાણી પાતી વખતે તેમની આંખમાં એવો આનંદ જણાતો, કરચલીઓવાળા ચહેરા પર એવું પ્રેમ સભર હાસ્ય દેખાતું, જાણે તેઓ તેમનાાં પૌત્ર-પૌત્રીઓને સ્નેહનાં જળ પીવડાવતા હોય! શાળામાં અમે સાત વર્ષ કાઢ્યા, અને ભૈયાજીના ચહેરા પર સ્નેહપૂર્ણ ભાવ જોતાં રહ્યા.
પાણીની કોટડીની જમણી બાજુએથી શરૂ થાય ‘U’-આકારનું ત્રણ માળનું મકાન. Uની વચ્ચે નાનકડું ચોગાન, જેમાં રોજ સવારે અરવિંદરાય સાહેબ હાર્મોનિયમ પર તેમના સુમધુર અવાજમાં પ્રાર્થના ગવડાવે: ‘હે જગત્રાતા, વિશ્વવિધાતા/હે સુખશાંતિ નિકેતન હે!’, 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ' અને ‘રચા પ્રભુ તુને સંસાર સારા’ જેવી પ્રાર્થનાઓ બાદ વયોવૃદ્ધ પ્રિન્સીપલ વિનાયકરાવ આશ્રમ ભજનાવલીમાંથી સર્વધર્મની પ્રાર્થનાઓ વાંચે અને વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં જાય.
પાંચમીના અમારા વર્ગમાં ચાર બહેનો હતી. નીલમ મહેતા, કુલસુમ, આથીકા અને રેહાના. છેલ્લી ત્રણ બહેનો વહોરા પરિવારની અને માથા પર ચાંદલિયાવાળી ટોપી પહેરીને આવે. શિક્ષકો તેમને આદરથી ‘મિસ કુલસુમ, મિસ નીલમ’ કહીને પ્રશ્ન પૂછે. બહેનોને સંકોચાવું ન પડે તેથી તેમને કદી અઘરા સવાલ ન પૂછે! એ અમારા જેવા તોફાની વિદ્યાર્થીઓ માટે ખાસ ‘રિઝર્વ’ રખાતા. રિસેસ પછીનો પિરિયડ હોય ડ્રૉઈંગનો. અમારા ચિત્રકલાના ગુરૂ હતા ભટ્ટ સાહેબ. ઉંચું ખડતલ શરીર, બદામી રંગનો લૉંગ કોટ, ધોતિયું અને માથા પર કાળી ટોપીમાં સજ્જ ભટ્ટ સાહેબના ચહેરા પર એક પ્રકારનું કરૂણ ગાંભિર્ય રહેતું. જો કે દરેક વિદ્યાર્થી પર તેઓ સ્નેહપૂર્ણ ધ્યાન આપતા. તેમનું મનપસંદ વાક્ય હતું, “The more you see, the more you learn’. ચિત્રકામમાં નિરીક્ષણ અને ચિત્રકામ માટે નક્કી કરેલ પાત્ર કે દૃશ્યનો બારીકાઈથી કરેલ અભ્યાસ કેટલો અગત્યનો હોય છે તે સમજાવતા. જિપ્સીને તેમનો ગુરૂ મંત્ર મિલિટરીમાં ઘણો ઊપયોગી થયો! દૂરથી દુશ્મનની હિલચાલ, તેમણે છોડેલાં પદચિહ્ન જેવાં નિશાન શોધવામાં આ કામ આવ્યા! તેમના ચહેરા પરનું કારૂણ્ય અમે ઘણા સમય બાદ જાણ્યું. તેમના યુવાન પુત્રનું કેટલાક વર્ષો પહેલાં અવસાન થયું હતું, પણ વિદ્યાર્થીઓ પ્રત્યેના સ્નેહમાં ઓછપ અમે કદી ભાળી નહિ. ભટ્ટ સાહેબના પ્રિય શિષ્ય હતા શ્રી. પીરાજી સાગરા - જે આગળ જતાં ભારતમાં અગ્રગણ્ય ચિત્રકાર તરીકે જાણીતા થયા અને અમદાવાદની સ્કૂલ અૉફ આર્કીટેક્ચરમાં કલા વિભાગના પ્રૉફેસર તરીકે નીમાયા હતા.
અમારા ગુરૂવર્યો માટે જેટલું લખીએ, અધુરૂં જ ગણાશે. ખાસ ઉલ્લેખ કરવો હોય તો અમારા હેડમાસ્તર ‘એન્ડી’ સાહેબ. ઈતિહાસ શીખવનારા (તે સમયે ઈતિહાસકાર તરીકે જાણીતા નહોતા થયા તે) ગૌરીશંકર ભવાનીશંકર ઓઝા ભારત અને ઈંગ્લંડનો ઇતિહાસ શીખવતી વખતે ઐતિહાસીક પાત્રોના સંવાદો સાથે પ્રસંગોનું જે વર્ણન કરતા તે અમે હજી ભુલ્યા નથી. ‘Every man has his price” કહેનાર બ્રિટનના વ્હીગ વડા પ્રધાન વૉલપોલે આ તત્વનો ઉપયોગ કરી ‘Whig Oligarchy’ ચલાવી હતી  તેનું વર્ણન અમને હજી યાદ છે! ભારતના પ્રાચિન ઈતિહાસમાં વિષ્ણુદત્તે પોતાની ચોટલી ખોલીને જે શપથ લીધી હતી તે વક્તવ્ય રૂપે તેમણે શીખવ્યું હતું. આ કેમ કરીને ભુલી શકાય? 
અમને કેમીસ્ટ્રી શીખવતા હતા શ્રી. બી.એસ.શાહ સાહેબ. પદાર્થની રાસાયણીક પ્રક્રિયા એક સુંદર કાવ્યના alliteration જેવી હોય છે, તેનો ‘છંદ’ સમજાય તો બે પદાર્થો વચ્ચેની આ પ્રક્રિયાનું શું પરિણામ આવે તે તેમણે એવી રીતે સમજાવ્યું, જાણે તે પ્રકૃતિનું સુંદર કાવ્ય ન હોય! 
અંગત રીતે કહેવાનું થાય તો મારા આદર્શ ગુરૂ હતા અમારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક શ્રી. અરૂણકાંત દિવેટિયા. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દિવેટિયા સાહેબ માનવેન્દ્રનાથ રૉયની રૅડીકલ હ્યુમૅનિસ્ટ પાર્ટીના અનુયાયી હતા. ‘રોજીંદા જીવનમાં પ્રામાણીકતા જાળવવા માટે કોઈ વાર નુકસાન ભોગવવું પડે છે, પણ મન, વચન અને કર્મથી પ્રામાણીક રહેવાથી તમારા મનનો અરીસો એટલો સ્વચ્છ રહેશે કે તેમાં ઝાંખીને જોવામાં તમને કદી શરમ કે ક્ષોભ નહિ અનુભવવો પડે’, એવું તેમનું વાક્ય કદી ન ભુલાયું. જિપ્સીના નિબંધ તેમને ગમતાં અને ઘણી વાર તેની પાસેથી વર્ગમાં વંચાવતા.
અમારા વર્ગમાં એક ગરીબ ઘરનો પણ હોંશિયાર વિદ્યાર્થી હતો. હંમેશા પહેલી બેંચ પર બેસે. દિવેટિયા સાહેબનો માનીતો. સાહેબ તેમના પ્રિય શિષ્યોને ‘મહાપુરુષ’ કહીને સંબોધે. એક દિવસ આ છોકરાને પહેલી બેંચ પર ન જોતાં તેમણે પૂછ્યું, “અરે, આ મહાપુરુષ ક્યાં ગયો?” 
તે દિવસે આ વિદ્યાર્થી છેલ્લી બેંચ પર બેઠો હતો. તે માથું નીચું કરીને ઉભો થયો. સાહેબનું ધ્યાન તેના ફાટેલા ખમીસ તરફ ગયું અને તેઓ જાણી ગયા. “તમારા ફાટેલા કપડાંમાંથી સદ્ગુણો ડોકિયું કરતાં હોય તો તમારે જીવનમાં કદી શરમાવાની જરૂર નથી,” કહી તેને તેની મૂળ જગ્યાએ બેસવાનું કહ્યું.
ભૂલ્યા ન ભૂલાય તેવા અમારા સંસ્કૃતના શિક્ષક હતા શાસ્ત્રી સાહેબ. સૌરાષ્ટ્રના નાનકડા ગામનાં, પણ કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કરી આવેલા. તેમના પહેલા દિવસે અમારા વર્ગને સંબોધ્યો, “ભાયું ને બેનું, આજે આપણે સુભાષિતો ભણશું…” પણ તેમની શીખવવાની શૈલી એવી તો સરસ કે સંસ્કૃત અમારી ‘second language’ને બદલે ‘first language’ થવા લાગી. બીજા યાદગાર શિક્ષક હતા ભૌતિક વિજ્ઞાનના શિક્ષક કમળાશંકર દવે સાહેબ. ચરોતરી ભાષામાં અમને હંમેશા યાદ કરાવતા રહેતા, “ગરમીથી પદાર્થનું દળ વધઅઅઅ અને ઠંડીથી…” અને આખો વર્ગ બોલી ઉઠતો “ઘટઅઅઅ!” 

અને સૌથી છેલ્લે વાત કરીશ ‘એન્ડી સાહેબ’ની. 
એન્ડી સાહેબ હંમેશા સફેદ પૅન્ટ, આછું ભૂરૂં ખમીસ, ઘેરા રંગનું જૅકેટ, ટાય અને માથા પર કાળી ટોપી પરિધાન કરીને આવે. ઉંચાઈમાં નેપોલિયન જેવા - પાંચ ફીટ બે કે ત્રણ ઈંચ, પણ વ્યક્તિત્વ ધારદાર બરછી જેવું. વિદ્યાર્થીઓ તેમની સામે જતાં થરથરે. તેમણે અમારો ગુજરાતીનો વર્ગ અમારા છેલ્લા, એટલે SSCના વર્ષમાં લેવાની શરૂઆત કરી. અમે બધાં વિવંચનામાં હતા કે કવિતા જેવું સાહિત્યનું મૃદુ અંગ આ કટારી જેવા માણસ કેવી રીતે પારખી શક્યા હશે, અને અમને તે કેવી રીતે શીખવશે. જ્યારે તેમણે પ્રત્યક્ષ વર્ગ લીધો, અને આંતરક્રિયાત્મક -interactive પદ્ધતિથી સુંદરમ્ અને સ્નેહરશ્મીનાં કાવ્યોનું હાર્દ સમજાવ્યું અને રસાસ્વાદ કરાવ્યો ત્યારે અમને જણાયું કે આ અણીદાર વ્યક્તિત્વમાં એક વિદ્વાન શિક્ષક પણ સમાઈ શકે છે!  તે વર્ષ અમારા માટે અનેક દૃષ્ટિએ યાદગાર રહ્યું.
સંસ્કૃતનાં યાદગાર વાક્યોમાં શીખેલું એક વાક્ય હતું यथा राजा तथा प्रजा. અમારી શાળાને આ બરાબર લાગુ પડતું હતું. જેવા ગુરૂજનો એવા તેમના શિષ્યો - એક જિપ્સી સિવાય બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓ! 
અમે શાળામાં દાખલ થયા તેનાં વર્ષો પહેલાં ‘ત્રણ દરવાજા ટ્યુટોરિયલ’માં ભણી ગયેલા મિયાંભાઈ નોમાન આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ નોમાન બન્યા. એક પારસી વિદ્યાર્થીને તેમનાં પિતાજી દહેરાદૂન કે પંચગનીની મોંઘી શાળામાં મોકલી શકતા હતા, પણ તેમણે તેને અમારી નિશાળમાં મોકલ્યા. “મોંઘી નિશાળ કરતાં સારી નિશાળમાં પોઈરો જાય તે અમને ગમશે,” એવું તેમણે કહ્યું. આજે આ ઘરડો ‘પોઈરો’ ખાનપુરમાં રિવર ફ્રન્ટને અડીને આવેલી વિશ્વવિખ્યાત હૉટેલનો માલિક છે. 
અમારા વર્ગમાં દિનકર શાહ નામનો તેજસ્વી વિદ્યાર્થી હતો. વૈષ્ણવી તિલકથી શોભતું ભવ્ય કપાળ અને વર્ગમાં હંમેશા પહેલો કે બીજો આવે. આગળ જતાં એન્જીનિયર થયો. જિપ્સી મિલિટરીમાં ગયો તે સમયે દિનકર તેને ભદ્રકાળીના મંદિર પાસે અચાનક મળી ગયો. ખબર અંતર બાદ તેણે કહ્યું, “આ દેશમાં પ્રામાણીક પબ્લીક સર્વન્ટને સ્થાન નથી. મેં આપણા શિક્ષકોએ શીખવેલાં અને  તે પ્રમાણે કેળવેલા મૂલ્યો મુજબ  મેં મારા ખાતામાં કામ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક સ્થળે ટકીને રહી ન શક્યો. છેલ્લે જ્યારે મારી બદલી સરહદ પર આવેલા ખારા પાટની નજીક થઈ, મેં નોકરી છોડી. નેક્સ્ટ વીક હું શિકાગો જઊં છું, કાયમ માટે. કોઈ વાર અમેરિકા આવે તો મળજે. આપણા વર્ગનો ધીરૂ માલી પણ ત્યાં જ છે. એ પણ ત્યાં સ્ટ્રક્ચરલ એન્જીનિયર છે. ચાલ ત્યારે મળીશું, કો’ક દિ,” કહી તેણે રજા લીધી. મારી બેન્ચ પર બેસતો ઝુલ્ફીકાર અહેમદ બુખારી, મારો ખાસ દોસ્ત હતો. છેલ્લે મેં સાંભળ્યું ત્યારે તે લંડનમાં આવેલી હબીબ બૅંકના મુખ્યાલયમાં જનરલ મૅનેજર હતો. તેની એક કવિતા મહેન્દ્રભાઈ મેઘાણીની 'અર્ધી સદીની વાચન યાત્રામાં પ્રસિદ્ધ થઈ છે. ખાસ કહેવાનું કારણ : કવિતાના શબ્દ ઉર્દુ છે, પણ લિપી ગુજરાતી!
વર્ષો પહેલાંની વાત છે. એક દિવસ AMTSની બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે કંડક્ટરના ચહેરા તરફ જોયા વગર (આ આપણી સૌની ટેવ છે, એવું કહી શકાય!) સામે નોટ ધરી અને મણીનગરની ટિકીટ માગી. કંડક્ટરે ટિકીટ આપી પણ પૈસા ન લીધા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું તો તે મારા વર્ગમાં ભણતો મોહમ્મદ મનસુરી નીકળ્યો! કૌટુમ્બિક કારણોસર તેણે આઠમા ધોરણમાં આવતાં મૂકવી પડી હતી. મારા તરફ હસીને બોલ્યો, “નાટકો, તુ મેરેકુ નઈ પિછાનેગા, બડા આદમી બનેલા હૈ ને? સૂન, ડ્યૂટી પે હું વર્ના ચાય પિલાને લે જાતા. અબકી બાર બસકા ભાડા મેરી તરફસે!” નિશાળમાં આ મારૂં હુલામણું નામ થયું હતું. આ શબ્દ મેં એવી રીતે ઉચ્ચાર્યો હતો કે આખો વર્ગ હસી પડ્યો હતો, ત્યારથી મારૂં નામ ‘નાટકો’ થઈ ગયું  હતું. કંડક્ટર હોવાથી તે મને વગર ટિકીટે લઈ જાત, પણ શાળાનાં મૂલ્યો તે ભુલ્યો નહોતો. સલામ, મોહમ્મદભાઈ.
આવી હતી અમારી શાળા, અને આવા હતા અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ. આજે ગુરૂવંદના દિવસે અમારા ગુરુજનોને નમસ્કાર. આપના આશિર્વાદની વર્ષા અમારા મસ્તકપર સતત પડતી રહે એવી પ્રાર્થના. અને મારા શાળાના સહવિદ્યાર્થીઓ, આપને  તથા 'ડાયરી'ના વાચકોને ગુરૂવંદના દિવસની શુભેચ્છાઓ
***


નોંધ: આ લેખ લંબાણમાં ઘણાં વર્ષો પહેલાં ‘અખંડ આનંદ’માં પ્રસિદ્ધ થયો હતો. લેખ છપાયા બાદ જિપ્સીને અમારી શાળાના ભૂતપૂર્વ એવા ઘણા અજાણ્યા વિદ્યાર્થીઓનાં પત્રો અને ઈમેઈલથી શાળાને બિરદાવતા સંદેશા મળ્યા. સૌથી મહત્વની વાત તો મારા ગુરૂ અરૂણકાંત દિવેટિયાનો પત્ર મળ્યો તે હતી. તેમણે અંખડ આનંદમાંથી મારૂં સરનામું મેળવ્યું અને મને લંડન પત્ર લખ્યો હતો! તેમણે સિંચેલા આદર્શ કેવી રીતે ભુલી શકાય?