Pages

Saturday, November 14, 2009

"રેડ ઓવર રેડ! રિપીટ, રેડ ઓવર રેડ"

એક વાર સૈનિક યાદોના કુંજવનમાં પ્રવેશ કરે તો તેમાં તે ખોવાતો જ જાય છે. આ ડાયરીમાં અન્ય સ્થળે વર્ણવેલી બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલો જીપ્સી, યુદ્ધ દરમિયાન તેને મળેલા પ્રચંડ વીરતા અને ધૈર્ય ધરાવતા નમ્ર અને નિરભિમાની યોદ્ધાઓ - આ બધાની તેને હંમેશા યાદ આવે છે.
આજની વાત એવા અફસરો અને જવાનોની છે જે સમયના પુસ્તકના પાનાંઓમાં ખોવાઇ ગયા છે. દુશ્મન સામે બહાદુરીથી જંગ જીતનારા રણમેદાનમાં મૃત્યુ પામેલા કે જીવિત રહેનારા સૈનિકોને પ્રજાસત્તાાક દિવસની ઉજવણી સમયે અપાયેલા બહાદુરીના ચંદ્રકોના લિસ્ટમાં તેમનાં નામ છાપાંઓમાં છપાય છે. અખબારમાં "સ્થળના અભાવે" જીવનની અંતિમ પળ સુધી લડનારા અને પોતાની રક્ષાપંક્તિ ન છોડનારા યોદ્ધાઓએ પોતાની ફરજ કેવી રીતે નિભાવી હતી તેની પૂરી વાત ભાગ્યે જ છપાતી હોય છે. આવા રણબંકાઓને આપણે જાણતા નથી.
જીપ્સી એ નથી કહેવા માગતો કે જે શહીદ થયા છે એમની કુરબાનીને યાદ કરી દરરોજ આંસુ વહાવતા રહીએ. વર્ષમાં એક વાર શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોને યાદ કરી તેમને અંજલિ આપીએ, તેમ આપણાં સૈનિકોને એકા’દ વાર યાદ કરી તેમના પ્રત્યે ઋણ અથવા ગૌરવની ભાવના આપણા અને આપણા વારસોના મનમાં જન્માવી શકીએ તો આપણા સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે.
‘જીપ્સીની ડાયરી’માં આપે બુર્જની લડાઇ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલા જીપ્સીની વાતનો અનુભવ કર્યો હતો. બુર્જ પરથી દુશ્મનની ૪૩મી બલૂચ રેજીમેન્ટને આપણી સેનાએ ૬ ડીસેમ્બર ૧૯૭૧ના ભારતભુમિ પરથી તગેડી મૂક્યા હતા. આ કારમી હાર તેઓ ભુલી શક્યા નહોતા. તેમનું લક્ષ્ય હતું અમૃતસર. તેઓ અમૃતસર જતી પાકી સડક પર કબજો કરવાનો પ્રયત્ન કરશે તેની સંભાવના ઓછી થઇ નહોતી. આપણી બુર્જ ચોકીની સામે પાકિસ્તાનની ફતેહપુર નામની ચોકી ધુસ્સી બંધને લગભગ અડીને જ બંધાઇ હતી. દુશ્મનની આ ચોકી ભારતની મુખ્ય ભુમિ -mainland સાથે જોડાયેલી હતી. રાવિ નદીનો વળાંક પાકિસ્તાનમાં ઉંડે સુધી ગયો હતો તેથી તેમની સેના અને જરૂર પડે તો ટૅંક્સને પાર કરવા કોઇ અટકાવી શકે તેમ નહોતું. વળી રાવિના કિનારા પર સરકંડા (elephant grass)ના ૮થી ૧૦ ફીટ ઉંચા ઘાસના જંગલમાં તેમની હિલચાલ જોઇ શકાતી નહોતી. બુર્જમાં હાર પામ્યા બાદ દસ દિવસ સુધી તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો, તેનો અર્થ એવો નહોતો કે આપણી સેના આરામ કરવા લાગી હતી. યુદ્ધનું મુખ્ય અંગ હોય છે patrolling. આ અભિયાનમાં આપણી ટુકડીઓ કોઇ કોઇ વાર દુશ્મનના પ્રદેશમાં પણ જઇને તપાસ કરતી હોય છે કે તેમની સેના કોઇ હિલચાલ કરી રહી છે કે કેમ. આ અત્યંત ખતરનાક અભિયાન હોય છે, જેમાં આપણી આખી ટુકડી દુશ્મને લગાવેલ માઇનફીલ્ડમાં કે તેમના સાણસા વ્યૂહની ઘાતમાં સપડાઇને કતલ થઇ શકે છે. કારગિલમાં કૅપ્ટન સૌરભ કાલીઆની પૅટ્રોલ પાકિસ્તાનીઓના વ્યૂહમાં સપડાઇ ગઇ હતી અને તેમની તથા તેમના બધા સૈનિકોની દુશ્મને ક્રૂર અને ઘાતકી રીતે રીબાવીને હત્યા કરી હતી.

બુર્જની લડાઇ બાદ કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન આપણી ટુકડીએ જોયું કે પાકિસ્તાનની એક બટાલિયન તેમની ફતેહપુર ચોકી પર જમા થઇ રહી હતી. આનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેઓ ફતેહપુરને Firm Base (લૉચીંગ પૅડ) બનાવી ત્યાંથી ભારત પર હુમલો કરવા માગતું હતું. ત્યાંથી અમૃતસર જતી પાકી સડક કેવળ ૧૦ કિલોમીટર દૂર હતી. આવી હાલતમાં દુશ્મન કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અાપણે જ તેમના પર હુમલો કરી તેમને ફતેહપુર પરથી મારી હઠાવવા એવો બ્રિગેડ કમાંડરે નિર્ણય લીધો.
સમય સાવ ઓછો હતો. તે સમયે રિઝર્વમાં સિખ લાઇટ ઇન્ફન્ટ્રીની ૮મી બટાલિયન (8 Sikh LI) હતી. બ્રિગેડ કમાન્ડરે તેના કમાન્ડીંગ અૉફિસર (CO) કર્નલ પાઠકને ફતેહપુર ચોકીને સર કરવાની જવાબદારી સોંપી.
સામાન્ય રીતે લક્ષ્યના સ્થાનપર દુશ્મન જેટલી સંખ્યામાં હોય તેના કરતાં હુમલો કરનારની સંખ્યા ત્રણ ગણી હોવી જોઇએ. સંરક્ષણ પંક્તિમાં બેઠેલા સૈનિકો મજબૂત મોરચામાં લગભગ સુરક્ષીત સ્થિતિમાં હોય છે, જ્યારે હુમલો કરનાર સેના ખુલ્લા આકાશ નીચે, કોઇ પણ જાતના બખ્તરબંધ કવચ વગર ધસી જતા હોય છે. તેમની સામેનું સ્થાન તોપખાનાએ નોંધેલું હોય છે, તે ઉપરાંત સામે માઇન્સ પણ બીછાવેલી હોય છે. આપ કદાચ જાણતા હશો કે માઇન્સ બે પ્રકારની હોય છે: Anti-personnel તથા Anti-tank. પહેલી માઇન પર વીસ રતલ વજન - એટલે કોઇનો પગ પડે તો આખો પગ ઉડી જાય. અૅન્ટી ટૅંક માઇન પર ૨૦૦ રતલ વજન પડે તો તેનો સ્ફોટ થાય. આમ તેના પર કોઇ વાહનનું પૈડું કે ટૅંકનો પાટો પડે તો તે ઉધ્વસ્ત થાય. ટૅંક અટકી પડે અને અૅન્ટી ટૅંક રૉકેટનો ભોગ બને. આવી હાલતમાં હુમલો કરવા ધસી જનાર સૈનિકો સૌ પ્રથમ માઇનફીલ્ડમાંની માઇન્સથી, દુશ્મનની મશીનગન દ્વારા થતી ગોળીઓની વર્ષામાં તથા તોપમાંથી પડતા ગોળાઓનો ભોગ થઇ શહીદ થતા હોય છે કે મરણતોલ ઘાયલ થતા હોય છે. આવી કાતિલ હાલતમાં 8 Sikh LIએ હુમલો કરવાનો હતો.

ફતેહપુર ચોકીની રચના એવી હતી કે તેની ઉલટા U આકારમાં ત્રણ તરફ ૧૨ ફીટ ઉંચી પાળ જેવી દિવાલ હતી. તેની સામે એક ચોક સમાન ખુલ્લું મેદાન હતું. 'દિવાલ'ની ત્રણે પાળ પર તેમના સૈનિકોએ કિલ્લેબંધી જેવા સુરક્ષીત મોરચા બનાવ્યા હતા. એક તરફથી તેમના મનમાં ધરપત હતી કે ભારતીય સેના આવા ‘કિલ્લા’ પર હુમલો કરી નહિ શકે, કારણ કે અહીં તો સામી છાતીએ, frontal attack કરવો પડે. આવો હુમલો કરનાર સૈનિકોમાંથી ૩૫-૪૦% જેટલા casualty થાય.આટલા ભારે પ્રમાણમાં થનારી કૅઝ્યુઆલ્ટી કોઇ પણ કમાન્ડર સ્વીકાર કરવા તૈયાર ન થાય.
૧૭મી ડીસેમ્બરની રાતે કર્નલ પાઠક તથા તેમના કંપની કમાન્ડરોએ કરેલા નિરીક્ષણમાં એવું તારણ નીકળ્યું કે દુશ્મનને પરાસ્ત કરવા માટે ‘frontal attack’ વગર બીજો કોઇ પર્યાય નહોતો. હુમલાની ગુપ્તતા રાખવા તેમણે હુમલો મધરાત અને પરઢિયાની વચ્ચેના સમયમાં કરવાનું નક્કી કર્યું. દુશ્મનની સંખ્યા જોતાં અહીં આખી બટાલિયને હુમલો કરવો આવશ્યક હતો.
૧૮મીની રાતે 8 Sikh LIની ત્રણ કંપનીઓને COએ ત્રિશૂળના પાંખીયાની જેમ દિશા આપી. કર્નલ પાઠક પોતે મુખ્ય, સામેના લક્ષ્ય પર જતી કંપની સાથે રહ્યા. 'ચાર્જ અૉફ ધ લાઇટ બ્રિગેડ' જેવો હુમલો કરવા સિખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન તેમના પંજાબની રક્ષા કરવા તત્પર હતા. સ્મશાનવત્ શાંત મેદાનમાં બટાલિયન પહોંચી ગઇ અને કર્નલ પાઠકના નિનાદ “બોલે સો નિહાલ”નો આખી બટાલિયને “સત્ શ્રી અકાલ”ની આવેશપૂર્ણ ત્રાડમાં જવાબ આપ્યો અને હુમલો શરૂ થયો.
ફતેહપુર પોસ્ટ પર દુશ્મન પણ તૈયાર બેઠો હતો. તેમણે ગોળીઓની રમઝટ બોલાવી. તેમની મૉર્ટર્સ સિખ સૈનિકો પર ગોળા વરસાવવા લાગી. સુરક્ષા માટે પાથરેલી માઇન્સ પર સિખો રાઇફલ પર બેયૉનેટ ચડાવી દુશ્મન પર હુમલો કરવા દોડી રહ્યા હતા. અૅન્ટીપર્સનેલ માઇન્સના ધડાકામાં ઘવાયેલા સૈનિકોના કપાયેલા પગ ઉંચે ઉડતા હતા. આખા મેદાનમાં દુશ્મનની બંદુક અને મશીનગન્સમાંથી નીકળતા લાલ રંગના ટ્રેસર રાઉન્ડથી મેદાનમાં મોતની રેખાઓ ખેંચાતી જતી હતી. અહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:
“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ!) કેટલીક વાર તો મારી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.

“હુમલો અહીં પૂરો નહોતો થયો. દુશ્મન પાસેથી જીતેલી જગ્યાથી થોડે આગળ અમે નવા મોરચા બાંધ્યા. અમને ખબર હતી કે દુશ્મન counter attack કરશે જ. મેં મારી રિઝર્વ કંપની કમાન્ડર મેજર સાધુસિંહને જવાબદારી સોંપી, તેમને યોગ્ય આદેશ આપ્યો અને તેમણે મોરચાબંધી કરી. અમને આપણા તોપખાનાનો સપોર્ટ હતો તેથી સાધુસિંહે નક્કી કરેલ સ્થાનોનો ગ્રીડ રેફરન્સ તેમણે નોંધ્યો અને બધી તોપોને તે પ્રમાણે align કરી. આમાંનું અંતિમ લક્ષ્ય-સ્થાન હતું - તેમની પોતાની ટુકડીના મોરચા. જ્યારે દુશ્મન મરણીયો થઇને હુમલો કરતાં કરતાં મેજર સાધુસિંહની ટ્રેન્ચ સુધી પહોંચે, તો તેને ત્યાં રોકવા માટે આખી રેજીમેન્ટની બધી તોપ તેમણે પોતાની ખાઇ સમેત નિર્ધારીત કરેલા બધા વિસ્તારમાં ગોળાઓ વરસાવે. આનો વાયરલેસનો આદેશ હોય છે, ‘રેડ ઓવર રેડ.’ આ આદેશ બે વાર આપવાનો હોય છે.

“ધાર્યા પ્રમાણે દુશ્મને જબરજસ્ત કાઉન્ટર-અૅટેક કર્યો. મેજર સાધુસિંહની કંપની આખરી જવાન, આખરી ગોળી સુધી લડતી હતી. હું કૂમક મોકલવાનો હુકમ આપતો હતો ત્યાં તોપખાનાના વાયરલેસ પર મેજર સાધુસિંહનો આદેશ સંભળાયો.

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

“આપણા તોપખાનાએ હુકમ પાળ્યો. બૉમ્બ વર્ષા પૂરી થઇ અને સાધુસિંહની કૂમક માટે કંપની ત્યાં પહોંચી. તેમની સાથે હું પણ ગયો હતો. મોરચા પરની અમારી ખાઇઓ પર અને સામે દુશ્મનના અનેક સૈનિકોના શબ પડ્યા હતા. મારા પોતાના કેટલાય સૈનિકો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ અવસ્થામાં હતા. મેજર સાધુસિંહના શબ પાસે જખમી અવસ્થામાં તેમના સેકન્ડ-ઇન કમાન્ડ અને કંપની સાર્જન્ટ મેજર બેઠા હતા. કોઇએ પોતાનું સ્થાન છોડ્યું નહોતું.”

ફતેહપુર સર કર્યાના બીજા દિવસે - ૧૯મી ડીસેમ્બરની સવારે કર્નલ પાઠકને અભિનંદન તથા સહાનુભૂતિ આપવા મારા કમાન્ડન્ટ ગુરઇકબાલસિંહ સાથે ગયેલા જીપ્સીને કર્નલ પાઠકે અમને આ વાત કહી. તે સમયે મિલીટરીની અૅમ્બ્યુલન્સ અમારી નજર સામે તેમના ઘાયલ સૈનિકોને લઇ જતી હતી. રણભુમિ હજી પણ રક્તરંજિત હતી.

* * * * * * * * *

‘જીપ્સીની ડાયરી’ની શરૂઆતમાં અમદાવાદના મેજર દારા મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો તે આપને યાદ છે?
૧૯૪૮માં કાશ્મિરના પૂંચ વિસ્તારમાં હુમલો કરી રહેલા પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચેના કબાઇલીઓ સામે લડતાં દારાશા મિસ્ત્રી શહીદ થયા હતા. તેમના વિશે સંશોધન કરતાં જાણવા મળ્યું કે તેઓ તોપખાનાના Forward Observation Officer હતા અને સૌથી મોખરાની ટુકડીઓ સાથે તેમની ખાઇમાં બેસી તોપખાનાને ગોળા દુશ્મન પર વરસાવવા માટે વાયરલેસથી દિશા સૂચન કરતા હતા. જ્યારે દુશ્મન તેમની ખાઇ સુધી પહોંચ્યા, તેમના કમાન્ડરે તેમને પોતાની જગ્યા છોડી પાછળ આવવાનો હુકમ કર્યો. દારા મિસ્ત્રીએ જોયું કે દુશ્મનની સંખ્યા ઓછી થઇ હતી અને તેમના પર રેજીમેન્ટની બધી તોપ ગોળા વરસાવે તો તેઓ તેમના સ્થાન પર કબજો કરી શકે તેમ નહોતા. તેમણે પોતાની ખાઇ છોડવાનો ઇન્કાર કર્યો અને હુકમ આપ્યો:

“રેડ ઓવર રેડ... રિપીટ. રેડ ઓવર રેડ.”

પરિણામ એ આવ્યું કે દુશ્મન પૂંચ પર કબજો કરી ન શક્યા. ત્યાં મેજર દારા મિસ્ત્રીની બહાદુરીએ અને તેમના આત્મસમર્પણે સંરક્ષણની અભેદ્ય દિવાલ ઉભી કરી હતી.

કર્નલ પાઠકને ફતેહપુરની લડાઇમાં મહાવીર ચક્ર, મેજર સાધુસિંહને મરણોપરાન્ત વીર ચક્ર તથા'આપરા' દારાશા મિસ્ત્રીને ૧૯૪૮માં મહાવીર ચક્ર એનાયત થયું હતું. અખબારમાં શું આવ્યું?

આવા યોદ્ધાઓનાં નામ તથા બહાદુર સિખોના આત્મસમર્પણની વાત કહેવાને બદલે કેટલીક 'માસ મેઇલ'માં આવે છે 'સરદારજી જોક્સ'! ગુજરાતના એક દાક્તરસાહેબને આવી જોક્સ ન કરવા વિશે જીપ્સીએ વિનંતી કરી તો તેઓ છંછેડાઇ ગયા. 'અમે ગુજ્જુુઓની પણ જોક્સ કહીએ છીએ, તો સિખોની જોક કરવાનો અમને અધિકાર છે,' કહી તેમણે મારું નામ તેમના મેઇલીંગ લિસ્ટમાંથી કાઢી નાખ્યું!

ડીસેમ્બર મહિનો આવી રહ્યો છે. આ વખતે ૧૯૭૧ના ડીસેમ્બરમાં મેળવેલી જીતને ૩૮ વર્ષ પૂરા થશે. આપ સૌને યાદ આવશે આપણા સૈનિકોના રણ નિનાદ:
“આયો ગોરખાલી!”
“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ!”
“છત્રપતિ શિવાજી મહારાજકી જય! હર હર મહાદેવ!”
“ભારત માતાકી જય!”
"જાટ બલવાન, જય ભગવાન!"
"નારા એ હૈદરી, યા અલી, યા અલી!"
અને સદીમાં એકા'દ-બે વાર વાયરલેસના સ્ટૅટીક વચ્ચેથી આછો પણ મક્કમ સંદેશ:

“રેડ ઓવર રેડ, રિપીટ, રેડ ઓવર રેડ.”

ત્યાર પછી ફેલાશે શાંતિ.