Pages

Thursday, July 2, 2009

કભી અલવિદા ના કહેના...

કાશ્મિરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના ‘high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો સમય આવ્યો. સશસ્ત્ર સેનાઓમાં સામાન્ય શિરસ્તો છે કે અતિ પરીશ્રમભર્યા અને દુર્ગમ વિસ્તારમાં એક tenure પૂરો કરનાર અફસરોને પરિવાર સાથે રહી શકાય તેવા શાંત વિસ્તારમાં બદલી અપાતી હોય છે. ગુજરાતમાં મારું બે વાર પોસ્ટીંગ થયું હતું તેથી ત્રીજી વાર ત્યાં બદલી થાય તે અશક્ય હતું. મેં અમારા ડાયરેક્ટર જનરલને વિનંતી કરી કે મને જમ્મુ શહેરમાં પોસ્ટીંગ મળે. જનરલે મને જણાવ્યું કે જમ્મુનાં પોસ્ટીંગ થઇ ચૂક્યા હતા. હું ગુજરાતનો હતો તેની તેમને જાણ હતી તેથી તેમણે જ મને સૂચવ્યું કે જો મને ભુજ જવામાં કોઇ વાંધો ન હોય તો તેઓ તેની વ્યવસ્થા આસાનીથી કરી શકશે. મારા માટે આનાથી વધુ સારો મોકો કયો હોઇ શકે?
એક મહિના બાદ મારી ટ્રાન્સ્ફરનો અૉર્ડર આવ્યો.
ભુજમાં આવીને છ-સાત મહિના વિત્યા અને મને બ્રિટીશ હાઇકમીશનનો વિઝા માટેના ઇન્ટરવ્યૂનો પત્ર મળ્યો. મારી બે મહિનાની રજા બાકી હતી તેથી હું રજા પર ઊતરી ગયો. ત્યાર પછી તો ફાસ્ટ ફૉર્વર્ડ થતા વિડીયોની જેમ લંડન જવાનો દિવસ પણ અચાનક આવી પહોંચ્યો.
હિથરો અૅરપોર્ટ પર ઇમિગ્રેશન બૅરિયરની બહાર મને લેવા અનુરાધા, કાશ્મિરા અને રાજેન આવ્યા હતા. ચાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ તેઓ મને મૂકવા આવ્યા હતા. આજે ઇમિગ્રેશન ચેકપૉઇન્ટથી અનુરાધા સુધી ચાલેલા ચાર પગલાંમાં ચાર વર્ષ વિતી ગયા હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની ખડતલ જીંદગી દરમિયાન રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખુંદી વળતા જીપ્સી તથા તેના સાથી સાર્જન્ટમેજર ગુરબચન સિંહ, બલબીરચંદ, ડૉક્ટર મોહાન્તી, અજીતપાલ, રવીન્દ્રન નાયર, ગજેન્દ્રસિંહ જામવાલ, કરમચંદ, દર્શન સિંહ, અજીતસિંહ, તોતારામ... બધાંની યાદોના ઓળા મારી આસપાસ જીવી રહ્યા હતા. સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ “સુભાન તેરી કુદરત”, રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનનો કૉક થવાનો અવાજ... કડક સ્વરે ‘હૉલ્ટ હુકમદાર’નો પડકાર...તંગધારના હિમાચ્છાદિત શિખર અને મારી નજર સામે થયેલો હિમપ્રપાત - આ બધા પ્રસંગો મને આખરી વિદાય આપી રહ્યા હતા. સાથે એક સંદેશ પણ અાપતા ગયા: Farewell My Friend!
ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અહીં હું કેવળ નામધારી જીવ હતો. એક અનામી નાગરિક - A Man in a Grey Flannel Suit. લંડનની ટ્યુબ ટ્રેનમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરતા હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું - અશોક-સ્થંભનું રાજચિહ્ન નહોતું. મારી ડીગ્રીની અહીં કોઇ કિંમત નહોતી. ઉમરના ૪૯મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જીંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઇ મારી સામે નવા પડકાર લઇને ઊભી હતી. હું તૈયાર હતો. ભારતીય સેનાએ, મારી બીએસએફની કારકિર્દીએ મને જીવનના કોઇ પણ પડકારને ઝીલવા માટે તૈયાર કર્યો હતો. એક લક્ષ્ય આપ્યું હતું. અહીં મારા બાળકોએ તેમના પિતા પરના હક્કના ખોયેલા ચાર વર્ષને અમારે સાથે મળીને શોધવાના હતા. મારા જીવનમાંથી ગુમ થયેલા તેમના હાસ્યનો રણકાર, તેમના બાલ્યજીવનના તોફાન અને આનંદની પળોને પાછા મેળવવાનો મુશ્કેલ પ્રયત્ન કરવાનો હતો. હિમાલયના પહાડોમાં બાળકોના સાન્નિધ્ય માટે તલસતા જીપ્સીને પોતાના કૌટુમ્બીક જીવનના ખોવાયેલા અમૂલ્ય દિવસો શોધવાના હતા.
હીથરો અૅરપોર્ટની બહાર અનુરાધા, કાશ્મિરા, રાજેન અને હું નીકળ્યા અને જોયું તો વાદળાં હઠી ગયા હતા. સૂર્ય ઝળહળી રહ્યો હતો.
અહીં જીપ્સીનું ભારત જીવન પૂરૂં થાય છે. આગળની જીંદગી એટલી રસપ્રદ નથી કે આપનો સમય બગાડીને મારૂં અપ્રેક્ષણીય જીવન ઉલેચવા લાગું. હા, મારા જીવનમાં કેટલાક પુણ્યાત્મા આવ્યા અને કેટલાક એવા મહાનુભાવ આવી ગયા જેમણે મારા જીવન પર ઘેરી અસર કરી. જીવન એક વધુ તક આપશે તો તેમની વાત ફરી કદી કહીશ. અત્યારે તો જીપ્સીના ‘ઝાઝા કરીને જુહાર વાંચશો અને રામે રામ’ કહી કૃતજ્ઞતાના કેટલાક શબ્દો કહી આપની રજા લઇશ.
હું એક average કહેવાય તેવો સામાન્ય માણસ છું. તમારી પાડોશમાં રહેતા, તમારા સુખ દુ:ખમાં સહભાગી થઇ તમારી ભાવનાઓને સમજી શકે તેવો માનવ. જીવનમાં થતી કોઇ વાત મને કષ્ટ પહોંચાડી શકે છે, તે અન્ય વ્યક્તિઓને એટલું જ દુ:ખ પહોંચાડી શકે છે, આ વાત હું જાણું છું. આ કારણે મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે મારા કોઇ વ્યવહારથી સામી વ્યક્તિને દુ:ખ ન પહોંચે. તેમ છતાં એક સનાતન સત્ય એ પણ છે કે માણસ ભુલ ન કરે તો તે દૈવી હસ્તી કહેવાય. હું સામાન્ય માણસ છું. અનેક વાર અજાણતાં કોઇને દુ:ખ પહોંચાડ્યું હશે. જ્યારે મારી ભુલનો મને અહેસાસ થયો ત્યારે મેં વ્યથિત વ્યક્તિની ક્ષમાયાચના કરી છે. મારા વડીલ સમાન ડૉક્ટર સાહેબે મને એક વાર કહ્યું હતું, “નરેન, ભુલ થઇ હોય તો માફી માગવામાં કદી પણ શરમ ન અનુભવવી. ક્ષમા માગવામાં આપણી માનવતા અને સંસ્કાર વ્યક્ત થાય છે. બીજી વાત: કોઇએ ક્ષમાયાચના કરી હોય તો તેનો સ્વીકાર કરવા માટે પણ એટલી જ ઉમદા grace અને humility હોવી જોઇએ. તેમાં જ માણસના અભિજાત સંસ્કાર અને અૌદાર્ય રહેલાં છે.”
સંવેદનશીલતા અને સહનશીલતાના સંસ્કાર મારામાં કોઇએ ઢાળ્યા હોય તો મારાં બાએ.
બાને અમે “બાઇ” કહીને બોલાવતા. જેવો મીઠો તેનો સ્વભાવ, એવો જ મધુર તેમનો અવાજ હતો. સુંદર અવાજે તેઓ પોતે જ લખેલા હાલરડાં ગાતા. અમારા સગા-સંબંધીઓને ત્યાં સંતાન જન્મે તો તેઓ બાને હાલરડું લખવા અને તેને સૂર આપવાનું કહેતા.
બાની મહત્તા વિશે લખવાની મારી પાસે શક્તિ નથી. એક દિવ્ય જ્યોતિને તથા તેના પ્રકાશને કેવી રીતે વર્ણવી શકાય?
બાએ પોતાની આત્મકથા લખી. પંજાબથી અમદાવાદ ગયા બાદ તેઓ સાવ એકલા પડી ગયા હતા. એકલતાના સમયમાં બાએ નોટબુકના પહેલા પાના પર શિર્ષક લખ્યું: “મારી જીવનકથા”
પોતાના હૃદયના અંતરંગની વાત કહેવા માટે તેમણે એક પાકા પૂંઠાની નોટબુકમાં “મારી જીવનકથા” લખી. તેમની શાંત મૂર્તિમાં કરૂણા અને ધૈર્યનો સાગર સમાયો હતો તે અમે કોઇ જોઇ ન શક્યા. ભલા, એક માછલું કેવી રીતે જાણે કે જે સાગરમાં તે રહ્યું, ઉછર્યું અને વિકાસ પામ્યું તે સાગર પર કેટકેટલાં તોફાનો અને સુનામીઓ આવી ગઇ? તેનું ઊંડાણ નાનકડાં માાછલાં કેવી રીતે માપી શકે? સાગરના ઉદરમાં અમે તો સુરક્ષીત રહ્યા. અમારો આશ્રયદાતા સાગર તો અનંતના મહાસાગરમાં વિલીન થઇ ગયો. માછલાં તરફડ્યા, પણ જીવી ગયા. તેમનો પણ અંત તો આવવાનો જ છે, પણ ઋણસ્વીકાર કર્યા વગર કેવી રીતે જવાય?
બાએ અમારા પર કરેલા અનંત ઉપકારોનું આભારદર્શન કરવા એક નાનકડું કામ અમારા હાથે થયું: બાની આત્મકથા - "બાઇ"ને પુસ્તકાકારે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું. વાચકો તથા સમીક્ષકોએ "બાઇ"ને વધાવી લીધું. ગુજરાતના સાહિત્યપ્રેમે એક અજાણી, અનામી મહિલાને પોતાના હૃદયમાં અનન્ય સ્થાન આપ્યું, તેમાં જેટલી મહત્તા બાઇની છે એટલી જ ગુજરાતના સાહિત્યપ્રેમી વાચકોની છે.
અહીં સૌ પ્રથમ તેમને અંજલી આપી તેમના અનંત સ્નેહ-ઋણનો સ્વીકાર કરૂં છું. કોઇ આત્માને માતા મળે, અને તેમની કૂંખમાંથી જીવ તરીકે જન્મ પામે, તો જ તેને માનવજીવનની ધન્યતા પ્રાપ્ત કરવાની તક મળે. બાએ મને જીવન આપ્યું, જીવન જીવતાં શીખવ્યું અને જે મૂલ્યો આપ્યા, તેનો વારસો ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. જો કે મોટા ભાગે તેમાં હું નિષ્ફળ થયો, પણ તેમણે આપેલા મૂલ્યોના થોડા ઘણા અંશને ફળીભૂત કરી શક્યો હઇશ તો પણ તેમના પુત્ર તરીકે મારૂં જીવન ધન્ય થયું ગણીશ.
મિત્રો, આવજો ત્યારે. આજે એક સૈનિક Last Post નહિ વગાડે. હજી શ્વાસ બાકી છે અને 'મોડેસ્ટાઇન' (મારી ફાઉન્ટનપેન) હજી મારો ભાર ઉપાડી શકે તેવી સ્થિતિમાં છે. બનશે તો સાહિત્યના અન્ય કોઇ ઓવારા પર મળીશું.